02 May, 2017

'જંગલ બુક'ના સફેદ ટુકડાની બરફ ગોલા સુધીની સફર


એ મહાકાય હોડીમાંથી તેઓ સફેદ રંગના મોટા ટુકડા કાઢી રહ્યા હતા. પણ થોડીક જ વારમાં એ પાણીમાં ફેરવાઈ જતા. એ વખતે થોડા સફેદ ટુકડા તૂટ્યા, થોડા નદી કિનારે પડ્યા અને બાકીના તેમણે હળવેકથી બોક્સમાં મૂકી દીધા. એ વખતે હોડીનો કપ્તાન અમારી તરફ જોઈને હસ્યો, તેણે નાનક સફેદ ટુકડો મારી તરફ ફેંક્યો. આ સફેદ ટુકડો ફેંકાતા જ મેં અને મારા સાથીદારોએ એ મ્હોંમાં ઝીલ્યો અને તેનો કેટલોક ભાગ ગળી ગયા. એ ટુકડો ગળતા જ હું ઠંડીથી ઠુંઠવાઇ ગયો. રૂઆત મારા ગળાથી થઈ અને પછી તો પગના અંગુઠા સુધી ઠંડીનો ચમકારો ફરી વળ્યો. એ સફેદ ટુકડો ગળ્યા પછી મારા ગળામાંથી અવાજ પણ ગાયબ થઈ ગયો હતો. એ વખતે પેલી હોડીનો કપ્તાન મારી સામે જોઈને હસતો હતો. મેં જીવનમાં ક્યારેય આટલી ઠંડી અનુભવી ન હતી. મારા શ્વાસ સામાન્ય થયા ત્યાં સુધી હું દુ:ખ અને અચંબાની લાગણી વચ્ચે નાચતો રહ્યો. એ પછી પણ આ પ્રપંચી દુનિયાથી દુ:ખી થઈને હું રડતા રડતા નાચ્યો. આમ છતાં, હોડીના કપ્તાન લોથપોથ થયો ત્યાં સુધી મારી હાંસી ઉડાવતો રહ્યો. મને ઠંડી લાગી એ બરાબર, પણ આશ્ચર્યની વાત એ છે કે મારું રુદન પૂરું થયું ત્યારે મારા ગળામાં એ સફેદ ટુકડો ન હતો.

કિપલિંગની વાર્તામાં બર્ફીલો સંવાદ

બગલાના મ્હોંમાં મૂકાયેલો ઉપરોક્ત સંવાદ મોગલીની વાર્તાઓના અમર સર્જક રુડયાર્ડ કિપલિંગની 'ધ અન્ડરટેકર્સ' વાર્તામાંથી લેવાયો છે. 'જંગલ બુક'ની સિક્વલ 'ધ સેકન્ડ જંગલ બુક'માં સમાવિષ્ટ આ વાર્તામાં બગલો, મગર અને શિયાળ એ ત્રણ મુખ્ય પાત્રો છે. બગલો જે સફેદ ટુકડાની વાત કરી રહ્યો છે, એ બીજું કશું નહીં પણ બરફ છે. ખાવાનો બરફ. આ વાર્તામાં કિપલિંગે દર્શાવ્યું છે કે, બગલો, મગર અને શિયાળ એ ત્રણેય જણા અમેરિકાના માસાચ્યુસેટ્સના બેવરલીમાં આવેલા વેનહામ તળાવમાં રહે છે. કિપલિંગે 'જંગલ બુક'ની ભારતીય માહોલ ધરાવતી વાર્તાઓ પણ અમેરિકાના ન્યૂ ઇંગ્લેન્ડ રાજ્યના વેરમોન્ટમાં બેસીને લખી હતી, જે વેનહામ તળાવથી આશરે ૩૪૦ કિલોમીટર દૂર આવેલું છે.

રુડયાર્ડ કિપલિંગ

'ધ અન્ડરટેકર્સ' વાર્તામાં વેનહામ તળાવની પૃષ્ટભૂમિમાં બરફની વાત એમ જ નથી ઉપજાવાઈ. માસાચ્યુસેટ્સ રાજ્ય શુદ્ધ પાણીના ભંડારસમા એટલાન્ટિકના પૂર્વીય કિનારે આવેલું છે, જેથી વેનહામ તળાવમાં પણ કુદરતી રીતે જ ખાઈ શકાય એવો આરોગ્યપ્રદ બરફ બનતો. કદાચ એટલે જ દુનિયામાં બરફની નિકાસનો પહેલવહેલો ધંધો વેનહામ તળાવથી શરૂ થયો હતો. ૧૮૯૫ની સાલમાં પહેલીવાર 'ધ સેકન્ડ જંગલ બુક' પ્રકાશિત થઈ ત્યારે અમેરિકામાં બરફનો ધંધો ફૂલીફાલી ચૂક્યો હતો. એટલે આ વાતથી કિપલિંગ પૂરતા વાકેફ હોવા જોઈએ! ૧૯મી સદીમાં ભાગ્યેજ કોઈ સાહિત્યકારે કિપલિંગની જેમ બરફનો આવા રૂપક તરીકે ઉપયોગ કર્યો છે.

રુડયાર્ડ કિપલિંગે ફક્ત ૪૨ વર્ષની વયે નોબેલ પુરસ્કાર જીત્યો હતો, જે રેકોર્ડ હજુયે અકબંધ છે. વળી, નોબેલ જીતનારા પહેલા અંગ્રેજી લેખક પણ કિપલિંગ છે.

અમેરિકાથી ઇંગ્લેન્ડ સુધી બરફની નિકાસ

ઈ.સ. ૧૮૩૦માં જ વેનહામ તળાવના બરફનો ધંધો કરવાના મૂળ નંખાઈ ગયા હતા અને ૧૮૪૪માં અહીંથી પહેલું આઇસ કાર્ગો ઇંગ્લેન્ડ પણ પહોંચી ગયું હતું. લેન્ડર્સ અટક ધરાવતા એક પરિવારે 'વેનહામ લેક આઈસ કંપની' રૂ કરીને રીતસર બરફનો ધંધો શરૂ કર્યો હતો. તેઓ વેનહામ તળાવ નજીક બેથી ત્રણ એકર જમીનમાં ખાડા કરીને બરફની રીતસરની 'ખેતી' કરતા. અહીં બરફની મહાકાય પાટ તૈયાર કરીને કારીગરો કટરની મદદથી બરફના ચોસલા તૈયાર કરતા. આ કંપનીએ બરફના ચોસલાનો સંગ્રહ કરવા ખાસ પ્રકારના આઈસ હાઉસ પણ તૈયાર કર્યા હતા. તેની બે ફૂટ જાડી દીવાલો દેવદારના વૃક્ષોના ભૂંસામાંથી બનાવાઈ હતી. આ ઉપરાંત કંપનીએ એક જ કલાકમાં બરફના ચોસલા બોસ્ટન સુધી પહોંચાડવા રેલવે ટ્રેક પણ બનાવડાવ્યો હતો. બોસ્ટન સુધી જતા તો બરફ પીગળતો ન હતો, પરંતુ બોસ્ટનથી બ્રિટનના લંડન સુધી બરફ પહોંચાડવામાં ત્રીજા ભાગનો બરફ પીગળી જતો. 

વેનહામ તળાવમાં બરફના ચોસલા પાડતા કારીગરો 

આજે તો ઉનાળો આવતા ગમે તેવા અંતરિયાળ વિસ્તારોમાં પણ બરફ ગોલા મળી જાય છે, પરંતુ સવા સો વર્ષ પહેલાં બરફનો ધંધો કરવો એ બહુ મોટું ઉદ્યોગસાહસ હતું. જોકે, રૂઆતના વર્ષોમાં બરફનો ઉપયોગ ફક્ત ઠંડા પાણી પૂરતો મર્યાદિત હતો. બ્રિટનની રાણી વિક્ટોરિયાના મહેલમાં પણ વેનહામ તળાવના બરફનું જ ઠંડુ પાણી પીવાતું. બ્રિટીશ રાજવી પરિવારે વેનહામ લેક આઈસ કંપનીને 'રોયલ વૉરન્ટ ઓફ એપોઇન્ટમેન્ટ' પણ આપી હતી. રાજવી પરિવારને ઉચ્ચ પ્રકારની ચીજવસ્તુઓ અને સેવા વેચનારા વેપારીઓને લંડનના મહેલ સુધી નિકાસ કરવામાં કોઈ અડચણો ના આવે, એ માટે આ સન્માન અપાતું.

અમેરિકાનો બરફ ઇંગ્લેન્ડમાં લંડન સુધી નિકાસ થતો હતો, એ વાતની નોંધ વિખ્યાત વિજ્ઞાની માઇકલ ફેરાડેએ પણ લીધી હતી. ફેરાડેએ નોંધ્યું હતું કે, ''વેનહામ તળાવનો શુદ્ધ બરફ પીગળવામાં થોડો વધારે સમય લે છે કારણ કે, તેમાં મીઠાનું અને હવાના પરપોટાનું પ્રમાણ ઓછું હોય છે...''

ફ્રેડરિક ટુડોર નામના આઇસ કિંગની એન્ટ્રી

અત્યારે આપણે જાતભાતની અમેરિકન બ્રાન્ડ વાપરીએ છીએ, પરંતુ બ્રિટીશ કાળના ભારતમાં આશરે ત્રણ દાયકા સુધી અમેરિકન બ્રાન્ડના બરફની પણ આયાત થઈ હતી. જોકે, એ વખતે બરફ લક્ઝરી આઇટમ હોવાથી ચુનંદા ધનવાન લોકોને જ તેનો લાભ મળતો. ખાવાના બરફનો પહેલવહેલો ધંધો શરૂ કરવાનો શ્રેય વેનહામ લેક આઇસ કંપનીને અપાય છે, પરંતુ ભારત સહિત દુનિયાભરમાં બરફની નિકાસ કરવાનો શ્રેય બોસ્ટનના ઉદ્યોગસાહસિક ફ્રેડરિક ટુડોરને જાય છે.


ફ્રેડરિક ટુડોર

ટુડોરનો જન્મ અમેરિકાના બોસ્ટન સ્થિત ધનાઢ્ય અને પ્રતિષ્ઠિત પરિવારમાં થયો હતો, પરંતુ પારિવારિક ધંધામાં ખોટ જતા ટુડોરે દેવાળિયા તરીકે જેલની હવા ખાવી પડે એવી સ્થિતિ સર્જાઈ હતી. દેવું ઉતારવાના ચક્કરમાં ટુડોરે કોફીનો ધંધો શરૂ કર્યો પણ એમાંય દેવું થયું. આ સ્થિતિમાં ટુડોરે બરફની નિકાસ કરવાના એનાથી પણ વધારે જોખમી ધંધામાં ઝંપલાવ્યું. ઈ.સ. ૧૮૩૦થી જ તેણે બરફના ધંધામાં ખણખોદ કરવાનું શરૂ કરી દીધું હતું. વેનહાન તળાવનો બરફ લંડન સુધી પહોંચાડવા બોસ્ટન લાવવો પડતો, એટલે બોસ્ટનમાં રહેતો ટુડોર બરફના ધંધાથી પહેલેથી જ પરિચિત હોવો જોઈએ.

ટુડોરે ૧૮૩૩થી ૧૮૭૦ એમ સતત ૩૭ વર્ષ સુધી અમેરિકાથી બ્રિટીશ ઈન્ડિયામાં બરફની નિકાસ કરીને ધરખમ કમાણી કરી હતી. આજેય એ દુનિયાના સૌથી મોટા ઉદ્યોગસાહસો પૈકીનું એક ગણાય છે. આ ધંધો ચાલુ કર્યો ત્યારે ટુડોરને ખ્યાલ પણ ન હતો કે, ઈતિહાસમાં તે 'આઈસ કિંગ' તરીકે અમર થઈ જવાનો છે. આ ઉદ્યોગસાહસની તમામ ઐતિહાસિક વિગતો 'આઈસ કિંગ ઓફ ધ વર્લ્ડ' નામના ટુડોરના જીવનચરિત્રમાં મોજુદ છે.

અમેરિકન બ્રાન્ડ બરફનું કોલકાતામાં આગમન

ટુડોરે શરૂઆતમાં બોસ્ટનથી દક્ષિણ અમેરિકાના રાજ્યોમાં બરફ વેચવાનું શરૂ કર્યું હતું પણ તેમાં ખાસ નફો નહોતો થતો. આ દરમિયાન ટુડોર ઓછામાં ઓછો બરફ પીગળે અને વધુ નફો થાય એવી પદ્ધતિઓ વિચારી રહ્યો હતો. એ જ વખતે તેણે અમેરિકાથી બ્રિટીશ ઈન્ડિયાના કોલકાતામાં બરફની નિકાસ કરવાનો ક્રાંતિકારી વિચાર કર્યો. અમેરિકાથી છેક ભારત સુધી બરફની નિકાસ કરવાનો વિચાર કોઈ વિચક્ષણ બુદ્ધિ ધરાવતો ઉદ્યોગપતિ જ કરી શકે! અમેરિકા જઈને વસેલા અનેક બ્રિટીશરોએ ઈ.સ. ૧૭૭૮માં જ ભારતમાં નિકાસ કરવાની શરૂઆત કરી દીધી હતી, પરંતુ બરફની નિકાસ એ અલગ મુદ્દો હતો. કારણ કે, ટુડોર બરફની નિકાસ કરવાનું વિચારતો હતો ત્યારે ૧૮૩૩નું વર્ષ ચાલી રહ્યું હતું. એ વખતે એટલાન્ટિકથી હિંદ મહાસાગરની દરિયાઈ મુસાફરી કરતા ચાર મહિનાનો સમય થઈ જતો. આટલા સમયમાં મોટા ભાગનો બરફ ઓગળી જવાની પૂરેપૂરી સંભાવના હતી.

વેનહામ તળાવ, જેના કિનારે બેસીને થોરોએ લેખન કર્યું હતું 

આ મુશ્કેલીઓના ઉપાયરૂપે ટુડોર અને તેના સાથીદારોએ બરફની મહાકાય પાટોને ઘોડાગાળી સાથે  બાંધેલી કટરની મદદથી ઝડપથી કાપવાની, સંગ્રહ કરવાની તેમજ વહાણમાં લૉડ કરીને ઓછામાં ઓછા સમયમાં આઈસ હાઉસમાં પહોંચાડવાની પદ્ધતિઓ શોધી. વહાણમાં બરફનો સંગ્રહ કરવા લાકડાના ભૂંસાની દીવાલો ધરાવતા બોક્સ બનાવ્યા. આ બોક્સ ઉપરથી ખૂલી શકે એવા હતા, જેથી જે તે સ્થળે બરફ પહોંચ્યા પછી બોક્સ આડું કરીને બરફના ચોસલાને સીધો આઈસ હાઉસમાં પહોંચાડી શકાય.

છેવટે ૧૨મી મે, ૧૮૩૩ના રોજ બોસ્ટનથી ૧૮૦ ટન બરફ ભરેલું મહાકાય વહાણ છઠ્ઠી સપ્ટેમ્બર, ૧૮૩૩ના રોજ કોલકાતામાં લાંગર્યું. આટલી લાંબી મુસાફરી કરીને આવેલું વહાણ કોલકાતા આવ્યું ત્યારે પણ તેમાં ૧૦૦ ટન જેટલો બરફ હેમખેમ હતો. કોલકાતા બંદરે કસ્ટમને લગતી ઔપચારિકતાઓ કરવામાં પણ બરફ પીગળી જાય એમ હતો, પરંતુ ટુડોર એ ઔપચારિકતાઓ પછી કરી લઈશું’ એવું બ્રિટીશ અધિકારીઓને સમજાવી શક્યો હતો. એ પછી તો ટુડોરનો ધંધો એટલો જાન્યો કે, તેણે માસાચ્યુસેટ્સના કોન્કોર્ડમાં આવેલા વૉલ્ડન તળાવમાં પણ બરફની ખેતી શરૂ કરી.

ગાંધીજી, લિયો ટોલ્સટોય અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયર જેવી હસ્તીઓને ‘સવિનય કાનૂનભંગ’નો વિચાર આપનારા અમેરિકન વિચારક, કવિ અને પ્રકૃતિવાદી હેનરી ડેવિડ થોરોએ વૉલ્ડન તળાવ નજીક ઝૂંપડી બાંધીને બે વર્ષ સુધી લેખન કર્યું હતું. એ વખતે થોરોએ પણ વૉલ્ડન તળાવમાં બરફની ખેતી થતી જોઈ હતી. એટલે જ તેમણે એકવાર કહ્યું હતું કે, ''ચાર્લ્સટન, ન્યૂ ઓર્લિયન્સથી માંડીને મદ્રાસ, બોમ્બે અને કોલકાતાના ગરમ પ્રદેશના રહેવાસીઓ મારા કૂવાનું પાણી પીવે છે...''

***

એવું નથી કે, ભારતીયો બ્રિટીશ યુગ પહેલાં બરફથી પરિચિત ન હતા. ભારતમાં હિમાલયના બરફનો ઠંડા પાણીમાં કે આઈસક્રીમ જેવી વાનગી બનાવવામાં ઉપયોગ થતો જ હતો. ઈ.સ. પૂર્વે ૪૦૦માં પર્શિયન વેપારીઓએ હિમાલયનો બરફ સંગ્રહ કરવાના લાકડા-ભૂંસાની જાડી દીવાલો ધરાવતા કન્ટેઇનર્સ બનાવ્યા હતા, જેને ઠંડા સ્થળે ઊંડા ખાડા કરીને દાટી દેવાતા જેથી કુદરતી ઠંડક મળે અને બરફને પીગળતા વાર લાગે. મોગલ કાળમાં પણ હિમાલયના બરફનો કંઈક આવી જ રીતે ઉપયોગ થતો, પરંતુ આ ખાડામાં પાણી થીજાવીને બરફની ખેતી કરવાની અને તેની નિકાસ કરવાની શરૂઆત અમેરિકાથી થઈ હતી.

એ પછી તો અમેરિકામાં પણ ઔદ્યોગિકીકરણની શરૂઆત થઈ, પાણીના સ્રોતો નજીક કારખાના સ્થપાયા અને તળાવોમાં કુદરતી બરફની ખેતી કરવી અશક્ય થઈ ગઈ. જોકે, ત્યાં સુધી બરફ બનાવવાની આધુનિક પદ્ધતિ શોધાઈ ગઈ હતી. ઈ.સ. ૧૮૭૮માં ભારતમાં બેંગાલ આઈસ કંપની નામે બરફનું પહેલું કારખાનું સ્થપાયું અને ભારતમાં પણ બરફની આયાત સંપૂર્ણ બંધ થઈ.

આજના બરફ ગોળાની શોધ પાછળ આવો સુવર્ણ ઇતિહાસ રહેલો છે.

2 comments:

  1. સાહેબ, આવી સરસ માહિતી ગુજરાતીઓ સમક્ષ મુકવાબદલ અભિનંદન.. તમે લખતા રહો.

    ReplyDelete
    Replies
    1. Thanks a lot :) Keep WORTH Reading, Keep Sharing.

      Delete