31 August, 2015

તમને 'મધુશાલા' કોના મોંઢે સાંભળવી ગમશે? બચ્ચન કે સોનિયા?


આ વખતે રાહુલ ગાંધીના કારણે એક અલગ જ પ્રકારની ચર્ચાએ જોર પકડયું છે. સંસદના છેલ્લા સત્રમાં રાહુલ ગાંધી હાથમાં 'હોમ વર્ક' કરેલી કાપલી લઈને જતા હતા ત્યારે એક પ્રેસ ફોટોગ્રાફરના લેન્સે ચડી ગયા. આ કાપલીમાં તેઓ સંસદમાં જે કંઈ બોલવાના હતા તે વાક્યો અને મુદ્દા હિન્દી ભાષામાં રોમન લિપિમાં લખ્યા હતા. તેમાં ‘LOG PM MODI KO SUNNA CHAHTE HAI’ અને UNKI RAI JANNA CHAHTE HAI’ જેવા વાક્યોની સાથે ‘THREE MONKIES OF GANDHIJI’ જેવા સંદર્ભો પણ હતા. આવી 'પૂરેપૂરી તૈયારી' સાથે સંસદમાં એન્ટ્રી મારી રહેલા રાહુલ ગાંધીની કાપલી સાથેની તસવીર ઝડપાયા પછી તેઓ સોશિયલ મીડિયાના જમાનામાં હાંસીને પાત્ર ના બને તો જ નવાઈ.  ટ્વિટર અને ફેસબુક પર રાહુલ ગાંધીના છાજિયા લઈ રહેલા લોકો સોનિયા ગાંધીને પણ આ મુદ્દામાં ઢસડી લાવ્યા કારણ કે, તેઓ પણ હિન્દી વાંચવા રોમન લિપિનો ઉપયોગ કરે છે. આ પહેલાં પણ સોનિયા ગાંધીના વિદેશી કુળનો મુદ્દો ઉઠાવવામાં તેમના 'કાચા હિન્દી'ની વાતને રાજકીય હેતુથી ચગાવાઈ હતી.

રાહુલ ગાંધીની કાપલી સાથેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી એવી પણ ચર્ચા શરૂ થઈ છે કે, હિન્દી ભાષાના પ્રચાર-પ્રસાર માટે દેવનાગરી લિપિ ફગાવીને રોમન લિપિ જ અપનાવી લેવી જોઈએ!  સોશિયલ મીડિયા તો ઠીક, મેઈનસ્ટ્રીમ મીડિયામાં પણ હિન્દી ભાષા માટે દેવનાગરી લિપિ ફગાવીને રોમન લિપિ અપનાવી લેવી જોઈએ એવી માગ થઈ રહી છે. ભારતમાં ઈન્ટરનેટનો પ્રભાવ વધ્યો એ પછી ખાસ કરીને યુવા વર્ગ આવા અભિપ્રાયો આપી રહ્યો છે. બ્લોગિંગ અને ટ્વિટર, ફેસબુક જેવી માઈક્રો બ્લોગિંગ સાઈટ્સની લોકપ્રિયતા વધ્યા પછી નેટિઝને (ઈન્ટરનેટ સિટીઝન) દેવનાગરી અને રોમન એ બે શબ્દોમાંથી બનાવેલો 'રોમનગરી' નામનો શબ્દ પણ ચલણમાં મૂક્યો છે. રોમન લિપિમાં લખાતા હિન્દી લખાણને 'રોમનગરી' કહે છે. રોમનગરીની ભાષા હિન્દી છે પણ તેની લિપિ રોમન છે. રોમનગરી એક સ્લેન્ગ છે. સમાજના નિશ્ચિત વર્ગમાં-અમુક ક્ષેત્રના લોકોમાં જે શબ્દોનો ભરપૂર ઉપયોગ થતો હોય તેને સ્લેન્ગ કહે છે. સ્લેન્ગ સામાન્ય રીતે લખાણોમાં વપરાતા નથી પણ બોલચાલમાં વપરાય છે. સોશિયલ મીડિયાનો વ્યાપ વધવાથી અનૌપચારિક લખાણોમાં સ્લેન્ગનો ઉપયોગ સતત વધી રહ્યો છે.



રોમનગરી શબ્દ હિન્દી ભાષીઓનું બ્લોગિંગ વધ્યું એ પછી વધુ પ્રચલિત થયો છે. હિન્દી સહિતની અનેક ભાષાઓ લખવા માટે કમ્પ્યુટર-મોબાઈલ જેવા ડિવાઈઝમાં રોમન લિપિનો ઉપયોગ શરૂ થયો એ પાછળનું કારણ ટાઈપિંગ સુવિધાનો અભાવ હતો. અત્યારે કમ્પ્યુટરથી લઈને સ્માર્ટફોનમાં હિન્દી ટાઈપિંગની સુવિધા હોય છે પણ રોમન લિપિમાં લખવું વધારે સરળ હોવાથી રોમનગરી વધુ લોકપ્રિય છે. દેશભરમાં ઈન્ટરનેટ અને તેની સાથે જોડાયેલી દુનિયા એટલે કે વોટ્સએપ, ફેસબુક કે ટ્વિટરનો ઉપયોગ જેમ જેમ વધી રહ્યો છે એમ વિવિધ ભાષા રોમન લિપિમાં લખનારાની સંખ્યા વધી રહી છે. જેમ કે, ગુજરાતીઓ વોટ્સએપમાં વાત કરવા ગુજરાતી ભાષાનો સૌથી વધારે ઉપયોગ કરે છે પણ એ ભાષા રોમન લિપિમાં લખે છે. એવી જ રીતે, મરાઠી, તમિલ, તેલુગુ, મલયાલમ કે મણિપુરી ભાષામાં વાત કરનારા લોકો પણ રોમન લિપિનો ભરપૂર ઉપયોગ કરે છે. મરાઠી, નેપાળી અને સંસ્કૃત ભાષા પણ દેવનાગરી લિપિમાં લખાય છે. આ કારણોસર આ ત્રણેય ભાષા વત્તેઓછે અંશે રોમન લિપિમાં લખાતી થઈ ગઈ છે.

હિન્દી સહિતની વધુ બોલાતી ભાષાઓ માટે રોમન લિપિની તરફેણ કરનારાની દલીલ છે કે, ભાષા અને લિપિ વચ્ચે અતૂટ સંબંધ નથી, આવો અતૂટ સંબંધ ના હોવો જોઈએ. ભાષા તો સંવાદ કરવાની બોલચાલની રીત છે, જ્યારે લિપિ એ ભાષા વાંચવા-સમજવા તૈયાર કરાયેલા જુદા જુદા ચિહ્નો-સંજ્ઞાઓ છે. આ ચિહ્નોની મદદથી ભાષાને દૃશ્ય સ્વરૂપ આપી શકાય છે. કોઈ પણ ભાષા માટે રોમન જેવી પ્રચલિત અને સહેલી લિપિ અપનાવી લેવામાં આવે તો તે ભાષાનો પ્રચાર વધે. જોકે, હોશિયારીપૂર્વક કરાતી આ દલીલ પાયાવિહોણી છે. ભાષા સંવાદ કરવાની બોલચાલની રીત છે એ વાત ખરી, પણ લિપિ સાથે ઉચ્ચારોની દુનિયા જોડાયેલી હોય છે. ભાષામાં ઉચ્ચારોનું મહત્ત્વ સૌથી વધારે છે કારણ કે, ઉચ્ચાર છે તો સંવાદ છે અને સંવાદ છે તો જ પ્રત્યાયન (કોમ્યુનિકેશન) છે. આખરે ભાષા કોમ્યુનિકેશન માટે છે. ભાષા સાંભળવાની પણ એક મજા હોય છે. હરિવંશરાય બચ્ચનની કવિતાઓ અમિતાભ બચ્ચનના મોંઢે સાંભળવાની જે મજા છે એ સોનિયા ગાંધીમાં ના આવે! ભાષા લિપિથી બોલાય છે અને એમાં જે તે પ્રદેશની સંસ્કૃતિની સુગંધ હોય છે. હજારો વર્ષોના સાંસ્કૃતિક આદાનપ્રદાનથી ભાષા અને લિપિનો પિંડ બંધાતો હોય છે. ભાષામાં કે લિપિમાં કાળક્રમે થતાં ફેરફારો રોકી શકાતા નથી એ વાત સાચી પણ એ ફેરફારો આપમેળે થાય એ જ હિતાવહ છે.

જેમ કે, ગુજરાતી ભારતીય-આર્યન ભાષા છે, જે ભાષા વિજ્ઞાન પ્રમાણે ભારતીય-યુરોપિયન કુળની ગણાય છે. ભારતીય-યુરોપિયન ભાષા કુળની પેટા શાખામાં ભારતીય-આર્યનની જેમ ભારતીય-ઈરાનિયન, ગુજરાતી અને પશ્ચિમીનો પણ સમાવેશ થાય છે. અત્યારની ગુજરાતી ભાષાની પૂર્વજ જૂની ગુજરાતી ભાષા છે, જે ૧૬મી સદી સુધી ગુજરાતી 'ભાખા' તરીકે ઓળખાતી. આ 'ભાખા' પાછી સંસ્કૃતમાંથી વિકસી હતી. ભાષાવિજ્ઞાનીઓ જૂની ગુજરાતીને 'જૂની પશ્ચિમી રાજસ્થાની' તરીકે પણ ઓળખે છે કારણ કે, સંશોધનો પ્રમાણે આ બંને ભાષામાં નહીંવત તફાવત છે. ૧૯મી સદી સુધીમાં જૂની ગુજરાતી એક નવી જ 'મધ્યકાલીન ગુજરાતી' ભાષા તરીકે વિકસી ગઈ હતી. મધ્યકાલીન ગુજરાતી ભાષા પર રાજસ્થાની ભાષાનો જબરદસ્ત પ્રભાવ હતો પણ રાજસ્થાની કરતા તે ઘણી અલગ થઈ ગઈ હતી. આજની ગુજરાતી ભાષા આ મધ્યકાલીન ગુજરાતીમાંથી ઉતરી આવી છે. ગુજરાતી મૂળ ગુજ્જરો (ગુર્જરો)ની ભાષા હતી, જે ગુજરી કે ગોજરી તરીકે ઓળખાતી હતી. ગુજરાતી હજારો વર્ષોથી ગુજરાતી લિપિમાં જ લખાય છે. ગુજરાતી લિપિના ચિહ્નો-સંજ્ઞાઓ દેવનાગરીમાં ઉતરી આવ્યા છે. દેવનાગરી લિપિમાં શબ્દ ઉપર જે લીટી કરાતી હતી એ ગુજરાતી લિપિમાંથી નીકળી ગઈ હતી અને તેમાં સમયાંતરે નવા વ્યંજનો ઉમેરાયા હતા. આ ઉપરાંત ગુજરાતી લિપિના આંકડા પણ દેવનાગરી લિપિની જ ભેટ છે.

હાલ ગુજરાતી સહિત કચ્છી, સંસ્કૃત અને પારસીઓની અવેસ્તન ભાષા લખવા માટે પણ ગુજરાતી લિપિ વપરાય છે. અવેસ્તન મૂળ પૂર્વીય ઈરાનની ભાષા છે પણ પારસીઓ ઈરાનથી ગુજરાતના દરિયા કિનારે આવ્યા પછી તેમણે કાળક્રમે ગુજરાતી લિપિ અપનાવી લીધી હતી. એ પહેલાં પારસી ભાષા ફક્ત પાહલવી લિપિમાં લખાતી હતી. કોઈ પણ ભાષામાં લિપિનું મહત્ત્વ નથી એ માટે એવી પણ દલીલ કરાય છે કે, એક ભાષા એકથી વધારે લિપિમાં લખવામાં શું વાંધો છે? આપણે જમાના પ્રમાણે ભાષામાં ફેરફારો કરવા જોઈએ. ગોવામાં બોલાતી કોંકણી ભાષા દેવનાગરી, કન્નડ અને રોમન એમ ત્રણ લિપિમાં લખાય છે. એવી જ રીતે, રોમન લિપિનો ઉપયોગ જર્મન, ફ્રેંચ અને મિઝો ભાષા લખવા માટે પણ થાય છે. ઈન્ટરનેટ યુગમાં તો મોટા ભાગના લોકો હિંગ્લિશ (હિન્દી-ઈંગ્લિશ) જેવી બેશુદ્ધ ભાષાનો ઉપયોગ કરતા થઈ જ ગયા છે. વોટ્સએપ જેવા ચેટિંગ એપ્સ અને ફેસબુક-ટ્વિટર પર પણ કોઈ પણ ભાષાની વ્યક્તિ રોમન લિપિમાં જ લખે છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શરૂઆતથી જ રોમન લિપિનો પ્રભાવ રહ્યો છે. જેમ કે, હિન્દી નામ ધરાવતી ફિલ્મોના પોસ્ટર પર રોમન લિપિમાં હિન્દી નામ લખ્યું જ હોય છે. હિન્દી ફિલ્મોના અનેક કલાકારોને આજેય હિન્દી સંવાદો રોમન લિપિમાં આપવા પડે છે.

તર્કના એરણે ચકાસ્યા વિના ફક્ત સામેની વ્યક્તિને 'ચૂપ' કરવા કરાયેલી આ બધી જ દલીલો બકવાસ છે. જે ભાષા એકથી વધારે લિપિમાં લખાય છે એ ભાષાના ઉત્ક્રાંતિ કાળમાં થયેલા ફેરફારોને આધીન છે. આખા દેશમાં આજેય ઈન્ટરનેટનો ઉપયોગ કરતા લોકો માંડ ૨૫ ટકા છે. આ બધા લોકો હિન્દી કે ગુજરાતી રોમન લિપિમાં લખે તો પણ આ ભાષાઓ ખતમ નહીં થાય. આ તમામ લોકો રોમન લિપિની તરફેણ કરતા હોય એવું પણ માની ના લેવાય. રહી વાત હિન્દી ફિલ્મોની. હિન્દી ફિલ્મો તો ઉલટાની હિન્દી ભાષાને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવામાં મદદરૂપ થઈ છે. ફિલ્મોના પોસ્ટરો દાયકાઓથી રોમન લિપિમાં છે તો શું થયું? એના કારણે લોકો હિન્દી રોમન લિપિમાં લખતા નથી થયા. ઊલટાનું હિન્દી ફિલ્મોની સૌથી મોટી સફળતા જેના પર ટકેલી છે એ હિન્દી ગીતો હિન્દી-દેવનાગરીનો પ્રચાર કરી રહ્યા છે, નહીં કે રોમન લિપિનો. જે કલાકારોને હિન્દી સંવાદો રોમન લિપિમાં લખીને આપવા પડે છે એ આપણી કમનસીબી છે. જોકે, આવા કલાકારો કેટલા? આ લોકોએ હિન્દી શીખી લેવું જોઈએ કે આપણે હિન્દીને રોમન લિપિમાં લખવાનું શરૂ કરવાનું? સોશિયલ મીડિયામાં વિચરતી દલીલબાજ નામની પ્રજાતિને આવા કોઈ સવાલો થતા નથી. આ મુંહફટ જમાત કોઈ પણ મુદ્દે અભિપ્રાયો આપવામાં ઉતાવળી અને બરછટ હોય છે. 

આ દલીલબાજોને એટલું જ કહેવાનું કે, બધી જ ભાષાઓ હજારો વર્ષોના સાંસ્કૃતિક આદાનપ્રદાન પછી આજના સ્વરૂપમાં આવી છે. આ કોઈ પણ ભાષાની લિપિ ઈરાદાપૂર્વક બદલવામાં નથી આવી. અત્યારે હિન્દી, ગુજરાતી કે મરાઠી ભાષા શીખતા વિદ્યાર્થીઓને રોમન લિપિમાં જ આ બધી ભાષા શીખવવામાં આવે મૂંઝવણ કેવી વધી જાય! ભાષાને સહેલી બનાવવાના નામે તેની હત્યા કેવી રીતે કરી શકાય? એવી જ રીતે, ભાષાને બચાવવાની વાત કરતા પહેલાં એ પણ યાદ રાખવું જોઈએ કે, ભાષા અને લિપિને પણ ઉત્ક્રાંતિનો નિયમ લાગુ પડે છે. આ ઉત્ક્રાંતિ કાળમાં ભાષાઓ-લિપિઓ વિકસતી રહે છે અને ભૂંસાતી રહે છે. આ કુદરતી પરિવર્તન સ્વીકારવું જ પડે કારણ કે, તે કોઈ પણ સમાજ કે સંસ્કૃતિના કાબૂમાં નથી હોતું. પરંતુ ભાષામાં સરળતા ખાતર કે તેનો પ્રચાર-પ્રસાર કરવાના નામે બેહુદા ફેરફારો કરવામાં આવે તો તેનો નાશ નક્કી છે.

3 comments:

  1. ભાષા એ માત્ર લિપિ-સ્વર-વ્યંજનોનું સંયોજન માત્ર નથી હોતી, તેની સાથે એક સંસ્કૃતિ, સમાજ જીવન જોડાયેલું છે. રોમન લિપિમાં લખીને થોડી વાતો કમ્યુનિકેટ કરી શકાય. બાકી ભાષાની ‘મધુશાલા’ને પીવા તે ભાષા શીખવી જ પડે, તેના સમાજજીવન સાથે તાલમેલ સાધીને એકાત્મતા અનુભવવી પડે. નેટ પર ફરતા કેટલાક નેટિઝન તો જ્ઞાન વગરના નિષ્ણાત હોય છે અને દરેકમાં વાતમાં એક્સપર્ટ ઓપિનિયન આપતા ફરે છે. ‘રસ્તેથી પસાર થતો મુસાફર ક્ષણિક શું જાણે કે પ્રદેશની ખરી તાસીર શું છે?’ એના માટે તો પ્રદેશ ખૂંદવા પડે. ભાષાનું પણ એવું જ છે.

    ReplyDelete