02 October, 2017

બૌદ્ધ સાધુ નિચિદાત્સુ ફૂજી: ગાંધીજીના જાપાની અંતેવાસી


જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અમદાવાદ આવ્યા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ગાંધીજીની આત્મકથાની સાથે ત્રણ વાંદરાની મૂર્તિ પણ ભેટમાં આપી હતી. આ ત્રણ વાંદરા ગાંધીજી સાથે ગાઢ રીતે જોડાઈ ગયા છે, પરંતુ ગાંધીજીને એ ત્રણ વાંદરાની મૂર્તિ જાપાનના નિચિદાત્સુ ફૂજી નામના બૌદ્ધ સાધુએ ભેટમાં આપી હતી. ફૂજીએ ગાંધીજીને આપેલી ત્રણ વાંદરાની સફેદ આરસપહાણની મૂર્તિ આજેય અમદાવાદના સાબરમતી આશ્રમમાં સચવાયેલી છે. આબેને એ અસલી મૂર્તિની પ્રતિકૃતિ ભેટમાં અપાઈ હતી. ગાંધી સાહિત્યમાં ફૂજી વિશે ખૂબ જ ઓછી માહિતી મળે છે, પરંતુ જે કંઈ માહિતી મળે છે ખૂબ જ રસપ્રદ છે. જેમ કે, ગાંધીજીના અમુક પત્રો અને તેમણે કરેલી મુલાકાતોની નોંધોમાંથી તેઓ બૌદ્ધ સાધુ ફૂજી, જાપાન અને બૌદ્ધ ધર્મ વિશે શું વિચારતા હતા એ વિશે જાણવા મળે છે.  

આ તમામ બાબતો એકબીજા સાથે જોડાયેલી હોવાથી જરા વિગતે વાત કરીએ.     

***

'ગાંધીજીનો અક્ષરદેહ'માં નોંધ્યા પ્રમાણે, ગાંધીજીએ ૧૮મી જુલાઈ, ૧૯૪૨ના રોજ જાપાનના લોકોને સંબોધીને અંગ્રેજી ભાષામાં એક પત્ર લખ્યો હતો. પત્ર ખાસ્સો લાંબો છે, કુલ ૧૨૫૮ શબ્દ. એ પત્રમાં 'પ્રત્યેક જાપાનવાસીને' એવું સંબોધન કરીને ગાંધીજી પહેલા જ ફકરામાં લખે છે કે, ''પ્રારંભમાં જ મારે કબૂલ કરી લેવું જોઈએ કે તમારા પ્રત્યે મારે કશી બૂરી લાગણી નથી તોપણ ચીન પરના તમારા આક્રમણ પ્રત્યે મારો ઊંડો અણગમો છે. તમારા ઉન્નત સ્થાન પરથી તમે સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષાના ઊંડા ખાડામાં ઉતરી પડયા છો. તમારી મહત્ત્વાકાંક્ષા તમે સિદ્ધ કરી શકવાના નથી અને તમારે હાથે કદાચ એશિયાના ભાગલા પડી જશે તથા અજાણતામાં તમે સમગ્ર દુનિયાને ભાઈચારા ભરેલા એક સમવાયતંત્ર નીચે એકત્ર થતી અટકાવશો. આવા સમવાયતંત્ર વિના માનવજાતને માટે કશી આશા દેખાતી નથી...''

ફૂજીએ ગાંધીજીને ભેટમાં આપેલી ત્રણ વાંદરાની મૂર્તિ

ગાંધીજીનું જાપાનને કહેવું હતું કે, આખી દુનિયા ભાઈચારો રાખીને એક 'વિશ્વગ્રામ' તરફ આગળ વધી રહી છે, પરંતુ તેમાં તમે ખલેલ પાડી રહ્યા છો...

વાત એમ હતી કે, સાતમી જુલાઈ, ૧૯૩૭ના રોજ જાપાને ચીન પર હુમલો કર્યો હતો. એ ભીષણ યુદ્ધ નવમી સપ્ટેમ્બર, ૧૯૪૫ના રોજ પૂરું થયું હતું. એશિયાના અત્યાર સુધીના સૌથી લાંબા ગણાતા એ યુદ્ધમાં બંને દેશના ૪૦ લાખ સૈનિકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે ચીન અને બર્માના નિર્દોષ નાગરિકોના મોતનો આંકડો બે કરોડ, વીસ લાખે પહોંચ્યો હતો. ચીનની સાથે સોવિયેત યુનિયન, બ્રિટન અને અમેરિકા હતા અને  જાપાન સાથે એટલા ટચુકડા દેશો હતા, જે નકશામાં માંડ દેખાય છે! આ સંદર્ભે ગાંધીજીએ ઉપરોક્ત પત્ર લખ્યો હતો.

એ પત્રના બીજા જ ફકરામાં ગાંધીજી બૌદ્ધ સાધુ ફૂજીનો ઉલ્લેખ કરતા લખે છે કે, ''પચાસ વર્ષથીયે પૂર્વે લંડનમાં અઢાર વર્ષની ઉંમરનો એક વિદ્યાર્થી હતો ત્યારે સદ્ગત સર એડવિન આર્નોલ્ડના લખાણો વાંચીને તમારી પ્રજાના ઘણાં ઉત્તમ ગુણોને ઓળખીને હું તમારી કદર બૂજતો થયો હતો. રશિયાના સશસ્ત્ર સૈન્યો ઉપર તમે મેળવેલા જવલંત વિજયની વાર્તા જાણીને મને રોમહર્ષ થયો હતો. ૧૯૧૫ની સાલમાં દક્ષિણ આફ્રિકાથી હું હિંદ પાછો ફર્યો ત્યાર પછી અમારે ત્યાં આશ્રમવાસી થઈને રહી ગયેલા જપાની ભિક્ષુઓની સાથે મારો ગાઢ સંપર્ક થયો હતો. તેઓ પૈકી એક તો સેવાગ્રામના આશ્રમના અણમૂલ સહવાસી બન્યા હતા, અને તેમની કર્તવ્યપાલનની ચીવટ, તેમનું મોભાદાર વર્તન, દૈનિક ઉપાસના માટેની તેમની એકધારી ભક્તિ, તેમનું મિલનસારપણું, વિવિધ પરિસ્થિતિમાં જળવાતી તેમની સમતા, અને અંતરની શાંતિની પ્રતીતી કરાવતું તેમના મુખ પરનું સ્વાભાવિક સ્મિત, એ સર્વ ગુણોથી તેઓ અમને સર્વને પ્રિય થયા હતા. અને હવે જ્યારે ગ્રેટ બ્રિટન સામે તમારી લડાઈની જાહેરાતના કારણે તેમને અમારી વચ્ચેથી ઉઠાવી લેવામાં આવ્યા છે, ત્યારે એ પ્રિય સાથીની અમને ખોટ સાલે છે. તેમની સ્મૃતિમાં તેઓ તેમની દૈનિક પ્રાર્થના અને તેમનું નાનકડું નગારું અમને સોંપી ગયા છે, અને એ જ નગારાના ઘોષથી અમારી સવારની અને સાંજની પ્રાર્થનાઓનો અમે પ્રારંભ કરીએ છીએ.''

ગાંધીજીના આ લખાણમાંથી બૌદ્ધ સાધુ ફૂજીનું વ્યક્તિત્વ કેવું હશે એની કલ્પના કરી શકાય છે. આ ઉપરાંત એ ઐતિહાસિક તથ્ય પણ માલુમ પડે છે કે, બ્રિટન સામે યુદ્ધ જાહેર થયા પછી જાપાને આશ્રમમાંથી ફૂજીને પરાણે બોલાવી લીધા હશે! આ લખાણ ગાંધીજીના યુદ્ધ અંગેના વિચારોની રીતે પણ મહત્ત્વનું છે. જેમ કે, જાપાને ચીન પર આક્રમણ કર્યું એ અંગે ગાંધીજીએ સખત વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ રશિયાએ જાપાન પર આક્રમણ કર્યું અને જાપાનીઓએ રશિયનો સામે વિજય મેળવ્યો એ વાતથી ગાંધીજીને 'રોમહર્ષ' થયો હતો.

***

'ગાંધીજીનો અક્ષરદેહ'ના ૮૨ દળદાર ગ્રંથોમાં (દરેક ગ્રંથના સરેરાશ ૫૦૦થી વધુ પાના) આવા ઘણાં ઐતિહાસિક તથ્યો ધરબાયેલા છે. હવે સવાલ એ છે કે, મહારાષ્ટ્રના વર્ધામાં આવેલા સેવાગ્રામ આશ્રમમાં આવીને વસેલા એ બૌદ્ધ સાધુ  ફૂજી ગાંધીજીને ક્યારે મળ્યા હતા? 'ગાંધીજીના અક્ષરદેહ'માં નોંધ્યા પ્રમાણે, ચોથી ઓક્ટોબરે ફૂજી અને ઓકિત્સુ નામના બે બૌદ્ધ સાધુ ગાંધીજીને મહારાષ્ટ્રના સેવાગ્રામ આશ્રમમાં મળવા આવ્યા હતા. આ દરમિયાન ગાંધીજી અને ફૂજી વચ્ચે શું વાતચીત થઈ હતી? ફૂજી ગાંધીજીને મળવા કેમ આવ્યા હતા? તેમના વચ્ચે બૌદ્ધ ધર્મ મુદ્દે કોઈ ચર્ચા થઈ હતી? આવા અનેક સવાલોના જવાબ 'ગાંધીજીના અક્ષરદેહ'માં કરાયેલી એક નોંધમાંથી મળે છે. 


નિચિદાત્સુ ફૂજી (ક્લોક વાઈઝ),  તેઓ જ્યાં રોકાયા હતા એ મુંબઈના વરલીમાં
આવેલો  બૌદ્ધ મઠ અને 18મી જાન્યુઆરી, 1979ના રોજ વડાપ્રધાન મોરારજી
દેસાઈના હસ્તે નહેરુ અન્ડરસ્ટેન્ડિંગ એવોર્ડ સ્વીકારતી વખતે ફૂજી...  

'જાપાની બૌદ્ધ પુરોહિતોને સલાહ' એવા શીર્ષક હેઠળ કરાયેલી એ નોંધમાં ગાંધીજી કહે છે કે, ''તમને મળી શક્યો અને રસદાયક વાતચીત થઈ શકી એથી મને આનંદ થયો. તમારો લાંબો પત્ર હું કાળજીપૂર્વક વાંચી ગયો છું.

બૌદ્ધ ધર્મ હિંદુસ્તાનમાં પુનર્જીવિત થાય એ જોવાની તમારી ઈચ્છા હું પૂરેપૂરી સમજી શકું છું. ફક્ત એટલું તમારા ધ્યાન પર લાવવા માંગુ છું કે બૌદ્ધ ધર્મનો ગમે તે અર્થ થતો હોય, ગૌતમ બુદ્ધના ઉપદેશનો સાર હિંદુ ધર્મમાં સમાવી લેવામાં આવ્યો છે, અને મારે માટે, તુલનાત્મક દૃષ્ટિએ જોતા, એ મહાન સુધારકના ઉપદેશની વિશુદ્ધતા હિંદુસ્તાનમાં સૌથી વધુ જળવાયેલી છે. જે દેશોએ એને અપનાવી લીધો છે તેમાં, મને લાગે છે કે, એ વિકૃત થઈ ગયો છે : દા. ત. બુદ્ધનો ઉપદેશ મુખ્યત્વે કરીને માનવ માનવ વચ્ચે બંધુભાવ હોવો જોઈએ એવો ન હતો પણ જીવમાત્ર વચ્ચે બંધુભાવ હોવો જોઈએ એવો હતો. તેમ એમાં નવાઈ પામવા જેવું કશું નથી. મારે મતે, બુદ્ધે કોઈ નવો ધર્મ સ્થાપ્યો નહતો. શ્રેષ્ઠ હિંદુ તરીકે તેમણે હિંદુ ધર્મને નવું સ્વરૂપ આપ્યું હતું. આથી હું તમને એમ સૂચવું છું કે, તમારે સંસ્કૃત અને પાલિના અભ્યાસ દ્વારા એ ઉપદેશ વિશેનું જ્ઞાાન વધારવું. જે પરિસ્થિતિમાં એ ઉપદેશ બંધબેસતો થતો હતો અને જેમાંથી એ ઉદ્ભવ્યો હતો એ જાણવા માટે સંસ્કૃતનું જ્ઞાાન આવશ્યક છે, અને દેખીતી રીતે જ પાલિનો અભ્યાસ આવશ્યક છે કારણ મૂળ ધર્મગ્રંથો એ ભાષામાં છે. અને તમે હિંદી પ્રજા જોડે તમારું ભાગ્ય જોડવાનો નિર્ણય કર્યો છે એટલે હું હિંદી કે હિંદુસ્તાની શીખવાની જરૂર પ્રત્યે  તમારું ધ્યાન દોરું છું...''     

***

આમ, ફૂજી ભારતમાં બૌદ્ધ ધર્મ પુનર્જીવિત કરવા માંગતા હતા. એ પછી તેઓ મહારાષ્ટ્રના વર્ધા સ્થિત સેવાગ્રામ આશ્રમમાં અંતેવાસી બનીને રહ્યા. તેમના માનમાં ગાંધીજીએ આશ્રમમાં બીજા ધર્મોની પ્રાર્થના સાથે બૌદ્ધ ધર્મના મંત્રનો પણ સમાવેશ કર્યો હતો. ભારત આવ્યા એ પહેલાં જ ૧૯૧૭માં ફૂજીએ 'નિપ્પોઝન મ્યોહોજી દાઇસંગા' એટલે કે જાપાન બુદ્ધ સંઘની સ્થાપના કરી હતી. આ સંઘના ૧,૫૦૦ બૌદ્ધ ભિખ્ખુઓએ ફૂજીની આગેવાનીમાં જાપાન સહિત વિશ્વભરમાં વિશ્વ શાંતિ સ્થાપવાનું આંદોલન શરૂ કર્યું હતું. તેમણે વિશ્વ શાંતિ માટે દુનિયાભરમાં પીસ પેગોડા (બૌદ્ધ મઠ) બાંધવાનો નવતર કીમિયો અજમાવ્યો હતો. ફૂજીએ આ પ્રકારના મઠ બંધાવાની શરૂઆત પરમાણુ હુમલાનો ભોગ બનેલા હીરોશીમા અને નાગાસાકી શહેરથી કરી હતી. ફૂજીના સંઘે ભારત સહિત અમેરિકા, બ્રિટન જેવા દેશોમાં પણ આવા મઠ બંધાવ્યા હતા.

આ પ્રત્યેક મઠનું સંચાલન ફૂજી એક નિવાસી ભિખ્ખુને સોંપી દેતા. એ દિવસોમાં કોઈ પણ જાપાની ભારત કે પશ્ચિમી દેશોના પ્રવાસે જાય ત્યારે બૌદ્ધ મઠમાં રોકાતા. બીજા દેશોથી જુદી જ સંસ્કૃતિમાંથી આવતા જાપાનીઓને એ બૌદ્ધ મઠોમાં થોડી રાહત મળતી. વળી, ફૂજીનો સંઘ વધુને વધુ જાપાની યુવાનોને આ પ્રકારના પ્રવાસ માટે પ્રોત્સાહિત કરતો. એવી જ રીતે, કૃષિ અને ઔદ્યોગિક ટેક્નોલોજીના અભ્યાસ માટે ભારતીયો જાપાન જાય ત્યારે ફૂજીનો સંઘ તેમને મઠમાં રોકાવાની વ્યવસ્થા કરી આપતો. પશ્ચિમી દેશોમાં 'શાંતિ અને અહિંસાના ધર્મ' તરીકે બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસારમાં પણ આ મઠોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બૌદ્ધ ધર્મ અને અહિંસાનો સંદેશ આપવા ફૂજીએ ૧૯૫૮માં 'જાપાન ભારત સર્વોદય મિત્ર સંઘ'ની પણ સ્થાપના કરી હતી. આ પ્રકારની પ્રવૃત્તિથી જાપાનના ભારત, અમેરિકા અને બ્રિટન સાથેના સાંસ્કૃતિક સંબંધ ઘણાં મજબૂત બન્યા હતા.

બિહારના નાલંદા જિલ્લાના રાજગીરમાં ફૂજીએ બંધાવેલો વર્લ્ડ પીસ પેગોડા

એક સમયે જાપાન અત્યંત આક્રમક યુદ્ધખોર દેશ હતો અને શાંતિની વાતો કરનારાને જીવનું જોખમ હતું- એવા સમયે ફૂજી વિશ્વ શાંતિનો સંદેશ લઈને જાપાનનો ખૂણેખૂણો ફરી વળ્યા હતા. એકવાર ફૂજીએ સંસ્મરણો વાગોળતા હતું કે, ''એ સમયે જાપાનમાં યુદ્ધનો વિરોધ કરનારાને સીધા જેલ ભેગા કરાતા કારણે કે, તેઓ લઘુમતીમાં હતા.'' જોકે, જાપાનને આ પ્રકારના શાંતિદૂતોની કોઈ પરવા ન હતી. ચીન સાથે લોહિયાળ જંગ ચાલી રહ્યો હોવા છતાં સાતમી ડિસેમ્બર, ૧૯૪૧ના રોજ જાપાને હવાઈ ટાપુ પર આવેલા અમેરિકાના નૌકા દળ બેઝ પર્લ હાર્બર પર હુમલો કર્યો. પરિણામે અમેરિકાએ છઠ્ઠી અને નવમી ઓગસ્ટ, ૧૯૪૫ના રોજ હીરોશીમા-નાગાસાકી પર પરમાણુ બોંબ ઝીંક્યા, જેમાં દોઢ લાખ નાગરિકો તો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા અને આગામી અનેક પેઢીઓ ખોડખાંપણ સાથે જન્મી. એ પછી જાપાનના યુદ્ધખોર માનસમાં કેવા બદલાવ આવ્યા એ જાણીતી વાત છે.

***

નિચિદાત્સુ ફૂજી ૧૯૬૫માં ભારત પરત ફર્યા. બાદમાં તેમણે બિહારના નાલંદા જિલ્લાના રાજગીરમાં વર્લ્ડ પીસ પેગોડા બંધાવ્યો, જે આજેય બૌદ્ધ શ્રદ્ધાળુઓનું પવિત્ર સ્થાનક છે. છઠ્ઠી ઓગસ્ટ, ૧૮૮૫ના રોજ ખેડૂત પરિવારમાં જન્મેલા ફૂજીનું નવમી જાન્યુઆરી, ૧૯૮૫ના રોજ અવસાન થયું. ફક્ત ૧૯ વર્ષની વયે બૌદ્ધ ભિખ્ખુ તરીકે દીક્ષા લેનારા ફૂજી ૧૦૦ વર્ષ જીવ્યા અને જિંદગીભર શાંતિ-અહિંસાનો ઉપદેશ આપતા રહ્યા.

આજે તો હીરોશીમા અને નાગાસાકીમાં મોતનું તાંડવ જોઈ-અનુભવી ચૂકેલા જાપાનીઓ ગાંધીજીને અત્યંત આદરની દૃષ્ટિએ જુએ છે એ સમજી શકાય એમ છે, પરંતુ ગાંધી કે બુદ્ધને સમજવા હજુ આવી કેટલી વિભિષિકાની જરૂર પડશે?

નોંધઃ ગાંધીજીનો અક્ષરદેહમાં લેવાયેલી નોંધોની જોડણી અને ફકરા એજ પ્રમાણે રાખવામાં આવ્યા છે. આ લેખનો ભાગ-2 અહીં

5 comments:

  1. The literature of Gandhiji must be preserved for the coming generation.

    ReplyDelete
  2. બહુ જ મનનીય લેખ. આ સાધુ વિશે તો ખબર જ ન હતી.

    ReplyDelete
    Replies
    1. :) હા, ઓછી જાણીતી વાત છે. થેંક્યૂ.

      Delete
  3. @MG Dumasia: Yes sir agree, So I am trying to cover this kinda fresh subjects in column.

    ReplyDelete
  4. સોલિડ આર્ટિકલ.. ખૂબ જ દુર્લભ કહી શકાય તેવી માહિતીનું સંયોજન. માહિતીની દુનિયામાં ખેડાણ કરીને ખોજ કરી લાવવું, ખોજી ફીચર રાઇટિંગ એ ખોજી પત્રકારત્વ જ છે. જોરદાર..

    ReplyDelete