10 May, 2016

મહારાષ્ટ્રમાં ‘માનવીની ભવાઈ’


દેશના વિવિધ રાજ્યોમાં વર્ષ ૧૯૬૬થી ૨૦૦૦ સુધી પડેલા દસ ભયાનક દુકાળમાં મહારાષ્ટ્રનો સમાવેશ થતો નથી. મહારાષ્ટ્રમાં વર્ષ ૧૯૭૦-૭૩ દરમિયાન પડેલા કારમા દુકાળ વખતે પાણીની નહીં પણ ખોરાક અને ઘાસચારાની મુશ્કેલી વધારે હતી. ઊલટાનું એ દુકાળની તીવ્રતાને ઓછી કરવા મહારાષ્ટ્ર સરકારે લીધેલા પગલાં દુકાળમાં કરાયેલી ઉત્તમ કામગીરીગણાય છે. એ પછી વર્ષ ૨૦૧૩થી મહારાષ્ટ્રમાં, ખાસ કરીને ઔરંગાબાદના આઠ જિલ્લામાં, આગલા વર્ષ કરતા વધારે ભયાનક દુકાળ પડવાની શરૂઆત થઈ. એવું નથી કે, મહારાષ્ટ્રમાં પાણીના સ્રોતો કે સિંચાઈનો અભાવ છે! મહારાષ્ટ્ર જ નહીં, દેશના અનેક રાજ્યોમાં ઓછો વરસાદ પડે છે, પરંતુ ત્યાં ખેડૂતોની આત્મહત્યાનું પ્રમાણ મહારાષ્ટ્ર જેટલું ઊંચું નથી. હકીકત એ છે કે, મહારાષ્ટ્રની બદતર હાલત માટે ખાંડ ઉદ્યોગ, તેમાં હિતો ધરાવતા રાજકારણીઓ તેમજ પાણીના સ્રોતોનું ક્રિમિનલ મિસ-મેનેજમેન્ટ જવાબદાર છે. મહારાષ્ટ્રનો દુકાળ કુદરતી ઓછો અને માનવસર્જિત વધારે છે.

આ વાત જરા વિગતે સમજીએ. મહારાષ્ટ્ર રાજ્ય અમરાવતી, ઔરંગાબાદ, કોંકણ, નાગપુર, નાસિક અને પૂણે એમ છ ડિવિઝનમાં વહેંચાયેલું છે. આ તમામ ડિવિઝનમાં ગયા વર્ષે જરૂરિયાત કરતા ઓછો વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને ઔરંગાબાદમાં પાણીની બારે માસ તંગી હોય છે. ગયા વર્ષે પણ ઔરંગાબાદમાં જરૂરિયાતના ૪૦ ટકા જેટલો વરસાદ પડ્યો હતો. અહીં છેલ્લાં ત્રણેક વર્ષથી આગલા વર્ષ કરતા આકરો દુકાળ પડી રહ્યો છે. જોકે, દેશભરના વિવિધ વિસ્તારોના સરેરાશ વરસાદ પર નજર કરતા એક વાત સાબિત થાય છે કે, આ દુકાળ માટે ફક્ત ઓછો વરસાદ જવાબદાર નથી. ગયા વર્ષે મહારાષ્ટ્રમાં સરેરાશ ૫૧ ઈંચ વરસાદ પડ્યો હતો, જે દેશના સરેરાશ વરસાદ ૪૩ ઈંચથી વધારે છે. કોંકણમાં વાર્ષિક ૧૧૮ ઈંચથી વધારે વરસાદ નોંધાયો હતો. જોકે, ઔરંગાબાદમાં ૩૫ ઈંચ અને બીજા એક દુકાળગ્રસ્ત ડિવિઝન વિદર્ભમાં ૪૧ ઈંચ વરસાદ થયો હતો, જે રાષ્ટ્રીય સરેરાશથી ફક્ત બે ઈંચ ઓછો છે. રસપ્રદ વાત એ છે કે, મહારાષ્ટ્રના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં વાર્ષિક સરેરાશ વરસાદ માંડ ૧૫-૧૬ ઈંચ હોય છે. આમ છતાં, રાજસ્થાનમાં મહારાષ્ટ્ર જેટલી ખરાબ સ્થિતિ સર્જાતી નથી.



મહારાષ્ટ્રના દુકાળ માટે પાણીની તંગી નહીં પણ ખાંડ માફિયાનામની પ્રજાતિએ ઊભી કરેલી પાણીની માનવસર્જિત તંગીજવાબદાર છે. આ પ્રજાતિ જીવતા જાગતા ખેડૂતોને ખાઈ જાય છે પણ એકેય રાજકીય પક્ષને તેનો ખાત્મો કરવામાં રસ નથી કારણ કે, ખુદ રાજકારણીઓ જ એ પ્રજાતિના પ્રમોટરો છે. હાલ મહારાષ્ટ્રમાં ૨૦૦ જેટલી ખાંડ સહકારી મંડળીઓ અને આશરે ૮૦ પ્રાઈવેટ ખાંડ મિલો છે. આ એંશીમાંથી અનેક પ્રાઈવેટ મિલોના પ્રમોટર તરીકે રાજ્ય સરકારના ભંડોળમાંથી ઊભી થયેલી સહકારી મંડળીઓ છે. મહારાષ્ટ્રના રાષ્ટ્રીયથી લઈને સ્થાનિક કક્ષાના અનેક રાજકારણીઓ ખાંડ ઉદ્યોગમાં હિતો ધરાવે છે. તેઓ પ્રજાના પૈસે ચાલતી સહકારી મંડળીઓને નબળી પાડીને પ્રાઈવેટ ખાંડ મિલમાં ફેરવી દેવા આતુર હોય છે. આ લોકોને પાણીની તંગી ધરાવતા વિસ્તારોમાં પણ સૂંડલા મોંઢે પાણી પીતી શેરડીનો પાક લેવામાં જ રસ છે.

દેશમાં ઉત્તરપ્રદેશ પછી શેરડીનો સૌથી વધારે પાક મહારાષ્ટ્રમાં લેવાય છે. ઉત્તરપ્રદેશમાં તો ગંગા, યમુના અને સિંધ જેવી ૪૦થી પણ વધારે નદીઓનું નેટવર્ક છે, જ્યારે મહારાષ્ટ્રના જે વિસ્તારોમાં શેરડીનો જંગી પાક લેવાય છે ત્યાં પાણીની હંમેશાં તંગી હોય છે. એવું કહેવાય છે કે, વરસાદ આકાશમાંથી પડે છે, પણ દુકાળનું સર્જનજમીન પર થાય છે. અત્યારના મહારાષ્ટ્રને (દેશના અનેક ભાગોને પણ) આ વાત સૌથી વધારે લાગુ પડે છે. મહારાષ્ટ્ર સરકારના કૃષિના આંકડા પ્રમાણે, મહારાષ્ટ્રની ફક્ત ચાર ટકા જમીન પર શેરડીની ખેતી થાય છે. મહારાષ્ટ્રના રાજકારણીઓ આવી છેતરામણી દલીલો કરીને સામેવાળાને ચિત્ત કરી દે છે. આ દલીલો કરતી વખતે તેઓ એવું નથી કહેતા કે, ચાર ટકા જમીન પર ઊગાડાતી શેરડી માટે સિંચાઈ અને કૂવાનું ૭૧ ટકાથી પણ વધારે પાણી વપરાઈ જાય છે. આમ, પાણીનો પ્રશ્ન ખાંડ ઉદ્યોગમાંથી ઉદ્ભવેલું કોલેટરેલ ડેમેજ છે. એવું નથી કે, મહારાષ્ટ્રના રાજકારણીઓ, કૃષિ નિષ્ણાતો, સામાજિક નેતાઓ કે સ્વૈચ્છિક સંસ્થાઓ આ વાતથી બેખબર છે.

આપણી કમનસીબી એ છે કે, આ પ્રકારના દુષણ પર પ્રજાકીય આંદોલનથી જ કાબૂ મેળવી શકાય કારણ કે, ખાંડ ઉદ્યોગમાં રાજકારણીઓ જેવી રીતે હિતો ધરાવે છે એવી જ રીતે, બીજા લાખો લોકો પણ ખાંડ ઉદ્યોગ ફૂલેફાલે એમાં રસ ધરાવે છે. આ લોકોની સંખ્યા ઓછી છે પણ રાજકારણ અને અર્થતંત્રમાં તેમનું વર્ચસ્વ છે. રાજ્યસભામાં ચોથી માર્ચ, ૨૦૧૬ના રોજ રજૂ કરાયેલા આંકડા પ્રમાણે, વર્ષ ૨૦૧૫માં મહારાષ્ટ્રમાં ૩,૨૨૮ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી, જેમાંની મોટા ભાગની આત્મહત્યા કૃષિ વિષયક પ્રશ્નોના કારણે થઈ છે. ખરેખર આ આત્મહત્યા નથી પણ પેલા રાજકીય-આર્થિક રીતે સંપન્ન વર્ગે જ તેમની આડકતરી રીતે હત્યાકરી છે.

મહારાષ્ટ્રના લગભગ તમામ રાજકારણીઓ રાજકીય વજન વધારવા ખાંડ મિલોની આવકનો ઉપયોગ કરે છે. આપણે થોડા દિવસો પહેલાં જ જોયું કે, ઔરંગાબાદના લાતુર સહિતના જિલ્લાઓમાં પાણીની ટેન્કરો અને ટ્રેનોથી પીવાનું પાણી પહોંચાડવું પડ્યું હતું. આ સ્થિતિ હોવા છતાં અહીં છેલ્લાં ત્રણ વર્ષમાં ખાંડની વધુ ૨૦ મિલો સ્થપાઈ છે અને હવે આ આંકડો ૭૦એ પહોંચ્યો છે. આ મિલો જમીનમાંથી પાણી ખેંચીને પર્યાવરણની પણ ઘોર ખોદી રહી છે. પર્યાવરણવાદીઓએ ચેતવણી આપી છે કે, જો અહીં ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા અત્યારથી પ્રયાસ નહીં કરાય તો વીસેક વર્ષમાં જ ઔરંગાબાદ મહારાષ્ટ્રનો પહેલો રણપ્રદેશ બની જશે! દેશમાં સૌથી વધારે ડેમ મહારાષ્ટ્રમાં છે. સામાન્ય રીતે ૧૫ ફૂટથી વધારે ઊંચાઈ ધરાવતા અને ૬૦ મિલિયન ક્યુબિક મીટરથી વધારે પાણીનો સંગ્રહ કરી શકતા ડેમને મોટા ડેમના ખાનામાં મૂકવામાં આવે છે. મહારાષ્ટ્રમાં આવા ૧,૮૦૦થી પણ વધારે ડેમ છે. આ ડેમોનું મોટા ભાગનું પાણી શેરડી એટલે કે ખાંડ ઉદ્યોગ જ પી જાય છે.

હજુ થોડા દિવસ પહેલાં જ લોકસભામાં દુકાળ અંગેના પ્રશ્નનો જવાબ આપતી વખતે કૃષિ મંત્રી રાધા મોહન સિંઘે કહ્યું હતું કે, ‘‘મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સરકારે ખાંડ ઉદ્યોગ માટે ડેમ બંધાવ્યા હતા, નહીં કે ખેડૂતો માટે.’’ આમ કહીને સિંઘે દુકાળની સાચી હકીકતો બહાર લાવવા સંસદમાં ચર્ચાની માગ કરી હતી. જોકે, રાજકારણીઓની વાતો આક્ષેપબાજીથી આગળ વધતી નથી. વર્ષ ૧૯૬૦થી મહારાષ્ટ્રની તમામ સરકારોએ પાણીના મુદ્દાની ઘોર અવગણના કરી છે. વર્ષ ૧૯૯૫-૯૯ દરમિયાન ભાજપ-શિવસેનાની સરકારે પણ પાણીનો સંગ્રહ, ટપક સિંચાઈ અને જમીનની નીચેના પાણીનું સ્તર ઊંચું લાવવામાં સંપૂર્ણ બેદરકારી દાખવી હતી.

પણ એવું કેમ? કારણ કે, એક પછી એક સરકારો બદલાઈ પણ પાણીનું ક્રિમિનલ મિસ-મેનેજમેન્ટ કરતા વ્હાઈટ કોલર ખાંડ માફિયાઓની સમાંતર સરકારો ક્યારેય બદલાતી નથી! આ એ જ લોકો છે, જે કોઈ પણ સરકાર સાથે ઘરોબો કેળવીને અને ભ્રષ્ટાચારી નેતાઓએ ઊભી કરેલી સિસ્ટમને વધારે ભ્રષ્ટ કરીને આગળ વધતા રહે છે. જો ખાંડ કે ડેરી ઉદ્યોગ માટે ડેમના પાણી ખૂટી જાય તો રાજકારણીઓ સિંચાઈનો પ્રસ્તાવ મંજૂર કરાવી લે છે. મહારાષ્ટ્રમાં જે રાજકારણી ખાંડ ઉદ્યોગ માટે પાણી લાવી શકે એ મજબૂતગણાય છે. રાજકારણીઓ અને ખાંડ માફિયાઓની મિલિભગતને કારણે આજેય મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ખેતીલાયક જમીન ફાજલ પડી છે.

આખું વિશ્વ ક્લાયમેટ ચેન્જને ધ્યાનમાં રાખીને ખેતીની જમીન અને પાણીનું માઇક્રો મેનેજમેન્ટ કરી રહી છે ત્યારે મહારાષ્ટ્રમાં વૉટર ગવર્નન્સ હજુ વિચારાધીન મુદ્દો છે. થોડા સમય પહેલાં મહારાષ્ટ્રમાં શેરડીના ખેતરોમાં ટપક સિંચાઈ ફરજિયાત કરવાની ચણભણ થઈ હતી, જેનો હજુ સુધી અમલ થઈ શક્યો નથી. આજેય અહીંના શેરડીના ખેતરોને પાણીથી છલોછલ ભરી દેવાની જૂનીપુરાણી પદ્ધતિ અપનાવાય છે, જેમાં પાણીનો જબરદસ્ત વેડફાટ થાય છે. હાલ મહારાષ્ટ્ર સરકાર પાણીના વિવિધ સ્રોતોમાંથી- ૭૦ ટકા પાણી કૃષિને, ૧૫ ટકા પાણી ઉદ્યોગોને તેમજ દસેક ટકા પાણી નાગરિકોને ફાળવે છે. હવે યોગાનુયોગ જુઓ. મહારાષ્ટ્રમાં પાણીનો વેડફાટ કૃષિમાં ૭૫ ટકા, ઉદ્યોગોમાં ૧૫ ટકા અને સ્થાનિકો દ્વારા દસેક ટકા થાય છે. આપણે બધાએ એ વાત યાદ રાખવાની જરૂર છે કે, દુકાળ એ સુનામી કે ભૂકંપ નથી. સુનામી કે ભૂકંપ અચાનક ત્રાટકે છે, જ્યારે દુકાળ સજ્જ થવાનો પૂરેપૂરો સમય આપે છે.

આજે મહારાષ્ટ્રને કદાચ એક પન્નાલાલની જરૂર છે, જે માનવસર્જિત દુકાળ ભવિષ્યમાં કેવી ભવાઈસર્જી શકે છે એનું તાદૃશ વર્ણન કરીને મહારાષ્ટ્રના લોકોનો અંતરાત્મા ઢંઢોળી શકે! 

નોંધઃ ગૂગલ પરથી લીધેલી તસવીર પ્રતીકાત્મક છે. 

2 comments:

  1. ખરો દૂકાળ તો દિર્ધદ્રષ્ટી ધરાવતા નેતાઓનો છે, પ્રજાએ નેતાઓને ચુંટવામાં જે થાપ ખાધી છે, તેનું પરિણામ ભોગવી રહી છે.

    ReplyDelete
    Replies
    1. સાચી વાત ડુમસિયા સાહેબ.

      Delete