25 October, 2017

કુલચા એ ખટાઇ ઉર્ફે નાનખટાઇ


દિવાળીના તહેવારમાં ગુજરાતીઓના ઘરોમાં જાતભાતની સેવ અને શક્કરપારા, જુદા જુદા પ્રકારની તળેલી દાળ અને દાલ-મૂઠ, પૌંઆનો તીખો-મોળો ચેવડો- એમાંય શેકેલો-તળેલો, ઘૂઘરા પણ મોળા-તીખા અને ગળ્યા, પૂરીમાં પણ ફરસી, સુંવાળી અને તીખી તેમજ ચોળાફળી, ફૂલવડી એમ જાતભાતના નમકીન બને. હા, મઠિયાને કેમ ભૂલાય? ટેસ્ટી અને ક્રિસ્પી મઠિયા બનાવવા તો આગવી આવડત જોઈએ. આ નમકીન સાથે મગસ, મોહનથાળ, ટોપરાપાક, દૂધીનો હલવો, બરફી, ખજૂર પાક અને ગુલાબ જાંબુ જેવી ઘરે બનાવેલી મીઠાઇઓ પણ હોય. હજુ થોડા વર્ષો પહેલાં મીઠાઈઓમાં આજના જેટલી વેરાઇટી નહોતી ત્યારે દીવાળીના નાશ્તાની ડિશમાં નાનખટાઇ પણ જોવા મળતી. નાનખટાઇનો સ્વાદ ગળ્યો, એટલે તેને પણ મીઠાઈમાં જ ખપાવાતી. કૂકીઝ બોલે તો બિસ્કિટના શોખીનો તો આજેય નાનખટાઇ અચૂક ખરીદે છે, પરંતુ આ અસલી બિસ્કિટ હવે ભૂલાઈ રહ્યા છે.

આજે તો મીઠાઈઓમાં 'ગણ્યા ગણાય નહીં' એટલા વિકલ્પો હોવા છતાં મોટા ભાગના લોકો કાજુકતરી અને અંજીર રોલ જેવી મીઠાઈઓ પર જ તૂટી પડે છે, જ્યારે એક સમયે ચણાના લોટમાંથી બનતી પૌષ્ટિક મીઠાઈઓની બોલબાલા હતી. માવામાંથી બનતી આ મીઠાઈઓનો ઈતિહાસ બહુ જૂનો નથી, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, નાનખટાઈનો જન્મ તો ૧૬મી સદીમાં થયો હતો. નાનખટાઇ કંઈ આજકાલના બેકર્સે બનાવેલા 'મોડર્ન કૂકીઝ' નથી, પરંતુ અનેક સંસ્કૃતિઓના આદાનપ્રદાન પછી અસ્તિત્વમાં આવેલા બિસ્કિટ છે. નાનખટાઈ જેટલી સ્વાદિષ્ટ છે, એટલો જ રસાળ તેનો ઈતિહાસ પણ છે. આજકાલ મોટા ભાગના પરિવારો નમકીન-મીઠાઈની તૈયાર ખરીદી કરી લે છે, પરંતુ એક સમયે નાનખટાઈ પણ ઘરે બનતી. દક્ષિણ ગુજરાતમાં સારી એવી વસતી ધરાવતા પારસી અને વ્હોરા પરિવારોમાં નાનખટાઈ ખાવાની સાંસ્કૃતિક પરંપરા હજુયે જીવંત છે કારણ કે, નાનખટાઇનો જન્મ સુરતમાં થયો હતો. જરા વિગતે વાત કરીએ.


ચાય કે સાથ હો નાનખટાઇ તો ફિર ક્યા ચાહિયે

પારસીઓ આઠમી સદીમાં દક્ષિણ ગુજરાતના સંજાણના દરિયા કાંઠે શરણાર્થીઓ તરીકે આવીને વસ્યા. આ ઘટનાના વર્ષો પછી, ૧૬મી સદીમાં, સુરતના દરિયા કાંઠે હોલેન્ડ (આજનું નેધરલેન્ડ)ના ડચ વેપારીઓએ કોલોનીઓ નાંખવાનું શરૂ કર્યું. ડચ વેપારીઓ ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળના વેપારીઓ સાથે સંબંધ વિકસાવીને મરીમસાલા જેવી ચીજવસ્તુઓનો વેપાર કરવા માંગતા હતા. દક્ષિણ ગુજરાતમાં સુરત સહિત કેટલાક સ્થળોએ ડચ વેપારીઓની કબરો, કબ્રસ્તાન અને ડચ ગાર્ડન જેવા સ્મારકો હજુયે છે, જે સાબિત કરે છે કે ડચ વેપારીઓએ ૧૬મી સદીના ગુજરાતમાં મજબૂત રીતે પગદંડો જમાવી દીધો હતો.

આ ડચ ઉદ્યોગપતિઓ અને તેમના પરિવારો દક્ષિણ ગુજરાતમાં સેટલ તો થઈ ગયા, પરંતુ તેમને હોલેન્ડની કન્ફેક્શનરી (મીઠાઈઓ, બેકરી આઈટમ્સ વગેરે)ની ખૂબ યાદ આવતી. આ કમી પૂરી કરવા ધનવાન ડચ પરિવારોએ ડચ કારીગરોની મદદથી દક્ષિણ ગુજરાતમાં સુરતમાં બેકરીઓ શરૂ કરી. આ બેકરીઓ ધમધમતી રાખવા તેમણે પારસીઓને પણ બેકરી આઈટમ્સ બનાવવાનું કામ શીખવી દીધું કારણ કે, બેકરી આઈટમ્સમાં છૂટથી વપરાતા ઇંડાની પારસીઓને આભડછેટ નહોતી. આ ઉપરાંત માંસાહારના શોખીન ડચ લોકો સાથે સાંસ્કૃતિક રીતે પણ પારસીઓ વધુ નજીક હતા. ટૂંકમાં, પારસીઓને બેકરીઓમાં કામ કરવામાં વાંધો ન હતો.  

ત્યાર પછી ઈસ. ૧૮૨૫ની આસપાસ દક્ષિણ ગુજરાતમાં અંગ્રેજો અને બીજા યુરોપિયન વેપારીઓનો પ્રભાવ વધ્યો એટલે ડચ વેપારીઓ ધીમે ધીમે સ્વદેશ જતા રહ્યા. આ દરમિયાન તેમણે પોતાની માલિકીની મોટા ભાગની બેકરીઓ પારસીઓને વેચી દીધી, જેમાં ફરામજી પેસ્ટનજી દોતીવાલા નામના એક પારસી સજ્જન પણ સામેલ હતા. દોતીવાલા પણ ડચ કારીગરો પાસેથી જ કન્ફેક્શનરી બનાવવાનું શીખ્યા હતા. આજેય સુરતના પાર્લે નાનપુરા, પાર્લે પોઇન્ટ અને વરાછા રોડ પર દોતીવાલા બેકર્સ એન્ડ કન્ફેક્શનર્સ શોપ આવેલી છે. છેલ્લાં ૨૦૦ વર્ષથી દોતીવાલા પરિવાર આ બિઝનેસમાં છે. અત્યારે દોતીવાલા પરિવારની છઠ્ઠી પેઢી આ કારોબાર ચલાવી રહી છે.


સુરતની દોતીવાલા બેકરી

દોતીવાલા પરિવારે પેઢી દર પેઢી આપેલી માહિતી પ્રમાણે, ડચ વેપારીઓ જતા રહ્યા પછીયે દોતીવાલા જેવા અનેક પારસી બેકર્સે સુરતમાં બેકરી આઈટમ્સ વેચવાનું ચાલુ રાખ્યું હતું. તેઓ થોડા ઘણાં ડચ પરિવારો અને યુરોપિયનોને બ્રેડ સપ્લાય કરતા, પરંતુ સમય જતાં બ્રેડનું વેચાણ ખાસ્સું ઘટી ગયું કારણ કે, જુદા જુદા પ્રકારની બ્રેડમાં ઝડપથી આથો લાવવા તાડી (તાડનો દારૂ)નો મોટા પાયે ઉપયોગ થતો અને મોટા ભાગના સ્થાનિકો દારૂના સેવનથી દૂર રહેતા. પારસીઓની ઘણી બધી બ્રેડ વેચાયા વિના પડી રહેતી અને ભેજનું પ્રમાણ ઘટતા સૂકાઈને કડક થઈ જતી. જોકે, એ બ્રેડ ખાવામાં પણ કંઇ નુકસાન હતું એટલે પારસી બેકર્સ સૂકી બ્રેડ નજીવી કિંમતે સ્થાનિકોને વેચી દેતા. તેઓ ગરમાગરમ ચ્હા કે દૂધમાં સૂકી બ્રેડ બોળીને ખાતા. સૂકી બ્રેડ હલ્કીફૂલ્કી અને ક્રિસ્પી હતી એટલે જોતજોતામાં ખાસ્સી લોકપ્રિય થઈ ગઈ. સૂકી બ્રેડ આજની સ્વિટ બ્રેડ કે ડ્રાય કેક જેવી હશે એવું અનુમાન કરી શકાય.

એ પછી તો પારસી બેકર્સે સ્પેશિયલ સૂકી બ્રેડનું જ ઉત્પાદન ચાલુ કર્યું અને બ્રેડમાંથી ભેજ કાઢવા ઓવનનો ઉપયોગ કર્યો. સૂકી બ્રેડની માંગના પગલે તેમણે નાના બિસ્કિટ જેવા આકારમાં તેનું ઉત્પાદન કર્યું. ઓવનના કારણે બ્રેડમાં જોઇએ એટલી ડ્રાયનેસ અને ટેક્ચર મેળવી શકાતા. સમય જતાં આ સૂકી બ્રેડમાં માખણ, મલાઈ જેવા તત્ત્વો ઉમેરાયા અને નાનખટાઈનો જન્મ થયો. એ જમાનામાં તબીબો પણ બિમાર લોકોને શક્તિ માટે નાનખટાઇ ખાવાનું સૂચન કરતા કારણ કે, એ પચવામાં હલકી હતી. નાનખટાઇની લોકપ્રિયતા પાછળ આ પણ એક મહત્ત્વનું કારણ છે. ડચ લોકો માટે બનતી અમુક બ્રેડ એગલેસ પણ હતી.


સીધુસાદુ કવરપેજ પેજ ધરાવતું સુંદર પુસ્તક

પારસી ઈતિહાસકારોની નોંધોમાં પણ દોતીવાલા પરિવારે આપેલી માહિતીને ટેકો મળે છે અને આ સિવાય કેટલીક વધુ માહિતી મળે છે. જેમ કે, 'ઈટ લિવ પ્રે: અ સેલિબ્રેશન ઓફ જરથુ્રસ્તી કલ્ચર એન્ડ ક્યુઝિન' નામના પુસ્તકના લેખિકા ફરિશ્તા મર્ઝબાન દિનશૉનું (પાના નં.૨૩) કહેવું છે કે, ડચ વેપારીઓ વહાણમાં દૂર સુધી પ્રવાસ કરે ત્યારે બ્રેડ સાથે રાખતા કારણ કે, તે બ્રેડ ઝડપથી બગડતી (તાડીનો ઉપયોગ થયો હોવાથી) નહીં. ડચ પરિવારો જતા રહ્યા પછી સુરતી બેકર્સને લાગ્યું કે, ઇંડા નહીં ખાતા સ્થાનિકોને સૂકી બ્રેડ જેવી વાનગીઓનું વેચાણ કરી શકાય છે. એ પછી તેમણે એગલેસ બ્રેડમાં એલચી, કાજુ, બદામ અને પિસ્તા નાંખીને સ્થાનિકોના સ્વાદ પ્રમાણેની એક નવી જ વાનગી બનાવી. એ હતી નાનખટાઈ.

આજે તો બજારમાં મેંદો, ઇંડા અને ચણાના લોટમાંથી બનેલી નાનખટાઇ પણ મળે છે, પરંતુ મૂળ નાનખટાઇમાં ઘઉં-ચોખાનો લોટ, ઘી અથવા માખણ, ખાંડ, દૂધ, મલાઇ, મીઠું, મધ અને બેકિંગ પાઉડરનો  જ ઉપયોગ થાય છે. પારસી પરિવારોમાં નાનખટાઇ 'ફરમાસુ સુરતી બતાસા' નામે પણ ઓળખાય છે. સુરતમાં નાનખટાઇના ભાઇ જેવા બીજા પણ એક બિસ્કિટ અસ્તિત્વમાં આવ્યા છે, જે બટર બિસ્કિટ તરીકે પ્રચલિત છે.

અચ્છા આ બિસ્કિટને નાનખટાઈ નામ કેવી રીતે મળ્યું હશે? સાંસ્કૃતિક આદાનપ્રદાનનો ઈતિહાસ તપાસતા માલુમ પડે છે કે, મૂળ ઈરાનના પારસીઓ ભારત આવ્યા એ પહેલાં પણ બ્રેડ જેવી કેટલીક ચીજો બનાવવાના જાણકાર હતા જ. આજેય ઇરાનની બ્રેડ બનાવવાની, ખાવાની અને પીરસવાની સંસ્કૃતિ અત્યંત સમૃદ્ધ છે. એટલે જ કહેવાય છે  કે, બ્રેડ મેકિંગ એ ઇરાનનો બીજો ધર્મ છે. બ્રેડ બનાવતા આવડતી હોય તો તમે પર્શિયન રૂપસુંદરનું પણ દિલ જીતી શકો છો. ઇરાનમાં બ્રેડ માટે 'નાન' શબ્દ છે. એવી જ રીતે, અફઘાનિસ્તાનની પશ્તો ભાષામાં બિસ્કિટ માટે 'ખટાઈ' શબ્દ છે. એટલે પારસીઓએ સૂકી બ્રેડ જેવા બિસ્કિટને નામ આપ્યું નાનખટાઈ. શરૂઆતમાં આ બિસ્કિટ 'કુલચા એ ખટાઇ' (કુલચા જેવા પોચા પોચા બિસ્કિટ) જેવા પર્શિયન નામે ઓળખાતા કારણ કે, ભારતીય ઉપખંડમાં પારસીઓ, યુરોપિયનો અને ભારતીયોના એકબીજાના સંપર્કમાં આવ્યા પછી મેંદામાં યિસ્ટ નાંખીને બનાવાતી બ્રેડ પણ અસ્તિત્વમાં આવી હતી. એ બ્રેડ કુલચા તરીકે ઓળખાતી.

આમ, નાન-કુલચા અને નાનખટાઈ જેવા શબ્દો અને વાનગીઓ અનેક સંસ્કૃતિઓના સમન્વય પછી અસ્તિત્વમાં આવ્યા છે. 

18 October, 2017

લેન્ડફિલ સાઇટ્સઃ ગાંડા વિકાસનું જીવતુ જાગતું ઉદાહરણ


એનડીએ સરકારના અત્યંત મહત્વના અને મહત્ત્વાકાંક્ષી સ્વચ્છ ભારત અભિયાન હેઠળ પ્રજાને જાહેરમાં કચરો નહીં ફેંકવાની, ઘરમાં જાજરૂ બનાવવાની અને ખુલ્લામાં હાજતે નહીં જવાની સલાહ આપવામાં આવે છે. આજેય પ્રજાને ખુદ વડાપ્રધાને વારંવાર આવી અપીલો કરવી પડે છે. આ બધી બાબતો જરૂરી છે પણ સ્વચ્છ ભારત અભિયાન હેઠળ દરેક નાગરિકને ઓછામાં ઓછો કચરો પેદા કરવાની પણ સલાહ આપવામાં આવે છે. સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવવા માટે આ પણ અત્યંત મહત્ત્વનો મુદ્દો છે.

કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે વેબસાઇટ પર જાહેર કરેલા આંકડા પર નજર કરતા જણાય છે કે, ભારતમાં વિકાસ ખરેખર ગાંડો થયો છે. દેશમાં વર્ષેદહાડે ૬.૨૦ કરોડ ટન કચરો પેદા થાય છે. ટૂંકમાં મ્યુનિસિપાલિટીઓમાં આટલો નોંધાય છે, નહીં નોંધાતો અને રસ્તા પર પડ્યો રહેતો કચરો તો અલગ! આ ૬.૨૦ કરોડમાંથી એક કરોડ ટન કચરો દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, હૈદરાબાદ અને કોલકાતા એમ ફક્ત પાંચ જ શહેરો પેદા કરે છે. એકલા દિલ્હીમાં જ વર્ષે વર્ષે ૩૦.૩ લાખ ટન કચરો ઉત્પન્ન થાય છે. આ જ ગતિથી દિલ્હીવાસીઓ કચરો પેદા કરશે તો એક દાયકા પછી રાજધાનીમાં દર વર્ષે ૧૬.૫૦ કરોડ ટન કચરો પેદા થતો હશે. આટલો કચરો ઠાલવવા દિલ્હીએ ૨૦૩૦ સુધીમાં ૬૫ હજાર હેક્ટરમાં ફેલાયેલી અને દસ મીટરની ઊંચાઈ સુધી કચરો નાંખી શકાય એવી બીજી એક લેન્ડફિલ સાઇટ તૈયાર રાખવી પડે. આખા શહેરનો કચરો નાંખવાના સ્થળને લેન્ડફિલ સાઇટ કે ડમ્પિંગ ગ્રાઉન્ડ કહેવાય. 

અમદાવાદ શહેર માંડ ૪૬,૪૧૬ હેક્ટરમાં ફેલાયેલું છે એટલે આપણે કલ્પના કરી શકીએ છીએ કે, દિલ્હીના કચરાનો નિકાલ કરવા કેવી મજબૂત વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ જોઈએ! દિલ્હી મ્યુનિસિપાલિટી ૬૫ હજાર હેક્ટર લેન્ડફિલ સાઇટ શોધી કાઢે તો તે પણ વીસ વર્ષમાં ભરાઈ જાય. મેગા સિટીમાં બધી જ સુખસુવિધાની સાથે વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ પણ જડબેસલાક હોવી સૌથી વધારે રૂરી છે. દેશમાં કચરો નાંખવાનો સૌથી મોટો, આશરે ૪૬૫ હેક્ટરમાં ફેલાયેલો, લેન્ડફિલ એરિયા ચેન્નાઇ પાસે છે. એ પછી ગ્રેટર મુંબઇ (૧૪૦), હૈદરાબાદ (૧૨૧.૫) અને દિલ્હી (૬૬.૪) જેવા શહેરોનો નંબર આવે છે. અત્યારે દેશના બધા જ મોટા શહેરોની લેન્ડફિલ સાઇટ ઓવરફ્લો છે અને તેના કારણે પડતી મુશ્કેલીઓ અપરંપાર છે.



અમદાવાદનો જ દાખલો લઈએ. અમદાવાદની ડમ્પિંગ સાઇટ પીરાણામાં આવેલી છે. ૮૪ હેક્ટરમાં ફેલાયેલી પીરાણા ડમ્પિંગ સાઈટ આશરે ૬૫ હેક્ટર જમીન પર ૧૯૮૦થી કચરો નાંખવામાં આવે છે. છેલ્લી વસતી ગણતરી પ્રમાણે અમદાવાદની વસતી હતી, ૫૫.૭૧ લાખ. આટલા અમદાવાદીઓ રોજનો આશરે ૪,૨૦૦ ટન (૪૨ લાખ કિલો) કચરો ઉત્પન્ન કરે છે. હજુ થોડા વર્ષો પહેલાં રોજનો ૨,૪૦૦ ટન કચરો પેદા થતો હતો, જેમાંથી માંડ ૪૦૦ ટન કચરો પ્રોસેસ થતો અને બાકીનો ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ફેંકી દેવાતો. અત્યારે પીરાણા ડમ્પિંગ ગ્રાઉન્ડની ઊંચાઈ (જમીનની નીચે ખાડો કરીને દાટેલા કચરાથી ટોચ સુધી) ૫૫ મીટર જેટલી થઈ ગઈ છે.

પીરાણા લેન્ડફિલ સાઇટ પર વારંવાર આગ લાગે છે, જેના કારણે હવામાં ઝેરી વાયુઓ ભળે છે. અમદાવાદીઓએ ઔદ્યોગિક ગૃહો, વાહનોની સાથે લેન્ડફિલ સાઇટની આગમાંથી પેદા થતી ઝેરી હવા પણ શ્વાસમાં ભરવી પડે છે. આ આગ બુઝાવવા દર મહિને આશરે ૩૦૦ ટેન્કર પાણીનો વેડફાટ થાય છે. પાણીના કારણે ઝેરી રસાયણો જમીનમાં વધારે ઊંડે સુધી ઉતરે છે અને આસપાસના વિસ્તારના ભૂગર્ભજળને પણ ઝેરી કરે છે. ચોમાસામાં તો પીરાણા નર્કાગારમાં ફેરવાય છે. વરસાદી પાણીના કારણે વધુને વધુ ઝેરી રસાયણો જમીનમાં ઉતરે છે અને કચરાના દુર્ગંધ મારતા ઢગલા રસ્તા પર પડે છે. ભારતના વાતાવરણમાં વીસેક ટકા મિથેન ગેસ પણ લેન્ડફિલ સાઇટમાંથી પેદા થાય છે. ગ્લોબલ વૉર્મિંગમાં મિથેન અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. થોડા સમય પહેલાં ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી કે, પીરાણા ડમ્પિંગ સાઇટ પર 'સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ ૨૦૧૬'નું ઉલ્લંઘન થાય છે.

આ તો એક લેન્ડફિલ સાઇટની વાત થઈ, પરંતુ દેશની લગભગ બધી જ લેન્ડફિલ સાઇટ પર જાહેર આરોગ્ય અને પર્યાવરણ જાળવી રાખવા માટે બનાવેલા નીતિનિયમોનું સરેઆમ ઉલ્લંઘન થાય છે. ગયા મહિને દિલ્હીના ગાઝીપુરમાં ૧૬ માળ ઊંચો કચરાનો ડુંગર પડવાથી વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. થયું એવું કે, કચરાનો ડુંગર નજીકની કેનાલમાં પડ્યો, જેના કારણે રસ્તા પર કાદવ કીચડ ધરાવતા ગંદા પાણીનું પૂર ઊમટ્યું. આ દરમિયાન કેનાલ નજીકથી પસાર થતી એક કાર અને ત્રણ ટુ વ્હિલર સાથે કુલ ચાર લોકો તણાઇ ગયા, જેમાં બેને માંડ બચાવાયા અને બે કમોતે માર્યા ગયા. આ અકસ્માતમાં બે વ્યક્તિની લાશ શોધવા ફાયર ફાઇટર્સ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનોએ ત્રણ કલાક સુધી કેનાલમાં સર્ચ ઓપરેશન કર્યું હતું.

આ તો મ્યુનિસિપાલિટીઓની લેન્ડફિલ સાઇટની વાત થઈ. એ સિવાય પણ શહેરોમાં જ્યાં ને ત્યાં કચરાના ઢગલા કરાયા હોય છે. આ નાના-મોટા ઢગલા પણ લેન્ડફિલ સાઇટ્સના જ સગાવ્હાલા છે. પહેલી ઓક્ટોબરે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં કચરાનો ઢગલો સળગતા ત્યાં બેઠેલી એક ગાય જીવતી સળગી ગઈ. આ ઘટના પછી લોકલાગણી દુભાઈ ગઈ, સ્થાનિકો ભેગા થયા, તંગદિલી વધી અને પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવવો પડ્યો. ગાયના મોતથી ગુસ્સે થયેલા લોકોએ મ્યુનિસિપાલિટી સામે રોષ વ્યક્ત કર્યો. પછી પોલીસે તપાસ શરૂ કરી કે, આગ લાગી કેવી રીતે? કોઈએ આગચંપી કરી હતી કે જાતે જ લાગી હતી? વગેરે.

આ જ કચરાના ઢગલા આપણું પાણી અને હવા ઝેરી બનાવી પર્યાવરણની ઘોર ખોદે છે, આ જ ઢગલામાંથી વારંવાર ત્યજી દેવાયેલા બાળકો મળે છે, આ જ ઢગલામાં કૂતરા માસૂમોને ફાડી ખાય છે અને આ જ ઢગલામાં ગરીબોના બાળકો કૂતરા સાથે ખાવાનું શોધતા શોધતા મોટા થાય છે, પરંતુ ત્યારે નિંભર પ્રજાની લાગણી દુભાતી નથી. જાહેર આરોગ્ય માટે પણ આ બધું જોખમી જ છે, પરંતુ પગ તળે રેલો ના આવે ત્યાં સુધી આપણે જાગીએ જ નહીં એવી પ્રજા છીએ. આપણે વિઝનરી નહીં, ટૂંકી દૃષ્ટિના સ્વાર્થી લોકો છીએ. દેશ એટલે શું? દેશ એટલે ફક્ત હું નહીં, પણ આપણે બધા જ. ફક્ત આટલું સમજીશું તો પણ દેશમાં અમીરો-ગરીબો વચ્ચેની આર્થિક ખાઇ ઘટશે અને દરેક મેગા સિટી સ્માર્ટ અને રહેવાલાયક બનાવી શકીશું. ભારતમાં લેન્ડફિલ સાઇટની આસપાસ ફક્ત ગરીબો નહીં, મધ્યમ વર્ગીય લોકો પણ રહે છે. એ લોકો મ્યુનિસિપાલિટીને કરવેરા ચૂકવે છે અને તેમના ઘરમાં કાયદેરસના વીજ જોડાણો પણ છે, પરંતુ ધાર્મિક લાગણી દુભાય નહીં ત્યાં સુધી તેઓ એક થતા નથી.

પર્યાવરણના નીતિનિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતી લેન્ડફિલ સાઇટ શહેરથી દૂર હોય તો પણ આપણા આરોગ્યને ભારે નુકસાન પહોંચાડે છે, તો આપણે જેનું પાણી પીએ છે એ નદીઓ નજીક લેન્ડફિલ સાઇટ હોય તો શું હાલ થાય? હા, આપણા દેશમાં લેન્ડફિલ સાઇટ ‘પવિત્ર’ નદી નજીક પણ હોઈ શકે છે. કચરો નાંખવાની જગ્યા ખૂટી પડતા ઈસ્ટ દિલ્હી મ્યુનિસિપિલ કોર્પોરેશને પવિત્ર યમુના નદી નજીક લેન્ડફિલ સાઇટ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. સદ્નસીબે 'યમુના જિયે અભિયાન' સંસ્થાએ તેનો વિરોધ કર્યો અને કેસ અદાલતમાં ગયો. જોકે, દિલ્હી કોર્પોરેશનના અધિકારીઓ હજુયે અદાલત અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને એ સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છે કે, નવી લેન્ડફિલ સાઇટની ખાસ જરૂર હોવાથી અમને મંજૂરી આપી દો. યમુના કિનારે તો યમુના કિનારે. નિષ્ણાતોનું કહેવું છે કે, દિલ્હીના ત્રણેય કોર્પોરેશન સાથે મળીને સરળતાથી દિલ્હી નજીક લેન્ડફિલ સાઇટ શોધી શકે છે, પરંતુ તેમને 'શોર્ટ કટ' અપનાવવો છે.

આ સ્થિતિમાં આપણી પાસે ફક્ત બે જ મહત્ત્વના ઉપાય છે. ૧. ઓછામાં ઓછો કચરો પેદા કરો અને ૨. સૂકો અને લીલો કચરો જુદો પાડવામાં મ્યુનિસિપાલિટીને મદદ કરો, જેથી વધુને વધુ રિસાયકલિંગ થઈ શકે. દેશભરની મ્યુનિસિપાલિટીઓ ઘરે ઘરેથી સૂકો અને લીલો કચરો ભેગો કરવાની પદ્ધતિમાં ફેરફાર કરવાના પ્રયાસ કરી રહી છે, પરંતુ તેમાં લોકોનો સાથ મળી નથી રહ્યો. આ ઉપરાંત ઓછામાં ઓછો કચરો પેદા કરવામાં પણ પ્રજાનો સહકાર નથી મળી રહ્યો એવી મ્યુનિસિપાલિટીઓ ફરિયાદ કરી ચૂકી છે. ભોજન, શાકભાજી, ફળફળાદિ વગેરે કચરો સહેલાઇથી રિ-સાયકલ થઇ શકે. એ માટે જુદી કચરાપેટી રાખવી જોઈએ. એવી જ રીતે, કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન વેસ્ટ તરીકે ઓળખાતો માટી, રેતી, ઢેખારા, સિમેન્ટ, ઢેખારા અને કપચીનો કચરો પણ લેન્ડફિલ સાઇટ સુધી પહોંચવો ના જોઈએ. દેશમાં દર વર્ષે લાખો ટન પ્લાસ્ટિકનો કચરો પણ પેદા થાય છે. આપણે શક્ય એટલો પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમમાં મજબૂત બનાવવામાં સાથ આપી શકીએ. વિકસિત દેશોએ પણ કચરાના નિકાલ માટે ઓછો કચરો પેદા કરવો અને વધુમાં વધુ રિસાયકલિંગ કરવું, એ જ પદ્ધતિ અપનાવી છે કારણ કે, બીજો કોઈ ઉપાય જ નથી. આ સિસ્ટમ વિકસાવવા મ્યુનિસિપાલિટીઓએ પણ ઈનોવેટિવ એટિટ્યુડ અપનાવવાની જરૂર છે.

કર્ણાટકના મૈસુરુનું ઉદાહરણ જુઓ. મૈસુરુ દેશના સૌથી સ્વચ્છ શહેરોમાંનું એક છે. મૈસુરુમાં આશરે બે હજાર ઘર ધરાવતો કુમ્બરકોપ્પલ નામનો વિસ્તાર છે. અહીંના દરેક ઘરમાં સૂકો અને લીલો કચરો જુદો જ રખાય છે. આ કચરો સ્ત્રી શક્તિ નામની એક સંસ્થાની મહિલા કાર્યકરો ઘરે ઘરે જઇને ભેગો કરી લે છે. આ કામ માટે મહિલાઓને તો પગાર અપાય જ છે, પરંતુ દરેક ઘરને પણ કચરો જુદો પાડવાના કામમાં મદદ કરવા ટોકન ફી અપાય છે. આ પ્રયોગની અસર એવી થઈ કે, હવે કુમ્બરકોપ્પલના બે હજાર ઘરમાંથી ફક્ત પાંચ જ ટકા કચરો લેન્ડફિલ સાઇટ પર જાય છે. બાકીના ૯૫ ટકા રિસાયકલ વેસ્ટને સંસ્થા વેચી દે છે અને નફો કરે છે. આ નફામાંથી તેઓ મહિલા કાર્યકરોના સામાજિક કલ્યાણનું કામ કરે છે. આવા વધુને વધુ પ્રયોગોથી સ્થાનિક લેન્ડફિલ સાઇટનું આયુષ્ય વધી શકે છે, જે પર્યાવરણ માટે અને છેવટે આપણા બધા માટે ફાયદાકારક છે. 

આ પ્રયોગની દેશભરમાં વાહવાહી થઈ છે, પરંતુ આપણે બધા જ આપણો દેશ ચોખ્ખો રાખવા પૈસા લીધા વિના (વાંચો, કોઈ સ્વાર્થ વિના) ઓછો કચરો પેદા કરવામાં કે કચરો જુદો પાડવાની પ્રક્રિયામાં મદદરૂપ ના થઈ શકીએ?

નોંધઃ પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે 

09 October, 2017

ગાંધીજીની ત્રણ વાંદરાની મૂર્તિમાંથી ગાયબ ચોથો વાંદરો


ગાંધીજીને ત્રણ વાંદરાની મૂર્તિ જાપાનીઝ સાધુ નિચિદાત્સુ ફૂજીએ ભેટમાં આપી હતી. એ જાપાનીઝ સાધુ ફૂજી અને ગાંધીજીની મુલાકાત વિશે ગયા અઠવાડિયે આ કોલમમાં વાત કરાઈ હતી. આ સાથે ગાંધીજી અને ફૂજી વચ્ચે થયેલી વાતચીત, બૌદ્ધ ધર્મ વિશે ગાંધીજીની માન્યતા, મહારાષ્ટ્રના સેવાગ્રામ આશ્રમમાં ફૂજી અંતેવાસી બનીને રહ્યા એ તેમજ ભારત-જાપાન સંબંધ મજબૂત કરવામાં ફૂજીનું પ્રદાન જેવા વિવિધ મુદ્દે પણ ચર્ચા થઈ ગઈ. હવે વાત, ગાંધીજીના ત્રણ વાંદરાની.  

ફૂજીએ ગાંધીજીને આપેલા ત્રણ વાંદરા બૌદ્ધ ધર્મનું અત્યંત પ્રાચીન પ્રતીક છે. જાપાનના પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં ખોટું જોવું નહીં, ખોટું સાંભળવું નહીં અને ખોટું બોલવું નહીં, એ સિદ્ધાંત ભારપૂર્વક કહેવાયો છે. 'થ્રી વાઈઝ મન્કીઝ' (ત્રણ ડાહ્યા વાંદરા) કે 'થ્રી મિસ્ટિક એપ્સ' (ત્રણ રહસ્યમય વાંદરા) જેવા નામે ઓળખાતા આ ત્રણેય વાંદરા સંયુક્ત રીતે એ જ સંદેશ આપે છે. એક જ વાનરની મૂર્તિ આ ત્રણેય સંદેશ એકસાથે ના આપી શકે કારણ કે, વાનરને પણ માણસની જેમ બે જ હાથ હોય એવી કલ્પના કરાઈ છે. આ કારણસર ઋષિઓ, ધર્મગુરુઓએ ત્રણ વાંદરાના છ હાથની મદદથી આપણને ઉપરોક્ત ત્રણ સંદેશ આપ્યા! જોકે, ચીનના પ્રાચીન સાહિત્યમાં ચોથો સંદેશ આપતા ચોથા વાંદરાનો પણ ઉલ્લેખ મળે છે. તો પછી એ મૂર્તિમાંથી ચોથો વાંદરો ગયો ક્યાં? આ સવાલનો જવાબ મેળવતા પહેલાં વાંદરાની મૂર્તિનો ઉદ્ભવ કેવી રીતે થયો એ વિશે વાત કરીએ.   

જાપાનના ૧૭મી સદીમાં બંધાયેલા તોશો-ગુ મંદિરના
દરવાજા પર જોવા મળતા ત્રણ વાંદરા 

ભારતમાં જોવા મળતી ત્રણ વાંદરાની મૂર્તિમાં મોટા ભાગે લંગુર નામની પ્રજાતિના વાંદરા હોય છે. લંગુર એટલે ભારતભરમાં જોવા મળતા કાળા મ્હોંવાળા વાંદરા. જોકે, આ મૂર્તિનો ઉદ્ભવ જાપાનમાં થયો હોવાથી તેમાં જોવા મળતા ત્રણ વાંદરા હકીકતમાં જાપાનમાં મોટા પાયે જોવા મળતા લાલ મોંઢાવાળા 'મકાક' છે. મકાક અત્યંત ઠંડા વિસ્તારોમાં રહી શકતા હોવાથી 'સ્નો મન્કી' તરીકે પણ ઓળખાય છે. પ્રાચી જાપાનીઝ સાહિત્યમાં આ ત્રણેય વાંદરાના નામના પણ ઉલ્લેખ છે. હાથથી આંખો બંધ કરનારો વાંદરો 'મિઝારુ' છે, કાન બંધ કરનારો 'કિકાઝારુ' છે અને મ્હોં ઢાંકનારો 'ઇવાઝારુ' છે. જાપાનીઝ ભાષામાં 'ઝારુ'નો અર્થ 'ના કરો' એવો થાય છે. એશિયામાં ચીન, જાપાન સહિતના દેશોમાં બૌદ્ધ ધર્મના પણ અનેક ફાંટા પડ્યા છે. આવા અનેક ધર્મો, સંપ્રદાયોમાં ત્રણ વાંદરા શું સંદેશ આપે છે એ વિશે જુદા જુદા ઉલ્લેખો વાંચવા મળે છે. આ ત્રણેય વાંદરા આધ્યાત્મિક સંદેશ આપવાનું પ્રતીક કેવી રીતે બન્યા એ વિશે ચોક્કસ માહિતી મળતી નથી, પરંતુ અતિ પ્રાચીન ઉલ્લેખો જરૂર મળે છે.

ચીનના તાઓ અને જાપાનના શિન્ટો ધર્મનો પ્રભાવ ધરાવતા કોશિન નામના સંપ્રદાયના દસમી સદીના શિલાલેખોમાં પણ ત્રણ વાંદરાના ચિત્રો જોવા મળે છે. જાપાનની રાજધાની ટોક્યોની આસપાસ કોશિન સંપ્રદાય સાથે સંકળાયેલા અનેક શિલાલેખો આજેય અડીખમ ઊભા છે. જાપાનના નિક્કો શહેરમાં ૧૭મી સદીમાં બંધાયેલા તોશો-ગુ મંદિરના દરવાજાના ઉપરના ભાગમાં પણ ત્રણ વાંદરા કોતરેલા છે. કોતરણી કામ માટે જાણીતું આ મંદિર શિન્ટો ધર્મ સાથે સંકળાયેલું છે. આધુનિક શિન્ટો ધર્મ પર કોન્ફ્યુસિયસ, તાઓ, બૌદ્ધ અને હિંદુ ધર્મની પણ અસર છે, પરંતુ આ ધર્મના  ઉદ્ભવના તાર છેક સાતમી સદી સુધી જાય છે. આજે જાપાનની ૮૦ ટકા વસતી શિન્ટો ધર્મ પાળે છે. નાનકડા જાપાનમાં શિન્ટો ધર્મના ૮૧ હજાર સ્થાનકો છે, જ્યારે શિન્ટો સાધુઓની સંખ્યા ૮૫ હજાર છે. શિન્ટો ધર્મ સાથે સંકળાયેલા અનેક તીર્થસ્થાનોમાં ત્રણ વાંદરાની મૂર્તિ, કોતરણી કે ચિત્રો જોવા મળે છે.

એવું કહેવાય છે કે, કોન્ફ્યુસિયસ ધર્મ સાથે સંકળાયેલા ત્રણ વાંદરા તેન્ડાઈ સાધુઓ થકી જાપાન પહોંચ્યા હતા. મહાયાન બૌદ્ધ સંપ્રદાયના ચાઈનીઝ સાધુઓ સાતમીથી આઠમી સદી વચ્ચે જાપાનમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો કરવા ગયા ત્યારે તેન્ડાઈ ધર્મ અસ્તિત્વમાં આવ્યો હતો. શિન્ટો અને તેન્ડાઈ ધર્મમાં વાનરને ભગવાનનો સંદેશાવાહક મનાયો છે. ચાઈનીઝ કેલેન્ડર પ્રમાણે દર બાર વર્ષે વાનરનું વર્ષ આવે છે. એવી જ રીતે, જાપાનના કોશિન સંપ્રદાયમાં દર ૧૬ વર્ષે વાનરનું વર્ષ ઊજવાય છે. આમ, ચીન-જાપાનની ધાર્મિક પરંપરામાં વાનરને મળેવા મહત્ત્વ પાછળ બૌદ્ધ ધર્મ જવાબદાર છે, જ્યારે બૌદ્ધ ધર્મ પર હિંદુ ધર્મનો પ્રભાવ વર્તાય છે. વાનરની (હનુમાનજી) પૂજા થતી હોય એવા સૌથી પ્રાચીન ઉલ્લેખો હિંદુ ધર્મમાં છે.

પરંપરાગત પોષાકમાં સજ્જ શિન્ટો સંપ્રદાયના સાધુ

હવે પેલા ચોથા વાંદરાની વાત કરીએ. જાપાનીઝ સંસ્કૃતિમાં ત્રણ વાંદરા જે સંદેશ આપે છે, એવા જ સંદેશનો સૌથી પ્રાચીન ઉલ્લેખ ચીનમાં બીજી સદીમાં લખાયેલા કોન્ફ્યુસિયસ સાહિત્યમાં વાંચવા મળે છે. કોન્ફ્યુસિયસ ધર્મમાં કહેવાયું છે કે, 'જે ઉચિત નથી એ તરફ જુઓ નહીં, જે ઉચિત નથી એ સાંભળો નહીં, જે ઉચિત નથી એ બોલો નહીં અને જે ઉચિત નથી એ કરો નહીં.' આ ચોથો સંદેશ પેલો ચોથો વાંદરો આપે છે. વિશ્વની બીજી કેટલીક સંસ્કૃતિઓમાં પણ આવા ચાર સંદેશનો ઉલ્લેખ મળે છે. હંગેરીના એશિયન ગોલ્ડ મ્યુઝિયમમાં અત્યારે પણ એક ચાર આદિમાનવોની એક સોનાની મૂર્તિ સચવાયેલી છે. આ મૂર્તિ પણ ખોટું નહીં જોવાની, ખોટું નહીં સાંભળવાની, ખોટું નહીં બોલવાની અને ખોટું નહીં કરવાની સલાહ આપે છે.

જાપાનના અમુક તીર્થસ્થાનોમાં પણ ચોથો વાંદરો દર્શાવાયો હોય છે. એવા પણ ઉલ્લેખ મળે છે કે, આ ચોથા વાંદરાનું નામ 'શિઝારુ' છે, જે બે હાથથી ગુપ્તાંગો ઢાંકીને 'દુષ્ટ કામ ના કરો' એવો સંદેશ આપે છે. બીજી એક માન્યતા એ પણ છે કે, આ વાંદરો ‘તમારા આનંદ પ્રમોદનું પ્રદર્શન ના કરો’ એવો સંદેશ આપે છે. હવે સવાલ એ છે કે, મૂર્તિમાંથી આ ચોથો વાંદરો નીકળી કેમ ગયો? એક થિયરી પ્રમાણે, ચોથો વાંદરો શિઝારુ ગુપ્તાંગો છુપાવી રહ્યો છે, જે થોડું વિચિત્ર કે અસામાન્ય લાગી રહ્યું છે. સમય જતાં હિંદુ કે બૌદ્ધ ધર્મગુરુઓને એ અયોગ્ય લાગ્યું હોઈ શકે. આ કારણસર સમય જતાં તેને મૂર્તિમાંથી નીકાળી દેવાયો હશે! શિઝારુ ભૂલાઈ ગયો એની પાછળનું સૌથી પ્રચલિત કારણ આ જ અપાય છે.

બૌદ્ધ ધર્મના પ્રખર અભ્યાસુ ઓશો રજનીશના પ્રવચનોમાં પણ ચોથા વાંદરાની વાત સાંભળવા મળે છે. એકવાર ઓશોએ દાવો કર્યો હતો કે, માણસોને સંદેશ આપતા વાંદરા મૂળ હિંદુ ધર્મની કલ્પના છે. બૌદ્ધ સાધુઓ થકી પ્રતીક ચીન, જાપાન અને પછી સમગ્ર એશિયામાં ફરી વળ્યું. હિંદુ ધર્મમાં કુલ ચાર વાંદરાની કલ્પના છે. પેલા ત્રણ વાંદરા આંખ, કાન અને મ્હોં ઢાંકે છે, જ્યારે ચોથો વાંદરો પોતાના ગુપ્તાંગો ઢાંકે છે. બૌદ્ધ માન્યતા પ્રમાણે, આ ચોથો વાંદરો સંદેશ આપે છે કે, કશું ખોટું ન કરો. જોકે, હિંદુ માન્યતા પ્રમાણે ચોથો વાંદરો કહે છે કે, તમારા આનંદ, ભોગવિલાસને છુપાવીને રાખો. તેનું પ્રદર્શન ના કરો.

ત્રણ નહીં, ચાર વાંદરા

કવાર ઓશોએ હળવા અંદાજમાં કહ્યું હતું કે, એકવાર હું ગાંધીના આશ્રમે ગયો ત્યારે તેમના પુત્ર રામદાસ મને આસપાસની ચીજો બતાવતા હતા. એ વખતે તેમણે મને પેલા ત્રણ વાંદરાની મૂર્તિ પણ બતાવી. એ વખતે મેં રામદાસને પૂછ્યું કે, આ ત્રણ વાંદરામાંથી ચોથો વાંદરો ક્યાં ગયો? ત્યારે રામદાસે જવાબ આપ્યો કે, હજુ સુધી કોઈએ ચોથા વાંદરા વિશે પૂછ્યું નથી. પછી મેં રામદાસને કહ્યું કે, ચોથો વાંદરો ભાગી ગયો હોવો જોઈએ. ઘણી શક્યતાઓ છે. અથવા તો ગાંધીએ જ મૂર્તિમાંથી ચોથો વાંદરો કાપી નાંખ્યો હોવો જોઈએ કારણ કે, ભારતના સંદર્ભમાં એ ચોથો વાંદરો બરાબર ન હતો. એ વાંદરાએ ગુપ્તાંગ છુપાવી રાખ્યા હતા. એ પરાણે બ્રહ્મચર્ય પાળતો હતો. એ પછી એકવાર હું મોરારજી દેસાઈને મળ્યો અને તરત જ તેમને ઓળખી ગયો. આ જ છે, ચોથો વાંદરો...

મેઘાવી વિચારક ઓશોએ રાજકારણથી માંડીને સામાજિક મુદ્દા સમજાવવા ત્રણ વાંદરાની મૂર્તિના અનેક વખત જાતભાતના અર્થઘટન કર્યા હતા. મોરારજી દેસાઈની મજાક કરીને ઓશો ફરી આગળ વાત માંડે છે. વાંચો એમના જ શબ્દોમાં.

ગાંધીજીના ત્રણ વાંદરાના પ્રતીકનું જે કંઈ અર્થઘટન કરાય છે એ મને મંજૂર નથી. માણસજાતના મનોવિજ્ઞા પર નજર કરો ત્યારે આ વાંદરા કંઈક જુદો જ સંદેશ આપતા હોય એવું લાગે છે. કાન બંધ કરીને બેઠેલો પહેલો વાંદરો કહે છે કે, સત્ય ના સાંભળો. જો સત્ય સાંભળશો તો તમારા બધા જ જૂઠા આશ્વાસનો છિન્નભિન્ન થઈ જશે. આંખ બંધ કરીને બેઠેલો બીજો વાંદરો કહે છે કે, સત્ય તરફ નજર સુદ્ધાં ના કરો. નહીં તો તમારો ભગવાન મરી જશે અને તમારા સ્વર્ગ-નર્ક પળવારમાં ગાયબ થઈ જશે. મ્હોં બંધ રાખીને બેઠેલો ત્રીજો વાંદરો સત્ય નહીં બોલવાની સલાહ આપે છે કારણ કે, માણસોના ટોળા સત્ય બોલનારાને ઠપકો આપે છે, યાતનાઓ આપે છે, ઝેર આપે છે, ક્રોસ પર ચડાવી દે છે અને રિબાવી રિબાવીને મારી નાંખે છે. ગુપ્તાંગો છુપાવીને બેઠેલો એટલે કે ગાયબ થઈ ગયેલો ચોથો વાંદરો પણ મહત્ત્વનો સંદેશ આપે છે. એ કહે છે કે, તમારા આનંદ-પ્રમોદનું બિભત્સ પ્રદર્શન ના કરો. તમે સુખી હશો તો લોકો ઈર્ષા કરશે, તમને ખતમ કરી નાંખશે.

ચાર વાંદરાની મૂર્તિ વિશે ઓશોનું આ અર્થઘટન આજે પણ સટીક નથી?

નોંધઃ આ લેખનો ભાગ-1 અહીં

02 October, 2017

બૌદ્ધ સાધુ નિચિદાત્સુ ફૂજી: ગાંધીજીના જાપાની અંતેવાસી


જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અમદાવાદ આવ્યા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ગાંધીજીની આત્મકથાની સાથે ત્રણ વાંદરાની મૂર્તિ પણ ભેટમાં આપી હતી. આ ત્રણ વાંદરા ગાંધીજી સાથે ગાઢ રીતે જોડાઈ ગયા છે, પરંતુ ગાંધીજીને એ ત્રણ વાંદરાની મૂર્તિ જાપાનના નિચિદાત્સુ ફૂજી નામના બૌદ્ધ સાધુએ ભેટમાં આપી હતી. ફૂજીએ ગાંધીજીને આપેલી ત્રણ વાંદરાની સફેદ આરસપહાણની મૂર્તિ આજેય અમદાવાદના સાબરમતી આશ્રમમાં સચવાયેલી છે. આબેને એ અસલી મૂર્તિની પ્રતિકૃતિ ભેટમાં અપાઈ હતી. ગાંધી સાહિત્યમાં ફૂજી વિશે ખૂબ જ ઓછી માહિતી મળે છે, પરંતુ જે કંઈ માહિતી મળે છે ખૂબ જ રસપ્રદ છે. જેમ કે, ગાંધીજીના અમુક પત્રો અને તેમણે કરેલી મુલાકાતોની નોંધોમાંથી તેઓ બૌદ્ધ સાધુ ફૂજી, જાપાન અને બૌદ્ધ ધર્મ વિશે શું વિચારતા હતા એ વિશે જાણવા મળે છે.  

આ તમામ બાબતો એકબીજા સાથે જોડાયેલી હોવાથી જરા વિગતે વાત કરીએ.     

***

'ગાંધીજીનો અક્ષરદેહ'માં નોંધ્યા પ્રમાણે, ગાંધીજીએ ૧૮મી જુલાઈ, ૧૯૪૨ના રોજ જાપાનના લોકોને સંબોધીને અંગ્રેજી ભાષામાં એક પત્ર લખ્યો હતો. પત્ર ખાસ્સો લાંબો છે, કુલ ૧૨૫૮ શબ્દ. એ પત્રમાં 'પ્રત્યેક જાપાનવાસીને' એવું સંબોધન કરીને ગાંધીજી પહેલા જ ફકરામાં લખે છે કે, ''પ્રારંભમાં જ મારે કબૂલ કરી લેવું જોઈએ કે તમારા પ્રત્યે મારે કશી બૂરી લાગણી નથી તોપણ ચીન પરના તમારા આક્રમણ પ્રત્યે મારો ઊંડો અણગમો છે. તમારા ઉન્નત સ્થાન પરથી તમે સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષાના ઊંડા ખાડામાં ઉતરી પડયા છો. તમારી મહત્ત્વાકાંક્ષા તમે સિદ્ધ કરી શકવાના નથી અને તમારે હાથે કદાચ એશિયાના ભાગલા પડી જશે તથા અજાણતામાં તમે સમગ્ર દુનિયાને ભાઈચારા ભરેલા એક સમવાયતંત્ર નીચે એકત્ર થતી અટકાવશો. આવા સમવાયતંત્ર વિના માનવજાતને માટે કશી આશા દેખાતી નથી...''

ફૂજીએ ગાંધીજીને ભેટમાં આપેલી ત્રણ વાંદરાની મૂર્તિ

ગાંધીજીનું જાપાનને કહેવું હતું કે, આખી દુનિયા ભાઈચારો રાખીને એક 'વિશ્વગ્રામ' તરફ આગળ વધી રહી છે, પરંતુ તેમાં તમે ખલેલ પાડી રહ્યા છો...

વાત એમ હતી કે, સાતમી જુલાઈ, ૧૯૩૭ના રોજ જાપાને ચીન પર હુમલો કર્યો હતો. એ ભીષણ યુદ્ધ નવમી સપ્ટેમ્બર, ૧૯૪૫ના રોજ પૂરું થયું હતું. એશિયાના અત્યાર સુધીના સૌથી લાંબા ગણાતા એ યુદ્ધમાં બંને દેશના ૪૦ લાખ સૈનિકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે ચીન અને બર્માના નિર્દોષ નાગરિકોના મોતનો આંકડો બે કરોડ, વીસ લાખે પહોંચ્યો હતો. ચીનની સાથે સોવિયેત યુનિયન, બ્રિટન અને અમેરિકા હતા અને  જાપાન સાથે એટલા ટચુકડા દેશો હતા, જે નકશામાં માંડ દેખાય છે! આ સંદર્ભે ગાંધીજીએ ઉપરોક્ત પત્ર લખ્યો હતો.

એ પત્રના બીજા જ ફકરામાં ગાંધીજી બૌદ્ધ સાધુ ફૂજીનો ઉલ્લેખ કરતા લખે છે કે, ''પચાસ વર્ષથીયે પૂર્વે લંડનમાં અઢાર વર્ષની ઉંમરનો એક વિદ્યાર્થી હતો ત્યારે સદ્ગત સર એડવિન આર્નોલ્ડના લખાણો વાંચીને તમારી પ્રજાના ઘણાં ઉત્તમ ગુણોને ઓળખીને હું તમારી કદર બૂજતો થયો હતો. રશિયાના સશસ્ત્ર સૈન્યો ઉપર તમે મેળવેલા જવલંત વિજયની વાર્તા જાણીને મને રોમહર્ષ થયો હતો. ૧૯૧૫ની સાલમાં દક્ષિણ આફ્રિકાથી હું હિંદ પાછો ફર્યો ત્યાર પછી અમારે ત્યાં આશ્રમવાસી થઈને રહી ગયેલા જપાની ભિક્ષુઓની સાથે મારો ગાઢ સંપર્ક થયો હતો. તેઓ પૈકી એક તો સેવાગ્રામના આશ્રમના અણમૂલ સહવાસી બન્યા હતા, અને તેમની કર્તવ્યપાલનની ચીવટ, તેમનું મોભાદાર વર્તન, દૈનિક ઉપાસના માટેની તેમની એકધારી ભક્તિ, તેમનું મિલનસારપણું, વિવિધ પરિસ્થિતિમાં જળવાતી તેમની સમતા, અને અંતરની શાંતિની પ્રતીતી કરાવતું તેમના મુખ પરનું સ્વાભાવિક સ્મિત, એ સર્વ ગુણોથી તેઓ અમને સર્વને પ્રિય થયા હતા. અને હવે જ્યારે ગ્રેટ બ્રિટન સામે તમારી લડાઈની જાહેરાતના કારણે તેમને અમારી વચ્ચેથી ઉઠાવી લેવામાં આવ્યા છે, ત્યારે એ પ્રિય સાથીની અમને ખોટ સાલે છે. તેમની સ્મૃતિમાં તેઓ તેમની દૈનિક પ્રાર્થના અને તેમનું નાનકડું નગારું અમને સોંપી ગયા છે, અને એ જ નગારાના ઘોષથી અમારી સવારની અને સાંજની પ્રાર્થનાઓનો અમે પ્રારંભ કરીએ છીએ.''

ગાંધીજીના આ લખાણમાંથી બૌદ્ધ સાધુ ફૂજીનું વ્યક્તિત્વ કેવું હશે એની કલ્પના કરી શકાય છે. આ ઉપરાંત એ ઐતિહાસિક તથ્ય પણ માલુમ પડે છે કે, બ્રિટન સામે યુદ્ધ જાહેર થયા પછી જાપાને આશ્રમમાંથી ફૂજીને પરાણે બોલાવી લીધા હશે! આ લખાણ ગાંધીજીના યુદ્ધ અંગેના વિચારોની રીતે પણ મહત્ત્વનું છે. જેમ કે, જાપાને ચીન પર આક્રમણ કર્યું એ અંગે ગાંધીજીએ સખત વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ રશિયાએ જાપાન પર આક્રમણ કર્યું અને જાપાનીઓએ રશિયનો સામે વિજય મેળવ્યો એ વાતથી ગાંધીજીને 'રોમહર્ષ' થયો હતો.

***

'ગાંધીજીનો અક્ષરદેહ'ના ૮૨ દળદાર ગ્રંથોમાં (દરેક ગ્રંથના સરેરાશ ૫૦૦થી વધુ પાના) આવા ઘણાં ઐતિહાસિક તથ્યો ધરબાયેલા છે. હવે સવાલ એ છે કે, મહારાષ્ટ્રના વર્ધામાં આવેલા સેવાગ્રામ આશ્રમમાં આવીને વસેલા એ બૌદ્ધ સાધુ  ફૂજી ગાંધીજીને ક્યારે મળ્યા હતા? 'ગાંધીજીના અક્ષરદેહ'માં નોંધ્યા પ્રમાણે, ચોથી ઓક્ટોબરે ફૂજી અને ઓકિત્સુ નામના બે બૌદ્ધ સાધુ ગાંધીજીને મહારાષ્ટ્રના સેવાગ્રામ આશ્રમમાં મળવા આવ્યા હતા. આ દરમિયાન ગાંધીજી અને ફૂજી વચ્ચે શું વાતચીત થઈ હતી? ફૂજી ગાંધીજીને મળવા કેમ આવ્યા હતા? તેમના વચ્ચે બૌદ્ધ ધર્મ મુદ્દે કોઈ ચર્ચા થઈ હતી? આવા અનેક સવાલોના જવાબ 'ગાંધીજીના અક્ષરદેહ'માં કરાયેલી એક નોંધમાંથી મળે છે. 


નિચિદાત્સુ ફૂજી (ક્લોક વાઈઝ),  તેઓ જ્યાં રોકાયા હતા એ મુંબઈના વરલીમાં
આવેલો  બૌદ્ધ મઠ અને 18મી જાન્યુઆરી, 1979ના રોજ વડાપ્રધાન મોરારજી
દેસાઈના હસ્તે નહેરુ અન્ડરસ્ટેન્ડિંગ એવોર્ડ સ્વીકારતી વખતે ફૂજી...  

'જાપાની બૌદ્ધ પુરોહિતોને સલાહ' એવા શીર્ષક હેઠળ કરાયેલી એ નોંધમાં ગાંધીજી કહે છે કે, ''તમને મળી શક્યો અને રસદાયક વાતચીત થઈ શકી એથી મને આનંદ થયો. તમારો લાંબો પત્ર હું કાળજીપૂર્વક વાંચી ગયો છું.

બૌદ્ધ ધર્મ હિંદુસ્તાનમાં પુનર્જીવિત થાય એ જોવાની તમારી ઈચ્છા હું પૂરેપૂરી સમજી શકું છું. ફક્ત એટલું તમારા ધ્યાન પર લાવવા માંગુ છું કે બૌદ્ધ ધર્મનો ગમે તે અર્થ થતો હોય, ગૌતમ બુદ્ધના ઉપદેશનો સાર હિંદુ ધર્મમાં સમાવી લેવામાં આવ્યો છે, અને મારે માટે, તુલનાત્મક દૃષ્ટિએ જોતા, એ મહાન સુધારકના ઉપદેશની વિશુદ્ધતા હિંદુસ્તાનમાં સૌથી વધુ જળવાયેલી છે. જે દેશોએ એને અપનાવી લીધો છે તેમાં, મને લાગે છે કે, એ વિકૃત થઈ ગયો છે : દા. ત. બુદ્ધનો ઉપદેશ મુખ્યત્વે કરીને માનવ માનવ વચ્ચે બંધુભાવ હોવો જોઈએ એવો ન હતો પણ જીવમાત્ર વચ્ચે બંધુભાવ હોવો જોઈએ એવો હતો. તેમ એમાં નવાઈ પામવા જેવું કશું નથી. મારે મતે, બુદ્ધે કોઈ નવો ધર્મ સ્થાપ્યો નહતો. શ્રેષ્ઠ હિંદુ તરીકે તેમણે હિંદુ ધર્મને નવું સ્વરૂપ આપ્યું હતું. આથી હું તમને એમ સૂચવું છું કે, તમારે સંસ્કૃત અને પાલિના અભ્યાસ દ્વારા એ ઉપદેશ વિશેનું જ્ઞાાન વધારવું. જે પરિસ્થિતિમાં એ ઉપદેશ બંધબેસતો થતો હતો અને જેમાંથી એ ઉદ્ભવ્યો હતો એ જાણવા માટે સંસ્કૃતનું જ્ઞાાન આવશ્યક છે, અને દેખીતી રીતે જ પાલિનો અભ્યાસ આવશ્યક છે કારણ મૂળ ધર્મગ્રંથો એ ભાષામાં છે. અને તમે હિંદી પ્રજા જોડે તમારું ભાગ્ય જોડવાનો નિર્ણય કર્યો છે એટલે હું હિંદી કે હિંદુસ્તાની શીખવાની જરૂર પ્રત્યે  તમારું ધ્યાન દોરું છું...''     

***

આમ, ફૂજી ભારતમાં બૌદ્ધ ધર્મ પુનર્જીવિત કરવા માંગતા હતા. એ પછી તેઓ મહારાષ્ટ્રના વર્ધા સ્થિત સેવાગ્રામ આશ્રમમાં અંતેવાસી બનીને રહ્યા. તેમના માનમાં ગાંધીજીએ આશ્રમમાં બીજા ધર્મોની પ્રાર્થના સાથે બૌદ્ધ ધર્મના મંત્રનો પણ સમાવેશ કર્યો હતો. ભારત આવ્યા એ પહેલાં જ ૧૯૧૭માં ફૂજીએ 'નિપ્પોઝન મ્યોહોજી દાઇસંગા' એટલે કે જાપાન બુદ્ધ સંઘની સ્થાપના કરી હતી. આ સંઘના ૧,૫૦૦ બૌદ્ધ ભિખ્ખુઓએ ફૂજીની આગેવાનીમાં જાપાન સહિત વિશ્વભરમાં વિશ્વ શાંતિ સ્થાપવાનું આંદોલન શરૂ કર્યું હતું. તેમણે વિશ્વ શાંતિ માટે દુનિયાભરમાં પીસ પેગોડા (બૌદ્ધ મઠ) બાંધવાનો નવતર કીમિયો અજમાવ્યો હતો. ફૂજીએ આ પ્રકારના મઠ બંધાવાની શરૂઆત પરમાણુ હુમલાનો ભોગ બનેલા હીરોશીમા અને નાગાસાકી શહેરથી કરી હતી. ફૂજીના સંઘે ભારત સહિત અમેરિકા, બ્રિટન જેવા દેશોમાં પણ આવા મઠ બંધાવ્યા હતા.

આ પ્રત્યેક મઠનું સંચાલન ફૂજી એક નિવાસી ભિખ્ખુને સોંપી દેતા. એ દિવસોમાં કોઈ પણ જાપાની ભારત કે પશ્ચિમી દેશોના પ્રવાસે જાય ત્યારે બૌદ્ધ મઠમાં રોકાતા. બીજા દેશોથી જુદી જ સંસ્કૃતિમાંથી આવતા જાપાનીઓને એ બૌદ્ધ મઠોમાં થોડી રાહત મળતી. વળી, ફૂજીનો સંઘ વધુને વધુ જાપાની યુવાનોને આ પ્રકારના પ્રવાસ માટે પ્રોત્સાહિત કરતો. એવી જ રીતે, કૃષિ અને ઔદ્યોગિક ટેક્નોલોજીના અભ્યાસ માટે ભારતીયો જાપાન જાય ત્યારે ફૂજીનો સંઘ તેમને મઠમાં રોકાવાની વ્યવસ્થા કરી આપતો. પશ્ચિમી દેશોમાં 'શાંતિ અને અહિંસાના ધર્મ' તરીકે બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસારમાં પણ આ મઠોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બૌદ્ધ ધર્મ અને અહિંસાનો સંદેશ આપવા ફૂજીએ ૧૯૫૮માં 'જાપાન ભારત સર્વોદય મિત્ર સંઘ'ની પણ સ્થાપના કરી હતી. આ પ્રકારની પ્રવૃત્તિથી જાપાનના ભારત, અમેરિકા અને બ્રિટન સાથેના સાંસ્કૃતિક સંબંધ ઘણાં મજબૂત બન્યા હતા.

બિહારના નાલંદા જિલ્લાના રાજગીરમાં ફૂજીએ બંધાવેલો વર્લ્ડ પીસ પેગોડા

એક સમયે જાપાન અત્યંત આક્રમક યુદ્ધખોર દેશ હતો અને શાંતિની વાતો કરનારાને જીવનું જોખમ હતું- એવા સમયે ફૂજી વિશ્વ શાંતિનો સંદેશ લઈને જાપાનનો ખૂણેખૂણો ફરી વળ્યા હતા. એકવાર ફૂજીએ સંસ્મરણો વાગોળતા હતું કે, ''એ સમયે જાપાનમાં યુદ્ધનો વિરોધ કરનારાને સીધા જેલ ભેગા કરાતા કારણે કે, તેઓ લઘુમતીમાં હતા.'' જોકે, જાપાનને આ પ્રકારના શાંતિદૂતોની કોઈ પરવા ન હતી. ચીન સાથે લોહિયાળ જંગ ચાલી રહ્યો હોવા છતાં સાતમી ડિસેમ્બર, ૧૯૪૧ના રોજ જાપાને હવાઈ ટાપુ પર આવેલા અમેરિકાના નૌકા દળ બેઝ પર્લ હાર્બર પર હુમલો કર્યો. પરિણામે અમેરિકાએ છઠ્ઠી અને નવમી ઓગસ્ટ, ૧૯૪૫ના રોજ હીરોશીમા-નાગાસાકી પર પરમાણુ બોંબ ઝીંક્યા, જેમાં દોઢ લાખ નાગરિકો તો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા અને આગામી અનેક પેઢીઓ ખોડખાંપણ સાથે જન્મી. એ પછી જાપાનના યુદ્ધખોર માનસમાં કેવા બદલાવ આવ્યા એ જાણીતી વાત છે.

***

નિચિદાત્સુ ફૂજી ૧૯૬૫માં ભારત પરત ફર્યા. બાદમાં તેમણે બિહારના નાલંદા જિલ્લાના રાજગીરમાં વર્લ્ડ પીસ પેગોડા બંધાવ્યો, જે આજેય બૌદ્ધ શ્રદ્ધાળુઓનું પવિત્ર સ્થાનક છે. છઠ્ઠી ઓગસ્ટ, ૧૮૮૫ના રોજ ખેડૂત પરિવારમાં જન્મેલા ફૂજીનું નવમી જાન્યુઆરી, ૧૯૮૫ના રોજ અવસાન થયું. ફક્ત ૧૯ વર્ષની વયે બૌદ્ધ ભિખ્ખુ તરીકે દીક્ષા લેનારા ફૂજી ૧૦૦ વર્ષ જીવ્યા અને જિંદગીભર શાંતિ-અહિંસાનો ઉપદેશ આપતા રહ્યા.

આજે તો હીરોશીમા અને નાગાસાકીમાં મોતનું તાંડવ જોઈ-અનુભવી ચૂકેલા જાપાનીઓ ગાંધીજીને અત્યંત આદરની દૃષ્ટિએ જુએ છે એ સમજી શકાય એમ છે, પરંતુ ગાંધી કે બુદ્ધને સમજવા હજુ આવી કેટલી વિભિષિકાની જરૂર પડશે?

નોંધઃ ગાંધીજીનો અક્ષરદેહમાં લેવાયેલી નોંધોની જોડણી અને ફકરા એજ પ્રમાણે રાખવામાં આવ્યા છે. આ લેખનો ભાગ-2 અહીં