27 April, 2018

‘તામરા’નો કોફી ફેસ્ટિવલઃ કોફી રસિયાઓ માટે 'બિગ ટ્રીટ'


તમે સુખ-આનંદ નથી ખરીદી શકતા પણ તમે કોફી પી શકો છો. કોફી પીવી એ સર્વોચ્ચ આનંદની અનુભૂતિથી કમ નથી. 

આ ક્વૉટ કોઈ કોફી રસિયાનું હોવું જોઈએ. દુનિયામાં સૌથી વધારે પીવાતું કોઈ પીણું હોય તો તે કોફી છે. આજકાલ મેટ્રોઝમાં કોફી પીવી એ ફેશન છે, એટિકેટ, સ્ટાઇલ સ્ટેટમેન્ટ છે. પ્રિય વ્યક્તિ સાથે કોફી પીવી એ લ્હાવો છે. બીજા કોઈ પણ પીણા સાથે આ બધું જોડાયેલું નથી. 

એવું કહેવાય છે કે, દક્ષિણ ભારતમાં દર ત્રણમાંથી બે વ્યક્તિ કોફીના શોખીન છે. હોય જ ને! દેશમાં કોફીનું ૯૦ ટકાથી પણ વધુ ઉત્પાદન કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં થાય છે. આ ૯૦ ટકામાંથી કર્ણાટક એકલું ૭૧ ટકા કોફીનું ઉત્પાદન કરે છે. એ પછી વીસ ટકા સાથે કેરળ અને પાંચેક ટકા સાથે તમિલનાડુનો નંબર આવે. દુનિયાની સૌથી ઉત્તમ 'શેડેડ' કોફી કર્ણાટકમાં થાય છે. શેડેડ એટલે સીધો સૂર્યપ્રકાશ મેળવ્યા વિના બીજા મોટા વૃક્ષોના છાંયડામાં પાકતી કોફી. કોફી એક્સપર્ટ્સનું કહેવું છે કે, સ્વાદ-સુગંધમાં શેડેડ કોફી વર્લ્ડ બેસ્ટ હોય છે. કર્ણાટકના જંગલોમાં મોટા વૃક્ષોના છાંયડામાં કોફીના નાના છોડને સારો એવો છાંયડો મળે છે, જેના કારણે હૂંફાળા સૂર્યપ્રકાશમાં ધીમી આંચે ઉત્તમ શેડેડ કોફી પાકે છે. 

મેં ચૂંટેલા કોફીના બીજ 

જો તમે કોફીના શોખીન હોવ તો કર્ણાટકના કુર્ગ હિલ સ્ટેશન પર આવેલા 'તામરા' રિસોર્ટની મુલાકાત અચૂક લેવા જેવી છે. 'તામરા' અર્થ થાય છે, કમળ. દક્ષિણ ભારતીય સંસ્કૃતિમાં કમળને કુદરતની પવિત્રતાના પ્રતીક તરીકે રજૂ કરાય છે. ઇશ્વર, માણસ અને કુદરત એકાકાર થઇ જાય ત્યારે પવિત્રતાનું સર્જન થાય છે. તામરાની મુલાકાત લેનારી કોઈ પણ વ્યક્તિ આ અનુભૂતિનો અનુભવ કર્યા વિના રહી શકતી નથી. તામરા દરિયાઇ સપાટીથી ૩૯૦૦ ફૂટ ઊંચે કુર્ગના પહાડો પર ૧૮૦ એકરમાં ડિઝાઈન કરાયેલો રિસોર્ટ છે. આ રિસોર્ટની આજુબાજુના બહુ જ મોટા વિસ્તારમાં કોફી, મરી અને ઈલાયચીની ઓર્ગેનિક ખેતી થાય છે. 

તામરા એન્વાયર્મેન્ટ ફ્રેન્ડ્લી પ્રોપર્ટી છે. અહીંની લક્ઝુરિયસ કોટેજ બાંધવાનું લાકડું પણ ગ્રીન ફાર્મમાંથી મેળવાયું હતું. ગ્રીન ફાર્મમાં જેટલું લાકડું કાપવામાં આવે છે, એટલું જ ફરી ઊગાડાય છે. તામરામાં પણ લાકડાની કાટછાંટ કરવામાં આવતી નથી. અહીં શક્ય હોય એટલી વીજળી હાઈડ્રોજન, સોલાર અને વિન્ડમાંથી મેળવવામાં આવે છે, જ્યારે ભીના કચરાનું રિસાયકલિંગ કરાય છે. આ રિસોર્ટમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી પાણી પણ વધુને વધુ બચાવાય છે, જેના કારણે પ્રોપર્ટીની આસપાસના ધોધ ફેબ્રુઆરી સુધી વહ્યા કરે છે, જે એક સમયે ડિસેમ્બરમાં સૂકાઈ જતા હતા. આ વિશાળ રિસોર્ટમાં ગેસ્ટને લેવા-મૂકવા માટે સાયલન્ટ અને એમિસન ફ્રી ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ કરાય છે. તામરાના બાંધકામમાં કોઈ બાળમજૂર કામ ના કરે એ વાતનું પણ ખાસ ધ્યાન રખાયું હતું.


પર્વતોની ધાર પર ડિઝાઈન કરેલી વુડન કોટેજ

કોફીના ખેતરો વચ્ચે તૈયાર કરાયેલા દુનિયાના બહેતરિન રિસોર્ટ્સમાં તામરાનું નામ અચૂક મૂકવું પડે. એટલે જ ‘નેશનલ જિયોગ્રાફિક’થી માંડીને ‘આઉટલૂક ટ્રાવેલર’ સુધીના અનેક પ્રતિષ્ઠિત મીડિયા હાઉસ તામરા રિસોર્ટની નોંધ લઈ ચૂક્યા છે. તામરામાં પ્રવેશતા જ આપણી સામે અત્યંત રસપ્રદ 'કોફીપુરાણ'ના પાઠ શરૂ થઈ જાય છે. કોફીના શોખીનોને ધ્યાનમાં રાખીને અહીં દર વર્ષે એકવાર 'કોફિયોલોજી' નામના કોફી ફેસ્ટિવલનું આયોજન કરાય છે. કોફિયોલોજીમાં તામરાના કોફી એક્સપર્ટ કોફીનું ફળ કેવી રીતે ચૂંટાય, તેને સાઇઝ પ્રમાણે કેવી રીતે જુદા પડાય, તેમાંથી બિન્સ કેવી રીતે નીકળે અને ત્યાર પછી તેને સૂકવીને કોફી પાવડર કેવી રીતે બને એ તમામ પ્રક્રિયાનો અનુભવ કરાવે છે. તામરાની 'બ્લોસમ એન્ડ બ્રૂ' નામની કોફી પ્લાન્ટેશન ટુર કોફી રસિયાઓ માટે 'બિગ કોફી ટ્રીટ'થી કમ નથી. કોફીના ફળમાંથી કોફી પાવડર બને ત્યાં સુધી કેવા ઓજારો અને મશીનોનો ઉપયોગ કરાય એ પણ આ ટુરમાં જાણવા મળે છે.

૧૭મી સદીમાં કર્ણાટકના બાબા બુદનગિરી પર્વત પર જ સૌથી પહેલાં કોફીનું વાવેતર થયું હતું. કોફીના બીજ ત્યાંથી જ ભારતના બીજા પ્રદેશોમાં પહોંચ્યા હતા. ભારતમાં કોફીની ખેતી કરતા અઢી લાખ ખેડૂતો છે અને તેમાંના ૯૮ ટકા નાના ખેડૂતો છે. આમ, રોજગારીની દૃષ્ટિએ પણ કોફી ભારત માટે મહત્ત્વની છે. દક્ષિણ ભારતના તમામ રાજ્યોમાં ચોમાસામાં જ કોફીનું વાવેતર કરાય છે. એટલે ભારતની કોફી 'ઈન્ડિયન મોન્સૂન્ડ કોફી' તરીકે જાણીતી છે. 


કોફીના બીજમાંથી દાણા કાઢીને સૂકવીને જુદા પાડવાની પ્રક્રિયાની ઝલક
જંગલની વચ્ચે રિસોર્ટની ‘ધ ફૉલ્સ’ રેસ્ટોરન્ટ 
રેસ્ટોરન્ટમાં પણ ડાઈનિંગ એરિયાનો અમુક હિસ્સો
ટેકરીની ક્લિફ  પર ડિઝાઈન કરાયો છે 

કોફીની સામાન્ય રીતે બે જાત પ્રચલિત છે. એક અરેબિકા અને બીજી રોબસ્ટા. કર્ણાટકના કુલ કોફી ઉત્પાદનમાં અરેબિકા કોફીનો હિસ્સો ૭૦ ટકા જેટલો છે. અરેબિકા દુનિયાભરમાં લોકપ્રિય કોફી છે અને ભારત દુનિયાભરમાં આ કોફીની નિકાસ કરે છે. અરેબિકા કોફીના બિન્સમાં ૧.૫ ટકા કેફિન હોય છે, જ્યારે  રોબસ્ટામાં ૨.૭ ટકા. એટલે જ અરેબિકા કોફી વધુ મીઠી હોય છે અને રોબસ્ટા કેફિનના કારણે કડવી. અરેબિકામાં એસિડિક તત્ત્વો પણ ઓછા હોય છે. આ જ કારણસર આખું યુરોપ ભારતીય કોફી પાછળ ઘેલું છે. દુનિયાભરમાં લોકપ્રિય એસ્પ્રેસો કોફી બનાવવા પણ અરેબિકા કોફી બિન્સનો જ ઉપયોગ કરાય છે. કોમોડિટી માર્કેટમાં પણ રોબસ્ટાનું મૂલ્ય અરેબિકા કરતા અડધું હોય છે.

આ કોફી ફેસ્ટિવલનું બીજું એક આકર્ષણ એટલે 'તામરા'ની 'ધ હિલ' રેસ્ટોરન્ટની ડેલિશિયસ ડિશીસ. કોફિયોલોજી વખતે તામરામાં રેગ્યુલર ડિશીઝની સાથે કોફી ટેસ્ટના સ્વિટ્સ અને ડેઝર્ટ માણી શકાય છે. જેમ કે, કોફી રસગુલ્લા. આ સિવાય તામરાના  બારમાં વ્હિસ્કી, રમ અને બ્રાન્ડી જેવા હાર્ડ કોકટેલ પણ કોફીના સ્વાદમાં સર્વ કરવામાં આવે છે. 
તામરાનો બાર ‘ધ ડેક’
બાર મેન્યૂ, હાર્ડ ડ્રિંક્સ વિથ કોફી 

આ કોફી ફેસ્ટિવલમાં કોફીનો એક કપ 'ફાર્મ ટુ ટેબલ' કેવી રીતે પહોંચે છે અને હાર્ડ ડ્રિંક્સ કોકટેલ બનાવવા પણ કોફીનો ઉપયોગ કરી શકાય છે, એ વિશે જાણીને દુનિયાના બેસ્ટ કાફેમાં મનગમતી વ્યક્તિ સાથે નિરાંતે કોફી પીધી હોય એટલો આનંદ મળે છે.  

For more information and live guidance: https://www.thetamara.com/coorg-resort/

17 April, 2018

શિકારીની માનસિકતા: હેમિંગ્વે, સલમાન અને ટ્રમ્પ


''મને કોઇ પણ પ્રાણીને મારવામાં ખચકાટ નહોતો થતો. હું તેમને એક જ ઝાટકે પરેશાન કર્યા વિના મારતો. એક વખત તો તેમણે મરવાનું જ હતું. રાત્રે કે મોસમ પ્રમાણે મરતા પ્રાણીઓના કુદરતના ઘટનાચક્રમાં મારી દખલગીરી તો બહુ ઓછી છે. તેનો મને કોઇ જ અપરાધભાવ નથી. આપણે તેમનું માંસ ખાઇ જઇએ છીએ અને ચામડા-શિંગડા પણ સાચવીએ છીએ...''

અર્નેસ્ટ હેમિંગ્વે જેવા ધુરંધર અમેરિકન લેખકે 'ગ્રીન હિલ્સ ઓફ આફ્રિકા' પુસ્તકમાં પોતાના શિકારના શોખને આ રીતે ઉચિત ઠેરવ્યો હતો. આ નોન-ફિક્શન પુસ્તક ૧૯૩૫માં પ્રકાશિત થયું હતું. હેમિંગ્વેના સાહિત્યમાં ઠેર ઠેર શિકારના વર્ણનો આવે છે. વાર્તાઓ-નવલકથાઓમાં પણ હેમિંગ્વે એવું સાબિત કરવાનો પ્રયાસ કરતા કે, માણસને બીજા જીવોને મારવાનો હક છે. એ ગૌરવની વાત છે. જેમ કે, ૧૯૫૨માં પ્રકાશિત વિશ્વ વિખ્યાત કૃતિ 'ઓલ્ડ મેન એન્ડ ધ સી'માં હેમિંગ્વે લખે છે કે: ''તુ માછલીને ફક્ત જીવતી રાખવા કે બજારમાં વેચવા માટે નથી મારતો.' તે આવું કંઈક વિચારી રહ્યો હતો... તુ તારા આત્મસન્માન અને ગૌરવ માટે માછલીનો શિકાર કરે છે. એ જીવતી હોય ત્યારે પણ તુ તેને પ્રેમ કરે છે અને તેના મૃત્યુ પછી પણ. જો તુ તેને પ્રેમ કરે છે તો તેને મારવી એ પાપ નથી...''

જીવનના વિવિધ તબક્કે ‘શિકારી’ અર્નેસ્ટ હેમિંગ્વે  

સલમાન જેવા શિકારીઓ પણ 'કોઇ જીવને ઠાર મારવો એ મારો હક છે' એવું જ વિચારતા હોય છે! 'ઓલ્ડ મેન એન્ડ ધ સી' પુસ્તક માટે હેમિંગ્વેને ૧૯૫૩માં પુલિત્ઝર (ફિક્શન) પુરસ્કાર મળ્યો. એ પછીના વર્ષે સાહિત્યિક પ્રદાન માટે તેઓ નોબલથી પણ સન્માનિત થયા. તેમના જીવનમાં રોમાંચ (થ્રીલ)નું સ્થાન સૌથી ઉપર હતું. એપ્રિલ ૧૯૩૬માં 'એસ્ક્વાયર' મેગેઝિનના એક લેખમાં તો હેમિંગ્વેએ એક માણસ બીજા માણસને મારે એ ઘટનાને પણ ગ્લોરિફાય કરવાનો પ્રયાસ કરીને હદ વટાવી દીધી હતી. એ લેખમાં હેમિંગ્વેએ લખ્યું હતું કે, ''માણસના શિકાર જેવો કોઇ શિકાર નથી. જે લોકો સશસ્ત્ર માણસને દૂરથી વીંધી શકે છે અને એ કામને પસંદ કરે છે, પછી તો તેઓ કોઈની પરવા નથી કરતા...''

પહેલા વિશ્વયુદ્ધમાં હેમિંગ્વેએ એમ્બ્યુલન્સ ડ્રાઇવર તરીકે ફરજ બજાવી હતી, અને, બીજા વિશ્વયુદ્ધમાં બહાદુરી બતાવવા બદલ હેમિંગ્વેને બ્રોન્ઝ સ્ટાર મળ્યો હતો. આમ, શિકારી હેમિંગ્વેની માનસિકતા સમજી શકાય એમ છે. આદિમાનવ શિકારને પોતાનો મૂળભૂત અધિકાર માનતો હતો, પરંતુ હેમિંગ્વેના લખાણો તો માંડ ૧૦૦ વર્ષ જૂના છે, ક્લાસિક છે, અને છતાં, તેમાં આદિમકાળના માણસની માનસિકતા છતી થાય છે. હેમિંગ્વે તો નાનકડું ઉદાહરણ માત્ર છે, પરંતુ માણસજાત હજારો વર્ષોથી મક્કમતાથી માને છે કે, પૃથ્વી પર બીજા જીવોને તો ઠીક, જરૂર પડ્યે માણસને મારવામાં પણ કશું ખોટું નથી. કદાચ માણસ સામાજિક પ્રાણી છે એટલે જ ભાગલાવાદી છે. માણસો ધર્મ, જાતિ, જ્ઞાતિ, સંપ્રદાય અને રંગના આધારે પોતાને બીજાથી જુદો પાડે છે અને આ જુદાઈને જાયઝ ઠેરવવાની માણસની સામૂહિક માનસિકતામાંથી જ ભયાવહ્ હિંસાના જુદા જુદા સ્વરૂપોનો જન્મ થયો છે.

હેમિંગ્વેના લખાણોમાંથી સતત મર્દાનગી છલકતી. આ મર્દ લેખકે બીજી જુલાઈ, ૧૯૬૧ના રોજ પોતાની ફેવરિટ શોટગનથી આત્મહત્યા કરી લીધી હતી. સલમાનની છાપ પણ એક મર્દ 'ભાઈ'ની છે, જે કોઈનાથી ડરતો નથી અને કોઇ પણ જોખમ ખેડવા હંમેશા તૈયાર હોય છે. હા, હેમિંગ્વે કે સલમાનની શિકારી માનસિકતા જંગલી પ્રાણીઓ-પક્ષીઓના માંસ, ચામડા, હાડકા અને શિંગડાનો ગેરકાયદે વેપાર કરતા શિકારીઓથી જરા જુદી હોય છે. પહેલા પ્રકારના શિકારીઓ વીરપ્પન જેવા હોય છે, જે ફક્ત પૈસા માટે ગેરકાયદે શિકાર કરે છે. એવી જ રીતે, હેમિંગ્વે કે સલમાન જેવા શિકારીઓ શક્તિ પ્રદર્શન કરવા, આત્મસંતોષ માટે અને ક્યારેક સત્તા દર્શાવવા શિકાર કરે છે. (એ વાત અલગ છે કે, હેમિંગ્વેએ જિંદગીભર કાયદેસર શિકાર કર્યા હતા) જોકે, આ બંને પ્રકારના શિકારીઓ અતિ સંવેદનશીલ, પ્રેમભૂખ્યા અને ક્યારેક લાગણીવિહિન હોઇ શકે છે.

વિશ્વ પ્રતિષ્ઠિત મેગેઝિન્સમાં હેમિંગ્વેને ‘મર્દ’ લેખક તરીકે પબ્લિસિટી મળી હતી


લાખો વર્ષોના ઉત્ક્રાંતિકાળ અને સાંસ્કૃતિક વિકાસ પછીયે માણસમાં હિંસકતા ખતમ નથી થઈ, ફક્ત તેનો પ્રકાર બદલાયો છે. ખેતીની શોધ નહોતી થઇ ત્યાં સુધી આદિમાનવ શિકાર કરીને પેટિયું રળતો. ત્યાર પછી તે પશુપાલન શીખ્યો. કૃષિની શોધ થતાં નવા જ પ્રકારની કૃષિ સંસ્કૃતિ વિકાસ શરૂ થયો. એ સંસ્કૃતિમાં પ્રાણીઓનું મહત્ત્વ ઘણું વધારે હતું. કૃષિ સંસ્કૃતિમાં અનેક પાલતુ જીવો માણસ સાથે ફેમિલિયર થઈ ગયા હતા. એ  જ કાળમાં દુનિયાભરની સંસ્કૃતિઓમાં ઘોડા દોડ, ઊંટ દોડ, આખલા દોડ, બુલ ફાઇટિંગ, જલ્લીકટ્ટુ, ઘેંટા-કૂતરા કે મરઘા લડાઇ વગેરે જેવી મનોરંજક રમતો શોધાઈ, પરંતુ માણસને તેનાથી સંતોષ ન હતો.

એટલે એક સમયે ફક્ત પેટ ભરવા શિકાર કરતા માણસે મનોરંજન અને રોમાંચ માટે પણ શિકાર કરવાનું શરૂ કર્યું. જેમ કે, માણસે ઘોડા, કૂતરા અને બાજની મદદથી વધુ મોટા અને હિંસક પ્રાણીઓનો શિકાર કરવાની પદ્ધતિઓ વિકસાવી. આ પ્રકારના શિકારનો કબીલાઇ સમાજમાં ખૂબ વિકાસ થયો. માણસ વેરાન પ્રદેશોમાં નાના-નાના જૂથોમાં રહેતો ત્યારે બીજા કબીલા (જૂથ)ને ચેતવણી આપવા પણ શિકાર કરતો. એ પ્રાણીઓના બિહામણા મહોરા પોતાના વિસ્તારોની સરહદો નજીક કે ઝૂંપડા બહાર લગાવીને એક જૂથ બીજા જૂથને સંદેશ આપતું કે, સાચવીને રહેજો. અમે પણ મજબૂત છીએ. જો અમે જંગલના ખૂંખાર પ્રાણીઓનો શિકાર કરી શકીએ છીએ તો તમારો પણ ખાત્મો બોલાવી શકીએ છીએ...

આ પ્રકારના શિકારના આયોજન કબીલાના વડાની આગેવાનીમાં થતાં. કબીલાનો વડો શિકાર કરીને કાફલા સાથે પાછો આવે ત્યારે પ્રજા તેને વધાવી લેતી. આવા મજબૂત 'શિકારી'ની નિશ્રામાં પ્રજાજનોને સુરક્ષાની ભાવના મળતી. આ કબીલાના વડાઓ લુપ્ત થયા તો રાજા-મહારાજાઓ પેદા થયા. ઇતિહાસ ગવાહ છે કે, ભારત સહિતના અનેક દેશોમાં રાજા-મહારાજાઓ શિકારના શોખીન હતા. રાજાઓ પણ 'રાજ'ની શક્તિ અને આધિપત્ય દર્શાવવા સૈનિકો તેમજ હાથી-ઘોડાનો કાફલો લઇને નિહથ્થા પ્રાણીનો શિકાર કરવા જતા. આ પ્રવૃત્તિ ફક્ત આનંદ-પ્રમોદ અને મિજબાનીઓ કરવા થતી, જે આજે 'ટ્રોફી હન્ટિંગ' તરીકે ઓળખાય છે. માણસને બજારમાં મળતું માંસ ખાવામાં રોમાંચ નથી મળતો, પરંતુ શિકાર કરીને તાજુ માંસ રાંધીને ખાવામાં 'થ્રીલિંગ કિક' વાગે છે.

થિયોડોર રૂઝવેલ્ટ  તેમના શિકાર સાથે અને  જ્હોન જેમ્સ ઓડુબનનું
(ઉપર જમણે)  શિકારી તરીકેનું સેલ્ફ પોટ્રેટ


આફ્રિકાના અનેક દેશોમાં નક્કી કરેલા જંગલ વિસ્તારોમાં ટ્રોફી હન્ટિંગ કાયદેસર છે. આ રમત સરકારી એજન્સીની દેખરેખ હેઠળ, નક્કી કરેલા વિસ્તારમાં, સત્તાવાર ગાઇડને સાથે રાખીને ખેલાય છે. એક સમયે 'રોયલ ગેમ' ગણાતી શિકારની પ્રવૃત્તિ આજે ધનવાનોની રમત બની ગઇ છે. આજના ધનવાનોનું વર્તન પણ રાજાઓ જેવું જ છે ને? આ ગેમ માટે ધનવાનો જંગી રકમ ચૂકવે છે. ટ્રોફી હન્ટિંગ કે વાઇલ્ડ ગેમ્સના સમર્થકોની દલીલ છે કે, ટ્રોફી હન્ટિંગમાંથી મળતા ભંડોળનો ઉપયોગ પ્રાણીઓના કન્ઝર્વેશન (સંરક્ષણ-સંવર્ધન) માટે જ વાપરવામાં આવે છે. આ પ્રકારની દલીલો કરતા લોકોને ‘નવા પ્રકારના હેમિંગ્વેછે. જોકે, ટ્રોફી હન્ટિંગના સમર્થકોનો વિરોધ કરવા રોયલ જિયોગ્રાફિક સોસાયટી જેવી સંસ્થાઓ ફક્ત એક જ સીધીસાદી દલીલ કરે છેઃ 'હન્ટિંગ ઇઝ નોટ કન્ઝર્વેશન'.

કોઇને બચાવવા માટે મારવાની જરૂર છે, 'તર્કહીન' વિચાર પણ વર્ષો જૂનો છે. ચાર્લ્સ ડાર્વિન જાણીતા જીવવિજ્ઞાની હોવાની સાથે સારા શિકારી પણ હતા. અમેરિકાના વિખ્યાત પક્ષીશાસ્ત્રી અને ચિત્રકાર જ્હોન જેમ્સ ઓડુબોન પણ ઉત્તમ શિકારી હતા. આમ છતાં, આ બંને હસ્તી પોતાને શિકારીના બદલે કન્ઝર્વેશનિસ્ટ તરીકે ઓળખાવાનું પસંદ કરતી. અમેરિકાના પૂર્વ પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટ પણ ઉત્તમ શિકારી હતા. તેમના લખાણોમાં પણ હેમિંગ્વેની જેમ શિકારના સાહિત્યિક વર્ણનો વાંચવા મળે છે. રૂઝવેલ્ટને પણ કોઇ શિકારી કહે તે નહોતુ ગમતું. રૂઝવેલ્ટ અને હેમિંગ્વે પોતાને જંગલો-પ્રાણીઓના રખેવાળ તેમજ હિંસક પશુઓની વસતી કાબૂમાં રાખનારા બહાદુરો તરીકે ઓળખાવાનું પસંદ કરતા.

આજેય આવા વિચારો ધરાવતા લોકોની કમી નથી, અને, હવે તો સોશિયલ મીડિયામાં પણ લોકો ટ્રોફી હન્ટિંગની તસવીરો મૂકે છે. નવેમ્બર ૨૦૧૭માં ડોનાલ્ડ ટ્રમ્પના બે પુત્ર જુનિયર ડોનાલ્ડ ટ્રમ્પ અને એરિક ટ્રમ્પ અમેરિકાના મોન્ટાના સ્ટેટમાં કાયદેસરની હન્ટિંગ ટૂર પર ગયા હતા. આ દરમિયાન ટ્રમ્પ બંધુઓએ ભેંસ અને દીપડા જેવા પ્રાણીઓના ઢીમ ઢાળી દીધા અને સોશિયલ મીડિયામાં તેની તસવીરો પણ મૂકી. આ મુદ્દે વિવાદ થતાં જુનિયર ટ્રમ્પે કહ્યું હતું કે, આ શિકાર કર્યાની મને કોઈ શરમ નથી. હું શિકાર કરું છું અને ખાઉં છું...

પહેલી તસવીરમાં ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર (ડાબે) અને એરિક ટ્રમ્પ. 


જુનિયરની વાતમાં સૂર પૂરાવતા અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે, પ્રાણીઓનો શિકાર એ ગોલ્ફ જેવી જ એક રમત છે. હા, ગોલ્ફ એ શિકારી રમતનું જ અહિંસક સ્વરૂપ છે. ગોલ્ફર ઇલેક્ટ્રિક કારમાં ગોલ્ફ સ્ટિક, કોફી-નાસ્તો અને રેન્જફાઇન્ડર (રેન્જ માપવાનું દૂરબીન જેવું સાધન) લઇને ગોલ્ફ રમવા નીકળે છે. એવી જ રીતે, મોડર્ન શિકારીઓ પણ જિપ્સીમાં રાઇફલો, દારૂ-નાસ્તો અને દૂરબીન લઇને શિકાર કરવા નીકળે છે. આ બંને રમતમાં એકસરખો રોમાંચ મળે છે. ગોલ્ફર બૉલને કાણાંમાં પહોંચાડવા પરફેક્ટ શૉટ મારવાની મથામણ કરે છે, જ્યારે શિકારીએ પ્રાણીને ઠાર મારવા પરફેક્ટ શૉટ મારવાનો હોય છે. શિકારી કે ગોલ્ફર નસીબદાર હોય તો ઘરે પાછા ફરે ત્યારે તેમની પાસે 'ટ્રોફી' હોય છે.

ગોલ્ફની જેમ અફઘાનિસ્તાનની બુઝકાશીથી લઈને પોલો, એલિફન્ટ પોલો જેવી રમતો પણ માણસની આદિમકાળની જંગલી રમતોમાંથી જ ઉતરી આવી છે. બુઝકાશી નામની રમતમાં અફઘાનો ઘોડા પર બેસીને એક મૃત બકરાને ભાલાની મદદથી ગોલ પોસ્ટમાં પહોંચાડવાનો પ્રયાસ કરે છે. પરંપરાના નામે બુલફાઇટિંગ કે જલ્લીકટ્ટુ જેવી રમતોની તરફેણમાં રસ્તા પર ઉતરતા તોફાનીઓને જોઇને એવું લાગે છે કે, પૃથ્વી પર માણસ હશે ત્યાં સુધી પ્રાણીઓએ તેના અત્યાચારો સહન કર્યા વિના છુટકો નથી!    

***

પૃથ્વી પર કદાચ એકેય જીવ એવો નથી, જેને માણસના કહેવાતા સિવિલાઇઝેશનના કારણે નુકસાન ના થતું હોય. આદિમવૃત્તિમાંથી સુધર્યા પછી માણસે નવા પ્રકારનું 'જંગલ રાજ' ઊભું કર્યું છે. આ જંગલમાં પણ પ્રાણીઓની દુનિયા જેવો જ જંગલનો કાયદો ચાલે છે. જેની પાસે સત્તા-પૈસો છે તે જીતે છે, પરંતુ ગરીબો-વંચિતો અને નબળા લોકોએ હંમેશા હારવાનું જ આવે છે. એ બધામાં પણ માણસ સિવાયના બીજા પ્રાણીઓના અધિકારની વાત તો સૌથી છેલ્લે આવે છે.

દુનિયાભરના દેશોને પોતાના સાર્વભૌમત્વની બહુ ચિંતા છે, પરંતુ જંગલોના 'આગવા સાર્વભૌમત્વ'ની વાત આવે ત્યારે માણસો આંખ આડા કાન કરી દે છે કારણ કે, ત્યાં માણસો નહીં મૂંગા પ્રાણીઓ વસે છે. 

09 April, 2018

ફર્નાન્ડો કોલમ્બસ: ૧૫મી સદીમાં 'ગૂગલ બુક્સ' જેવા પ્રોજેક્ટનો સ્વપ્નદૃષ્ટા


દુનિયામાં કુલ કેટલા પુસ્તક છે? ગૂગલ બુક્સે આઈએસબીએન (ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર)થી લઇને દુનિયાના દરેક મોટા પુસ્તકાલયોની મદદથી અંદાજ કાઢ્યો છે કે, દુનિયામાં ૧૨,૯૮,૬૪,૮૮૦ એટલે કે ૧૨ કરોડ, ૯૮ લાખ, ૬૪ હજાર, આઠસો એંશી પુસ્તક છે. ગૂગલને આ બધા જ પુસ્તક 'ગૂગલ બુક્સ'માં આપવાની ઇચ્છા છે. 'પ્રોજેક્ટ ઓસન' જેવું નામ ધરાવતી આ યોજના હેઠળ ગૂગલ દુનિયાભરમાં ફેલાયેલા જ્ઞાનના સાગરને આપણી સામે ઠાલવી ઠાલવી રહ્યું છે. સંશોધકો, ઈતિહાસકારો અને પત્રકારોના નસીબ સારા છે કે, ઓક્ટોબર ૨૦૦૪માં શરૂ થયેલો 'પ્રોજેક્ટ ઓસન' કોપીરાઇટ્સ સહિતની અનેક મુશ્કેલીઓ વચ્ચે હજુયે ચાલી રહ્યો છે. ગૂગલના જન્મ પહેલાં સ્વાભાવિક રીતે જ જ્ઞાનનો આટલો વિશાળ ડિજિટલ ડેટા એક જગ્યાએ ભેગો કરવો અશક્ય હતો. ગૂગલ બુક્સની વાત કરીએ ત્યારે એક વ્યક્તિને ખાસ યાદ કરવો પડે. નામ એનું, ફર્નાન્ડો કોલમ્બસ. 

ગૂગલ તો ટેક્નોલોજીની મદદથી આ વિશાળ યોજના ચલાવી રહ્યું છે, પરંતુ આશરે ૫૦૦ વર્ષ પહેલાં આ પુસ્તકરસિયાએ હજારો પુસ્તકો વાંચી-વાંચીને 'ગૂગલ બુક્સ' જેવું 'ન ભૂતો, ન ભવિષ્યતિ' પુસ્તકાલય બનાવ્યું હતું. 

ફર્નાન્ડો કોલમ્બસ એટલે ઇટાલીના સાહસિક સાગરખેડુ ક્રિસ્ટોફર કોલમ્બસ અને તેની પ્રેમિકા બિટ્રીઝ એનરિક્ઝ દ અરાનાનો પુત્ર. ફર્નાન્ડો વિશે વાત કરતા પહેલાં તેના પિતા ક્રિસ્ટોફર કોલમ્બસ વિશે થોડી જાણકારી અને સ્પષ્ટતા કરી લઈએ. કોલમ્બસે (૧૪૯૨-૧૪૯૯) ૫૪ વર્ષની જિંદગીમાં યુરોપથી 'ઇસ્ટ ઇન્ડિઝ' (ભારતનો નહીં)નો દરિયાઇ માર્ગ શોધવા ચાર ઐતિહાસિક યાત્રા કરી હતી. એ વખતે યુરોપિયનો ભારત, ઈન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, સિંગાપોર, બ્રુનેઇ અને પપુઆ ન્યૂ ગીની સહિતનો સમગ્ર પ્રદેશ 'ઇસ્ટ ઇન્ડિઝ' તરીકે ઓળખતા. કોલમ્બસે ઇસ. ૧૪૯૨, ૧૪૯૩, ૧૪૯૮ અને ૧૫૦૨, એમ કુલ ચાર દરિયાઇ સફર કરી, પરંતુ એ ચારેય યાત્રામાં તેણે ઇસ્ટ ઇન્ડિઝ જવાના નહીં, પણ આજના વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકા ખંડ સુધી જવાના દરિયાઇ માર્ગ શોધ્યા હતા. આ વેસ્ટ ઇન્ડિઝ નામ પણ યુરોપિયનોએ જ આપ્યું હતું. કોલમ્બસની યાત્રાઓ પછી યુરોપિયનોએ અમેરિકા ખંડની મૂળ આદિવાસી પ્રજાને  'ઇન્ડિયન' તરીકે ઓળખવાનું શરૂ કર્યું હતું. એટલે આજેય તેઓ ચામડીના રંગના આધારે 'રેડ ઇન્ડિયન્સ' તરીકે ઓળખાય છે. 

કોલમ્બસ અને તેમની પ્રેમિકા બિટ્રીસ એનરિક્ઝ દ અરાના  

કોલમ્બસે કાયદેસરની પત્ની ફિલિપા મોનિઝ પેરેસ્ટ્રેલોની કુખે જન્મેલા પુત્ર ડિયેગોની જેમ ફર્નાન્ડોને પણ પ્રેમથી અપનાવી લીધો હતો. તેણે ઈસ. ૧૫૦૨માં ચોથી દરિયાઇ સફરનું આયોજન કર્યું ત્યારે ફર્નાન્ડોની ઉંમર માંડ ૧૩ વર્ષ હતી. આમ છતાં, કોલમ્બસે વ્હાલસોયા પુત્ર ફર્નાન્ડોને ક્રૂ મેમ્બર તરીકે સાથે લઇ લીધો. કોલમ્બસના કાફલામાં ઉચ્ચ અધિકારીઓ વચ્ચેની ચર્ચા સાંભળીને નાનપણથી જ ફર્નાન્ડોમાં જબરદસ્ત કુતુહલવૃત્તિના બીજ રોપાયા હતા. કોલમ્બસના મૃત્યુ પછી ફર્નાન્ડો તેના સાવકા મોટા ભાઇ ડિયેગો સાથે હિસ્પાનિઓલા જતો રહ્યો. હિસ્પાનિઓલા કેરિબિયન દ્વીપસમૂહમાં આવેલો વિશ્વનો ૨૨માં નંબરનો સૌથી મોટો ટાપુ છે. ડિયેગો ત્યાંનો ગવર્નર હતો. ફર્નાન્ડોને ત્યાં કોઇ દુ:ખ ન હતું, પરંતુ મોજશોખવાળી જિંદગીથી કંટાળીને ફર્નાન્ડો થોડા સમયમાં સ્પેન પાછો આવી ગયો.

ક્રિસ્ટોફર કોલમ્બસ પણ સ્પેનના સેવિલમાં નિવૃત્ત જીવન ગુજારી રહ્યા હતા. સ્પેનના રાજવી પરિવારોને વેસ્ટ ઇન્ડિઝથી લઇને અમેરિકા ખંડ સુધી વસાહતો શરૂ કરી આપવામાં કોલમ્બસે ખૂબ જ મદદ કરી હતી. એટલે કોલમ્બસના મૃત્યુ પછી પણ આ પ્રદેશોની આવકનો બહુ મોટો હિસ્સો ફર્નાન્ડોને મળતો હતો. આ આવકની મોટા ભાગની રકમ ફર્નાન્ડો દુર્લભ પુસ્તકો ભેગા કરવા ખર્ચી કાઢતો. કોલમ્બસને ‘નવી દુનિયા શોધવાનું ઘેલું લાગ્યું હતું. એવી જ રીતે, ફર્નાન્ડોને દુનિયાભરના ઉત્તમ પુસ્તકોમાં ધરબાયેલું જ્ઞાન એક સ્થળે  ભેગું કરીને વિશ્વનું સૌથી ઉત્તમ પુસ્તકાલય બનાવવાની ચાનક ચડી હતી.

આપણે કોલમ્બસના દરિયાઇ પ્રવાસો વિશે તો જાણીએ છીએ, પરંતુ ફર્નાન્ડોએ પણ પુસ્તકો ભેગા કરવા સખત પ્રવાસ કર્યા હતા. ઈસ. ૧૫૨૧માં તેણે જર્મનીના નુરેમ્બર્ગ શહેરમાંથી નાતાલ વખતે એકસાથે ૭૦૦ ગ્રંથ ખરીદ્યા હતા. એ પછી ઈસ. ૧૫૩૦માં ફક્ત પુસ્તકો ખરીદવાના હેતુથી ફર્નાન્ડોએ યુરોપના અનેક શહેરો ધમરોળી નાંખ્યા હતા. આ શહેરો પર જરા નજર કરો. ઇટાલીના રોમ, બોલોગ્ના, મિલાન, વેનિસ, તુરિન અને પડુઆ. જર્મનીના ઓસબર્ગ, કોન્સ્ટન્સ અને કોલોન. ફ્રાંસના પેરિસ અને પોઇટિયર્સ. સ્વિત્ઝર્લેન્ડના બેસલ અને ફ્રિબર્ગ. નેધરલેન્ડનું માસ્ટ્રિચ અને બેલ્જિયમનું એન્ટવર્પ. ઓસ્ટ્રિયાનું ઇન્સબર્ક અને સ્પેનનું બુર્ગોસ.


ફર્નાન્ડો કોલમ્બસ

આ શહેરો પર નજર કરતા સમજી શકાય છે કે, ફર્નાન્ડોની પુસ્તક ભૂખ કેવી હશે! આજથી ૫૦૦ વર્ષ પહેલાં આટલા બધા શહેરોની મુલાકાત લઈને, પ્રકાશકો-વિતરકો અને લેખકોને શોધવાનું કામ ખૂબ અઘરું હતું. એ વખતે ગૂગલ ન હતું અને આજના જેવા ઝડપી વાહન વ્યવહારની પણ સુવિધા ન હતી. આમ છતાં, ફર્નાન્ડોએ ખૂબ જ મહેનત કરીને યુરોપની અનેક દુર્લભ હસ્તપ્રતો, અજાણ્યા લેખકોના વજનદાર પુસ્તકોથી માંડીને રાજવી પરિવારો પાસે સચવાયેલી નાની-મોટી પત્રિકાઓ, પત્રો, નકશા ભેગા કર્યા. તેણે થોડા જ સમયમાં સ્પેનના સેવિલ શહેરના રોયલ ચર્ચમાં ૧૫ હજાર પુસ્તક ધરાવતું અનોખું પુસ્તકાલય બનાવી દીધું. આ ચર્ચનું સંચાલન પણ સ્પેનના રાજવી પરિવારે કોલમ્બસ પરિવારને સોંપ્યું હતું.

ફર્નાન્ડોને 'સુવ્યવસ્થિત યાદી' બનાવવાનું જબરું વળગણ હતું. એટલે જ ફર્નાન્ડોનું પુસ્તકાલય દુનિયાના બીજા બધા જ પ્રાચીન પુસ્તકાલયમાં થોડું જુદુ પડે છે. જેમ કે, ફર્નાન્ડો પુસ્તકના લેખક-પ્રકાશક, ખરીદીનું સ્થળ, કિંમત વગેરેની નોંધ કરી લેતો. એ તો ઠીક, જે તે પુસ્તક ક્યાં અને ક્યારે વાંચ્યુ, પુસ્તક વિશે તે શું વિચારે છે તેમજ પુસ્તકના લેખકને મળ્યો હતો કે નહીં- એ વિશે પણ તેણે નોંધો કરી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે, પુસ્તક ખરીદતી વખતે સ્પેનિશ કરન્સીના રેટ શું હતા એ પણ તેણે નોંધ્યા હતા. એ વખતના મોટા ભાગના પુસ્તકોમાં પ્રસ્તાવના કે આમુખ જોવા મળતા ન હતા. એટલે પુસ્તકની અંદર શું છે એની જાણકારી વાચકોને સરળતાથી મળતી નહોતી. આ મુશ્કેલીના ઉપાયરૂપે ફર્નાન્ડોએ વાચકોની સરળતા માટે એકલા હાથે દરેક પુસ્તકની પ્રાથમિક માહિતી પણ તૈયાર કરી હતી. દરેક પુસ્તક સહેલાઇથી મળી જાય એ બાબત ધ્યાનમાં રાખીને તેણે લાકડાના યુનિક બુકશેલ્ફ પણ તૈયાર કરાવ્યા હતા. ૧૫મી સદીમાં એ ઘણી મહત્ત્વની વાત હતી.

આ પુસ્તકાલયમાં ફર્નાન્ડોએ ક્લૉસ વાગનેર નામના એક ફૂલ ટાઇમ ગ્રંથપાલની પણ નિમણૂક કરી હતી. તેણે વાગનેરને આદેશ કર્યો હતો કે, જો તમે ગ્રંથપાલ તરીકે જોડાશો તો તમારા જીવનની એક જ પ્રાથમિકતા હશે, અને એ હશે આ પુસ્તકાલય. આ કરારના ભાગરૂપે ફર્નાન્ડોએ સેવિલના કેથેડ્રલના કેમ્પસમાં જ વાગનેરના રહેવાની વ્યવસ્થા કરી દીધી હતી. ફર્નાન્ડોના મૃત્યુના દાયકાઓ પછી ઇતિહાસકારોએ કરેલા સંશોધનોમાં એવું પણ જાણવા મળ્યું છે કે, ફર્નાન્ડોને નાનપણથી જ વાંચવા-લખવાનો શોખ હતો. કોલમ્બસની ચોથી દરિયાઇ મુસાફરીમાં ફર્નાન્ડો પિતાનું જીવન ચરિત્ર લખવાના હેતુથી જ જોડાયો હતો. ક્રિસ્ટોફર કોલમ્બસનું પહેલવહેલું જીવનચરિત્ર પણ ફર્નાન્ડોએ જ લખ્યું હતું, જેની મૂળ હસ્તપ્રત આજે ઉપલબ્ધ નથી. એ મુસાફરીમાં ફર્નાન્ડોએ 'નવા દેશો'ના સંગીત, તસવીરો અને વનસ્પતિના અઢળક નમૂના પણ ભેગા કર્યા હતા. એ ચીજવસ્તુઓની પણ તેણે ચોક્કસ નોંધો સાથેની યાદી તૈયાર કરી હતી.

સ્પેનના સેવિલ શહેરમાં આવેલું ફર્નાન્ડોનું પુસ્તકાલય અને (નીચે) ૧૩મી સદીમાં થઈ ગયેલા
ઇટાલિયન વેપારી, એક્સપ્લોરર માર્કો પોલોના  મૂળ ફ્રેંચમાં લખાયેલા ‘ધ બુક ઓફ વન્ડર્સ’  પુસ્તકમાં 
કોલમ્બસે જાતે કરેલી  નોંધો. આ દુર્લભ પુસ્તક પણ ફર્નાન્ડોના પુસ્તકાલયમાં સચવાયેલું છે. 

યુરોપમાં પુસ્તકોનો ઇતિહાસ, લેખકો-પ્રકાશકો, પ્રવાસો અને બૌદ્ધિકોનું નેટવર્ક કેવું હતું, એ સમજવા આજના ઈતિહાસકારો માટે ફર્નાન્ડોનું પુસ્તકાલય ખૂબ ઉપયોગી સાબિત થયું છે. યુરોપમાં સાહિત્ય, કળા અને વૈચારિક ક્રાંતિના બીજ રોપનારા અનેક બૌદ્ધિકોએ ફર્નાન્ડોના પુસ્તકાલયનો ઉપયોગ કર્યો હતો. ઈસ. ૧૫૩૯માં મૃત્યુ થયું એ પહેલાં ફર્નાન્ડોએ જીવતેજીવ વસિયત કર્યું હતું કે, 'મૃત્યુ પછી આ પુસ્તકાલયની  સંપૂર્ણ દેખભાળ કરવામાં આવે. મેં ખરીદેલા પુસ્તકો વેચવામાં ના આવે, પરંતુ વધુ પુસ્તકો ખરીદીને પુસ્તકાલય સમૃદ્ધ બનાવવામાં આવે.'

કમનસીબે, ફર્નાન્ડોના મૃત્યુ પછી પુસ્તકાલયની માલિકી માટે દાયકાઓ સુધી ઝઘડા ચાલ્યા. છેવટે અનેક વર્ષો પછી સેવિલના ચર્ચને પુસ્તકાલયની માલિકી મળી. જોકે, ત્યાં સુધી પુસ્તકોની સંખ્યા ૧૫ હજારમાંથી સાત હજાર થઇ ગઇ હતી. આજેય ફર્નાન્ડોના પુસ્તકાલયની સંભાળ સેવિલના ચર્ચ મેનેજમેન્ટ દ્વારા લેવાઇ રહી છે, પણ, અત્યારે આ પુસ્તકાલયમાં ફક્ત ૧,૧૯૪ પુસ્તક બચ્યા છે. હવે આ પુસ્તકાલય 'બિબ્લિઓટેકા કોલમ્બિના' તરીકે ઓળખાય છે. આજે પણ ઇતિહાસકારો માટે ફર્નાન્ડોનું પુસ્તકાલય સંશોધનનો વિષય છે.

આજેય ઈતિહાસકારો માટે સૌથી મોટું આશ્ચર્ય એ છે કે, શું ફર્નાન્ડોએ ૧૫ હજાર મહાકાય ગ્રંથો વાંચ્યા હશે? એવું કહેવાય છે કે, ફર્નાન્ડોએ બહુ નાની ઉંમરમાં વાંચન-લેખન શરૂ કરી દીધું હતું એટલે કદાચ એ શક્ય પણ હોય!

04 April, 2018

સરહદી ગામોના ખેડૂતોના ભોગે 'નો ફ્લાય ઝોન'


ઈન્ટરનેટ, ફેસબુક અને જીપીએસ નહોતા ત્યારે કોઈને કલ્પના પણ ન હતી કે, આ પ્રકારની ટેક્નોલોજીની માણસના જીવન પર શું અસર થશે? ઈન્ટરનેટનો સતત દુરુપયોગ થાય છે, ફેસબુક ચૂંટણીઓમાં કાળા-ધોળા કરાવી શકે છે અને જીપીએસની મદદથી કોઈ તમારા પર વર્ચ્યુઅલ નજર રાખીને ઘરફોડ ચોરી કરી શકે છે. એનો અર્થ એ નથી કે, એ ટેક્નોલોજી પર પ્રતિબંધ મૂકી દેવો. કેન્દ્ર સરકારે ભારત-પાકિસ્તાન અને ભારત-ચીન સરહદની આસપાસના ૫૦ કિલોમીટરના વિસ્તારોને નો ફ્લાય ઝોન જાહેર કરેલો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશને ભારતીય સેનાના મથકો, ચોકીઓ અને શસ્ત્રાગારોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે, પરંતુ આ નિર્ણયથી સૌથી વધુ નુકસાન કૃષિ અર્થતંત્ર અને ખેડૂતોને થઈ રહ્યું છે.

એક બાજુ સરકાર બાબા આદમના જમાનાના ૧,૨૦૦ કાયદા રદ કરી દીધાનું ગૌરવ લે છે અને બીજી બાજુ આવા તઘલખી નિર્ણયો લે છે. ભારતમાં સરહદો નજીક હજારો ગામો છે. આ બધા જ ગામોની મુખ્ય આવક કૃષિ પર નિર્ભર છે, પરંતુ દેશના બીજા હિસ્સાની જેમ ત્યાંના ખેડૂતોને ડ્રોન ટેક્નોલોજીના લાભ લઇ શકાતા નથી. આજકાલ ડ્રોન ઉર્ફ અનમેન્ડ એરિયલ વ્હિકલની મદદથી જ ભૌગોલિક રીતે જટિલ અને અંતરિયાળ વિસ્તારોના સર્વેક્ષણ કરાય છે. આ પ્રકારના સર્વેક્ષણના સીધા લાભ ત્યાં રહેતી પ્રજાને જ મળે છે. ડ્રોન ટેક્નોલોજીએ કૃષિની તરાહ બદલી નાંખી છે. આ નાનકડા સાધને અનેક રાજ્યોમાં હજારો ખેડૂતોનું જીવન બદલી નાંખ્યું છે. જેમ કે, હરિયાણા, પંજાબ અને કર્ણાટકમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વીમા કંપનીઓ ખેતરોમાં પાકના નુકસાનનો ઝડપથી સર્વે કરવા ડ્રોનનો ઉપયોગ કરે છે, જેથી ખેડૂતોને પાક વીમાનું વળતર ઝડપથી આપી શકાય. મહાકાય ખેતરોમાં પાકને કોઈ ગંભીર રોગ લાગુ પડે એ પહેલાં ડ્રોનથી જાણી શકાય છે. એટલે પાકમાં કોઇ ગંભીર રોગ વકરે એ પહેલાં ખેડૂતને સમયસર પગલાં લેવાનો સમય મળે છે!


દેશના ૧૮ રાજ્યના ૬૪૦માંથી ૧૬૮ જિલ્લાનો થોડો ઘણો ભાગ સરકારે જાહેર કરેલા નો ફ્લાય ઝોનમાં આવે છે. આ ૬૪૦માંથી ૬૫ જિલ્લા તો એવા છે, જેનો ૯૦ ટકાથી પણ વધુ વિસ્તાર નો ફ્લાય ઝોનમાં આવી જાય છે. દેશના ૩૯ જિલ્લા તો આખેઆખા નો ફ્લાય ઝોનમાં છે. નો ફ્લાય ઝોનમાં દેશના દસ ટકા ઘર આવેલા  છે અને ત્યાંની મોટા ભાગની વસતી ખેતીવાડી કરીને ગુજરાન ચલાવે છે. ટકાવારીની દૃષ્ટિએ જોઇએ તો, દેશના દસ ટકા ખેડૂતો નો ફ્લાય ઝોનમાં વસે છે. બીજા શબ્દોમાં કહીએ તો, ૧૪ કરોડથી પણ વધુ વસતી નો ફ્લાય ઝોનમાં રહે છે. ભારતના ૭૫ શહેરની કુલ વસતી ૧૪ કરોડ જેટલી છે. આ આંકડા પરથી સમજી શકાય છે કે, કૃષિ અર્થતંત્રમાં તેમનું પ્રદાન કેટલું મહત્ત્વનું હશે! દેશનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે. આ જિલ્લો પણ પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે. તેથી ત્યાં પણ નો ફ્લાય ઝોનના નિયમો લાગુ પડે છે. આ વિસ્તારમાં કૃષિ સહિતના ક્ષેત્રોમાં ડ્રોન ટેક્નોલોજીના લાભ મળતા નથી.

એવી જ રીતે, જમ્મુ કાશ્મીરના ૨૩માંથી ૨૦, આસામના ૨૭માંથી ૨૦, ઉત્તરપ્રદેશના ૭૧માંથી ૧૫ અને બિહારના ૩૮માંથી ૧૪ જિલ્લામાં ડ્રોન પ્રતિબંધિત છે. હવે ઉત્તર-પૂર્વીય રાજ્યોની વાત કરીએ. એનડીએ સરકારનો દાવો છે કે, આઝાદી પછીની અમે પહેલી સરકાર છીએ, જે ઉત્તરપૂર્વીય રાજ્યોના વિકાસ માટે ગંભીર છે. જોકેસિક્કિમ, ત્રિપુરા જેવા નાના અને કૃષિ અર્થતંત્ર પર આધારિત રાજ્યોના ૧૦૦ ટકા વિસ્તાર સંપૂર્ણપણે નો ફ્લાય ઝોનમાં છે. મિઝોરમનો ૮૬ ટકા, મણિપુર, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયનો ૬૦ ટકા, નાગાલેન્ડનો ૫૦ ટકા વિસ્તાર નો ફ્લાય ઝોનમાં છે. વળી, જે વિસ્તાર નો ફ્લાય ઝોનમાં નથી ત્યાં ખેતી બહુ ઓછી છે અથવા નથી. નાના રાજ્યો તો ઠીક, પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજ્યો પણ નો ફ્લાય ઝોનથી પીડિત છે. તેનો ૪૪ ટકા વિસ્તાર નો ફ્લાય ઝોનમાં છે. પશ્ચિમ બંગાળ ખૂબ મોટું રાજ્ય છે, અને, ત્યાં પણ બાંગ્લાદેશ સરહદ નજીકના ગામોનો મુખ્ય આધાર ખેતી છે. એવી જ રીતે, બિહારનો ૩૯ ટકા અને પંજાબનો ૩૩ ટકા વિસ્તાર નો ફ્લાય ઝોનમાં છે.

નો ફ્લાય ઝોનના કારણે ઉત્તર-પૂર્વના રાજ્યોએ સૌથી વધુ ભોગવવાનું આવી રહ્યું છે કારણ કે, તે નાના રાજ્યો છે, ત્યાંના લોકોનો આવકનો મુખ્ય સ્રોત ખેતી છે અને આ રાજ્યો નાના-નાના પાડોશી દેશો સાથે પણ સરહદો ધરાવે છે. જેમ કે, બાંગ્લાદેશ સાથે પશ્ચિમ બંગાળ, મિઝોરમ, મેઘાલય, ત્રિપુરા અને આસામની સરહદ છે, તો ભુતાન જેવા નાનકડા દેશ સાથે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને આસામની સરહદ છે. મ્યાંમાર સાથે અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમની સરહદ છે. એવી જ રીતે, બિહાર, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, સિક્કિમ અને પશ્ચિમ બંગાળની સરહદ નેપાળ સાથે પણ વહેંચાય છે. આમ, પશ્ચિમ બંગાળ મોટું રાજ્ય હોવાથી બાંગ્લાદેશ, ભુતાન અને નેપાળ એમ ત્રણ દેશ સાથે સરહદ ધરાવે છે. જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતની સરહદ પણ પાકિસ્તાન સાથે છે. જમ્મુ કાશ્મીર તો પાકિસ્તાન અને ચીન એમ બે દેશ સાથે સરહદ ધરાવે છે, જ્યારે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશના અનેક ગામો ચીન સરહદ નજીક છે.


ઉત્તર-પૂર્વીય રાજ્યોની આંતરરાષ્ટ્રીય સરહદો 

જમ્મુ કાશ્મીરની જેમ ઉત્તર પૂર્વીય રાજ્યોની જટિલ ભૂગોળ પણ વિકાસની રાહમાં આડે આવી રહી છે, પરંતુ આ વિસ્તારમાં ડ્રોનથી ઝડપથી સર્વેક્ષણ થઇ શકતા નથી. ત્યાં રસ્તા, સિંચાઇ, બંધ જેવી માળખાગત સુવિધા ઊભી કરવા ડ્રોનની મદદથી નાના-મોટા સર્વેક્ષણો કરવા જરૂરી છે પણ થઇ શકતા નથી. જેમ કે, નો ફ્લાય ઝોનમાં ૭૦,૮૨૯ કિલોમીટર લાંબા રસ્તા, ,૧૨૭ કિલોમીટર લાંબી કેનાલો, ,૩૪૯ પુલો અને સાડા પાંચસો જેટલા નાના-મોટા રેલવે સ્ટેશનો છે, પરંતુ આ એકેય વિસ્તારનું ડ્રોનથી નિરીક્ષણ થઈ શકતું નથી. જમ્મુ અને અમૃતસર (પંજાબ) જેવા શહેર સંપૂર્ણપણે નો ફ્લાય ઝોનનો હિસ્સો છે. કૃષિ ટેક્નોલોજીના નિષ્ણાતોનું કહેવું છે કે, સરકારના 'બ્લેન્કેટ બાન'ના કારણે અનેક વિસ્તારો નો ફ્લાય ઝોનથી પીડિત છે. ટૂંકમાં સરકાર લાંબુ વિચાર્યા વિના બધા જ વિસ્તારોને એક જ લાકડીએ હાંકી રહી છે.

જો સરકાર નો ફ્લાય ઝોનમાંથી અમુક વિસ્તારોને બાકાત રાખે તો ડ્રોનની નોંધણી કરવી, લાયસન્સ આપવા અને તેની દેખરેખ માટે  ચુસ્ત માળખું વિકસાવવું પડે. વિકસિત દેશો જેવું જડબેસલાક તંત્ર ઊભું કરવું પડે, પરંતુ એ માટે સરકાર હંમેશાની જેમ ઉદાસીન છે. તેના બદલે સરકારને ડ્રોન ટેક્નોલોજીની મદદ લેનારાને દંડ ફટકારીને ગભરાવી મૂકવાનું વધુ સહેલું લાગે છે. આ મુદ્દે જાણકારોનું કહેવું છે કે, એક જ ઝાટકે સરહદી વિસ્તારોને નો ફ્લાય ઝોન જાહેર કરવા સરકારને અત્યારે ભલે યોગ્ય ઉપાય લાગે, પરંતુ લાંબા ગાળે આ નીતિ 'વિધ્વંસક' પુરવાર થઇ શકે છે. અત્યારે જ સરહદી વિસ્તારોમાંથી લોકો ઘરબાર છોડીને શહેરો તરફ આવી રહ્યા છે. ભારતીય સેના પણ ઇચ્છે છે કે, સરહદી ગામો ખાલી ના થાય એ વ્યૂહાત્મક રીતે જરૂરી છે. આ વિસ્તારોમાં ડ્રોન વિના વિકાસ ના થાય એવું નથી, પરંતુ આકરા નિયમોના કારણે બેંકો, વીમા કંપનીઓ, વિદેશી રોકાણકારો અને અન્ય ખાનગી કંપનીઓ પણ એ વિસ્તારોમાં જવા તૈયાર નથી. આ ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓ સર્વેક્ષણો કરાવ્યા વિના ધંધો શરૂ કરતી નથી. એટલે જ આપણે આવા ધડમાથા વિનાના નિયમોનો 'યોગ્ય રીતે' અમલ કરવાની જરૂર છે.

અમેરિકા, કેનેડા, યુ.કે. અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોના અર્થતંત્રમાં પણ કૃષિ મહત્ત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ આ એક પણ વિકસિત દેશમાં કૃષિ અર્થતંત્રના ભોગે સંપૂર્ણ નો નો ફ્લાય ઝોન જાહેર કરાયા નથી. વિકસિત દેશોમાં કોમર્શિયલ ધોરણે કે મોજમજા ખાતર સરહદો નજીક ડ્રોન ઉડાવી શકતું નથી, પરંતુ ખેતીવાડીને  લગતા કામમાં આ નિયમો લાગુ પડતા નથી. અમેરિકાની અતિ સંવેદનશીલ ગણાતી મેક્સિકો સરહદે પણ નો ફ્લાઇંગ ઝોન નથી. અમેરિકા, ન્યૂઝીલેન્ડમાં તો લશ્કરી થાણા નજીક પણ નો ફ્લાઇંગ ઝોન નથી. અમેરિકામાં વૉશિંગ્ટન ડીસીમાં આવેલી સંસદ અને વ્હાઇટ હાઉસના ૨૫ કિલોમીટરના વિસ્તારમાં ડ્રોન ઉડાવી શકાતું નથી એ વાત ખરી, પરંતુ એ વિસ્તારમાં પણ કોમર્શિયલ ડ્રોન પર તો પ્રતિબંધ નથી જ. ત્યાં ફક્ત મોજમજા માટે ડ્રોન ઉડાવી શકાતા નથી. આ તો કૃષિ અર્થતંત્રને લગતી વાત થઈ.
પાકિસ્તાન સાથે સરહદ વહેંચતા રાજ્યો

ઉત્તરપ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પ્રોપર્ટી ટેક્સની વસૂલાત, ગેરકાયદે ભેલાણ કે અતિક્રમણના પુરાવા ભેગા કરવા તેમજ ગામડાં નજીક યોગ્ય અર્બન પ્લાનિંગ કરવા માટે પણ ડ્રોનનો ઉપયોગ શરૂ કરાયો છે. સરહદ નજીકના જિલ્લામાં આવેલી હોસ્પિટલોમાં ઝડપથી લોહી કે દવાઓ પહોંચાડવા પણ ડ્રોનની મદદ લેવાય છે. નો ફ્લાઇંગ ઝોનમાં વસતા લોકોને આ પ્રકારના લાભ પણ મળતા નથી. સરહદ નજીકના ભારતમાં રહેતો ખેડૂત બિન-સરહદી ભારતમાં રહેતા ખેડૂતથી વધુ ગરીબ છે અને નો ફ્લાય ઝોનના નિયમો તેને વધુ ગરીબ બનાવી રહ્યા છે. આ સ્થિતિમાં ભવિષ્યમાં સરહદી અને બિન-સરહદી ખેડૂતો વચ્ચે આર્થિક અસમાનતા વધુ ઊંચે જઇ શકે છે.

નો ફ્લાય ઝોનના નિયમોના કારણે કેટલા ખેડૂતોને નુકસાન થઇ રહ્યું છે એ વિશે નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લિક ફાઇનાન્સ પોલિસીના રિસર્ચર દેવેન્દ્ર દામલે અને શુભો રોયે વૈજ્ઞાનિક પદ્ધતિથી સર્વેક્ષણ કર્યું હતું. સૌથી પહેલાં તેમણે નો નો ફ્લાય ઝોનની આસપાસના ૫૦ કિલોમીટરના વિસ્તારનું સર્વેક્ષણ કર્યું. ત્યાર પછી એ વિસ્તારમાં કૃષિલાયક જમીનોનો શક્ય એટલો ચોક્કસ અંદાજ તૈયાર કર્યો અને ત્યાં કામ કરતા ખેડૂતો, ખેતમજૂરોનો ગણતરી કરીને અંદાજ મૂક્યો.

આ નિષ્ણાતોએ સાબિત કરી દીધું છે કે, નો ફ્લાય ઝોનના નિયમોમાં ઝડપથી સુધારા કરવા દેશહિતમાં છે.