21 September, 2017

ભારતની પ્રાચીન સંસ્કૃતિના મૂળિયા ફંફોસવા ૪૦ વર્ષ રઝળપાટ


ગુજરાતમાં પ્રાગ ઐતિહાસિક કાળના અવશેષો સૌથી પહેલાં કોણે શોધ્યા હતા? સામાન્ય જ્ઞાનના પુસ્તકોમાં તમે આ સવાલ વાંચ્યો હશે! સવાલનો જવાબ છે, રોબર્ટ બ્રુસ ફૂટ. ક્યારેક એવો સવાલ પણ વાંચવા મળે છે કે, ભારતના પ્રાગ ઐતિહાસિક કાળના પિતામહ્ કોણ ગણાય છે? આ પ્રશ્નનો જવાબ પણ એ જ છે, રોબર્ટ બ્રુસ ફૂટ.

જોકે, ઈતિહાસના જાણકારો અને વિદ્યાર્થીઓ સિવાય મોટા ભાગના લોકો તેમના વિશે ખાસ કશું જાણતા નથી. હાલમાં ફેસબુક પર વાંચ્યુ કે, ચેન્નાઇના મ્યુઝિયમ થિયેટરમાં પહેલી ઓગસ્ટે રોબર્ટ બ્રુસ ફૂટ પર બનેલી ડોક્યુમેન્ટરીનો શૉ છે. એ વખતે ખ્યાલ આવ્યો કે, થિરુ રમેશ યાંથ્રા નામના ફિલ્મ ફિલ્મમેકરે ફૂટને  શ્રદ્ધાંજલિ આપવા 'ફાધર ઓફ ઈન્ડિયન પ્રિ-હિસ્ટરી- રોબર્ટ બ્રુસ ફૂટ' નામે ડોક્યુમેન્ટરી બનાવી છે. આ ફિલ્મ માટે રમેશ યાંથ્રાએ એ બધા જ પ્રાચીન સ્થળોની મુલાકાત લીધી, જ્યાં ફૂટે સંશોધન કર્યું હતું. આ ડોક્યુમેન્ટરી બનાવતા રમેશ યાંથ્રાને ત્રણ વર્ષનો સમય લાગ્યો, પરંતુ ભારતના પ્રાગ ઐતિહાસિક સંસ્કૃતિના અવશેષો શોધવા ફૂટે ૭૮ વર્ષના આયુષ્યમાંથી ૪૦ વર્ષ રઝળપાટ કરી હતી. એ માટે ફૂટે ક્યારેક પગપાળા, તો ક્યારેક ઘોડા પર બેસીને પ્રવાસ કર્યો હતો.  

એ પછી ફૂટને શું મળ્યુંઆ સવાલનો જવાબ મેળવતા પહેલાં થોડું બેકગ્રાઉન્ડ. 

***

ભારતનો જિયોલોજિકલ મેપ બનાવવાની શરૂઆત

મે ૧૮૫૭માં ભારતનો પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થઈ ગયો હતો. આ ઐતિહાસિક ઘટનાના એક વર્ષ સુધી ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું શાસન રહ્યું. જોકે, ભારતમાંથી અંગ્રેજોને જવાને હજુ વાર હતી કારણ કે, બીજી ઓગસ્ટ, ૧૮૫૮ના રોજ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ-૧૮૫૮ હેઠળ કંપનીની ભારત પરની સત્તા બ્રિટીશ ક્રાઉનને સોંપી દીધી. ૧૯મી સદીની શરૂઆત સુધી લગભગ ભારતભરમાં કંપનીનું રાજ સ્થપાઈ ચૂક્યું હતું. આ દરમિયાન ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતમાં લાંબા ગાળાનું શાસન કરવા જુદા જુદા ક્ષેત્રે સંશોધનો શરૂ કર્યા હતા. આ બધા જ લાભ આપોઆપ બ્રિટીશ ક્રાઉનને મળી ગયા. 

જેમ કે, ૧૯મી સદીની શરૂઆતમાં જ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અધિકારી હેનરી વેસ્લી વોયસીની આગેવાનીમાં કેટલાક નવાસવા બ્રિટીશ જિયોલોજિસ્ટે (ભૂસ્તરશાસ્ત્રી) ભારતીય ઉપખંડનો વૈજ્ઞાનિક નકશો તૈયાર કરવા ગ્રેટ ટ્રિગોનોમેટ્રિકલ સર્વે શરૂ કર્યો. આ પ્રોજેક્ટ હેઠળ હેનરી વોયસીએ હૈદરાબાદ રીજનનો પહેલો જિયોલોજિકલ મેપ (સંપૂર્ણ ભૂસ્તરીય માહિતી ધરાવતો નકશો) તૈયાર કર્યો હતો, જેથી તેઓ 'ભારતીય ભૂસ્તરશાસ્ત્રના પિતામહ્' ગણાય છે. એ પછી ઈસ. ૧૮૫૧માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતના વિવિધ પ્રદેશોની ખાણ-ખનીજ સંપત્તિની જાણકારી મેળવવા જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની સ્થાપના કરી. આ સંસ્થાનો વહીવટ થોમસ ઓલ્ધામ નામના એક ઉત્સાહી જિયોલોજિસ્ટને સોંપાયો. થોમસ ઓલ્ધામ એટલે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફાઈડ નામના ખનીજો ધરાવતી 'ઓલ્ધામાઇટ' નામની ખનીજના શોધક.


હેનરી વેસ્લી વોયસી અને થોમસ ઓલ્ધામ

આ સંસ્થાનો પ્રાથમિક હેતુ અંગ્રેજોએ ભારતમાં રૂ કરેલી રેલવે માટે વિવિધ પ્રાંતોમાં કોલસાની ખાણો શોધવાનો હતો. કોલસો મળી જાય તો રેલવે અવિરત ચાલ્યા કરે અને રેલવે ચાલે તો બ્રિટીશરોનો વેપાર પણ ધમધોકાર ચાલે. આ લક્ષ્યાંક સાથે ભારત આવેલા ઓલ્ધામે ઈસ. ૧૮૫૭માં મદ્રાસ પ્રેસિડેન્સીની ધરતીમાં છુપાયેલી ખનીજ સંપત્તિનો વૈજ્ઞાનિક નકશો તૈયાર કરવા ચાર જિયોલોજિસ્ટની નિમણૂક કરી. આ નિમણૂકના એક જ વર્ષ પછી, ૧૮૫૮માં, તમિલનાડુના પ્રાચીન શહેર તિરુચિલ્લાપલ્લીના પર્વતીય વિસ્તારોમાં સંશોધન ચાલતું હતું ત્યારે પેલા ચાર પૈકી જિયોલોજિસ્ટ હેનરી ગેઘનનું લૂ લાગવાથી મૃત્યુ થયું. જોકે, આ યોજનામાં કોઈ જ અવરોધ આવે એ અંગ્રેજોને પોસાય એમ ન હતું. એટલે ઓલ્ધામે ગેઘનની જગ્યાએ ફક્ત ૨૪ વર્ષના બ્રિટીશ જિયોલોજિસ્ટ રોબર્ટ બ્રુસ ફૂટની આસિસ્ટન્ટ જિયોલોજિસ્ટ તરીકે નિમણૂક કરી દીધી. ફૂટ બ્રિટનથી એક સ્ટીમરમાં બેસીને ૨૯મી ડિસેમ્બર, ૧૮૫૮ના રોજ મદ્રાસ બંદરે ઉતર્યા. 

અંગ્રેજો ભારતમાં (અને વિશ્વમાં પણ) લાંબા સમય સુધી રાજ કરી શક્યા એ સમજવા આ પ્રકારની યોજનાઓ વિશે જાણવું જરૂરી છે. આવી ‘વિકાસ યોજનાઓ’ થકી જ અંગ્રેજ વેપારીઓ જે તે પ્રદેશમાં લાંબો સમય સુધી ટકી શક્યા હતા.

૨૪ વર્ષના યુવાન જિયોલોજિસ્ટ રોબર્ટ ફૂટની એન્ટ્રી 

આસિસ્ટન્ટ જિયોલોજિસ્ટ તરીકે નિમણૂક પામ્યાના થોડા વર્ષોમાં તો રોબર્ટ બ્રુસ ફૂટે ભારતની ખનીજ સંપત્તિનો નકશો તૈયાર કરવા મધ્ય, દક્ષિણ અને પૂર્વ ભારતના અનેક જંગલ અને પર્વતીય વિસ્તારો ધમરોળી નાંખ્યા. આ રઝળપાટ દરમિયાન ૩૦મી મે, ૧૮૬૩માં ફૂટને ચેન્નાઈના પલ્લવ પુરમમાંથી પથ્થરની કુહાડી જેવું ઓજાર મળ્યું. કુહાડી જોતા જ ફૂટને અણસાર આવી ગયો કે, આ કોઈ સામાન્ય ચીજ નથી, પરંતુ પ્રાચીન પાષાણ (પથ્થર) યુગ સાથે સંકળાયેલો કોઈ નમૂનો છે. બાદમાં ફૂટે સપ્ટેમ્બર ૧૮૬૩માં મદ્રાસ નજીક આવેલા અથિરાપક્કમ અને આજના થિરુવલ્લુર જિલ્લામાંથી પાષાણ યુગ સાથે સંકળાયેલા બીજા કેટલાક અવશેષો પણ શોધી કાઢ્યા. આ શોધોથી ઉત્સાહમાં આવીને ફૂટે જાન્યુઆરી ૧૮૬૪માં ફરી એકવાર આ સ્થળોની મુલાકાત લીધી અને પાષાણ યુગના બીજા બે અવશેષ શોધ્યા. ફૂટની આ શોધોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ૨૦૧૧માં કેટલાક આર્કિયોલોજિસ્ટને અથિરાપક્કમમાં શોધ-સંશોધન માટે મોકલ્યા. એ વખતે પણ ત્યાંથી દસેક લાખ વર્ષ જૂના અવશેષો મળી આવ્યા.  


રોબર્ટ બ્રુસ ફૂટ 

સૌથી મહત્ત્વની વાત એ છે કે, ફૂટ આસિસ્ટન્ટ જિયોલોજિસ્ટ તરીકે નોકરી કરતા હતા. તેમનું મુખ્ય કામ ભારતીય ઉપખંડનો જિયોલોજિકલ મેપ તૈયાર કરવાનું હતું, પરંતુ આ કામ માટે રઝળપાટ કરતી વખતે ફૂટ એક અઠંગ આર્કિયોલોજિસ્ટ (પુરાતત્ત્વવિદ્)ની જેમ ભારતના પ્રાગ ઐતિહાસિક કાળના અવશેષો પણ ભેગા કરી રહ્યા હતા. ફૂટનું શિક્ષણ જિયોલોજીમાં થયું હતું, નહીં કે આર્કિયોલોજીમાં. ફૂટને આર્કિયોલોજીમાં ફક્ત રસ હતો. જિયોલોજિકલ મેપ તૈયાર કરતી વખતે ફૂટને જમીનની નીચે છુપાયેલી ખનીજ સંપત્તિ જ શોધવાની હતી, પરંતુ તેમણે તો ભારતીય ઉપખંડમાં પાંગરેલી પ્રાગ ઐતિહાસિક કાળની સંસ્કૃતિના મૂળિયા ફંફોસવાનું કામ પણ સમાંતરે શરૂ કરી દીધું હતું. પ્રાગ ઐતિહાસિક એટલે ઐતિહાસિક કાળથી પણ પહેલાનો અ-લિખિત ઈતિહાસ. આ અતિ પ્રાચીન માનવ સંસ્કૃતિનો ગાળો પાંચથી દસ લાખ વર્ષનો મનાય છે, જેમાં માણસ પાસે પથ્થર સિવાય કોઈ સાધન ન હતું. એટલે એ યુગ પાષાણ યુગ તરીકે પણ ઓળખાય છે.

પ્રાગ ઐતિહાસિક કાળના પુરાવા ભેગા કર્યા પછી ફૂટનો જિયોલોજિકલ મેપ તૈયાર કરવાનો દૃષ્ટિકોણ વધુ વૈજ્ઞાનિક થયો. ફૂટને જે સ્થળેથી પ્રાગ ઐતિહાસિક કાળના પુરાવા મળ્યા હતા તેનો અર્થ એ હતો કે, દક્ષિણ ભારતના એ તમામ સ્થળે લાખો વર્ષ પહેલાં માણસો રહેતા હતા અને ત્યાં કોઈ પ્રાચીન સંસ્કૃતિ પણ અસ્તિત્વ ધરાવતી હતી. એ પછી ઈસ. ૧૮૮૩માં ફૂટે આંધ્રપ્રદેશના કૂરનુલ જિલ્લામાં આવેલા બેલમ ગામમાં સાડા ત્રણ કિલોમીટર લાંબી ગુફા શોધી, જે આજે બેલમ ગુફા તરીકે જાણીતી છે. બેલમ ગુફા ભારતીય ઉપખંડની બીજા નંબરની સૌથી લાંબી કુદરતી ગુફા છે. અહીં પણ માણસો રહેતા હતા એ વાત ફૂટે સાબિત કરી દીધી.

ગુજરાતમાં પ્રાગ ઐતિહાસિક કાળના અવશેષો મળ્યા

ઈસ. ૧૮૮૭માં ફૂટ જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના ડિરેક્ટર બન્યા અને ૧૮૯૧માં નિવૃત્ત થયા. જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયામાંથી નિવૃત્ત થતાં જ ફૂટનો ગુજરાત સાથે ટૂંકા ગાળાનો પણ મહત્ત્વનો સંબંધ શરૂ થયો. ફૂટે બરોડા સ્ટેટ જિયોલોજિસ્ટ તરીકે કામ શરૂ કર્યું. ઈસ. ૧૮૯૩માં ફૂટ પ્રાંતીજમાં સાબરમતી નદીના તટમાં આવેલા સાદલિયા ગામની આસપાસના પ્રદેશનું આર્થિક દૃષ્ટિએ ભૂસ્તરીય નિરીક્ષણ કરી રહ્યા હતા. એ વખતે ફૂટને અનોડિયા-કોટ અને પેઢામલીમાંથી પથ્થરના હથિયારો અને ઓજારો મળ્યા. ગુજરાતમાં પણ લાખો વર્ષ પહેલાં માણસજાતનું અસ્તિત્વ હતું એનો એ સૌથી પહેલો ઠોસ પુરાવો હતો.


0મી મે, ૬૩ના રોજ ચેન્નાઈના પલ્લવ પુરમમાંથી ફૂટને મળેલા આદિકાળના ઓજારો. 

ગુજરાતની પ્રાગ ઐતિહાસિક સંસ્કૃતિને લગતા સંશોધનો પછી શરૂઆતમાં એવા તારણો કઢાયા હતા કે, આદિમાનવો ફક્ત ઉત્તર ગુજરાતમાં સાબરમતી નદીના કિનારે વસતા હતા, પરંતુ બાદમાં માલુમ પડ્યું કે સાબરમતીની ઉપ નદીઓ, નર્મદા તેમજ દક્ષિણ ગુજરાતની અંબિકા, સૌરાષ્ટ્રમાં સૂકી, ભાદર અને કચ્છની ભૂખી નદીના કિનારે પણ આદિમાનવોની વસતી હતી. એ પછી લાંઘણજ જેવા સ્થળોએ પણ ઉત્ખનન કરાયું અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ૧૯૬૩ સુધી એ સંશોધનો ચાલ્યા. આ શરૂઆત ફૂટના કારણે થઈ શકી હતી.

ગુજરાતમાં માંડ બે-ત્રણ વર્ષ નોકરી કરીને ફૂટ મૈસુર જિયોલોજિકલ ડિપાર્ટમેન્ટમાં જોડાયા. આ વિસ્તારમાં તેમણે એક સોનાની ખાણ શોધી કાઢી, જે આજે કોલર ગોલ્ડ ફિલ્ડ તરીકે જાણીતી છે.    
 
જિયોલોજિસ્ટ રોબર્ટ ફૂટને આર્કિયોલોજિસ્ટ તરીકે માનપાન

ફક્ત ૨૪ વર્ષની ઉંમરે રોબર્ટ બ્રુસ ફૂટની જિયોલોજિસ્ટ તરીકે કારકિર્દી શરૂ થઈ તેમને ખુદને અણસાર ન હતો કે, હવે દુનિયા એક જિયોલોજિસ્ટ (ભૂસ્તરશાસ્ત્રી)ને આર્કિયોલોજિસ્ટ (પુરાતત્ત્વવિદ્) તરીકે ઓળખવાની છે. એટલું જ નહીં, ભારતમાં તો તેમને 'ભારતીય પ્રાગ ઐતિહાસિક કાળના પિતામહ્' તરીકે પણ માનપાન મળવાના છે. ભારતનો ખનીજ સંપત્તિનો નકશો તૈયાર કરવા ફૂટે ૩૩ વર્ષ ખર્ચી કાઢ્યા, પરંતુ એ પછીયે તેમણે ગુજરાત-મૈસુરમાં જિયોલોજિસ્ટ તરીકે નોકરી શરૂ કરી અને આર્કિયોલોજિસ્ટ તરીકે ફરી એકવાર રઝળપાટ શરૂ કરી. એ રીતે ફૂટે સતત ૪૦ વર્ષ રઝળપાટ કરીને ભારતીય ઉપખંડની આદિમાનવ સંસ્કૃતિ સાથે સંકળાયેલા ૪૫૯ પ્રાગ ઐતિહાસિક સ્થળ, પાષાણ યુગના ૪૨ સ્થળ, નવ પાષાણ યુગના ૨૫૨ સ્થળ અને ધાતુ યુગના ૧૭ સ્થળ શોધી કાઢ્યા.

ચાર દાયકાની મહેનત પછી ફૂટ પાસે પાષાણ યુગના અતિ પ્રાચીન હથિયારો, ઓજારોના અનેક નમૂના હતા. યુરોપના લોકો આ પુરાવાનું મહત્ત્વ સમજતા એટલે તેમણે મ્હોં માંગ્યા દામની લાલચ આપીને ફૂટ પાસેથી એ બધું ખરીદી લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ફૂટ તેમને જવાબ આપતા કે, ભારતનો ઈતિહાસ ભારતમાં જ સચવાવો જોઈએ. છેવટે ૧૯૦૪માં ફૂટે રૂ. ૩૩ હજારમાં ભારતીય ઉપખંડની પ્રાચીન સંસ્કૃતિના બધા જ અવશેષો મદ્રાસ મ્યુઝિયમને વેચી દીધા.


તમિલનાડુના યર્કૂડમાં રોબર્ટ બ્રુસ ફૂટની સમાધિ. 

૨૯મી ડિસેમ્બર, ૧૯૧૨ના રોજ ફૂટનું ૭૮ વર્ષની વયે અવસાન થયું અને તેમને કોલકાતામાં દફનાવવામાં આવ્યા. બાદમાં તમિલનાડુના યર્કૂડમાં આવેલા હોલી ટ્રિનિટી ચર્ચમાં ફૂટના અસ્થિ લવાયા અને પાદરી પીટર પર્સિવલની સમાધિની બાજુમાં જ તેમની પણ સમાધિ બનાવવામાં આવી. પીટર પાર્સિવલ એટલે રોબર્ટ બ્રુસ ફૂટના સસરા. પાર્સિવલે સમગ્ર દક્ષિણ ભારતથી છેક શ્રીલંકા સુધી સાક્ષરતા અભિયાન ચલાવ્યું હતું. આ ઉપરાંત તેઓ અંગ્રેજી-તમિલ અને અંગ્રેજી-તેલુગુ ડિક્શનરીના સર્જક તરીકે પણ જાણીતા છે. પાર્સિવલે ૧૮૫૬માં મદ્રાસ પ્રેસિડેન્સીના રજિસ્ટ્રાર અને સંસ્કૃતના પ્રોફેસર તરીકે પણ સેવા આપી હતી.  

આ વિદ્વાનની બાજુમાં સ્થાન મેળવનારા ફૂટની સમાધિ પર અંગ્રેજી ભાષામાં લખ્યું છે કે, ''હું ખૂબ સારી લડાઈ લડ્યો. મેં મારી ફરજો અદા કરી. હું શ્રદ્ધાથી જીવ્યો.''

***

અંગ્રેજ અધિકારીઓ શોધ-સંશોધનોનો પાછળની અથાક મહેનતનો ઈરાદો ઈસ્ટ ઈન્ડિયા કંપની કે બ્રિટીશ ક્રાઉનને આર્થિક લાભ કરાવવાનો હતો એ કબૂલ, પરંતુ ઐતિહાસિક દૃષ્ટિએ ફૂટના સંશોધનોની અવગણના ના કરી શકાય. 

સેવાભાવી નર્સ તરીકે જાણીતા ફ્લોરેન્સ નાઇન્ટિંગલને ધ્યાનમાં રાખીને ગાંધીજીએ એકવાર 'ઈન્ડિયન ઓપિનિયન'માં નોંધ્યું હતું કે, ''...ઇંગ્લેન્ડ તેની લશ્કરી તાકાતના કારણે નહીં પણ આવા પુરુષો-સ્ત્રીઓની પ્રશંસનીય કામગીરીના કારણે વિશાળ પ્રદેશો પર રાજ કરે છે...''

ગાંધીજીના આ શબ્દો ફૂટને પણ લાગુ પડે છે!

12 September, 2017

એ ડોશી નાનપણમાં જ મરી ગઈ હતી...


હિમાલયના પહાડોની વચ્ચે એક સુંદર ગામ હતું. એ ગામમાં એક ઘરડો ખેડૂત રહેતો હતો. એક દિવસ તેના મૃત્યુનો દિવસ નજીક આવ્યો. ત્યારે ખેડૂતે તેના પુત્રને ખાટલા નજીક બોલાવીને કહ્યું કે, ''પુત્ર, મારે તને ફક્ત એક જ સલાહ આપવાની છે. રાગી (બાજરા જેવું ધાન) ખાતા પહેલાં તેને મીઠી કરજે...''

આટલું બોલીને ખેડૂત મૃત્યુ પામ્યો. પુત્ર વિચારતો જ રહી ગયો કે, રાગીનો લોટ મીઠો કેમ કરવાનો? લોટમાંથી કોઈ વાનગી બનાવીએ એ મીઠી કરીને જ ખાવાની? શું રહસ્ય હશે પિતાજીની વાતનું? જોકે, આવા કોઈ સવાલનો તેને જવાબ નથી મળતો. એટલે પિતાની સૂચનાને ગંભીરતાથી લઈને પુત્રે ગોળ, મધ અને ખાંડ સાથે રાગીનો લોટ ખાવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ નિરાશ થયો. રાગીનો લોટ મ્હોંમાં પણ ઘૂસતો ન હતો.

થોડા દિવસ પછી પુત્ર ફરી એકવાર ખેતીના કામમાં પરોવાઈ ગયો. એક દિવસ તે જંગલે લાકડા કાપવા ગયો, પરંતુ વરસાદના કારણે લાકડા ભીના થઈ ગયા હોવાથી સૂકા લાકડા ભેગા કરવામાં બપોર થઈ ગઈ. તે થાકીને લોથપોથ થઈ ગયો હતો અને કકડીને ભૂખ પણ લાગી હતી.

એ જ વખતે તેને યાદ આવ્યું કે, આજે તો તેની પત્નીએ રાગીના રોટલા બાંધી આપ્યા છે. મનોમન ખુશ થઈને તેણે પોટલામાંથી રોટલા, મરચું અને ચટણી કાઢ્યા અને ખાવા લાગ્યો. પહેલો કોળિયો ખાતા ખાતા જ ખેડૂત પુત્રને ગજબની અનુભૂતિ થઈ. રાગીના રોટલાનું વાળું આટલું મીઠું અને સ્વાદિષ્ટ તેને ક્યારેય નહોતું લાગ્યું. એ જ ઘડીને તેને પિતાના છેલ્લાં શબ્દો યાદ આવ્યા. તે તરત જ સમજી ગયો કે, મરણપથારીએ પડેલા પિતાજી તેને શું કહેવા માગતા હતા!

ખેડૂત તેના પુત્રને કહેવા માંગતો હતો કે, જો તમારે તમારા ભોજનમાં મીઠાશ જોઈતી હોય તો મહેનત કરો. મીઠી ભૂખની મજા માણવી હોય તો મહેનતનું જ ખાઓ.

***

રાત્રે સ્માર્ટફોન મચેડીને કે ટીવી શૉ જોઈને સૂઈ જતા બાળકોને આવી સુંદર બોધકથાઓ નસીબ નથી. આ નાનકડી વાર્તામાં બાળકોને રસ પડે એ રીતે કેટલી ઊંડી વાત કરાઈ છે! જો આ જ વાત બાળકોને એક જ લીટીમાં કહીએ તો સ્વાભાવિક રીતે જ ભેજામાં ના ઉતરે. એટલે જ સીધીસાદી વાતોને બાળકોના મનમાં ઠસાવવા વાર્તાઓ છે. બાળકનું મનોવિશ્વ ખૂબ જ નાજુક હોય છે. નાનપણમાં સાંભળેલી વાર્તાઓ અર્ધજાગ્રત (સબ કોન્સિયસ) મન પર ઘેરી અસર કરતી હોય છે. આપણે અનેક સફળ વ્યક્તિઓ વિશે સાંભળ્યું છે, જેમના પર નાનપણમાં દાદા-દાદી કે બીજા વડીલોએ કહેલી વાર્તાઓએ પ્રચંડ પ્રભાવ પડ્યો હોય છે! અરે, સાહિત્યમાં નોબેલ પુરસ્કાર મળ્યો હોય એવા પણ અનેક લેખકો-કવિઓ પણ તેમાંથી બાકાત નથી.



વાર્તાઓમાંથી બાળકો જીવનના બોધપાઠ સિવાય પણ ઘણું બધું શીખે છે. દરેક વાર્તામાંથી બાળકો કંઈક નવી જ વાત શીખી લે છે, જેનો ક્યારેક વાર્તા કહેનારાને પણ અહેસાસ નથી થતો. આપણે ઉપરોક્ત વાર્તાની જ વાત કરીએ. આ વાર્તામાં હિમાલયની વાત આવે છે. હિમાલયની પર્વતમાળામાં પણ ગામડાં છે. ત્યાંના લોકો પણ ખેતી કરે છે. કોઈ બાળક પૂછશે પણ ખરો કે, સ્નોમાં ખેતી થાય? એ પછી રાગી નામના ધાનની વાત આવી. હિમાલયના અનેક વિસ્તારોમાં રાગી રોજિંદુ ભોજન છે. આ રાગી એટલે શું? એ આપણે બાળકોને ગૂગલમાં શોધીને બતાવી શકીએ. રાગી એટલે બાજરી જેવું લાગતું એક પ્રકારનું ધાન્ય. રાગી ડાળખી પર દાણાદાણ સ્વરૂપમાં થાય. તેના આકારના કારણે અંગ્રેજીમાં તે 'ફિંગર મિલેટ' તરીકે ઓળખાય છે. આ વાર્તામાં પાત્રોના નામ પણ નથી અને છતાં આપણે કલ્પના કરીને ખેડૂત અને ખેડૂત પુત્રને જોઈ લઈએ છીએ. અને છેલ્લે આવે છે બોધપાઠઃ ભોજનમાં સ્વાદ જોઈતો હોય તો મહેનતનું જ ખાઓ.

આ પૃથ્વી પર એવો કયો વિસ્તાર હશે, જ્યાં આ વાર્તાને સ્થળ-કાળનું બંધન નડતું હશે? ક્યાંય નહીં. આ પ્રકારની વાર્તાઓનું સૌથી મજબૂત પાસું જ એ હોય છે. આ વાર્તા હિમાલયના રાજ્યોમાં ઘણી જાણીતી છે. થોડા સમય પહેલાં જ કાશ્મીરમાં આ વાર્તા સાંભળી હતી. ભારત પાસે આવી વાર્તાઓનો ખજાનો છે કારણ કે, ભારત પાસે ભાષાઓનો ખજાનો છે. હિમાલયની વાર્તા તમે ગુજરાતીમાં વાંચી એવી જ રીતે, બીજી અનેક ભાષાઓમાં ગઈ હશે. બીજી ભાષાઓની વાર્તાઓ હિમાલયના રાજ્યોમાં ગઈ હશે અને રીતે સાંસ્કૃતિક આદાનપ્રદાન થયું હશે. આમ, સાંસ્કૃતિક આદાનપ્રદાનની રીતે પણ વાર્તાઓ અત્યંત મહત્ત્વનું માધ્યમ છે. એટલે જ બાળકોને વાર્તા કહેવાની પરંપરા જીવંત રાખવી જોઈએ. એક સમયે બાળકોને ફક્ત આનંદ-મસ્તી માટે હોરર, થ્રીલર અને સસ્પેન્સ વાર્તાઓ કહેવાતી. આ કારણસર બાળકો એવી વાર્તાઓમાં રસ લેતા અને પછી તેમનું વાંચન વિશ્વ વિસ્તરતું જતું. એ વાર્તાઓમાં બાળકોને વિચારતા કરી દે એવા રમૂજી વાક્યો આવતા. જેમ કે, એ ગામમાં એક ડોશી રહેતી હતી. તે નાની હતી ત્યારે જ મરી ગઈ હતી...

દુનિયાની દરેક સંસ્કૃતિ પાસે નવલકથા, નવલિકા અને મહાકાવ્ય સિવાય પણ વાર્તા કહેવાના જાતભાતના માધ્યમો છે. ભારત પાસે પણ વાર્તા  કહેવાના વૈવિધ્યસભર માધ્યમો છે. નાટક, નૃત્ય નાટિકા, કઠપૂતળી, રામકથા, ભવાઈ અને સપ્તાહ બેસાડવી એ શું છે? આ બધા વાર્તાના જ માધ્યમો છે. ચીનમાં આજેય શેડો (પડછાયો) આર્ટથી વાર્તા કહેવાય છે. ફિલ્મ, કોમિક્સ અને ઓપેરા પણ વાર્તા કહેવાના જ આધુનિક માધ્યમો છે. સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસો વાર્તાઓથી જીવે છે, ભાષાઓથી નહીં. ભાષા ખતમ થઈ જાય છે પણ વાર્તા જીવે છે. અહીં વાર્તાનો અર્થ વ્યાપક અર્થમાં લેવાનો છે. ભારતમાં છેલ્લાં ૫૦ વર્ષમાં ૨૨૦ ભાષા લુપ્ત થઈ ગઈ, પરંતુ લુપ્ત થઈ ગયેલી ભાષાઓનો વાર્તા વૈભવ (જો હોય તો) બીજી ભાષાઓમાં પહોંચીને જીવંત રહ્યો છે. આ વાત એક સીધાસાદા ઉદાહરણથી સમજીએ.



લદાખના અંતરિયાળ પહાડી વિસ્તારોમાં અનેક લોકો પગપાળા પ્રવાસ કરનારાને રાતવાસો કરવાનું આમંત્રણ આપે છે. ત્યાં અજાણ્યાની મહેમાનગતિ કરવી એ પરંપરા છે. મહેમાનગતિની આ પરંપરા હિમાચલ પ્રદેશ, કાશ્મીર, પંજાબ, હરિયાણા અને છેક અફઘાનિસ્તાનના પઠાણો સુધી વિસ્તરેલી છે. લદાખી લોકોનું માનવું છે કે, આપણને આપણા ઘરો પ્રત્યે મોહ ના હોવો જોઈએ. જો ઘર માટે મોહ હોય તો પુનર્જન્મમાં આપણે કાચબો બનીએ. કેમ કાચબો? આ સવાલ પૂછતા જ તેઓ કહે છે કે, કાચબાએ આખું જીવન પોતાનું ઘર સાથે લઈને ફરવું પડે છે.  સંથાલ નામના આદિવાસીઓમાં પણ માન્યતા છે કે, આ પૃથ્વી કાચબાના શરીર પર ગોઠવાયેલી છે. સંથાલ આદિવાસીઓની વસતી પશ્ચિમ બંગાળ, આસામ, બિહાર, ઝારખંડ, ઓડિશા તેમજ નેપાળ, બાંગ્લાદેશ સુધી જોવા મળે છે. એ લોકોની ભાષા સંથાલી છે. હવે બિલકુલ આવી જ માન્યતા અમેરિકા અને કેનેડાના ઓડાવા બોલી બોલતા આદિવાસીઓમાં પણ છે. તેઓ પણ માને છે કે, પૃથ્વી એક મહાકાય કાચબા પર ગોઠવાયેલી છે. એકબીજાથી હજારો કિલોમીટર દૂરની સંસ્કૃતિઓમાં આ વાત કદાચ વાર્તાઓ થકી જ ગઈ હશે!

કોમિક ફેન્ટસી જોનરની વાર્તાઓના ધુરંધર બ્રિટીશ લેખક ટેરી પ્રેચટે પણ કાચબાની પીઠ પર પૃથ્વીની કલ્પના કરીને સળંગ ૪૧ નવલકથા લખી હતી. આ નવલકથાઓમાં પ્રેચટે ગ્રેટ એ'ટુઇન જેવું વિચિત્ર નામ ધરાવતા કાચબાની મહાકાય પીઠ પર ચાર ખૂણામાં ચાર હાથી અને તેના પર એક ડિસ્ક (થાળી)ની કલ્પના કરી હતી. એ ડિસ્ક પરની દુનિયાને પ્રેચટે 'ડિસ્કવર્લ્ડ' નામ આપ્યું હતું. પ્રેચટની 'ડિસ્કવર્લ્ડ' શ્રેણીની નવલકથાઓનો ૩૬થી વધુ ભાષામાં અનુવાદ થયો છે. પ્રેચટ માસ્ટર સ્ટોરી ટેલર હતા એમાં કોઈ શંકા નથી, પરંતુ હજારો વર્ષ પહેલાં લખાયેલી ભારતીય પુરાણકથાઓમાં પણ 'ચુકવા' અને 'અકુપાર' નામના મહાકાય કાચબાની વાતો આવે છે.

પુરાણોમાં વાંચવા મળે છે એવી જ માન્યતા ભારત-અમેરિકા અને કેનેડાના આદિવાસીઓથી માંડીને ટેરી પ્રેચટ સુધી  કેવી રીતે પહોંચી હશે! આ જ તો વાર્તાઓની તાકાત છે. ટેરી પ્રેચટનું ૧૨મી માર્ચ, ૨૦૧૫ના રોજ મૃત્યુ થયું ત્યારે આ જ કોલમમાં તેમના વિશે લેખ લખ્યો હતો. પ્રેચટને ભણવામાં રસ ન હતો, એટલે હોશિયાર માતાએ નાનકડા ટેરીને જાતભાતના કાવાદાવા કરીને વાંચનમાં રસ લેતો કર્યો હતો. એ પછી તો ટેરીએ બ્રિટનના બકિંગહામશાયરમાં બેકન્સફિલ્ડની પબ્લિક લાઇબ્રેરીના બધા જ પુસ્તકો વાંચી કાઢ્યા. કદાચ એ વખતે તેમણે ‘કાચબાની પીઠ પર પૃથ્વી છે એવું કંઈ’ વાંચ્યું હોઈ શકે!



ઓસ્ટ્રેલિયાની ધરતી પર પણ એક સમયે સમૃદ્ધ આદિવાસી (એબઓરિજિનિલ્સ) સંસ્કૃતિ હતી. આ આદિવાસીઓનો પણ મોટા ભાગનો સાંસ્કૃતિક વારસો લુપ્ત થઈ ગયો છે, પરંતુ વાર્તાઓના કારણે તેમનું થોડું ઘણું પરંપરાગત જ્ઞાન સચવાયું છે. જેમ કે, આશરે સાત હજારથી ૧૮ હજાર વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારાની સપાટી ખૂબ વધી ગઈ હતી. અત્યારના વિજ્ઞાનીઓ આ વાત જાણે છે એવી જ રીતે, ઓસ્ટ્રેલિયાના બાકી બચેલા ૩૦૦-૪૦૦ આદિવાસીઓને પણ આ વાતની જાણકારી છે. આ માહિતી તેમણે પેઢી દર પેઢી સાંભળેલી વાર્તાઓમાંથી મેળવી છે. આ વાર્તાઓમાં સત્ય અને કલ્પનાનું જોરદાર મિશ્રણ થયેલું હોય છે. ભારતમાં પણ આ પરંપરા છે. વાંચતા પણ આવડતું એવા ભારતીયો પણ રામાયણ, મહાભારત અને પુરાણોની વાતોથી વાકેફ હોય છે. તેમણે પણ એ જ્ઞાન સાંભળીને મેળવ્યું હોય છે. હા, ટેલિવિઝનમાં પણ એ વાતો સાંભળી હોઈ શકે છે.

દાદા-દાદી, માતા-પિતા કે ઘરના બીજા વડીલોમાં જ વાચનનો શોખ ઘટી રહ્યો છે. એ માટે મોબાઈલ ફોન અને ટેલિવિઝન જેવા સ્માર્ટ માધ્યમો જવાબદાર છે, પરંતુ રોજિંદા જીવનની ઘટમાળમાં કોને પ્રાથમિકતા આપવી અને શું પાછું હડસેલવું એ આપણા હાથની વાત છે. અહીં સ્માર્ટ ફોન કે ટેલિવિઝનનો જૂનવાણી વિરોધ નથી, પરંતુ બાળકોને અઠવાડિયામાં બે-ચાર વાર વાર્તા સંભળાવવાનો નિયમ બનાવવો જોઈએ એવું કહેવા આ વાર્તા કરાઈ છે. જો આ જ વાત એક જ લીટીમાં કહેવાય તો કોને રસ પડે? ગુજરાતમાં તો બહુ ઓછા પરિવારોમાં ગુણવત્તાસભર વાંચનની આદત જોવા મળે છે. એમાંય બાળકો માટે ઉત્કૃષ્ટ બાળ સાહિત્ય વાંચનારા અને ઉત્તમોતમ પુસ્તકો વસાવનારા વડીલો કેટલા? જો બાળકોને વાર્તા કહેવાનો નિયમ બનાવ્યો હશે તો વડીલોએ પણ વાંચવુ પડશે અને સારી વાર્તાઓની શોધમાં નવા નવા પુસ્તકો પણ શોધીને વસાવવા પડશે.

હવે બાળકોને વાર્તા કહેવાના નિયમનો અમલ કરો ત્યારે એટલું યાદ રાખજો કે, તમે એક બાળકમાં સારા ગુણોનું સીંચન કરવાની સાથે સાથે ભવ્ય સાંસ્કૃતિક વારસો ટકાવવામાં પણ ફાળો આપી રહ્યા છો.

નોંધઃ તસવીરો પ્રતીકાત્મક છે. 

06 September, 2017

પ્રાઈવેસી: સ્નોડેનથી ટોઈલેટ સુધી...


કોઈપણ વ્યક્તિના વર્તનનું મહત્ત્વ બીજાને અસરકર્તા હોય તો જ તેનું સમાજ માટે મહત્ત્વ હોવું જોઈએ. એ વર્તનના કોઈ પણ હિસ્સામાં સંપૂર્ણ સ્વતંત્રતાનો ખ્યાલ હોવો જોઈએ. કોઈ પણ વ્યક્તિના સંદર્ભમાં તેનું શરીર અને મગજ વ્યક્તિગત સાર્વભૌમત્વ ધરાવતો પ્રદેશ જ છે...

સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાક જેટલો જ મહત્ત્વનો રાઈટ ટુ પ્રાઈવેસીનો ચુકાદો આપતી વખતે અમેરિકન-બ્રિટીશ તત્ત્વજ્ઞાની જ્હોન સ્ટુઅર્ટ મિલ (૧૮૦૬-૧૮૭૩)નું આ ક્વૉટેબલ ક્વૉટ ટાંક્યું હતું. જ્હોન સ્ટુઅર્ટ મિલ ૧૯મી સદીના 'મોસ્ટ ઈન્ફ્લુએન્શિયલ ફિલોસોફર' ગણાય છે. વ્યક્તિગત સ્વતંત્રતા અને તેનું મહત્ત્વ શું હોઈ શકે એ વિશે તેમણે આપેલા વિચારોનો વૈશ્વિક સ્તરે પ્રભાવ પડ્યો હતો. પ્રાઈવેસી અને ફ્રિડમ ઓફ એક્સપ્રેસન પશ્ચિમી વિદ્વાનોએ આપેલો વિચાર છે અને તેઓ તેને કેટલું મહત્ત્વ આપે છે, એ જ્હોન સ્ટુઅર્ટ મિલનું ક્વૉટ ધ્યાનથી વાંચીને સમજી શકાય એમ છે.

એડવર્ડ સ્નોડેન અને ‘સ્નોડેન’ ફિલ્મનું પોસ્ટર


તમને એડવર્ડ સ્નોડેન યાદ હશે! સ્નોડેને ૨૦૧૩માં ભાંડો ફોડ્યો કે, અમેરિકાની નેશનલ સિક્યોરિટી એજન્સી 'પ્રિઝમ' પ્રોગ્રામ હેઠળ લાખો અમેરિકનોના કૉલ ડિટેઇલ્સ, ઇ-મેઇલ અને ક્રેડિટ કાર્ડ ડેટા પર ચાંપતી નજર રાખી રહી છે. બસ, ખેલ ખતમ. અમેરિકનોમાં હાહાકાર મચી ગયો. અમેરિકન મીડિયાએ વ્હાઈટ હાઉસના 'ટ્રાયલ' લેવાના શરૂ કરી દીધા. પ્રિઝમ પ્રોગ્રામનો હેતુ અમેરિકનોને સુરક્ષા આપવાનો હતો. આ રીતે જાસૂસી કરીને જ અમેરિકાએ ૯/૧૧ પછી ૪૫ મોટા આતંકવાદી હુમલા નિષ્ફળ બનાવ્યા હતા. સ્નોડેન અમેરિકાની જ જાસૂસી સંસ્થા સીઆઈએનો પૂર્વ અધિકારી હતો. નૈતિક રીતે સ્નોડેને અમેરિકા સાથે 'ગદ્દારી' કરી હતી, પરંતુ અમેરિકનો માટે એ બધાનું કશું જ મહત્ત્વ ન હતું કારણ કે, સરકારે લોકોની પ્રાઈવેસી પર તરાપ મારી હતી.

એ વખતે 'ટાઈમ' જેવા મેગેઝિને એક સર્વેક્ષણ કર્યું, જેમાં ૫૩ ટકા અમેરિકનોએ સ્નોડેનને સજા કરવાની તરફેણ કરી હતી. એ જ રીતે, ૨૭ ટકા લોકો સ્નોડેનને નિર્દોષ માનતા હતા. એ પછી તો ઓલિવર સ્ટોન જેવા ઓસ્કર વિનર ફિલ્મ ડિરેક્ટરે થોડી-ઘણી અડચણો સહન કરીને એડવર્ડ સ્નોડેનની 'સ્નોડેનનામે જ બાયોપિક બનાવી અને સપ્ટેમ્બર ૨૦૧૬માં અમેરિકામાં વટ કે સાથ રિલીઝ પણ કરી. ઓલિવર સ્ટોનની ફિલ્મમાં એક ગદ્દારને 'હીરો' દર્શાવાયો હતો અને છતાં અમેરિકામાં તેમની ફિલ્મોનો પેલા ૫૭ ટકાએ બહિષ્કાર ના કર્યો. એ લોકો ગેસોલિનના કેરબા લઈને થિયેટરો સળગાવવા પણ ના ઉતરી પડ્યા.

જે તે વખતે અમેરિકામાં પણ અનેક લોકોએ સ્નોડેનનો (યોગ્ય રીતે જ) વિરોધ કર્યો હતો, પરંતુ એક અભિપ્રાય સામે બીજો અભિપ્રાય હોઈ શકે છે એ વાત સરેરાશ અમેરિકન ખેલદિલીથી સ્વીકારી શકે છે. સ્નોડેનનો વિરોધ કરતા મોટા ભાગના લોકોએ તેણે ચીન દ્વારા સંચાલિત હોંગકોંગ કે રશિયામાં આશરો લીધો એ સામે વાંધો હતો. વાત પણ સાચી હતી કારણ કે, ચીન કે રશિયા સુરક્ષાના બદલામાં સ્નોડેન પાસેથી અમેરિકન જાસૂસી તંત્રની ગુપ્ત માહિતી ઓકાવી શકે એમ હતા. અમેરિકાના એક મોટા (સ્નોડેનને નિર્દોષ માનતા પેલા ૨૭ ટકા), મજબૂત અને બોલકા વર્ગ માટે સ્નોડેન વ્હિસલ બ્લોઅર, હેક્ટિવિસ્ટિ (હેકર એક્ટિવિસ્ટ) કે હીરો છે. આ વર્ગ માટે અમેરિકાના બંધારણ, સ્વતંત્રતા, અભિવ્યક્તિ, આઝાદી અને ગુપ્તતાના અધિકારથી વિશેષ કશું મહત્ત્વનું નથી. આ ૨૭ ટકાને અમેરિકાના મજબૂત મીડિયાનો પણ આડકતરો લાભ મળે છે કારણ કે, અમેરિકન મીડિયા ઈન્ડસ્ટ્રીમાં (અનેક ખામીઓ છતાં) લોકશાહી, સ્વતંત્રતા, ગુપ્તતા અને વિશ્વ માનવવાદ જેવા સિદ્ધાંતોથી વરેલા મીડિયા હાઉસીસનો દબદબો છે.

હવે આ જ વાત ભારતના સંદર્ભમાં વિચારી જુઓ. સ્નોડેન જેવો કોઈ ભારતીય જાસૂસ સરકારની ગુપ્ત વાતોના વટાણા વેરીને પાકિસ્તાન જતો રહે તો? સ્નોડેન અત્યારે પણ અમેરિકાના 'દુશ્મન' રશિયામાં છે. આ  સરખામણી કરીએ ત્યારે ભારત અને અમેરિકન મીડિયાનો પાયાનો ફર્ક સમજીએ. અમેરિકામાં ફક્ત એક જ ભાષા છે, જ્યારે ભારતમાં ૨૨ સત્તાવાર ભાષા છે. ભારતના વિવિધ રાજ્યોમાં પ્રાદેશિક ભાષાના મીડિયાની બોલબાલા છે. આ મીડિયા જ જુદા જુદા પ્રદેશોની પ્રજાનું માનસ ઘડે છે, જે મોટા ભાગે રાષ્ટ્રવાદ, દેશદાઝ, દેશપ્રેમથી પ્રેરિત હોય છે. આ લાગણીઓ મોટા ભાગે સાચા-ખોટાનું ભાન ભૂલાવી દે છે.

બીજી તરફ, ભારતના અંગ્રેજી મીડિયા પર સ્વાભાવિક રીતે જ પશ્ચિમી વિચારોનો પ્રભાવ છે. એ માટે અંગ્રેજી મીડિયા સાથે સંકળાયેલા લોકોનું પશ્ચિમી (કે અંગ્રેજી) શિક્ષણ જવાબદાર છે. તેમના માટે લોકશાહી, અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, સર્વધર્મ સમભાવ અને ગુપ્તતા જેવા મુદ્દા અત્યંત મહત્ત્વના છે. દેશના વિકાસમાં આ બધી વાતોને તેઓ ખાસ મહત્ત્વ આપે છે. આ ફક્ત માહિતી છે, ટીકા નહીં. એટલે જ પ્રાઈવેસી જેવો અત્યંત મહત્ત્વનો મુદ્દો અંગ્રેજી કે એલિટ મીડિયામાં જેટલો ચર્ચાઈ રહ્યો છે એટલો પ્રાદેશિક ભાષાના મીડિયામાં નથી ચર્ચાયો. હા, પ્રાદેશિક ભાષાના રાષ્ટ્રવાદી મીડિયામાં ટ્રિપલ તલાકની ચર્ચા જરૂર થઈ. ચર્ચા જ નહીં, ઊંડી છણાવટ પણ થઈ. પ્રાદેશિક ભાષાનું મીડિયા અનેક મુદ્દે અંગ્રેજી મીડિયાની આકરી ટીકા કેમ કરે છે એ સમજી શકાય એમ છે.

અમેરિકાની જ થિંક ટેંક પ્યૂ રિસર્ચે ૨૦૦૪માં એક સર્વેક્ષણ માટે દુનિયાના ૪૪ દેશના નાગરિકોને સવાલ પૂછ્યો કે, અમેરિકા તમારા કોમ્યુનિકેશન પર નજર રાખે, એ વાત તમને સ્વીકાર્ય છે? પરિણામો ચોંકાવનારા હતા. ગ્રીસમાં ૯૭ ટકા, ચીનમાં ૮૫ ટકા, ઈઝરાયેલમાં ૮૨ ટકા, બાંગ્લાદેશમાં ૭૦ ટકા અને અમેરિકામાં ૪૭ ટકા લોકોને આવી જાસૂસી સ્વીકાર્ય ન હતી, જ્યારે ભારતમાં ફક્ત ૩૩ ટકા લોકોને આ જાસૂસી સામે વાંધો હતો. આ સર્વેક્ષણમાં ભારતથી ઉદાર હોય એવો ફક્ત એક દેશ હતો, નાઈજિરિયા. નાઈજિરિયામાં માંડ ૩૧ ટકા લોકોને અમેરિકન જાસૂસી સામે વાંધો હતો. આ સર્વેક્ષણ ભારત અને નાઈજિરિયા જેવા દેશ-સમાજના સંદર્ભમાં અમેરિકનો માટે અભ્યાસનો વિષય છે. લોકોને પ્રાઈવેસી જેવી બાબતની પણ કંઈ પડી નથી હોતી એ વાત સરેરાશ અમેરિકન સહેલાઈથી સમજી નથી શકતો.

જોકે, બસ, ટ્રેન કે શટલમાં મુસાફરી કરતો ભારતીય આ વાતથી સારી રીતે સમજી જશે. ટ્રેનની મુસાફરીમાં એક કે એકથી વધુ સાથે ફરવા જતા સંયુક્ત પરિવારોનું અવલોકન કરજો. ટ્રેનના એક નાનકડા ડબામાં જ 'ઘર' જેવો માહોલ હશે. આખી ટ્રેન સાંભળે એ રીતે મોટેથી વાતો થતી હશે, નાસ્તા-પાણી, ભોજન થતું હશે અને ગોસિપ પણ થતી હશે! (મોબાઈલ પર પણ જાહેરમાં આ જ રીતે વાતો થતી સાંભળી જ શકાય છે ને?) આ પરિવાર વચ્ચે 'ફસાયેલા' નવપરિણીત યુગલો પ્રાઈવેસી માટે ફાંફા મારતા હશે! યુગલને પ્રાઈવેસી જોઈએ એ વાતનો પરિવારના વડીલોને અહેસાસ સુદ્ધાં નહીં હોય. ગામડાં તો ઠીક, શહેરોમાંય અનેક પરિવારોના યુગલોના આ હાલ હોય છે.

અને હા, એ ટ્રેનના ડબામાં પેલા સંયુક્ત પરિવાર વચ્ચે તમે પણ મુસાફરી કરતા હશો, તો તેઓ તમને કોઈ જ હિચકિચાહટ વગર તમારી જાતિ, ધર્મ, નોકરી-ધંધો, પગાર, સરનામું તેમજ પરણેલા છો કે નહીં વગેરે સહજતાથી પૂછી લેશે. પ્રાઈવેસી કી ઐસીતૈસી. આ રીતે વાતચીત કરવી કે ઘૂસ મારવી એ આપણા સમાજમાં 'આવડત' કે 'કળા' મનાય છે. ઓછાબોલી વ્યક્તિ માટે તો ગુજરાતીમાં 'મેંઢો' (કે મેંઢી) જેવો અપમાનજનક શબ્દ વાપરવામાં આવે છે.

ભારતમાં પાડોશી જાણતો જ હોય છે કે, પેલાને તેની પત્ની સાથે કે પેલીને તેના પતિ સાથે ઝઘડો કેમ થાય છે! પેલી સાસુને વહુ સાથે કેમ બનતું નથી કે પછી પેલા કે પેલીની સગાઈ કેમ તૂટી ગઈ હતી વગેરે. નાના શહેર કે ગામમાંથી મોટા શહેરમાં રહેવા જનારાને પણ પાડોશી સાથે 'ફેમિલી રિલેશન' ના હોય તો સારું નથી લાગતું. એટલે જ ભારતીયો અમેરિકનોની ટીકા કરતા કહે છે કે, 'ત્યાં તો બાજુના બંગલૉમાં કોણ રહે છે એ પણ ખબર ના પડે...' મુંબઈ અને દિલ્હી જેવા મોટા શહેરોમાં પણ 'પહેલો ભગવાન પાડોશી'નો ખ્યાલ હજુયે પ્રચલિત છે કારણ કે, ઈમર્જન્સીમાં સૌથી પહેલી મદદ પાડોશીની જ મળે છે. ભારતમાં પાડોશીનો ખ્યાલ સામાજિક મદદ કે ટેકાના ખ્યાલ સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. જે ભારતીયોને પાડોશી સાથે વાટકી વ્યવહાર ના હોય તેઓ એકલખૂરા કે ઘરકૂકડા ગણાય છે.

જે દેશના રસ્તા પર ખુલ્લેઆમ પેશાબ કે કુદરતી હાજતે જતા હોય એવા દૃશ્યો દેખાતા હોય ત્યાં ઉચ્ચ, મધ્યમ અને નિમ્ન વર્ગની પ્રાઈવેસીની વ્યાખ્યામાં જમીન-આસમાન જેટલું અંતર છે. આ ત્રણેય વર્ગની પ્રાથમિકતાઓ પણ જુદી છે. આજેય ગ્રામીણ ભારતમાં લોટો લઈને સમૂહમાં કુદરતી હાજતે જવું એ બહુ સામાન્ય બાબત છે. યાદ કરો 'ટોઈલેટ: એક પ્રેમકથા'. આપણે ત્યાં સ્વની શોધ માટે થતી જાત્રા અને હનીમૂન માટે પણ ટોળેટોળા સાથે જાય છે. ટૂંકમાં પ્રાઈવેસી આજેય ભારતમાં એલિટ ક્લાસનો મુદ્દો છે, નહીં કે એક સરેરાશ ભારતીયનો. પ્રાઈવેસી એ ભારતમાં ક્યારેય 'પોપ્યુલર ડિમાન્ડ' નહોતી. જોકે, બહુમતી લોકો હંમેશા સાચા નથી હોતા. આ દેશ કંઈ ખાપ પંચાયતોથી નથી ચાલતો. 

પ્રજાને દિશા આપવા બંધારણ છે. પ્રજા માટે પ્રાઈવેસીનું મહત્ત્વ હોય કે ના હોય, પણ બંધારણ અને સુપ્રીમ કોર્ટ પણ કંઈ ચીજ છે.     

***

ખેર, પ્રાઈવેસીનો અધિકાર તો મળી ગયો, પરંતુ હજુયે ઘણી સ્પષ્ટતાઓ બાકી છે. અભિવ્યક્તિ અને વાણી સ્વાતંત્ર્યના બંધારણીય અધિકારની જેમ પ્રાઈવેસીના અધિકારની પણ કેટલીક મર્યાદા છે. વાણી સ્વાતંત્ર્યની જેમ પ્રાઈવેસીના અધિકાર સાથે પણ સામાજિક બંધનો જોડાયેલા છે. સામાન્ય વ્યક્તિ તો ઠીક, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ પણ વાણી સ્વાતંત્ર્ય હોવા છતાં સ્પષ્ટ મત રજૂ કરી શકતા નથી. કોઈની લાગણી દુભાઈ જાય એવું સત્ય પણ બોલી શકાતું નથી. એવી જ રીતે, પ્રાઈવેસીના અધિકાર સાથે આધાર ડેટા સિવાય પણ ઘણી બધી મહત્ત્વની બાબતો જોડાયેલી છે. જેમ કે, વ્યક્તિનું જાતીય વલણ (સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન), ગર્ભપાત, યુથેનેશિયા (મર્સી કિલિંગ) અને પ્રેસની પ્રાઈવેસી-સ્વતંત્રતા વગેરે. જોકે, સુપ્રીમના ચુકાદા પછી આવા અનેક મુદ્દે જનહિત અરજીઓ દાખલ કરીને કાયદાકીય સુધારા (કે વધુ સ્પષ્ટતા) કરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. 

દેર આયે દુરસ્ત આયે લેકિન આઝાદીના 70 વર્ષ પછી પ્રાઈવેસીનો અધિકાર આપવા બદલ થેંક્સ ટુ સુપ્રીમ કોર્ટ.