27 May, 2015

ફેસબૂકનું 'બ્લોકિંગ' ફિચર: હેય ગર્લ્સ, જરા સંભલ કે...


ફેસબૂક પર આપણા જેવી બ્યુટિફુલ છોકરીઓ સૌથી વધારે કયા ફિચરનો ઉપયોગ કરે છે?
અપડેટ સ્ટેટસ?
નોપ્પ.
તો પછી એડ ફોટોઝ કે ક્રિએટ ફોટો આલ્બમ?
નોઓઓઓ...
તો પછીઈઈઈ... એડ વોટ ટુ આર ફિલિંગ અથવા એડ અ લોકેશન ટુ પોસ્ટ?
નાઆઆ...
તો બોલને હવે...
બ્લોકિંગ બટન
હેહેહે...

થોડા સમય પહેલાં એક કાફેટેરિયામાં બે કોલેજિયન છોકરીઓ વચ્ચે આ સંવાદ સાંભળ્યો હતો. છોકરીઓએ  માનસિક ત્રાસ આપતા લોકોને કાયમ માટે ચૂપ કરવા બ્લોકિંગ ફિચરનો નિર્દયતાથી ઉપયોગ કરવો જ જોઈએ પણ ક્યારેક આ બટનનો ઉપયોગ નહીં કરવામાંય સમાજનું હિત હોય છે. દિલ્હી કોલેજની વિદ્યાર્થિની પ્રેરણા પ્રથમ સિંઘની સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયેલી ફેસબૂક પોસ્ટે આ વાત ફરી એકવાર સાબિત કરી છે.

પ્રેરણાના ફેસબૂક ઈનબોક્સમાં ૧૬મી મેએ રોશનકુમાર નામના એક ફેસબૂક ફ્રેન્ડે 'હલ્લો સેક્સી' કહીને મેસેજ કર્યો હતો. મોટા ભાગના ફેસબૂક ફ્રેન્ડની જેમ આ વ્યક્તિ પણ પ્રેરણા માટે બિલકુલ અજાણી હતી. પ્રેરણાને એ પણ નહોતી ખબર કે, રોશનકુમારની પ્રોફાઈલ અસલી છે નકલી. જોકે, પ્રેરણાએ તેને તરત જ બ્લોક ના કર્યો પણ રોશનકુમારને 'સર' સંબોધન કરીને એક લાંબો મેસેજ કર્યો. આ મેસેજમાં પ્રેરણાએ લખ્યું હતું કે, ''...હું તમારા જેવા હલકા લોકો આસપાસ બધે જ જોઈ રહી છું. આ બાબત હું અવગણીશ, તો એ મારી ભૂલ હશે. પણ હું તમને પ્રસિદ્ધિ અપાવવા મક્કમ છું...''

પ્રેરણા સિંઘ

પ્રેરણાએ લીધેલો સ્ક્રિન શોટ 


આ મેસેજ કર્યા પછી પ્રેરણાએ ફેસબૂક મેસેજ ઈનબોક્સનો સ્ક્રિન શોટ લઈને તેને ફેસબૂક પર અપલોડ કરી દીધો હતો. પ્રેરણાએ આ પોસ્ટ વધુને વધુ લોકો સાથે શેર કરવા વિનંતી પણ કરી હતી. રોશનકુમારને કરેલા મેસેજના અંતે પ્રેરણાએ લખ્યું હતું કે, ''... હું આ કરવા જઈ રહી છું ત્યારે તમારી પત્નીને કહેજો કે, મારી સહાનુભૂતિ તમારી સાથે છે. સંપૂર્ણ અને સાચી. પ્રસિદ્ધિ માટે શુભેચ્છા. જોકે તેને દિમાગ પર હાવી થવા ના દેતા...''

૧૭મી મેએ ફેસબૂક પર અપલોડ કરાયેલા આ સ્ક્રિન શોટને પાંચ જ કલાકમાં ૪૫ વાર શેર કરાયો હતો, ,૫૦૦થી પણ વધારે લોકોએ લાઈક કર્યો હતો અને અને ૬૦થી વધુ લોકોએ આક્રમક કમેન્ટ્સ કરીને રોશનકુમારના છાજિયા લીધા હતા. આ પોસ્ટ અંગ્રેજીમાં હતી અને તેનું રિ-શેરિંગ અત્યંત ઝડપથી થઈ રહ્યું હોવાથી જોતજોતામાં તે વાયરલ થઈ ગઈ હતી. આ કારણથી ફેસબૂકે ૨૪ કલાકથી પણ ઓછા સમયમાં આ પોસ્ટને 'ન્યુડિટી કન્ટેન્ટ' જાહેર કરીને ડિલિટ કરી નાંખી હતી. આ મુદ્દે પણ યુઝર્સે ફેસબૂકનો આક્રમક વિરોધ કર્યો હતો.

જોકે, ફેસબૂકે પોસ્ટ ડિલિટ કરી એ પહેલાં રોશનકુમારનું નામ 'રોશન' થઈ ચૂક્યું હતું અને પ્રેરણાની પોસ્ટ ટ્વિટર અને વોટ્સએપમાં પણ ફરતી થઈ ગઈ હતી. જો પ્રેરણાએ ચૂપ રહીને કે બદનામીના ખોટા ડરે રોશનકુમારને બ્લોક કરી દીધો હોત તો તેની હિંમત વધુ ખૂલી હોત અને કદાચ ભવિષ્યમાં બીજી છોકરીઓને પણ આવા મેસેજ કરવાનું ચાલુ રાખ્યું હોત!  મોટા ભાગની છોકરીઓ આવા લોકોને અવગણતી હોવાથી જ રોશનકુમારો કે તરુણ તેજપાલોને પ્રોત્સાહન મળે છે. આ કિસ્સાની જ વાત કરીએ તો બદનામી કોની થઈ? પ્રેરણાની કે રોશનકુમારની? ઊલટાનું સોશિયલ મીડિયામાં તમામ લોકોએ પ્રેરણાની હિંમતને દાદ આપી હતી. ફેસબૂક પર હાજર દિલ્હી ટ્રાફિક બ્રાન્ચના સ્પેશિયલ પોલીસ કમિશનર ડૉ. મુકેશ ચંદરે પણ પ્રેરણાને પોલીસ ફરિયાદ નોંધાવવાની જાહેરમાં વિનંતી કરી હતી.

શિક્ષિત હોય એવા સરેરાશ ભારતીય પુરુષને પણ ખ્યાલ નથી હોતો કે, ફ્લર્ટિંગ અને મોલેસ્ટેશનમાં ફર્ક છે. ફ્લર્ટિંગમાં સ્ત્રીની વત્તેઓછે અંશે સહમતિ હોય છે. ફ્લર્ટિંગ કરવા પુરુષ પાસે સ્માર્ટનેસ અને સેન્સ ઓફ હ્યુમર હોવી જરૂરી છે. સુંદર સ્ત્રીની સામે આંખોમાં આંખો મિલાવીને વાત નહીં કરી શકતો પુરુષ ફેસબૂક કે ટ્વિટર પર મહાલતી વખતે પોતાને 'મર્દ' સાબિત કરવા તડપતો હોય  છે. આ પ્રકારના મર્દો લઘુતાગ્રંથિનો શિકાર હોય છે. સામે ઊભેલી સ્માર્ટ પરંતુ અજાણી છોકરીને હાય-હલ્લો કરવામાંય પેટમાં પતંગિયા ઉડવા માંડે એવા 'મર્દો' સોશિયલ મીડિયામાં સ્ત્રીના જાહેરમાં તો ક્યારેક પર્સનલ મેસેજ કરીને વખાણ કરવાની હિંમત કરી લે છે કારણ કે, ફેસબૂક પર બે આંખની શરમ નડતી નથી. કેટલાકની નપુંસકતાનું સ્તર તો એટલું નીચું હોય છે કે, વખાણ કરવા પણ ફેક ફેસબૂક પ્રોફાઈલ બનાવી હોય છે.

નેતાની મર્સીડિઝ બેન્ઝના બોનેટ પર ચઢીને કાચ ફોડી નાંખનારી સાધ્વી પાંડે

મોટા ભાગની સ્ત્રીઓ સોશિયલ મીડિયામાં કે પછી આંખમાં આંખ નાંખીને કરાતી મવાલીગીરી સહન કરી લે છે. એકલી સ્ત્રીને જોઈને સુપરમેન સિન્ડ્રોમ અનુભવતા નામર્દોને સ્ત્રીના શરીર અને મન પર અધિકાર જમાવવામાં જ મર્દાનગીનો કરંટ લાગે છે. પ્રેરણાના બહુચર્ચિત કિસ્સાના માંડ ત્રણ દિવસ પછી આગ્રામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. આગ્રામાં સાધ્વી પાન્ડે નામની એક યુવતી તેની બહેન સાથે મોપેડ પર જઈ રહી હતી ત્યારે તેમની નજીકથી સમાજવાદી પક્ષના નેતા અભિનવ શર્માની મર્સીડિઝ બેન્ઝ પસાર થઈ. એ વખતે શર્માના બોડીગાર્ડે સાધ્વીને આંખ મારી. બોડીગાર્ડના આ કૃત્યથી ગભરાયા વિના સાધ્વીએ કાર ઊભી રખાવીને નેતાજીને ફરિયાદ કરી. જોકે, બળાત્કારો મુદ્દે પણ 'બચ્ચે હૈ, ગલતી હો ગઈ' જેવું વિવાદાસ્પદ નિવેદન કરનારા મુલાયમસિંહ યાદવની ઉતરતી નકલ જેવા અભિનવ શર્માએ બોડીગાર્ડને ઠપકો આપવાના બદલે સાધ્વીને ધમકાવી નાંખી.

એ વખતે સાધ્વીની બહેને મોબાઈલમાં ફોટોગ્રાફ્સ લેવાનો પ્રયાસ કર્યો તો બીજા એક બોડીગાર્ડે મોબાઈલ ફોન પણ પછાડીને તોડી નાંખ્યો. જોકે, આ દાદાગીરીથી ગભરાયા વિના સાધ્વી મર્સીડિઝ બેન્ઝના બોનેટ પર ચઢી ગઈ અને કારની આગળ લગાવેલા સમાજવાદી પક્ષના ઝંડાથી જ કારનો કાચ તોડી નાંખ્યો. આગ્રામાં જાહેર માર્ગ પર અડધો કલાક ચાલેલી આ બબાલનો વીડિયો પણ જોતજોતામાં વાયરલ થઈ ગયો હતો. આ કારણોસર જ અભિનવ શર્મા અને તેના બોડીગાર્ડે માફી માગવી પડી અને મોબાઈલ ફોનનું નુકસાન પણ ચૂકવવું પડયું. સાધ્વીનું કહેવું છે કે, જો નેતાઓ જ આ પ્રકારના કૃત્યને પ્રોત્સાહન આપે તો પ્રજા શું કરશે?

સાધ્વીનો સવાલ વાજબી છે. ઓનલાઈન તો ઠીક, છોકરીઓની ખુલ્લેઆમ છેડતી કરવી, ગંદી કમેન્ટ પાસ કરવી કે તેમના અંગ-ઉપાંગો સામે તાકી તાકીને જોઈને ત્રાસ આપવા જેવા કૃત્યો અનેક સ્ત્રીઓએ વારંવાર સહન કરવા પડે છે. રસ્તામાં, બસમાં કે ઓટોમાં સફર કરતા, થિયેટરોમાં કે કોલેજમાં ગ્રૂપમાં જતી યુવતીઓને પણ આવા અનુભવ થતા હોય છે. વર્ષો પહેલાં પણ સ્ત્રીઓએ આવું સહન કરવું પડતું હતું. હવે બહારની દુનિયામાં સ્ત્રીઓની હાજરી વધી છે અને યુવકોની જેમ યુવતીઓ પણ ઓનલાઈન પ્રેઝન્સ ધરાવતી હોવાથી તેમાં વધારો થવો સ્વાભાવિક છે.

જોકે, યુવતીઓ ઓનલાઈન હેરાનગતિમાં બ્લોકિંગ ફિચરનો ઉપયોગ કરી શકે છે, પણ ખુલ્લેઆમ થતી હેરાનગતિનું શું? આવી હેરાનગતિને મોટા ભાગની સ્ત્રીઓ અવગણતી હોય છે, જે ખરેખર આખા સમાજનું અહિત કરવા બરાબર છે. બ્લેક કે બ્લૂ જ નહીં પણ વ્હાઈટ કોલર જોબ કરતા એક્ઝિક્યુટિવના સ્વાંગમાં પણ મવાલી છુપાયો હોઈ શકે છે. આ મવાલીઓને સહન કરવાથી પણ બળાત્કાર જેવા જઘન્ય ગુનાને પ્રોત્સાહન મળે છે. સ્ત્રીઓ ક્યારેય ફરિયાદ નથી કરવાની એ આત્મવિશ્વાસ જ ખંડિત વ્યક્તિત્વ ધરાવતા પુરુષોને વધુ ગંભીર ગુનો કરવા પ્રેરે છે. સ્ત્રીઓ વર્ષોથી આવી ગુનાખોરી સામે 'બ્લોક' કે 'લેટ ગો' કરી રહી હોવાથી જ સડકછાપ પુરુષોનો આત્મવિશ્વાસ સતત વધે છે. 

હવે ડર રાખ્યા વિના પ્રેરણા કે સાધ્વીની જેમ એકાદ વાર 'બ્લોક'નો ઉપયોગ ટાળી જોજો. નપુંસકને પુરુષ સમજવાનો તમારો ભ્રમ દૂર થઈ જશે!

આ બદીને ઉઘાડી પાડવાની બાબતમાં ખોટો વિનય ન રાખવો : ગાંધીજી

વર્ષ ૧૯૩૯માં એક પંજાબી યુવતીએ છેડતી કરનાર સામે અહિંસાનું શસ્ત્ર કેવી રીતે વાપરી શકાય એ જાણવા ગાંધીબાપુને કાગળ લખ્યો હતો. પહેલી જાન્યુઆરી, ૧૯૩૯ના 'હરિજનબંધુ'માં ગાંધીજીએ આ કાગળનો તરજુમો પ્રકાશિત કર્યો હતો. તેના રસપ્રદ અંશો...

- ... અને તેમને આમ એકલા જતાં જતાં જુએ છે એટલે દુષ્ટ માણસો તેમની પાછળ પડે છે. તેઓ બાજુએ થઈને ચાલતાં ભૂંડી અશ્લીલ ભાષા ઉચ્ચારે છે અને જો આસપાસ ડરવા જેવું ન જુએ તો એથી પણ વઘુ છૂટ લેવાની હિંમત કરતાં અચકાતા નથી. આવે પ્રસંગે અહિંસા કઈ રીતનું કામ આપી શકે એ જાણવા ઈંતેજાર છું...

- ... રસ્તે ભીડ નહોતી. થોડે આગળ નહિ ગયાં હોઈએ અને એટલામાં પેલો સાઇકલવાળો અગાડી નીકળી જઈને પાછો વળ્યો. દૂરથી જ અમે એને ઓળખ્યો. એણે સાઇકલ અમારા તરફ આણવા માંડી. અમને ઘસીને સાઇકલ કાઢવાનો એનો ઈરાદો હતો કે ઉતરવાનો એ તો પ્રભુ જાણે... હું પોતે સામાન્ય બાળાઓ કરતા નબળા બાંધાની છું. પણ મારા હાથમાં એક મોટી ચોપડી હતી. કોણ જાણે ક્યાંથી મારામાં હિંમત આવી ગઇ. મેં પેલાની સાઇકલ સામે પેલી મોટી ચોપડી ઝીકી અને ત્રાડૂકીઃ ચાળા કરવા છે? આવી તો જો’. પેલો લથડ્યો, જેમ તેમ સાઇકલ સંભાળી અને દોડી ગયો...

- ... તમને દુઃખ અને આશ્ચર્ય થશે કે દીવાળી વગેરે તહેવારો દરમ્યાન છાપાંવાળા એવી જાહેર ચેતવણીઓ છાપે છે કે, સ્ત્રીઓેએ રોશનાઈ વગેરે જોવા સારુ પણ ઘર છોડી ન નીકળવું. આ એક જ વાત પરથી આપ જોશો કે, આ તરફ અમારી કેવી દયામણી હાલત છે! આવી ચેતવણીઓ છાપનારાઓને કે તેના વાંચનારાઓને કોઈને જ એ વાતનું ભાન નથી કે આવી ચેતવણીઓ છાપવી પડે એમાં તેમની કેવડી મોટી શરમ સમાયેલી છે...

આ મુદ્દે ગાંધીજીએ આપેલા જવાબના અંશો...

- જ્યાં તાત્કાલિક અંગત રક્ષાનો જ સવાલ હોય ત્યાં અલબત્ત પત્ર લખનાર બાળાએ પોતે શરીરબળમાં નબળી છતાં જે ઉપાય લીધો, એટલે કે સાઇકલવાળા પર ચોપડી ઝીકી- એ તદ્દન બરાબર હતો.

- બીભત્સ ભાષાથી બહેનોએ ન હડબડવું, પણ ચૂપ ન રહેવું. આવા બધા કિસ્સાઓને છાપાંમાં પ્રગટ કરવા જોઈએ. જ્યાં ગુનેગારોના નામ જડી શકે ત્યાં નામો પણ પ્રગટ કરવાં. આ બદીને ઉઘાડી પાડવાની બાબતમાં ખોટો વિનય ન રાખવો જોઈએ.  જાહેર ગેરવર્તનની ખબર લેવાને જાહેર પ્રજામત જેવો બીજો સચોટ બીજો કોઈ ઈલાજ નથી.

12 comments:

  1. Replies
    1. Thx a lott Rahul... Thx a lott Rahul.... :)))))))))

      Delete
  2. વાત એકદમ સચોચ છે. પ્રેરણાસિંઘે કરેલા ઉપાયના રસ્તે જ આનો ઇલાજ થઈ શકે. હકીકતમાં બનેલો (નજરે જોયો નથી, સાંભળ્યો છે) એક કિસ્સો. વાત એમ હતી કે, શરીર વેચીને ગુજરાત ચલાવતી રૂપજીવીનીઓના પ્રશ્નો, એમની હાલાકીઓ, તેમના પ્રત્યે દૃષ્ટિકોણ બદલવા અને તેમના ઉત્થાન માટે સામાજિક સંસ્થાના સહયોગથી આશ્રમ રોડ પર રેલી નીકળી હતી. જેમાં કોલેજ ગર્લ્સ પણ મોટી સંખ્યામાં હતી. જાહેરમાં બોલવામાં જેના પર સંકોચ કે ક્ષોભ અનુભવાય છે, એવા પ્રોસ્ટિટ્યૂશનના વિષય પર યુવતીઓને જાગૃતિ મેસેજ આપતી જોઇને કેટલાક સડક કિનારે બેઠેલા લુખ્ખાઓએ સળી, બિભત્સ કોમેન્ટ, ચાળા ઇત્યાદી શરૂ કર્યા. છોકરીઓ સંકોચ સાથે રેલીમાં આગળ ચાલતી રહી અને લુખ્ખાઓ પણ સાથે-સાથે ચાલતા રહ્યા. એક રૂપજીવીનીએ આ જોયું અને આગળ આવી. છાતી પરથી સાડી હટાવીને ત્રાડ પાડી, આવ સાલ્લા (... .. ...) બહુ દમ છે ને. આવ જોઉં છું કેટલો દમ છે તારામાં. આવ મર્દ હોય તો.. .(.. ...)... કંઇક આ પ્રકારના જ વાક્‌પ્રહારો આવતા પેલા લુખ્ખાઓ ધ્રૂજી ઉઠ્યા. કાપો તો લોહી ના નીકળે અને ઊભી પૂંછડીએ નાઠા... પ્રેરણાસિંઘનો પ્રયાસ કાબિલેદાદ છે. આવા તત્ત્વો સામે શર્મિલી બનવા કરતા યુવતીઓએ અંબિકા કે ચંડિકા બનવાનો માર્ગ લેવો પડે... એ જ ઉપાય છે.

    ReplyDelete
    Replies
    1. યસ્સ. શર્મિલી નામ હોય તો પણ આપણને વાંધો નથી પણ મવાલીઓ સામે એટિટ્યુડ તો રણચંડીનો જ રાખવો પડે અત્યારના જમાનામાં ;) મોટા ભાગની છોકરીઓ આવું બધું લેટ ગો કરતી હોય છે અને એ પણ વારંવાર... એટલે જ મવાલીઓની હિંમત સતત વધતી રહે છે...

      Delete
  3. Happening events in and aroud you !

    See what's happening in Your City by Like this page here !!

    https://www.facebook.com/Ahmedabad.Live.Updates

    ReplyDelete
  4. very nice article. You bring another view to fight against such problems..

    ReplyDelete