24 June, 2015

આપણી નદીઓ ‘નાળાં’ કેમ થઈ ગઈ?


ભારતીય હવામાન વિભાગના મતે, આ વર્ષે અલ નિનો ઈફેક્ટના કારણે દેશભરમાં વરસાદ સામાન્ય કરતા ઘણો નીચો રહેશે. આ પ્રકારની સામુદ્રિક ગતિવિધિ વધારે ગરમી કે ઠંડી તેમજ નબળો વરસાદ જેવી સ્થિતિનું સર્જન કરે છે. અલ નિનોના કારણે દેશના મોટા ભાગના વિસ્તારોમાં સરેરાશ ગરમી વધી હતી અને હવે ચોમાસું નબળું રહેવાનું છે. નબળા ચોમાસાનો અર્થ છે ઓછું પાણી. ભારત માટે ઓછું પાણી એટલે નદીઓના પાણીના જથ્થામાં ઘટાડો અને કૃષિ અર્થતંત્રમાં ગાબડું. આઝાદીના આટલા વર્ષો પછીયે ભારતની ખેતી ચોમાસા પર આધારિત છે કારણ કે, આપણે મજબૂત સિંચાઈ વ્યવસ્થા ઊભી કરી શક્યા નથી. એવું નથી કે, ભારતમાં પાણીના સ્રોતોનો અભાવ છે. સમગ્ર ભારતીય ઉપખંડમાં (ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા અને ભુતાન) મૂળ સાત નદીઓનું વહેણ છે, જેની બીજી ૪૦૦ જેટલી નાની-મોટી પેટા નદીઓ છે. ભારતનો સવાલ છે ત્યાં સુધી કૃષિથી લઈને ખેડૂતોની આત્મહત્યાઓ સુધીના અનેક પ્રશ્નોને મૂળમાંથી દૂર કરવા નદીઓના આ સમગ્ર તંત્રને સમજવું અત્યંત જરૂરી છે.

વિશ્વના કોઈ પણ પ્રદેશ માટે નદી એ ફક્ત વહેતું પાણી નથી. નદી સાથે સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પાસાં પણ સંકળાયેલા હોય છે. નદી સમૃદ્ધ જીવનની ભેટ આપતી માતા છે. હાડમારીઓમાંથી મુક્તિ અપાવતી દેવી છે. કરોડો લોકોની રોજીરોટી છે. અબજો જીવોનું ઘર છે. અર્થતંત્રનો આત્મા છે. મહાન સંસ્કૃતિઓ નદીઓના કિનારે જ જન્મે છે અને વિકસે છે. ભારતીય ઉપખંડની વાત છે એટલે તાત્ત્વિક રીતે કહીએ તો હિમાલયમાંથી ફૂટીને હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને સમુદ્રમાં ભળી જતી નદીઓના વહેણ ‘સમુદ્રથી પણ ઊંડા અને આસમાનથી પણ ઊંચા’ છે. ભારતીય ઉપખંડની મોટા ભાગની નદીઓનો જન્મ ખૂબ ઊંચાઈ પર હિમાલયમાં થાય છે. આ નદીઓ બંગાળની ખાડી કે અરેબિયન સમુદ્રમાં ભળી જાય છે. ભારતની મૂળ સાત નદીઓના વહેણમાં કુલ ૧૪ વહેણ ખૂબ જ મોટા છે, જેને આપણે જુદા જુદા નામે ઓળખીએ છીએ. દેશની ૮૦ ટકા જેટલી વસતી સીધી કે આડકતરી રીતે આ ૧૪ નદી પર નભે છે. ઈતિહાસ સાક્ષી છે કે, વિશ્વની અનેક મહાન સંસ્કૃતિઓ પાણીનું આયોજન નહીં કરી શકવાને કારણે નાશ પામી છે, લુપ્ત થઈ ગઈ છે.

વધારે ગરમી પડે કે ઠંડી પડે, વરસાદ વધારે થાય કે ઓછો થાય એવી પર્યાવરણીય મુશ્કેલીઓ માટે ક્લાઈમેટ ચેન્જને જવાબદાર ઠેરવવામાં આવે છે. ગ્લોબલ વોર્મિંગ પણ ક્લાઈમેટ ચેન્જનો જ એક ભાગ છે. ગ્લોબલ વોર્મિંગ માટે ઓછા જંગલોથી લઈને કાર્બન ડાયોક્સાઈડ જેવા કેટલાક ગ્રીનહાઉસ ગેસમાં વધારો જવાબદાર હોવાનું કહેવાય છે. કેનેડાના પ્રખ્યાત પર્યાવરણવાદી અને બ્લુ પ્લેનેટ પ્રોજેક્ટના સહ-સ્થાપક મોડ બાર્લો કહે છે કે, ‘‘ક્લાઈમેટ ચેન્જના કોયડામાં કોઈ કડી ખૂટે છે. આ મુશ્કેલીનો ઉકેલ શોધતા પહેલાં એ કડી શોધવી જરૂરી છે. આ ખૂટતી કડી એટલે પાણીનો દુરુપયોગ, ગેરવહીવટ અને પાણીના વહેણ સાથે સમજ્યા વિના કરાયેલી છેડછાડ... જો આપણે ક્લાઈમેટ ચેન્જનો સફળતાપૂર્વક ઉકેલ નથી લાવી શકતા તો પાણીના દુરુપયોગનું વિશ્લેષણ કરવું જરૂરી છે. પાણીનો દુરુપયોગ પણ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. આ મુશ્કેલીના ઉપાયોમાં પાણીનું રક્ષણ અને નદીઓને સજીવન કરવાની બાબત પણ સમાવવી પડશે...’’ બ્લુ પ્લેનેટ પ્રોજેક્ટ પાણીના વેપારીકરણને અટકાવવાનું કામ કરે છે.



પર્યાવરણને લગતા પ્રશ્નો એકબીજા સાથે એટલા ઊંડી રીતે ગૂંથાયેલા છે કે, વિજ્ઞાન હજુ તેને સમજવાની કોશિષ કરી રહ્યું છે. પર્યાવરણને લગતા ફેરફારો હજારો વર્ષના પટમાં ફેલાયેલા હોય છે. જંગલો કપાશે તો નદીને શું નુકસાન થશે અને એ પછી માણસજાત કેવી રીતે પ્રભાવિત થશે એની ભયાનકતાનો અંદાજ થોડી સદીઓ પહેલાં સુધી કોઈને નહોતો. છેલ્લાં ચાર હજાર વર્ષમાં ઉત્તર ભારતમાં કપાયેલા જંગલોના કારણે  જ અત્યારની ગંગાના માર્ગમાં કાંપના વિશાળ મેદાનો અસ્તિત્વમાં આવ્યા છે. હાલ ગંગાના મેદાની પ્રદેશો છે ત્યાં એક સમયે ગાઢ વરસાદી જંગલો હતા એના એક નહીં એક હજાર મજબૂત પુરાવા ઉપલબ્ધ છે. આ જંગલો ખતમ થયા એનો અર્થ એ છે કે, અહીંનું ફ્લોરા એન્ડ ફૌના (એકબીજા પર આધારિત સમગ્ર વનસ્પતિ અને જીવસૃષ્ટિ) પણ ખતમ થઈ ગયું અથવા તો તેમાં ભંગાણ પડ્યું. ૨,૫૨૫ કિલોમીટર લાંબી ગંગા નદીનો જન્મ હિમાલયના ગંગોત્રી, સતોપંથ અને ખાટલિંગ ગ્લેશિયર તેમજ નંદા દેવી, નંદા કોટ, ત્રિશૂલ, કેદારનાથ અને કામેત જેવા નાના-મોટા શિખરોમાંથી થાય છે. આ મહાન નદીના મુખ્ય વહેણ અને તેની પેટા નદીઓનો તટપ્રદેશ ૪,૧૬,૯૯૦ સ્ક્વેર મીટરમાં ફેલાયેલો છે. વિશ્વની એકેય નદીના તટપ્રદેશની જીવસૃષ્ટિમાં ગંગા જેટલું વૈવિધ્ય જોવા નથી મળતું.  

૧૭મી સદી સુધી હિમાલયની તળેટી તેમજ હાલના રાજાજી નેશનલ પાર્ક, જિમ કોર્બેટ નેશનલ પાર્ક અને દૂધવા નેશનલ પાર્કના ગંગાના પટ્ટામાં વાઘ, હાથી, ગેંડા, બારાશિંગા, સ્લોથ બેર, ચોશિંગા, જંગલી ભેંસ અને સિંહોની ભારે વસતી હતી. ૨૧મી સદી સુધીમાં અહીં ફક્ત હરણ, જંગલી ડુક્કર, જંગલી બિલાડી, વરુ અને શિયાળની વસતી બચી છે, જ્યારે રોયલ બેંગાલ ટાઇગર નામે ઓળખાતા વાઘ સુંદરવન પૂરતા મર્યાદિત થઈ ગયા છે. જોકે, સુંદરવનમાં મગરો અને બારાશિંગા પણ જોવા મળે છે. ગંગા તટપ્રદેશમાં વાઘ, હાથી, ગેંડા, સ્લોથ બેર અને ચોશિંગાની પ્રજાતિ પણ ઝડપથી લુપ્ત થઈ રહી છે. ગંગા ૧૪૦ પ્રજાતિની માછલી અને ૯૦ જાતના ઉભયજીવીનું પણ ઘર છે. ઝડપથી લુપ્ત થઈ રહેલી 'ગંગા ડોલ્ફિન'નો જન્મ પણ ગંગામાં થયો છે, જે આપણું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે. ગંગામાં ઘડિયાળ નામની જાતિના મગરો અને શાર્કનો પણ વસવાટ છે. ગંગાના પાણી, મેદાનો, કિનારા, જીવો અને જંગલો પર હજારો પક્ષીઓ પણ નભે છે. વિશ્વભરમાં ફક્ત ગંગામાં જોવા મળે એવા અનેક જીવો અહીં રહે છે. ગંગાની વનસ્પતિ સૃષ્ટિ પણ સમૃદ્ધ છે અને એમાંય જીવ છે.  આ સમગ્ર જીવસૃષ્ટિ સાથે આપણે ‘સૃષ્ટિ વિરુદ્ધ’નું કૃત્ય કર્યું છે.

આજનું વિજ્ઞાન સ્વીકારે છે કે, નદીઓ પર મોટા બંધો બાંધવા કરતા નાના બંધો બાંધવા વધુ યોગ્ય છે કારણ કે, મોટા બંધો અણુબોમ્બના વિસ્ફોટ જેવી તારાજી સર્જવા પૂરતા છે. એટલું જ નહીં, જેટલા મોટા બંધ એટલી કુદરતી વહેણ સાથે વધુ છેડછાડ અને જેટલી વધુ છેડછાડ એટલું પર્યાવરણને વધુ નુકસાન. આ સમજ આવ્યા પછીયે સ્થિતિ એ જ છે. ઔદ્યોગિક કચરો અને ગટરોનું ગંદુ પાણી શુદ્ધિ પ્રક્રિયા કર્યા વિના ગંગા સહિતની નદીઓમાં ઠાલવવામાં આવે છે. તાજેતરમાં જ જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા નવીનીકરણ વિભાગના રાજ્ય મંત્રી સાંવરલાલ જાટે રાજ્ય સભામાં માહિતી આપી હતી કે, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે (સીપીસીબી) ગંગા અને તેની પેટા નદીઓમાં રોજનો ૫૦.૧ કરોડ લિટર ઔદ્યોગિક કચરો ઠાલવતા ૭૬૪ ઔદ્યોગિક એકમોની યાદી બનાવી છે. આ ઉપરાંત ૧૪૪ ગટરોને પણ ઓળખી લેવાઈ છે, જે રોજની ૬૬૧.૪ કરોડ લિટર ગંદકી ગંગાના મુખ્ય પ્રવાહમાં ઠાલવે છે. ભારતીય સંસ્કૃતિમાં ગંગા સર્વોચ્ચ સ્થાને બિરાજતી હોવા છતાં આ સ્થિતિ છે તો બીજી નદીઓની શું સ્થિતિ હશે! સીપીસીબીના આંકડા પ્રમાણે, વર્ષ ૨૦૧૫માં શહેરી ભારતમાં પ્રતિ દિન ૬૨૦૦ કરોડ લિટર ગંદકી થશે, જ્યારે આ ગંદકીના શુદ્ધિકરણ માટેના ૮૧૬ સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા રોજની માંડ ૨૩૨૭.૭ કરોડ લિટર છે. 

આશરે બે દાયકા પહેલાં સીપીસીબીએ અહેવાલ આપ્યો હતો કે, ભારતીય ઉપખંડની એક પણ નદીનું પાણી ન્હાવાને લાયક નથી, તો આજે શું સ્થિતિ હશે એની કલ્પના થઈ શકે છે. દેશની સૌથી ગંદી નદીઓમાં ગુજરાતની સાબરમતી, મહારાષ્ટ્રની મીઠી અને ગોદાવરી, પૂણેની પવન, ઉત્તરપ્રદેશની હિન્દો, પંજાબ-હરિયાણાની ઘાઘર, પંજાબની સતલજ, તમિલનાડુની આડયાર અને કૂમ,હૈદરાબાદની મુસી અને કર્ણાટકની ભદ્રાનો સમાવેશ થાય છે. એક અહેવાલ પ્રમાણે, પર્વતીય પ્રદેશોમાં વહેતી સતલજ, બિયાસ, રાવિ, ચિનાબ, ઝેલમ, ભગીરથી, અલકનંદા, ગૌરી ગંગા, મંદાકિની અને તિસ્તા જેવી નદીઓ આગામી દાયકાઓમાં સંપૂર્ણપણે લુપ્ત થઈ જશે. કેમ? કારણ કે, આ નદીઓના વહેણને હાઈડ્રોપાવર પ્રોજેક્ટ માટે અન્ડરગ્રાઉન્ડ ટનલોમાં વાળવામાં આવ્યું છે. નદીઓના વહેણને સમજ્યા વિના રોકવાથી કે બીજે વાળવાથી તે વધુ પ્રદૂષિત થાય છે. કુદરતી રીતે વહેતી નદીઓ આપોઆપ ચોખ્ખી રહે છે એવું નિષ્ણાતો કહે છે.

સરકારો નદીઓને લગતી કોઈ યોજના બનાવે ત્યારે તેને ફક્ત એક વહેણ તરીકે જુએ છે. ગંગાને શુદ્ધ કરવા પણ ફક્ત ‘એન્જિનિયરિંગ સોલ્યુશન’ શોધાઈ રહ્યું છે. આપણી નદીઓ ‘નાળાં’ થઈ ગઈ એનું મૂળ પણ એમાં જ છે.

18 June, 2015

સોફ્ટ પાવર: આપણો, ચીનનો અને અમેરિકાનો


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તાનું સુકાન સંભાળ્યા પછી વર્ષ ૨૦૧૪માં ભુતાન, મ્યાંમાર, નેપાળ અને વર્ષ ૨૦૧૫માં બાંગ્લાદેશ જેવા નાનકડા પાડોશી દેશોની મુલાકાત લઈને પડદા પાછળનું યુદ્ધ જીતવામાં ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જોકે, વડાપ્રધાને હજુ સુધી પાકિસ્તાનની મુલાકાત લીધી નથી અને નજીકના ભવિષ્યમાં પણ ત્યાં જવાના નથી, એ રસપ્રદ બાબત છે. એનડીએ સરકાર માટે વડાપ્રધાનના પાડોશી દેશોના પ્રવાસ પછી સૌથી મહત્ત્વની બાબત મ્યાંમારની ધરતી પર બોડો ઉગ્રવાદીઓને ખદેડવા કરાયેલું ઓપરેશન છે. ભારતની આક્રમક સૈન્ય કાર્યવાહીને આંતરરાષ્ટ્રીય સુરક્ષા વર્તુળોએ આવકારી છે. આ સાથે ભારતને ટકોર પણ કરાઈ છે કે, મ્યાંમાર પાકિસ્તાન નથી. પાકિસ્તાન પણ કહે છે કે, અમે મ્યાંમાર નથી. અમે ન્યુક્લિયર નેશન છીએ. વાત તો સાચી છે. પાકિસ્તાન ન્યુક્લિયર શસ્ત્રો ધરાવતો દેશ છે. આ પ્રકારના દેશ સાથે મિલિટરી પાવરનો સમજી વિચારીને જ ઉપયોગ થઈ શકે. નહીં તો બંને દેશોએ પસ્તાવાનો વારો આવે.

મ્યાંમારની ધરતી પર વિદેશી આતંકવાદીઓ નહીં પણ સ્થાનિક બળવાખોરો હતા, જેમનું લક્ષ્ય આસામના બોડો લોકો માટે સ્વાયત્ત બોડોલેન્ડ રચવાનું છે. સ્થાનિક બળવાખોરો અને દુશ્મન દેશના આતંકવાદ સામે લડવું એ બંનેમાં બહુ ફર્ક છે. ઈતિહાસબોધ કહે છે કે, હવેના જમાનામાં આતંકવાદ સામે લડવા હાર્ડ પાવરની સાથે સોફ્ટ પાવરની પણ જરૂરિયાત છે. આક્રમક લશ્કરી ઓપરેશનો, ન્યુક્લિયર શસ્ત્રોના ભંડારો અને મજબૂત અર્થતંત્રની મદદથી નબળું અર્થતંત્ર ધરાવતા દેશને કાબૂમાં રાખવાની નીતિરીતિ હાર્ડ પાવર છે, જ્યારે આતંકવાદીઓ સામે આક્રમક વલણની સાથે સાથે લશ્કરી તાકાતના દેખાડા વિના આંતરરાષ્ટ્રીય સ્તરે એક મજબૂત રાષ્ટ્ર તરીકેનો દબદબો જળવાઈ રહે એ સોફ્ટ પાવર છે. હાર્ડ પાવરની સરખામણીએ સોફ્ટ પાવર વધારવા અનેકગણી વધારે મહેનત કરવી પડે છે. હાર્ડ પાવર દેશનું અર્થતંત્ર ડામાડોળ કરી શકે છે. દુશ્મન દેશો (વાંચો ભારત-પાકિસ્તાન) ન્યુક્લિયર શસ્ત્રોનો કદાચ ક્યારેય ઉપયોગ નહીં કરવાના હોવા છતાં કરોડો ડોલરના ખર્ચે છોગામાં મિસાઈલો ઉમેરતા જાય છે. આતંકવાદને હાર્ડ પાવરથી ડામી શકાતો નથી. ઊલટાનો હાર્ડ પાવરનો ઉપયોગ વધુને વધુ આક્રમક આતંકવાદ પેદા કરે છે. ગમે તેવો હાર્ડ પાવર ધરાવતો દેશ આતંકવાદનો સામનો કરતા કરતા થાકી જાય છે અને ઈઝરાયેલ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.


ચીની પ્રમુખ ઝી જિંગપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમ, અમદાવાદમાં...

ઈઝરાયેલે જ કરેલા અનેક સર્વેક્ષણો પ્રમાણે, ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના વધુને વધુ લોકો ટુ-સ્ટેટ થિયરી સાથે સહમત થઈ રહ્યા છે. આ થિયરીમાં 'સ્ટેટ ઓફ ઈઝરાયેલ'માંથી એક ટુકડો અલગ કરીને 'પેલેસ્ટાઈનિયન સ્ટેટ'ની રચના કરવાની વાત છે. વર્ષ ૨૦૧૧માં ઈઝરાયેલની હિબ્રુ યુનિવર્સિટીએ કરેલા સર્વેક્ષણ પ્રમાણે, ૫૮ ટકા ઈઝરાયેલી અને ૫૦ ટકા પેલેસ્ટાઈની ટુ-સ્ટેટ થિયરીની તરફેણ કરે છે. વળી, આવું માનતા ઈઝરાયેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ ૨૦૦૩માં ફક્ત ૪૭ ટકા ઈઝરાયેલી અને ૩૯ ટકા પેલેસ્ટાઈની ટુ-સ્ટેટ થિયરીના તરફદાર હતા. ઈઝરાયેલની આક્રમક પ્રજા પણ પોતાના દેશનો એક ટુકડો પેલેસ્ટાઈનીઓ પાસે જતો રહે તો ખુશ છે. આ બાબત શું દર્શાવે છે? ઈઝરાયેલ ચારેય તરફ આરબ રાષ્ટ્રોથી ઘેરાયેલું છે. ઈઝરાયેલ માટે દાયકાઓથી ફક્ત બે જ વિકલ્પ છે, જિંદગી અને મોત. આ કારણોસર આતંકવાદ સામે આક્રમક વલણ રાખવું એ ઈઝરાયેલની જરૂરિયાત છે. એનો અર્થ એ નથી કે, ઈઝરાયેલને આતંકવાદ સામે લડવામાં મજા આવે છે. જે પ્રજાએ યુદ્ધની ભયાનકતા જોઈ નથી એ લોકો જ યુદ્ધને દેશભક્તિ સમજવાની ગુસ્તાખી કરે છે. ન્યુક્લિયર શસ્ત્રોની ભયાનકતા જોઈને હાર્ડ પાવરની અર્થહીનતા સમજનારો સૌથી શ્રેષ્ઠ દેશ કોઈ હોય તો તે જાપાન છે. હીરોશીમા અને નાગાસાકી પરના હુમલા પછી જાપાનનો ચકાચૌંધ વિકાસ આ સમજને આભારી છે.

આટલી ચર્ચા પછી સોફ્ટ પાવર શું છે અને આજના જમાનામાં તેનું શું મહત્ત્વ છે એ સમજીએ. વર્ષ ૧૯૯૦માં અમેરિકન સ્ટ્રેટેજિક થિંકર અને હાવર્ડ યુનિવર્સિટીના અધ્યાપક જોસેફ એસ. નાયે 'સોફ્ટ પાવર' શબ્દનો પહેલીવાર ઉપયોગ કર્યો હતો. જો 'પાવર' એ બીજા પર પ્રભાવ પાડીને ઈચ્છીએ તે મેળવવાની ક્ષમતા હોય તો કોઈ પણ દેશે એવી શક્તિ મેળવવા ત્રણ વસ્તુની જરૂર પડે- મિલિટરી પાવર, આર્થિક જોડાણો અને  સોફ્ટ પાવર. સોફ્ટ પાવર એક પ્રકારનું 'આકર્ષણ' છે. જો વિદેશી તાકાતો તમારા દેશથી આકર્ષાશે તો જ તેમને પ્રભાવિત કરીને સફળતા મેળવવામાં સરળતા રહે એ વાત પ્રો. નાયે સાબિત કરી છે. આજના વિશ્વમાં સોફ્ટ પાવર ધરાવતા અગ્રણી દેશો અમેરિકા, ચીન અને રશિયા છે. સોફ્ટ પાવર શું છે એ સમજવા ભારત માટે સૌથી યોગ્ય ઉદાહરણ ચીન છે કારણ કે, અમેરિકા ધનવાન દેશ છે અને રશિયાની રાજકીય વ્યવસ્થા તેમજ અર્થતંત્ર ભારતથી અલગ છે પરંતુ ચીનનો આર્થિક વિકાસ દર અને તેની મુશ્કેલીઓ લગભગ ભારત જેવી જ છે. ચીને માંડ ત્રણ વર્ષ પહેલાં સોફ્ટ પાવરનું મહત્ત્વ સમજીને આગળ વધવાની શરૂઆત કરી હતી. વર્ષ ૨૦૧૨માં 'ચાઈના પોસ્ટ'એ ગુસ્સેલ મુદ્રા ધરાવતો ડ્રેગન અત્યંત ગંભીરતાથી શુભેચ્છા આપી રહ્યો હોય એવી પોસ્ટલ સ્ટેમ્પ જારી કરી હતી. આ પોસ્ટલ સ્ટેમ્પનો ચીનની લોકપ્રિય સોશિયલ મીડિયા વેબસાઈટ સિના વેઇબો પર ભરપૂર ટીકા થઈ. હજારો વર્ષો પુરાણા રાજાશાહી ધરાવતા ચીનથી લઈને આધુનિક ચીનમાં રાજકીય પ્રતીક તરીકે આગ ઓકતા ડ્રેગનનો ઉપયોગ સામાન્ય હતો. આમ છતાં, અનેક મેઘાવી યુવાનો, પત્રકારો, લેખકો અને રાજકારણીઓનું માનવું હતું કે, આ ડ્રેગન ચીનની ઈમેજ બગાડે છે.

આ લોકોના સાનંદાશ્ચર્ય વચ્ચે ચીનની સર્વોચ્ચ નેતાગીરીને પણ આ વાતમાં દમ લાગ્યો અને ચીન સરકારે 'સોફ્ટ' ઈમેજ ધરાવતા ટેડી બેર જેવા 'પોચા' પાન્ડાનો નવા રાજકીય પ્રતીક તરીકે સ્વીકાર કર્યો. હવે ચીનમાં રાજકીય ભેટ તરીકે પાન્ડાની પ્રતિકૃતિ અપાય છે. ચીને અમેરિકા સાથે કદમ મિલાવવા આગામી વીસ વર્ષમાં જબરદસ્ત સોફ્ટ પાવર ઊભો કરવાનો મજબૂત એજન્ડા બનાવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ ચીન વિશ્વમાં ચીની સંસ્કૃતિનો વ્યૂહાત્મક રીતે પ્રચાર કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ જ ચીન સરકારે પોતાની સોફ્ટ સાઈડ પ્રોજેક્ટ કરવા ચીની ડ્રેગનને ફગાવીને પાન્ડાનો ઉપયોગ શરૂ કર્યો છે. એક સમયે ચીનને યાદ કરતા ચીની ડ્રેગન યાદ આવતો હતો પણ હવે સમય બદલાઈ રહ્યો છે. વિશ્વમાં ચીનની ખંધાઈ દર્શાવવા 'ચીની ડ્રેગન' શબ્દનો ઉપયોગ સામાન્ય છે પણ ચીનના વિઝનરી નેતાઓને વિશ્વાસ છે કે, સમય ખૂબ ઝડપથી બદલાઈ રહ્યો છે. ચીન જાણે છે કે, તે ખૂબ ઝડપથી વૈશ્વિક તાકાત બની રહ્યું છે તેથી ઈમેજ મેકઓવર કરવું ખૂબ જરૂરી છે. ઈમેજ મેકઓવર કરવા ચીને સરકારની માલિકીની મીડિયા કંપનીઓ અને કોન્ફ્યુશિયન ઈન્સ્ટિટયુટમાં કરોડો ડોલરનું રોકાણ કર્યું છે. કોન્ફ્યુશિયન ઈન્સ્ટિટયુટ ચીનના શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલી નહીં નફો-નહીં નુકસાન કરતી શૈક્ષણિક સંસ્થા છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીનું માનવું છે કે, જે રાષ્ટ્ર પાસે સોફ્ટ પાવર હશે તેઓ આંતરરાષ્ટ્રીય હરીફાઈની દુનિયામાં મેદાન મારશે... જોકે, સોફ્ટ પાવર પર ભાર મૂકવાનો અર્થ એ નથી કે, મિલિટરી પાવરનો ઉપયોગ નહીં કરવો.

ભારત તો ચીન કરતા પણ વધારે ઝડપથી સોફ્ટ પાવર હાંસલ કરી શકે છે પણ એ માટે ચીનના નેતાઓ જેવી રાજકીય ઈચ્છાશક્તિ જોઈએ. ભારતમાં લોકશાહીનો પણ ફાયદો છે, જ્યારે ચીનમાં જડબેસલાક ઈન્ટરનેટ સેન્સરશિપ છે. ચીન પાસે ગૂગલ કે વિકિપીડિયાનું સેન્સર્ડ વર્ઝન છે અને ફેસબુક કે ટ્વિટર પણ નથી. ચાઈના રેડિયો ઈન્ટરનેશનલ હવે ૬૦થી પણ વધુ ભાષામાં પ્રસારિત થાય છે, જ્યારે ઓલ ઈન્ડિયા રેડિયોની ગ્લોબલ પ્રેઝન્સ કેટલી છે? લગભગ શૂન્ય. ચાઈના સેન્ટ્રલ ટેલિવિઝન (સીસીટીવી) પણ ચીન અને અમેરિકાના સંબંધો મજબૂત બનાવવામાં આક્રમક ભૂમિકા ભજવી રહ્યું છે. વર્ષ ૨૦૧૨ની અમેરિકન પ્રમુખપદની ચૂંટણી વખતે સીસીટીવીના અમેરિકા વિભાગે વધારાના ૧૦૦ પત્રકાર અને સપોર્ટ સ્ટાફની નિમણૂક કરી હતી. સીસીટીવી વૈશ્વિક પ્રસારણમાં સીએનએન, બીબીસી અને અલ જઝિરા સાથે હરીફાઈ કરી રહ્યું છે. ચીનની ઝિન્હુઆ દસ હજારના સ્ટાફ અને ૧૦૭ હાઈટેક બ્યુરો સાથે વિશ્વની સૌથી મોટી ન્યૂઝ એજન્સી બની ગઈ છે. વૈશ્વિક સ્તરે એપી, રોયટર કે બ્લુમબર્ગ ન્યૂઝ સાથે હરીફાઈ કરવી જ અશક્ય છે પણ ચીન એ ચીન છે. ભારતની પ્રાઈવેટ ન્યૂઝ ચેનલો પણ ચીનના નેશનલ મીડિયા હાઉસથી જોજનો દૂર છે.

ભારત પાસે વિશ્વને પ્રભાવિત કરવા વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસો છે પણ ગંગા નદીથી લઈને આપણા ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની હાલત કેવી છે એ આપણે જાણીએ છીએ. જોકે, ચીન એ ભારત નથી. ચીનને અમેરિકાની જેમ ગ્લોબલ અપીલ ઊભી કરવી છે. અમેરિકા પાસે એપલથી લઈને કોક, સુપરમેનથી લઈને સ્પાઈડરમેન, હોલિવૂડથી લઈને ડિઝની વર્લ્ડ, ન્યૂયોર્ક ટાઈમ્સથી લઈને ટાઈમ મેગેઝિન અને મેકડોનાલ્ડ્સથી લઈને લિવાઈઝ જિન્સ છે. વિશ્વના અનેક દેશોના લાખો લોકોને અમેરિકામાં ભણવું છે અને ત્યાં જ સેટલ થવું છે. આ અમેરિકાની તાકાત છે. એક સરેરાશ અમેરિકન સરેરાશ ચાઈનીઝ કરતા આઠ ગણો શ્રીમંત છે પણ પડકારોથી ડરે એ 'ચીની ડ્રેગન' નહીં!

આગામી વર્ષોમાં ચીન શબ્દ સાંભળતા-વાંચતા નજર સમક્ષ ડ્રેગનના બદલે પાન્ડા આવે તો નવાઈ ના પામતા!

નોંધઃ પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે. 

10 June, 2015

પાકિસ્તાની જાસૂસીઃ ચપડ ઝુનઝુનથી સફેદ કબૂતર


ભારત-પાકિસ્તાન સરહદે ઘૂસણખોરી, ઘૂસણખોરોની ધરપકડ કે ઘૂસણખોરોને ઠાર માર્યા હોય એ મતબલબના સમાચારો બહુ સામાન્ય બાબત છે અને તેથી તેની ખૂણેખાંચરે નોંધ લેવાય છે. જોકે, થોડા સમય પહેલાં પંજાબના પઠાણકોટમાં આવો જ એક ઘૂસણખોર ઝડપાયો પણ આ સમાચારને ભારત, પાકિસ્તાન અને પશ્ચિમી મીડિયામાં પણ વિશિષ્ટ સ્થાન મળ્યું કારણ કે, આ વખતે ભારતમાં ઘૂસેલો ઘૂસણખોર માણસ નહીં પણ એક સફેદ કબૂતર હતું. આ કબૂતરની ઘૂસણખોરીને લઈને ભારતીય પોલીસ, લશ્કર અને જાસૂસી તંત્રએ દાખલેવી ગંભીરતા થોડું રમૂજ ઉપજાવે એવી હતી. આ ઘટનાક્રમ એટલો ફિલ્મી હતો કે, તેને લઈને પાકિસ્તાનના પ્રતિષ્ઠિત અખબાર 'ડોન' અને અમેરિકાના ઓનલાઈન ન્યૂઝ પોર્ટલમાં દિગ્ગજ લેખકોએ હાસ્યલેખો લખ્યા, જ્યારે ફેસબુક અને ટ્વિટર સહિતના સોશિયલ મીડિયામાં એક એકથી ચડિયાતા જોક ફરતા થઈ ગયા.

આ કબૂતરે પાકિસ્તાન સરહદથી માંડ ચાર કિલોમીટર દૂર પંજાબના બામિયાલ તાલુકાના મનવાલ ગામમાં રહેતા રમેશ ચંદ્રા નામના વાળંદના ઘર નજીક ઉતરાણ કર્યું હતું. કબૂતરને જોતા જ વાળંદના ૧૪ વર્ષીય પુત્રને કંઈક શંકાસ્પદ લાગ્યું કારણ કે, કબૂતર પર ઉર્દૂ ભાષામાં કંઈક લખ્યું હતું. સફેદ કબૂતર પર 'ઉર્દૂ માર્કિંગ' જોતા જ ૧૪ વર્ષના છોકરાને પણ પાકિસ્તાનની જાસૂસીની ગંધ આવી અને તે કબૂતરને લઈને સીધો સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચ્યો. જો કબૂતર પર ઉર્દૂમાં કંઈ લખ્યું ના હોત તો એ છોકરો કબૂતરને પોતાની પાસે રાખી લેવાનો હતો અને એટલે પોલીસે તેની પણ તપાસ હાથ ધરી છે. પોલીસ સ્ટેશનમાં હાજર નાના-મોટા પોલીસમેનથી લઈને ઉચ્ચ અધિકારીઓ પણ પેલું ઉર્દૂ લખાણ જોઈને પાકિસ્તાન દ્વારા કોઈ મોટું જાસૂસી ષડ્યંત્ર થઈ રહ્યું હોય એમ હરકતમાં આવી ગયા હતા.



જોકે, પંજાબ પોલીસે પાકિસ્તાની કબૂતરને બહુ ગંભીરતાથી લીધું એનું પણ કારણ છે. વાત એમ હતી કે, આ સફેદ કબૂતરે હાઈટેક ડ્રોન (માનવરહિત વિમાન)ની સ્ટાઈલમાં પઠાણકોટના મનવાલ ગામમાં લેન્ડિંગ કર્યું એના બે જ દિવસ પહેલાં ઈન્ડિયન ઈન્ટેલિજન્સે જમ્મુ-કાશ્મીર અને પઠાણકોટમાં ઈન્ડિયન મુજાહિદ્દીન ટૂંક સમયમાં સક્રિય થશે એવી ચેતવણી આપી હતી. પાકિસ્તાની ઘૂસણખોરો ભારતીય સરહદમાં ઘૂસીને જાસૂસી કરે, આતંકી સંગઠનોને મદદ કરે કે ભાંગફોડ પ્રવૃત્તિમાં સામેલ થાય એ સમજી શકાય એમ છે પણ આ કબૂતર શું કરવાનું હતું? ખરેખર તો શું કરી શકવાનું હતું એ મતલબનો પ્રશ્ન થવો જોઈએ કારણ કે, કબૂતર પર ગમે તેવા જાસૂસી ઉપકરણો ફિટ કર્યા પછીયે પાકિસ્તાનને બહુ બહુ તો શું હાથ લાગે?

જો કબૂતર ભારતીય પ્રદેશની એરિયલ ફોટોગ્રાફી કરવાનું હોય તોય ગભરાવા જેવું કશું નહોતું કારણ કે, સેટેલાઈટ જાસૂસી અને ગૂગલ મેપના યુગમાં પાકિસ્તાન પાસે ભારતના વિવિધ પ્રદેશોના ઝીણામાં ઝીણી વિગત ધરાવતા નકશા ના હોય એ શક્ય જ નથી. જોકે, કબૂતર પર ચોંટાડેલા એક સ્ટેમ્પમાં અંગ્રેજી ભાષામાં 'નારોવલ' અને 'શક્કરગઢ' લખ્યું હતું, જ્યારે કેટલુંક લખાણ ઉર્દૂમાં હતું. આ સિવાય એક પાકિસ્તાની ફોન નંબર પણ લખ્યો હતો. આ નંબર કદાચ તેના માલિકનો હોઈ શકે! પાકિસ્તાનના પંજાબ પ્રોવિન્સના નારોવલ જિલ્લામાં શક્કગઢ નામનું નાનકડું શહેર આવેલું છે, જેના અમુક વિસ્તારો ભારતીય સરહદની ખૂબ જ નજીક છે. પાકિસ્તાનમાં પંજાબ પ્રોવિન્સ સહિત અનેક જગ્યાએ આજેય કબૂતરોને પાળવાની અને તેમને તાલીમ આપવાની કળાના જાણકારો હયાત છે. અહીં કબૂતરો ઉડાવવાની હરીફાઈ પણ યોજાય છે.

આ બધું જાણતા હોવા છતાં પઠાણકોટના ઉચ્ચ પોલીસ અધિકારીઓને સફેદ કબૂતરની ઘૂસણખોરીને ગંભીરતાથી લીધી અને કબૂતરના શરીરમાં કંઈ છુપાવાયું છે કે નહીં તે જાણવા વેટરનરી હોસ્પિટલ મોકલીને એક્સ રે રિપોર્ટ પણ કઢાવ્યા. આ રિપોર્ટમાં પણ કશું વાંધાજનક ન મળ્યું. જોકે, કબૂતર પાકિસ્તાની હોવાથી પઠાણકોટના બામિયાલ પોલીસ સ્ટેશનમાં તેની સામે એક ઘૂસણખોર સામે થાય એવી કાયદેસરની પ્રક્રિયા હાથ ધરાઈ અને કબૂતરને કસ્ટડીમાં લેવાયું. આ પોલીસ સ્ટેશનમાં સફેદ કબૂતરની ડાયરી એન્ટ્રી પણ 'શંકાસ્પદ જાસૂસ' તરીકે કરાઈ છે. બાદમાં પોલીસે આ માહિતી બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને ઈન્ડિયન ઈન્ટેલિજન્સ સુધી પહોંચાડી. કબૂતર પાકિસ્તાનનું હોવાથી તેને પંજાબના જલંધર સ્થિત બીએસએફ ફ્રન્ટિયર વડામથકે પણ લઈ જવાયું. અહીં પણ બીએસએફના ઉચ્ચ અધિકારીઓએ કબૂતરની 'સંપૂર્ણ' તપાસ કરી અને પછી કબૂતર પોલીસને સુપરત કર્યું.

કબૂતરની આટલી ઊંડી તપાસ પછી પઠાણકોટના સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ રાકેશ કૌશલે મીડિયાને જણાવ્યું હતું કે, ''આ કબૂતર કદાચ નિર્દોષ છે, પણ અમે કોઈ ચાન્સ લેવા નથી માગતા... પાકિસ્તાનનું પક્ષી અહીં આવી જાય એવું ભાગ્યે જ બને છે. અમે પહેલાં પણ અહીં કેટલાક જાસૂસોને પકડયા છે. જમ્મુની નજીક હોવાથી આ વિસ્તાર સંવેદનશીલ છે કારણ કે, અહીં ઘૂસણખોરી બહુ સામાન્ય છે.''  પોલીસ ચાન્સ લેવા નથી માગતી કારણ કે, પોલીસનું માનવું છે કે કબૂતર પર ઉર્દૂમાં લખેલું વણઉકલ્યું લખાણ સિક્રેટ કોડ પણ હોઈ શકે છે.

આ ફિલ્મી ઘટનાનું વર્ણન કરવાનો ઈરાદો એ છે કે, આજથી છ દાયકાથી પણ વધુ સમય પહેલાં ઉર્દૂ ભાષાના પ્રખ્યાત વાર્તાકાર સઆદત હસન મંટોએ ભારત પાકિસ્તાનના ભાગલા થયા એ પછી 'ટિટવાલ કા કુત્તા' નામની એક હૃદયદ્રાવક વાર્તા લખી હતી. વાર્તાના નામ પરથી જ ખ્યાલ આવે છે કે, વાર્તાનો નાયક એક કૂતરો છે. નવાઈની વાત તો એ છે કે, ભારત-પાકિસ્તાન એકબીજાના પશુ-પંખીઓને લઈને પણ કેટલા શંકાશીલ થઈ રહ્યા છે એનું આ વાર્તામાં મંટોએ વર્ષો પહેલાં આબાદ વર્ણન કર્યું હતું. પઠાણકોટના સફેદ કબૂતરની ઘટના આ વાર્તાની યાદ અપાવે છે.

મંટોએ તેમની આગવી શૈલીમાં ટિટવાલ નામના એક નાનકડા કસબામાં આ વાર્તા ઉપસાવી છે, જ્યાં બંને દેશોએ પોતપોતાના વિસ્તારમાં લશ્કરી ચોકી ઊભી કરી છે. જોકે, અહીં સૈનિકો ફક્ત એકબીજાના ભયે ચોકીપહેરો કરતા હોય છે અને તેથી વચ્ચે વચ્ચે 'બસ એમ જ' ફાયરિંગ કરી લેતા હોય છે. આ સમયે એક કૂતરો પાકિસ્તાન તરફથી ભારત તરફ આવી જાય છે અને સૈનિકોને મજા પડી જાય છે. સૈનિકો કૂતરાને જોઈને મસ્તીએ ચઢે છે. સૈનિકો કૂતરાને બહુ ગંભીરતાથી નથી લેતા પણ તે હિંદુસ્તાની છે કે પાકિસ્તાની એવી ચર્ચા જરૂર કરે છે. સૈનિકો કૂતરાને 'ચપડ ઝુનઝુન' નામ આપે છે. આ શબ્દસમૂહનો કોઈ જ અર્થ નથી થતો એમ કહીને મંટો પ્રતીકાત્મક રીતે કહે છે કે, બંને દેશો માટે કૂતરાનું કે કૂતરા જેવા ઘરવિહોણા લોકોનું અસ્તિત્વ જ નથી.

આ દરમિયાન કૂતરો રખડતો ભટકતો બંને દેશો સરહદની વચ્ચે જતો રહે છે ત્યારે બંને દેશના સૈનિકો તેની આસપાસ ગોળીઓ છોડીને મજા લૂંટે છે. એક સૈનિક ગભરાઈને હાંફી રહેલા કૂતરાનો એક પગ ગોળીથી વીંધી નાંખે છે. હવે મૂંઝાયેલો કૂતરો ત્રણ પગે ઢસડાઈ રહ્યો હોય છે કારણ કે, બંને તરફથી ગોળીઓ છૂટતી હોવાથી તે નિર્ણય નથી લઈ શકતો કે કઈ તરફ જવું? છેવટે એક સૈનિક નિશાન તાંકીને ગોળી મારે છે અને 'ચપડ ઝુનઝુન' ત્યાં જ ઢેર થઈ જાય છે. ભારતીય સૈનિકની ગોળીથી વીંધાયેલા કૂતરાને જોઈને પાકિસ્તાની સૈનિક ડચકારા બોલાવે છે અને કહે છે, શહીદ થઈ ગયો બિચારો... એવી જ રીતે, ભારતીય સૈનિક ગરમ થઈ ગયેલી બંદૂકની નાળ પર હાથ ફેરવીને બોલે છે, ''એ જ મોત મર્યો, જે કૂતરાની હોય છે...''

થોડી રમૂજી શૈલીમાં લખાયેલી હોવા છતાં આ વાર્તામાં કૂતરો વીંધાય છે ત્યાં સુધી મંટો વાચકને પણ વીંધી નાંખે છે. ભૂતકાળમાં પણ પાકિસ્તાનના શંકાસ્પદ કબૂતર પકડાયાના એકલદોકલ કિસ્સા નોંધાયા છે. જોકે, હકીકત એ છે કે આજ સુધી કબૂતરો પાસેથી કશું વાંધાજનક મળ્યું નથી. માર્ચ ૨૦૧૦માં અમૃતસર (પંજાબ) અને મે ૨૦૧૫માં જામનગર (ગુજરાત)માંથી પણ પગમાં ચિપ અને રિંગ હોય એવા કબૂતરો ઝડપાયા હતા. આ ચિપ પર 'બેન્ઝિંગ ડયુઅલ' લખ્યું હતું, જે રેસિંગ માટે તાલીમ અપાયેલા કબૂતરોને લગાવવામાં આવે છે. એવી જ રીતે, તેની પાંખો પર ઉર્દૂ અને અરેબિકમાં 'રસૂલ ઉલ અલ્લાહ' લખ્યું હતું, જેનો અર્થ 'અલ્લાહનો સંદેશાવાહક' થાય છે.

ખેર, પઠાણકોટ પોલીસે ચોથી જૂને સફેદ કબૂતર રમણજિત સિંઘ નામના સ્થાનિક પક્ષી પ્રેમીને સોંપી દીધું છે. તેમણે પાકિસ્તાનથી આવેલા માદા કબૂતરને તણાવમુક્ત રાખવા તેની જ જાતિનું એક નર કબૂતર ખરીદી લીધું છે. સિંઘનું કહેવું છે કે, કબૂતરો ખૂબ ઝડપથી એકબીજા પર વિશ્વાસ કરીને મૈત્રી કરી લે છે.

કાશ, હિંદુસ્તાની-પાકિસ્તાની વિશે પણ આવું કહી શકાતું હોત!

છાશ પણ ફૂંકી ફૂંકીને પીવી, એ આને કહેવાય... 

જાસૂસી માટે પશુ-પંખીઓ ખાસ ઉપયોગી નથી થઈ શકતા પણ ગેરકાયદે માલસામાનની હેરાફેરી માટે તેમનો ઉપયોગ જરૂર થાય છે. વર્ષ ૨૦૦૦માં ત્રણ પાકિસ્તાની કચ્છ સરહદે એક ઊંટ પર આરડીએક્સ લાદીને ભારતમાં ઘૂસ્યા હતા. જોકે, ઘૂસણખોરો છટકી ગયા હતા પણ ઊંટ ઝડપાઈ ગયું હતું. આ ઊંટને સૈનિકોએ ‘મુશર્રફ’ નામ આપ્યું હતું, જે વર્ષ ૨૦૧૨માં જીવનના અંત સુધી ભારતીય લશ્કરની કસ્ટડીમાં રહ્યું હતું. એ પછી વર્ષ ૨૦૦૨માં કચ્છ સરહદે ખોરાકની શોધમાં એક પાકિસ્તાની ઘોડી આવી ગઈ હતી. જોકે ઘોડી પાસેથી કશું શંકાસ્પદ મળ્યું હતું પણ ‘મુશર્રફ’ના અનુભવ પછી ભારતીય લશ્કર કોઈ ચાન્સ લેવા નહોતુ માંગતુ. આ ઘોડી સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેને કસ્ટડીમાં લેવાઈ હતી, જેને સૈનિકોએ ‘બેનઝિર’ નામ આપ્યું હતું. એવી જ રીતે, વર્ષ ૨૦૧૧ ભારતનો એક વાંદરો પાકિસ્તાનમાં ઘૂસી ગયો હતો. વાંદરા પાસે કોઈ વાંધાજનક ચીજવસ્તુ મળી નહોતી પણ તે ભારતથી આવ્યો હોવાથી પાકિસ્તાન કોઈ જોખમ લેવા નહોતુ માંગતુ અને તેને પ્રાણી સંગ્રહાલયમાં પૂરી દીધો હતો. ભારતની પૂર્વીય સરહદે ભારતના હાથી બાંગ્લાદેશની સરહદમાં ઘૂસી જાય ત્યારે બાંગ્લાદેશી સૈનિકો હાથી પાસે કશું વાંધાજનક ના હોય તો પણ તેને ગોળી મારી દે છે એવા અહેવાલ પણ સમયાંતરે વાંચવા મળતા હોય છે. એ  હાથીઓની નહીં બંને દેશની કમનસીબી ગણાવી જોઈએ.

03 June, 2015

એડવેન્ચર સ્પોર્ટ્સની દુનિયામાં એક 'ઘટના'નો અંત


વર્ષ ૨૦૦૩ના એક દિવસે એ સાહસિકે મેક્સિકોની કેવ ઓફ સ્વેલો તરીકે ઓળખાતી ૪૦૦ મીટર ઊંડી ગુફામાં બેઝ જમ્પ માર્યો. એ દિવસે હવામાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી ગુફાની આસપાસના ખડકો ભીનાં હતા. ભેજના કારણે ન્યૂયોર્કની એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની ઊંચાઈ (૩૧૯ મીટર)થી પણ વધુ ઊંડાઈ ધરાવતી એ ગુફામાં વાદળો પણ સર્જાયા હતા. ભેજવાળા વાતાવરણમાં ઝાંકળ પડયું હોવાથી તેનો પેરાશૂટ ભીનો થઈ ગયો હતો. એણે એકાદ વર્ષ પહેલાં જ બેઝ જમ્પિંગની શરૂઆત કરી હતી પણ એ પહેલાં તે વિશ્વભરમાં જાંબાઝ રોક ક્લાઈમ્બર તરીકે ખ્યાતનામ થઈ ચૂક્યો હતો. જોકે, બધું સમૂસુતરું પાર પડશે એવો તેને વિશ્વાસ હતો. તેનો સાથીદાર ગુફામાં કૂદીને સફળતાપૂર્વક નીચે પહોંચી ગયો હતો.

હવે તેનો વારો હતો. થ્રી... ટુ... વન... જમ્પ... અને ગુફામાં અડધે રસ્તે પહોંચતા જ તેણે પેરાશૂટ ખોલ્યો. જોકે, ભીના પેરાશૂટમાં હવા બરાબર ના ભરાઈ અને પેરાશૂટ તેના શરીર અને ચહેરા ફરતે વીંટળાઈને ખોટી રીતે ખૂલ્યો. હવે છ ફૂટ પાંચ ઈંચ ઊંચો અને ૯૦ કિલો વજન ધરાવતો એ યુવક અધકચરા ખૂલેલા પેરાશૂટ સાથે રોકેટ ગતિએ જમીન તરફ ધસી રહ્યો હતો. આ સ્થિતિમાં પણ એ જાંબાજ પેરાશૂટને યોગ્ય સ્થિતિમાં લાવવા હવામાં પોતાનું શરીર ફંગોળી રહ્યો હતો. તેને થયું કે, આજે ખેલ ખતમ. જોકે, આ સાહસિક જમીનથી માંડ બે મીટર ઊંચે હતો ત્યાં જ પેરાશૂટમાં થોડી જાન આવી અને તે ઉપર તરફ ખેંચાયો...

ડીન પોટર

કેવ ઓફ સ્વેલોમાં બેઝ જમ્પ 

આ યુવક એટલે જેના માટે સાહસિક, જાંબાઝ, ડેરડેવિલ અને બ્રેવહાર્ટ્સ જેવા તમામ શબ્દો નાના પડે, એ ડીન પોટર અને તેનો સાથીદાર એટલે વિખ્યાત બેઝ જમ્પિંગ ગાઈડ જિમી પોચર્ટ. આ અકસ્માત વખતે ડીનની હથેળીઓમાં પેરાશૂટના મજબૂત નાયલોન રોપ ઘૂસી ગયા હતા. સ્વાભાવિક રીતે જ આ અકસ્માતની વાત ગ્લોબલ એડવેન્ચર સ્પોર્ટ્સ કોમ્યુનિટીમાં ફેલાઈ એ પછી લોકો ડીનને ચમત્કારિક માનવા લાગ્યા હતા. ડીનના સાથી ક્લાઈમ્બરો તેને પ્રેમથી ડાર્ક વિઝાર્ડ કે રોક મોન્ક (કાળો જાદુગર કે પહાડોનો સાધુ) કહેતા હતા. વિશ્વના ધુરંધર એડવેન્ચર સ્પોર્ટ્સ પર્સન્સ પણ કહી ચૂક્યા છે કે, સેફ્ટી રોપ વિના વિશ્વની અઘરામાં અઘરી પર્વતમાળાઓમાં રોક ક્લાઈમ્બિંગ, સ્પિડ ક્લાઈમ્બિંગ, બેઝ જમ્પિંગ કે જમીનથી હજારો ફૂટ ઊંચા બે પર્વતો વચ્ચે દોરડા બાંધીને સેફ્ટી ટૂલ્સ વિના ચાલવાની હાઈલાઈનિંગ જેવી રમતોમાં વિશ્વ વિક્રમો કર્યા પછીયે કોઈ જીવિત રહ્યું હોય તો તે ડીન પોટર જ હોય.

જોકે, ૧૬મી મે, ૨૦૧૫ના રોજ અમેરિકાના કેલિફોર્નિયાના યોસેમાઈટ નેશનલ પાર્કમાં ત્રણેક હજાર ફૂટ ઊંચા એક ખડક પરથી બેઝ જમ્પિંગ કરતી વખતે ડીન પોટર અને તેના સાથીદાર ગ્રેહામ હન્ટનું મૃત્યુ થયું ત્યારે અનેક લોકોને બિલકુલ આશ્ચર્ય ના થયું એ પણ હકીકત છે. એડવેન્ચર સ્પોર્ટ્સની રાજધાની ગણાતા યોસેમાઈટ નેશનલ પાર્કમાં તમામ પ્રકારનું બેઝ જમ્પિંગના ગેરકાયદે છે પણ અમેરિકામાં વ્યક્તિગત સ્વતંત્રતાના મહત્ત્વને લીધે ડીન જેવા સાહસિકો સામે આંખ આડા કાન કરાય છે. કાયદાકીય પ્રતિબંધો પછીયે ડીન છેલ્લાં બે દાયકાથી યોસેમાઈટ નેશનલ પાર્કનો સૌથી સક્રિય વિંગ સૂટ બેઝ જમ્પર હતો. માંડ દસેક વર્ષ જૂની વિંગ સૂટ બેઝ જમ્પિંગ વિશ્વની સૌથી જોખમી રમત છે. આ રમતમાં વિંગ સૂટ પહેરીને આસમાની ઊંચાઈ ધરાવતી બિલ્ડિંગો, પુલો અને ખડકોની ધાર પરથી કૂદવાનું હોય છે.



મેક્સિકોની કેવ ઓફ સ્વેલોમાં બેઝ જમ્પિંગ કરતી વખતે થયેલી ગરબડ કેટલી ગંભીર હતી એનો અંદાજ એ વાત પરથી આવે છે કે, આ અકસ્માત પછી ડીન જેવો ડેરડેવિલ પણ સતત બે વર્ષ સુધી ડિપ્રેશનમાં રહ્યો હતો. આ અકસ્માતમાં તેના હાથના મસલ્સને જોરદાર નુકસાન થયું હતું. આ ઘટના પછી ડીને બીજી વાર બેઝ જમ્પિંગ અને ક્લાઈમ્બિંગ શરૂ કરવાનો પ્રયાસ કર્યો પણ તે નિષ્ફળ રહ્યો હતો. શક્તિના ધોધ જેવો ડીન માનસિક રીતે ઢીલોઢફ્ફ થઈ ગયો હતો. જોકે, ડીન અત્યંત હકારાત્મક અને કંઈક અંશે અલગારી-આધ્યાત્મિક હોય એવા એડવેન્ચર સ્પોર્ટ્સના રસિયાઓ વચ્ચે રહેતો હોવાથી બે વર્ષમાં ડિપ્રેશનમાંથી બહાર આવી ગયો હતો. છેવટે વર્ષ ૨૦૦૫માં ડીને ફરી એકવાર બેઝ જમ્પિંગ અને રોક ક્લાઈમ્બિંગ શરૂ કરીને એડવેન્ચર સ્પોર્ટ્સની દુનિયામાં એક પછી એક કદાચ ક્યારેય ના તૂટે એવા વિશ્વ વિક્રમો કર્યા હતા.

ડીને બેઝ જમ્પિંગ શીખીને તુરંત જ એક નવી હાઈબ્રીડ સ્પોર્ટ વિકસાવી હતી. તે એકાદ હજાર ફૂટ (૩૦૪.૮ મીટર) ઊંચા રોક પર ફ્રી સોલો ક્લાઈમ્બિંગ (કોઈ પણ પ્રકારના સેફ્ટી રોપ વિના થતું ક્લાઈમ્બિંગ) કરતી વખતે બેઝ જમ્પિંગ સૂટનો ઉપયોગ કરતો હતો. આ રમતમાં સેફ્ટી માટે બેઝ જમ્પિંગ સૂટ હોવા છતાં જરા-સરખી ચૂક થાય તો મોત નિશ્ચિત હોય છે કારણ કે, ક્લાઈમ્બરની પકડ છટકે કે તરત જ વિંગ સૂટ પેરેશૂટ ખોલી શકાતો નથી. એ વખતે નીચે પડતી વખતે અનિયમિત આકારો ધરાવતા ખડકો પર ટકરાવાની ભરપૂર તક હોય છે. પકડ છટકે તો ક્લાઈમ્બર પ્રતિ કલાક ૧૬૦ કિલોમીટરની ઝડપે નીચે પડે છે. આ રમતને ડીન પોટરે ફ્રી બેઝ નામ આપ્યું છે. નવાઈની વાત તો એ છે કે, બેઝ જમ્પિંગ કરનારા વીરલા તો વિશ્વમાં માંડ ૪૦૦ છે, જ્યારે રોક ક્લાઈમ્બિંગ અને બેઝ જમ્પિંગમાંથી સર્જાયેલી હાઈબ્રીડ રમત ફ્રી બેઝની પ્રેક્ટિસ આખી દુનિયામાં ફક્ત ડીન જ કરતો હતો. જે ખડકો પર પકડ છટકવાની પૂરેપૂરી શક્યતા હોય ત્યાં સેફ્ટી ગિયર્સ વિના ક્લાઈમ્બિંગ કરવા માટે ડીને આ પદ્ધતિ વિકસાવી હતી.




યોસેમાઈટમાં બેઝ જમ્પિંગ ગેરકાયદે હોવાથી ડીન જેવા કેટલાક લોકો નેશનલ પાર્કના રેન્જર્સની નજરથી બચવા રાત્રે આછો પ્રકાશ હોય ત્યારે અથવા ધુમ્મસનું પ્રમાણ વધારે હોય ત્યારે બેઝ જમ્પિંગની પ્રેક્ટિસ કરે છે. આ અંગે એડવેન્ચર સ્પોર્ટ્સના તરફદારો અમેરિકન કાયદાનો વિરોધ કરતા કહે છે કે, આ કાયદો એડવેન્ચર સ્પોર્ટ્સના રસિયાઓને રક્ષણ આપવા માટે કેવી રીતે હોઈ શકે? કારણ કે, આ કાયદાના કારણે જ બેઝ જમ્પર્સ પાર્કના અધિકારીઓની નજરથી બચવા અંધારામાં પ્રેક્ટિસ કરીને તેમનો જીવ જોખમમાં મૂકે છે. અમેરિકાના બેઝ જમ્પિંગ વિરોધી કાયદાથી વ્યથિત ડીન હંમેશાં પાયાની સ્વતંત્રતા પર ભાર મૂકીને અમેરિકન સરકારનો વિરોધ કરતો હતો. ડીને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ''પર્યાવરણને નુકસાન ના થાય એ રીતે કુદરતમાં પ્રવાસ કરવો ગેરકાયદે ના હોવો જોઈએ...''

નાનપણથી જ બળવાખોર મિજાજના ડીને ફક્ત ૧૬ વર્ષની વયે ન્યૂ હેમ્પશાયર રાજ્યની આશરે ૩૮૮ મીટર ઊંચી જો ઈંગ્લિશ હિલનું ગેરકાયદે ચઢાણ કર્યું હતું, જે તેનું પહેલું ફ્રી સોલો ક્લાઈમ્બિંગ હતું. વળી, આ ચઢાણ ડીને ખુલ્લા પગે કર્યું હતું. આ હિલ પર ન્યૂ બોસ્ટન એરફોર્સ સ્ટેશન બેઝનો કંટ્રોલ હોવાથી ત્યાં કોઈને ક્લાઈમ્બિંગ કરવાની મંજૂરી ન હતી પણ ડીને પોતાની સાહસવૃત્તિ સંતોષવા ત્યાં ગેરકાયદે ચઢાણ કર્યું હતું. ડીન માટે રોક ક્લાઈમ્બિંગ કે બેઝ જમ્પિંગ આધ્યાત્મિક પ્રવાસ હતો. કદાચ એટલે જ ડીન યોસેમાઈટના અલ કેપિટન જેવા અત્યંત અઘરા ખડકો પર સ્પિડ ક્લાઈમ્બિંગના પણ અનેક રેકોર્ડ બનાવી શક્યો હતો. આ પ્રકારનું ક્લાઈમ્બિંગ આધુનિક ક્લાઈમ્બિંગ વિશ્વમાં 'ગ્લેડિયેટર સ્ટાઈલ' તરીકે ઓળખાય છે. સ્વિત્ઝર્લેન્ડની આલ્પ્સ પર્વતમાળામાં આવેલા ૩,૯૭૦ મીટર ઊંચા ઈગર પર્વત પરથી બેઝ જમ્પ કરીને બે મિનિટ અને ૫૦ સેકન્ડ સુધી હવામાં તરવાનો રેકોર્ડ પણ ડીનના નામે છે. આ સિદ્ધિ બદલ ડીનને વર્ષ ૨૦૦૯માં 'નેશનલ જિયોગ્રાફિક એડવેન્ચરર ઓફ ધ યર'નું સન્માન મળ્યું હતું.



એક્સ્ટ્રિમ રોક ક્લાઈમ્બિંગ અને ફ્રી બેઝ જેવી રમતોમાં પાર્ટ ટાઈમ પ્રેક્ટિસને કોઈ અવકાશ નથી હોતો. એ માટે અલગારી જીવન ગુજારવાની તૈયારી રાખવી પડે છે. હાલના અમેરિકન કાયદા પ્રમાણે યોસેમાઈટ નેશનલ પાર્કમાં બે અઠવાડિયાથી વધુ સમય સુધી કેમ્પિંગ કરી શકાતું નથી. આ કારણોસર ડીન રેન્જર્સની નજરથી બચવા યોસેમાઈટની ગુફાઓમાં સૂઈ રહેતો હતો. ડીનને રોલ મોડેલ માનતા કેટલાક વિદ્રોહી લોકો કંઈક પામવા માટે અત્યારે પણ યોસેમાઈટ નેશનલ પાર્ક નજીક કાર પાર્ક કરીને જીવન વીતાવી રહ્યા છે, જેથી તેઓ પોતાનું જીવન ક્લાઈમ્બિંગને સમર્પિત કરી શકે. ડીનનો જન્મ ૧૪મી એપ્રિલ, ૧૯૭૨ના રોજ કેન્સાસ રાજ્યમાં થયો હતો અને બાળપણ ન્યૂ હેમ્પશાયરમાં વીત્યું હતું. ડીનના પિતા મિલિટરી ઓફિસર હોવાથી બાળપણથી જ તે સારા શારીરિક સૌષ્ઠવ અને સાહસવૃત્તિની સાથે થોડું આધ્યાત્મિકપણું ધરાવતો હતો. ડીન વ્યક્તિ નહીં પણ એક ઘટના હતી.

પશ્ચિમી દેશોમાં કાયદેસર હોય એવી તમામ એડવેન્ચર સ્પોર્ટ્સને સ્પોન્સર મળી રહે છે અને એટલે જ ત્યાં તેનો સતત વિકાસ થઈ રહ્યો છે. પશ્ચિમી દેશોના પોપ્યુલર ફિઝિકલ આર્ટ કલ્ચરમાં એડવેન્ચર સ્પોર્ટ્સનું પ્રકરણ લખાશે ત્યારે પહાડોના સાધુ ડીન પોટરનું નામ સુવર્ણ અક્ષરે લખાશે. ડીન રોક ક્લાઈમ્બિંગ, સ્પિડ ક્લાઈમ્બિંગ, બેઝ જમ્પિંગ અને હાઈલાઈનિંગને સાહસિક રમત કરતા 'કળા' વધુ ગણતો હતો. ડીનના સાથી ક્લાઈમ્બર અને લેખક સિડર રાઈટે 'ટાઈમ' મેગેઝિનમાં નોંધ્યું છે કે, અમે થોડા વિદ્રોહી અને અરાજકતાવાદી બ્રહ્મની શોધ કરનારા છીએ, જેમને હળવી નિરાશા દૂર કરવા ખડકોની જરૂર પડે છે.

બ્રહ્મની શોધમાં હિમાલયમાં જઈને વસતા સાધુઓના દેશમાં રહેતા લોકો માટે સિડર રાઈટની વાત સમજવી અઘરી નથી. 

નોંધઃ ડીન પોટરની સાહસિકતા કેવી હતી એ સમજવા ગમે તેવા શબ્દો ઓછા પડે. આ લેખ વાંચતા કે વાંચ્યા પછી ડીનની સાહસવૃત્તિની ઝલક મેળવવા વીડિયો જોવા જરૂરી છે.