29 April, 2015

...અને હિમાલયના ગર્ભમાં 'અણુ બોમ્બ' દફન થઈ ગયો


કેટલાક રહસ્યો ખૂબ લાંબા સમય સુધી રહસ્ય રહ્યા પછી વધુને વધુ ઘેરા બનતા જાય છે. આ પ્રકારના રહસ્યોને ઉજાગર કરવાના તનતોડ પ્રયાસ પછીયે રહસ્ય અકબંધ રહે તો તેના પર પુસ્તકો લખાય છે. પુસ્તકો લખાયા પછી દાવા-પ્રતિદાવા થાય છે અને તેમાં કલ્પના તત્ત્વ પણ ઉમેરાતું જાય છે. જો આવું થાય તો કેવું થાય- એ પ્રકારની કલ્પનાનું તત્ત્વ ભળ્યા પછી એ ઘટના પરથી હોલિવૂડ ફિલ્મ બનાવે એવી શક્યતા વધી જાય છે. ઉત્તરાખંડની ગઢવાલ હિમાલય પર્વતમાળામાં આવેલા ભારતના બીજા નંબરના સૌથી ઊંચા શિખર નંદા દેવી પર આશરે પાંચ દાયકા પહેલાં બિલકુલ આવી જ ઘટના બની હતી.

શું છે એ રહસ્યમય ઘટના?

વર્ષ ૧૯૬૨માં ભારત શરમજનક રીતે ચીન સામેનું યુદ્ધ હારી ગયું હતું અને એશિયામાં ચીનની તાકાત વધી રહી હતી. આ સ્થિતિનો લાભ લઈને અમેરિકાએ હિમાલય પરથી ચીનની જાસૂસી કરવા ભારતને એક જાસૂસી મિશન માટે મનાવી લીધું હતું. આ યોજનાના ભાગરૂપે ઈન્ડિયન ઈન્ટેલિજન્સ બ્યુરો અને અમેરિકાની જાસૂસી સંસ્થા સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીએ (સીઆઈએ) ચીન સામેની હારના ત્રણ વર્ષ પછી ૧૯૬૫માં હિમાલયના ૭,૮૧૫ મીટર (૨૫,૬૪૩ ફૂટ) ઊંચા નંદા દેવી શિખર પર ન્યુક્લિયર પાવર્ડ સેન્સિંગ ડિવાઈસ ગોઠવવા એક ગુપ્ત જાસૂસી મિશન શરૂ કર્યું હતું. એ વર્ષોમાં સેટેલાઈટથી જાસૂસી કરવાનો યુગ હજુ શરૂ થયો ન હતો. આ જાસૂસી મિશન હેઠળ નંદા દેવીની ટોચ પર ન્યુક્લિયર ડિવાઈસ પહોંચાડવાની જવાબદારી ભારતીય નૌકાદળના ઉચ્ચ અધિકારી અને આંતરરાષ્ટ્રીય સ્તરના પર્વતારોહક કેપ્ટન મનમોહનસિંઘ કોહલીને સોંપાઈ હતી. જોકે, મિશનની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં બે વ્યક્તિની ભૂમિકા મુખ્ય હતી. એક, આઝાદી પછી ઈન્ડિયન ઈન્ટેલિજન્સના પહેલાં ડિરેક્ટર અને ભારતીય જાસૂસી તંત્રના પિતામહ્ ભોલાનાથ મલિક અને બીજા, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના ફાઉન્ડિંગ ડિરેક્ટર રામેશ્વર નાથ કાઓ.


કેપ્ટન એમ.એસ. કોહલી અને બી.એન. મલિક

રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના ફાઉન્ડિંગ ડિરેક્ટર રામેશ્વરનાથ કાઓ

કેપ્ટન કોહલી એ વખતે ઈન્ડો તિબેટન બોર્ડર પોલીસમાં ડેપ્યુટેશન પર હતા. આ જાસૂસી મિશન હેઠળ કેપ્ટન કોહલી અને તેમની ટીમે આઠથી દસ ફૂટ ઊંચા એન્ટેના, બે ટ્રાન્સરિસિવર સેટ અને સૌથી મહત્ત્વની ન્યુક્લિયર ઓક્ઝિલરી પાવર જનરેટર સિસ્ટમ જેવો ૫૬ કિલો વજન ધરાવતો સાધન-સરંજામ લઈને ઓક્ટોબર ૧૯૬૫માં નંદા દેવીનું ચઢાણ શરૂ કર્યું હતું. સમગ્ર ટીમ ૧૮મી ઓક્ટોબર, ૧૯૬૫ના રોજ ૨૪ હજાર ફૂટની ઊંચાઈએ આવેલા કેમ્પ નંબર ચાર પર પહોંચી તો ખરી, પણ એ દિવસે હિમાલયની હાડ થીજાવતી ઠંડીમાં બરફના ભયાનક તોફાને ઉત્પાત મચાવવાનું શરૂ કરી દીધું હતું. સિત્તેરના દાયકામાં પર્વતારોહકો પાસે આજના જેવી ટેક્નોલોજીનો સાથ ન હતો. બરફના તોફાને એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે, કેપ્ટન કોહલીએ તેમની ટીમ અને સાધન-સરંજામમાંથી કોઈ એકની પસંદ કરવાની હતી. આ સાધન-સરંજામમાં સૌથી ખતરનાક વસ્તુ હતી, પ્લુટોનિયમ જેવા ઘાતક ન્યુક્લિયર બળતણથી ભરેલું જનરેટર. બર્ફીલા તોફાનમાં જીવિત રહેવું જ અશક્ય હતું ત્યાં ન્યુક્લિયર ડિવાઈસ ઈન્સ્ટોલ કરવાનો તો પ્રશ્ન જ ન હતો.

આ સ્થિતિમાં કેપ્ટન કોહલી અને અન્ય અધિકારીઓ જનરેટર સહિતના સાધનો નંદા દેવી શિખરના કેમ્પ નંબર ચાર પર સુરક્ષિત જગ્યાએ બાંધીને નીચે ઉતરી ગયા કારણ કે, હિમાલયના બર્ફીલા તોફાનમાં જનરેટર ગરમી ઓકતું હતું અને તમામ લોકો કિરણોત્સર્ગના (રેડિયોએક્ટિવિટી) ખતરાથી પણ થોડા ભયભીત હતા. હિમાલય પર્વતમાળામાં વાતાવરણ અનુકૂળ થયા પછી કેપ્ટન કોહલી તેમની ટીમને લઈને મે, ૧૯૬૬માં એ જ સ્થળે પરત ગયા હતા. જોકે, ત્યાં પહોંચતા જ કોહલી સહિતના અધિકારીઓ આઘાત અને આશ્ચર્યની લાગણીથી રીતસરના દિગ્મૂઢ થઈ ગયા હતા કારણ કે, તેમણે સાચવીને મૂકેલો તમામ ન્યુક્લિયર સાધન-સરંજામ ત્યાં હતો જ નહીં. ભેદી રીતે ગૂમ થયેલા સામાનમાં સૌથી મહત્ત્વની વસ્તુ જનરેટર ચલાવવા માટે જરૂરી ચાર પ્લુટોનિયમ કેપ્સ્યુલ્સ હતી. આ જથ્થો જાપાનના હીરોશીમા શહેર પર ઝીંકાયેલા અણુબોમ્બથી લગભગ અડધી શક્તિ ધરાવતો હતો. આટલી મહત્ત્વની ચીજ ગુમ થયા પછી ભારત-અમેરિકાની સરકારો તેમજ લશ્કરી અને જાસૂસી વર્તુળોમાં ભૂકંપ મચવો સ્વાભાવિક હતો.

વર્ષ ૨૦૧૫માં આ ઘટનાના પાંચ દાયકા પછીયે હિમાલયની વાદીઓમાં દફન થયેલો આ 'અણુ બોમ્બ' આપણે શોધી શક્યા નથી. ભારતીય લશ્કરની દુનિયામાં કેપ્ટન એમ.એસ. કોહલી નામે જાણીતા નંદા દેવી જાસૂસી મિશનના વડા અત્યારે ૮૩ વર્ષના છે. આ મિશન માટે કેપ્ટન કોહલી સૌથી યોગ્ય પસંદગી હોય છે એ વાત આજેય સ્વીકારાય છે. મહાન પર્વતારોહક તેનજિંગ નોર્જે નંદા દેવીને સૌથી અઘરું ચઢાણ કહેતા હતા, જેના પર કેપ્ટન કોહલી અને તેમની ટીમે વર્ષ ૧૯૬૫થી ૧૯૬૮ વચ્ચે બારેક વાર ન્યુક્લિયર ડિવાઈસ લઈને ચઢાણ કર્યું હતું. ‘સ્પાય્સ ઇન ધ હિમાલયાઝઃ સિક્રેટ મિશન્સ એન્ડ પેરિલસ ક્લાઇમ્બસ’ નામના પુસ્તકમાં એમ.એસ. કોહલીએ કહ્યું છે કે, બરફના તોફાનમાં ટીમના સભ્યોની સુરક્ષાના બદલે ન્યુક્લિયર સાધન-સરંજામ સાથે રાખવાનો મોહ રાખ્યો હોત તો લગભગ બધાનું મોત નક્કી હતું.

લાખો લોકોને જીવનું જોખમ

હિમાલયમાં પ્લુટોનિયમ શોધ અભિયાન સાથે સંકળાયેલા નિષ્ણાતોનું માનવું છે કે, આજે પણ હિમાલયના ખડકોમાં ક્યાંક પ્લુટોનિયમ કેપ્સ્યુલ્સ ધરબાયેલી હશે. પ્લુટોનિયમનું આયુષ્ય ૧૦૦ વર્ષ કરતા પણ વધારે હોવાથી ગંગા નદીના પટ્ટામાં વસતા તમામ લોકો પર હજુ બીજા પાંચ દાયકા સુધી કિરણોત્સર્ગના ખતરાની શક્યતા છે. નંદા દેવી પર જે સ્થળે પ્લુટોનિયમ ગૂમ થયું હતું એ વિસ્તાર તેમજ તેની આસપાસ ફેલાયેલું નંદા દેવી અભયારણ્ય છેલ્લાં પાંચ દાયકાથી બંધ છે. મિલિટરી કે ઈન્ડિયન માઉન્ટેનિયરિંગ ફાઉન્ડેશન દ્વારા આયોજિત અપવાદરૂપ પર્વતારોહણ અભિયાનોને બાદ કરતા ત્યાં કોઈ જઈ શકતું નથી. નંદા દેવીનું ચઢાણ કરવાની મંજૂરી નહીં આપવા બદલ સરકાર સામાન્ય રીતે 'પર્યાવરણને ખતરો' હોવાનું કારણ આપે છે. સરકારે આ વિસ્તાર તો બંધ કરી દીધો પણ જો પ્લુટોનિયમ હિમપ્રપાતો સાથે સરકીને ગંગા નદીમાં પહોંચશે તો લાખો લોકોનો જીવ જોખમમાં મૂકાઈ શકે છે. આ પ્રકારની શક્યતા હોવાનું મજબૂત કારણ પણ છે. નંદા દેવીના હિમપ્રવાહોને ગંગા નદીમાં ઠાલવતી ઋષિ ગંગા નદીની ખૂબ નજીકના વિસ્તારમાંથી પ્લુટોનિયમ ગાયબ થયું હતું. આમ, ઋષિ ગંગા કિરણોત્સર્ગથી પ્રદૂષિત થશે તો ગંગા નદી પણ કિરણોત્સર્ગથી દુષિત થશે. જો આવું થાય તો ગંગા કિનારાની માનવ-વસતીને જ નહીં પણ ગંગાના સહારે જીવતા જળચરો, પશુ-પક્ષીઓ અને વનસ્પતિનો પણ વિનાશ સર્જાઈ શકે છે. 

નંદા દેવી શિખર

ઋષિ ગંગાનું પાણી અને તેના માર્ગમાં આવતા ખડકો કિરણોત્સર્ગથી પ્રદૂષિત થયા છે કે નહીં એ જાણવા અનેકવાર ચકાસણી કરાઈ છે. જોકે, પાંચ દાયકા પછીયે આવી કોઈ દુર્ઘટના સર્જાઈ નથી એ આપણું સદનસીબ છે અને રહસ્ય પણ. કિરણોત્સર્ગ નહીં થવાના કારણે પ્લુટોનિયમ કેપ્સ્યુલ્સ ક્યાં હશે એ રહસ્ય વધુ ઘેરું બની રહ્યું છે.

ન્યુક્લિયર ડિવાઈસ બીજી વાર ગાયબ

હિમાલયમાં પ્લુટોનિયમ કેપ્સ્યુલ્સ ગાયબ થઈ ગયા પછીયે વર્ષ ૧૯૬૭માં ભારત અને અમેરિકાએ હિમાલયમાં ન્યુક્લિયર પાવર્ડ લિસનિંગ ડિવાઈસ ઈન્સ્ટોલ કરવા બીજું એક ગુપ્ત જાસૂસી શરૂ કર્યું હતું. આ મિશનમાં પણ અમેરિકાને મદદ કરવાની જવાબદારી કેપ્ટન કોહલી, એચ.સી.એસ. રાવત અને ભારતીય લશ્કરના અન્ય સાહસિક પર્વતારોહકોને સોંપાઈ હતી. બીજા જાસૂસી મિશનમાં નંદા દેવી નજીક ૨૨,૫૧૦ ફૂટ ઊંચાઈએ આવેલા નંદા કોટ શિખર પર ન્યુક્લિયર ડિવાઈસ ગોઠવવાની કામગીરી સફળતાપૂર્વક પાર પડાઈ હતી. ત્યાર પછી એ જ વર્ષે એચ.સી.એસ. રાવતને ગુપ્ત કામગીરી માટે ફરી એકવાર નંદા કોટ મોકલાયા અને ત્યાં પહોંચતા જ રાવત અને તેમની ટીમ ડઘાઈ ગઈ કારણ કે, નંદા કોટ પર ઈન્સ્ટોલ કરેલા ન્યુક્લિયર ડિવાઈસ પણ ગૂમ હતા.

આ ઘટના વિશે એમ.એસ. કોહલી વર્ષ ૨૦૦૫માં પ્રકાશિત 'વન મોર સ્ટેપ' નામના પુસ્તકમાં કહે છે કે, નંકા કોટ શિખર પર ઈન્સ્ટોલ કરેલા ન્યુક્લિયર ડિવાઈસ ગાયબ હોવાથી એચ.સી.એસ. રાવત સહિતના લોકોની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ હતી. આ જગ્યાએ બે ફૂટ જેટલા બરફના થર ખોદતા તેમને વધુ આઘાત લાગ્યો. હિમાલયની હાડ થીજાવતી ઠંડીમાં પણ જનરેટરની ગરમીના કારણે આઠ ફૂટની ત્રિજ્યામાં બરફ ઓગળી ગયો હતો અને તેના કારણે જમીનથી બે ફૂટ નીચે બિલકુલ ગોળાકાર હિમ ગુફાનું સર્જન થયું હતું. પુસ્તકમાં આ ઘટનાના પ્રકરણને કોહલીએ 'કેથેડ્રલ ઈન આઈસ' નામ આપ્યું છે.

દેશના અગ્રણી વિજ્ઞાનીઓ અને નિષ્ણાતોની વિવિધ સમિતિઓએ આપેલા અહેવાલ મુજબ, નંદા કોટ શિખર પર પ્લુટોનિયમ કેપ્સ્યુલ્સથી ચાલતું જનરેટર આઠેક ફૂટની ત્રિજ્યામાં જ બરફ ઓગાળી શક્યું હતું. જો આવું હોય તો કિરણોત્સર્ગથી હિમાલય કે ગંગાને નુકસાન થવાની શક્યતા નહીંવત છે. ખેર, નંદા દેવી પર ઈન્સ્ટોલ કરાયેલું પ્લુટોનિયમ કેપ્સ્યુલ્સથી ચાલતું જનરેટર હિમાલયમાં ગુફાનું સર્જન કરીને ઢંકાઈ ગયું હશે, હિમપ્રપાતોમાં ધીમે ધીમે પ્રવાસ કરીને ક્યાંક ફસાઈ ગયું હશે કે પછી બર્ફીલા ખડકના ગર્ભમાં ઊંડે ઉતરી ગયું હશે? આ વાત આજે પણ રહસ્ય છે.

સંસદમાં મોરારજી દેસાઈની કબૂલાત

ભારત અને અમેરિકન સરકાર આશરે દસ વર્ષ સુધી વર્ષ ૧૯૬૫ના નિષ્ફળ જાસૂસી મિશનની વાત છુપાવી રાખવામાં સફળ રહે છે. છેવટે વર્ષ ૧૯૭૭માં અમેરિકન મેગેઝિન 'આઉટસાઈડ'માં ઈન્ડિયન ઈન્ટેલિજન્સ બ્યુરો અને સીઆઈએના નંદા દેવી જાસૂસી મિશનનો અહેવાલ છપાયો. આ અહેવાલ છપાતા જ ભારત, ચીન અને અમેરિકા સહિત વિશ્વભરમાં બૂમરાણ મચી ગઈ અને હિમાલયને પ્રદૂષિત કરવા બદલ પર્યાવરણવાદીઓએ પણ ભારત-અમેરિકાની સરકારોની બરાબરની ઝાટકણી કાઢી. આ અહેવાલ છપાયા પછી જ તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈએ ભારત-અમેરિકાના સંયુક્ત જાસૂસી મિશન વિશે સંસદમાં જાણકારી આપવી પડી હતી. બંને દેશોના ‘બેજવાબદાર જાસૂસી મિશન’ પછી મોરારજી દેસાઈએ સંસદમાં ખાતરી આપવી પડી હતી કે, હવે આ પ્રકારના ન્યુક્લિયર ડિવાઈસ ભારતની ધરતી પર નથી...

વર્ષ ૧૯૬૮માં અમેરિકા તેના ખામીયુક્ત ન્યુક્લિયર સાધનો હાઈ ટેક હેલિકોપ્ટરોમાં પરત લઈ ગયું હતું એ વાત પણ 'આઉટસાઈડ'ના અહેવાલ પછી જ બહાર આવી હતી. આ જાસૂસી મિશન જાહેર થઈ ગયા પછી કેટલાક પુસ્તકો જાતભાતની થિયરી રજૂ કરીને આ રહસ્યને વધુ ઘેરું કરે છે. જેમ કે, વર્ષ ૨૦૦૪માં પ્રકાશિત 'નંદા દેવીઃ અ જર્ની ટુ ધ લાસ્ટ સેન્ચુરી' નામના પુસ્તકમાં લેખક હ્યુજ થોમસન કહે છે કે, સીઆઈએને શંકા છે કે, ભારતે પોતાનો ન્યુક્લિયર પ્રોગ્રામ શરૂ કરવા પ્લુટોનિયમનો જથ્થો ચોરી લીધો હોવાની શક્યતા છે. માર્ચ ૨૦૧૫માં પ્રકાશિત 'બિકમિંગ ધ માઉન્ટેઇનઃ હિમાલયન જર્ની ઈન સર્ચ ઓફ ધ સેકર્ડ એન્ડ ધ સબલાઈમ' નામના પુસ્તકમાં સ્ટિફન ઓલ્ટર નામના લેખક દાવો કરે છે કે, આ મિશન વખતે પ્લુટોનિયમ લઈને જતા અનેક શેરપા કિરણોત્સર્ગના કારણે કમોતે મરી ગયા હતા. જોકે, આ પ્રકારના અનેક દાવા ભારત અને અમેરિકાએ ફગાવી દીધા છે.


22 April, 2015

ઈશ્વરે મળમૂત્રનો ઢગલો કર્યો અને સર્જાયું, કોલકાતા...


ભારત, ઈઝરાયેલ અને જર્મનીમાં ગયા અઠવાડિયે એક જ ઘટના સાથે ગાઢ રીતે સંકળાયેલી હોય એવી ત્રણ ઘટનાઓનો અનોખો યોગાનુયોગ સર્જાયો. પશ્ચિમ બંગાળમાં ૧૮મી એપ્રિલે યોજાયેલી કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મમતા બેનરજીએ કોલકાતાનું સંપૂર્ણ બ્યુટિફિકેશન કરવાનું વચન આપીને મત માગ્યા. આ ચૂંટણીના પ્રચારની છેલ્લી તારીખ ૧૬મી એપ્રિલ હતી. નહેરુ સરકાર સુભાષચંદ્ર બોઝની જાસૂસી કરાવતી હતી એ વાત બહાર આવ્યા પછી મોદી સરકારે નેતાજીના જીવન સંબંધિત કયા દસ્તાવેજો જાહેર કરી શકાય એમ છે, એ મુદ્દે તપાસ કરવા ૧૪મી એપ્રિલે એક સમિતિની રચના કરી. આ વર્ષે હિબ્રુ કેલેન્ડરના નિસાન (એપ્રિલ-મે)નો ૨૭મો દિવસ ૧૫મી એપ્રિલે આવ્યો. નિસાનનો ૨૭મો દિવસ ઈઝરાયેલમાં હોલોકાસ્ટ રિમેમ્બ્રન્સ ડે તરીકે ઊજવાય છે. દ્વિતિય વિશ્વયુદ્ધ વખતે જર્મનીના હિટલર યુગમાં સામૂહિક નરસંહારનો ભોગ બનેલા ૬૦ લાખ લોકોની યાદમાં નિસાનના ૨૭મા દિવસે ઈઝરાયેલ સહિત અમેરિકા-યુરોપના દેશોમાં મૌન પાળવામાં આવે છે. આ ત્રણેય ઘટના સાથે જેને સંબંધ છે એ ઘટના ૧૩મી એપ્રિલે જર્મનીમાં બની. આ દિવસે જર્મનીના નોબલ પુરસ્કાર વિજેતા સાહિત્યકાર ગુન્ટર ગ્રાસનું અવસાન થયું.


ગુન્ટર ગ્રાસ

ગુન્ટર ગ્રાસ ઉત્તમ નવલકથાકાર, કવિ, નાટયકાર હોવાની સાથે સારા ઇલસ્ટ્રેટર, ગ્રાફિક ડિઝાઈનર અને શિલ્પકાર પણ હતા. ગ્રાસ વર્ષ ૧૯૭૫માં પહેલીવાર ભારતમાં કોલકાતાની મુલાકાતે આવ્યા હતા. ત્યાર પછી વર્ષ ૧૯૮૬-૮૭માં ગ્રાસ ફરી એકવાર કોલકાતા આવ્યા અને આશરે છ મહિના રોકાયા. એ પછી વર્ષ ૨૦૦૫માં પણ તેઓ કોલકાતાની ટૂંકી મુલાકાતે આવ્યા હતા. કોલકાતાની પહેલી જ મુલાકાતે ગુન્ટર ગ્રાસના વિચારો પર ઊંડી અસર કરી હતી. વર્ષ ૧૯૭૭માં ગ્રાસે જર્મન લોક-કથા 'ધ ફિશરમેન એન્ડ હિઝ વાઈફ' પર આધારિત 'ધ ફ્લાઉન્ડર' નામની ઐતિહાસિક કથાવસ્તુ ધરાવતી નવલકથામાં કોલકાતાનો ઉલ્લેખ કર્યો હતો. આ નવલકથામાં પુરુષ અને સ્ત્રી વચ્ચે દરેક સ્તરે થતા સંઘર્ષની વાત છે, પરંતુ તેની કથાવસ્તુમાં ગ્રાસે કોલકાતાને બખૂબી વણી લીધું છે. આ નવલકથામાં વાસ્કો દ ગામા નામના ઐતિહાસિક પાત્રના મ્હોંમાં ગ્રાસે કોલકાતા વિશે કાલ્પનિક શબ્દો મૂક્યા છેઃ ઈશ્વરે કરેલા મળમૂત્રના ઢગલા પર કવિતા કેમ ના હોઈ શકે, જેને નામ આપ્યું છે કોલકાતા. આ ઢગલો જીવડાંથી ખદબદી રહ્યો છે, ગંધાઈ રહ્યો છે, જીવી રહ્યો છે અને સતત મોટો થઈ રહ્યો છે... જર્મનીની આર્થિક રાજધાની ફ્રેન્કફર્ટ વિશે પણ ગ્રાસે કહ્યું હતું કે, ઈશ્વરે કોંક્રિટ જેવી ગંદકીનો ઢગલો કર્યો અને સર્જાયું ફ્રેન્કફર્ટ...

કોલકાતા અને ફ્રેન્કફર્ટ વિશે આવું લખવા બદલ તેઓ કહેતા હતા કે, ''કોલકાતા એ ભારતની મુશ્કેલીઓનું પ્રતીક છે અને દુનિયાભરની મુશ્કેલીઓ પણ આવી જ છે.'' ગુન્ટર ગ્રાસના આવા ગૂઢ શબ્દોનું ગણિત સમજવા જેવું છે. વર્ષ ૧૯૭૫માં પહેલીવાર કોલકાતાની મુલાકાતે આવેલા ગુન્ટર ગ્રાસ કોલકાતાની ભયાનક ગંદકી, ગરીબી અને આર્થિક અસમાનતા જોઈને વ્યથિત થઈ ગયા હતા. આ મુલાકાતના બે વર્ષ પછી ૧૯૭૭માં આવેલી નવલકથા 'ધ ફ્લાઉન્ડર'માં આ જ વાતનો પડઘો પડે છે, જેમાં તેમણે કોલકાતાની મુશ્કેલીઓને ખુદ ભગવાને કરેલી ગંદકીના ઢગલા સાથે કલાત્મક રીતે સરખાવી છે. ગ્રાસ કોલકાતાના લોકોને કે ગરીબોને નહીં પણ વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચેની આર્થિક અસમાનતાને ધિક્કારતા હતા. કોલકાતાના પોશ વિસ્તારોમાં મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગની જાહોજલાલી જોઈને તેઓ વધુ આકરા બન્યા હતા. ભારતની મુલાકાત પછી જ ગ્રાસના મનમાં મૂડીવાદ વિરોધી વલણ વધુ મજબૂત થયું હતું. ગ્રાસ કહેતા કે, ઉચ્ચ વર્ગ તેમની આસપાસ ફેલાયેલી ગંદકી (ગંદકી અને ગરીબી, બંને તરફ ઈશારો) બાબતે આંધળો અને સંવેદનશૂન્ય છે. કોલકાતામાં છ મહિના રોકાયા પછી હું અત્યંત પ્રભાવિત થયો છું. ભારતે મારી આંખો ખોલી નાંખી છે અને મને વાસ્તવિકતાનું ભાન કરાવ્યું છે. ભારતે મારો દૃષ્ટિકોણ જ નથી બદલ્યો પણ મારી ક્રિયેટિવિટી પર પણ ઊંડી અસર કરી છે. વિકસિત અને વિકાસશીલ દેશોની મુશ્કેલીઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે તે હું વધુ સારી રીતે જાણી શક્યો છું... 

જોકે, ગુન્ટર ગ્રાસે કોલકાતા વિશે કરેલા આકરા નિવેદનોથી અનેક બંગાળીઓ રોષે ભરાયા હતા. વર્ષ ૧૯૮૬માં ગ્રાસ ફરી કોલકાતાની મુલાકાતે આવ્યા ત્યારે લોકોએ તેમને 'ડ્રેઇન ઇન્સ્પેક્ટર' એટલે કે ગટર ઇન્સ્પેક્ટર પાછો આવ્યો એમ કહીને ધુત્કાર્યા હતા. આમ છતાં, ગ્રાસ કોલકાતામાં છ મહિના રોકાયા હતા. આ છ મહિનામાં ગ્રાસે ઝૂંપડપટ્ટીઓમાં બાળકો સાથે, ખીચોખીચ ભરેલી ગંદી ટ્રેનોમાં, કોલકાતામાં યોજાતી સાહિત્યની શિબિરોમાં તેમજ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે મહત્તમ સમય વિતાવ્યો હતો. આ દરમિયાન તેમણે વધુને વધુ સામાન્ય લોકોને મળીને તેમની સાથે વાતચીત કરી હતી, ચિત્રો દોર્યા હતા તેમજ જાતભાતના અનુભવો ડાયરીમાં ટપકાવ્યા હતા. કોલકાતાની ઝૂંપડપટ્ટીઓનું જીવન જોઈને તેઓ દુઃખી પણ થયા અને પ્રભાવિત પણ. ભારતની ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકો વિશે ગ્રાસ કહેતા કે, આ લોકોના હઠીલાપણાની હું પ્રશંસા કરું છું. તેમની અસ્તિત્વ ટકાવી રાખવાની, કામ કરવાની અને જીવતા રહેવાની ઈચ્છાશક્તિ ઉદાહરણીય છે. આ લોકો પેઢીઓથી ઝૂંપડપટ્ટીઓમાં રહે છે અને છતાં તેમનો ઉત્સાહ તૂટયો નથી. જર્મનીમાં યુદ્ધ પછીના દિવસો મને બરાબર યાદ છે. જર્મનીના એ ખરાબ દિવસો હવે ચાલ્યા ગયા છે પણ ભારતની ઝૂંપડપટ્ટીમાં સંઘર્ષ એ રોજિંદી બાબત છે. તેમનો સંઘર્ષ જોઈને મને સતત પ્રેરણા મળે છે. ભારતમાં મારા સૌથી યાદગાર અનુભવ ગરીબ કલાકારો, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો તેમજ કઠોર પરિશ્રમ કરતી સ્ત્રીઓ સાથેના છે...

કોલકાતાની ઝૂંપડપટ્ટીઓમાં રખડપટ્ટી કરતી વખતે ગ્રાસની મુલાકાત રબિન્દ્ર ભારતી યુનિવર્સિટીના અંગ્રેજી નાટકના પ્રોફેસર અમિતાવ રોય સાથે થાય છે. રોય ગ્રાસના નાટક 'ધ પ્લેબિયન્સ'નું બંગાળી રૂપાંતર કરીને તેને ભજવવાના હતા. આ નાટકની ભજવણી માટે રોય અને ગ્રાસ સાથે કામ શરૂ કરે છે. એ વખતે ગ્રાસના મનમાં સુભાષચંદ્ર બોઝના જીવન આધારિત નાટક બનાવવાનો વિચાર આવે છે. કોલકાતા આવ્યા પછી ગ્રાસે નેતાજી વિશે પુષ્કળ વાંચ્યુ હોય છે. ગ્રાસ છ મહિનાના રોકાણ પછી જર્મની જાય છે ત્યારે તેમની પાસે નેતાજી વિશેના મહત્ત્વના પુસ્તકો, નોંધો અને મગજમાં સંઘરેલુ પુષ્કળ વાંચન હોય છે. જર્મની જઈને તેઓ સુભાષચંદ્ર બોઝ વિશે એક નાટક લખવાની શરૂઆત કરે છે અને રોયને તેમાં મદદરૂપ થવાનું પણ કહે છે. આ નાટકના પહેલું જ દૃશ્ય કંઈક આવું હોય છેઃ કોલકાતાની ઝૂંપડપટ્ટીમાં નેતાજીના શ્રદ્ધાંજલિ કાર્યક્રમની ઉજવણી થઈ રહી હોય છે. રાજકારણીઓ ભાવશૂન્ય રીતે નેતાજીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા હોય છે. રાજકારણીઓ જતા રહે છે પછી ગરીબો પોતાનો કાર્યક્રમ શરૂ કરે છે. તેઓ આસપાસથી નકામી ચીજવસ્તુઓ ભેગી કરીને ભંગારમાં નેતાજીની છબિ બનાવે છે...

આ દૃશ્યની ભજવણીની કલ્પના કરીને જ રોય સ્તબ્ધ થઈ જાય છે અને ગ્રાસને કહે છે કે, આ નાટક કોલકાતામાં ભજવાયું તો આપણને ગોળી મારી દેવામાં આવશે. આ ખૂબ જ વિવાદાસ્પદ છે. જોકે, ગ્રાસ રોયને સાંત્વના આપે છે કે, હું તારી બાજુમાં ઊભો રહીને ગોળી ખાઈશ... ખેર, ભારતમાં આ નાટક માટે મંજૂરી મળવી અશક્ય હોય છે. પરિણામે આજેય આ નાટક અધુરું છે. એ પછીયે ગ્રાસ ગમે તે ભોગે નેતાજી વિશે કંઈક લખવા માગતા હોય છે. છેવટે વર્ષ ૧૯૯૨માં ગ્રાસ 'ધ કૉલ ઓફ ધ ટોડ' નામની નવલકથા લખે છે. આ નવલકથાના એક પાત્રનું નામ સુભાષચંદ્ર ચેટરજી હોય છે, જે પોલેન્ડના દાઝિન્ગ શહેરમાં જઈને બાંગ્લાદેશથી સાયકલ રિક્ષા આયાત કરે છે. આ વાહનની મદદથી તે પ્રદૂષણ મુક્તિનો સંદેશ આપે છે અને વિકસિત દેશના લોકોનું દિલ જીતી લે છે. વર્ષ ૨૦૦૫માં રોબર્ટ ગ્લિન્સ્કીએ આ જ નામથી ફિલ્મ બનાવી હતી, જેમાં ચેટરજીનું પાત્ર ભાસ્કર પટેલ નામના બ્રિટિશ અભિનેતાએ ભજવ્યું હતું. ગ્રાસ વર્ષ ૧૯૮૭માં જર્મની પરત જાય છે અને બે વર્ષ પછી કોલકાતાના લોકો, મકાન, સંસ્કૃતિ અને ગરીબીની વાત કરતું 'શૉ યોર ટંગ' નામનું પુસ્તક લખે છે. આ પુસ્તકનું શીર્ષક ગ્રાસને કાલી પૂજામાં કાલી માતાની જીભ જોઈને સૂઝ્યું હોય છે.

ગુન્ટર ગ્રાસ વર્ષ ૧૯૫૯માં પ્રકાશિત પોતાની પહેલી જ નવલકથા 'ધ ટિન ડ્રમ'થી વિશ્વ સાહિત્ય જગતમાં છવાઈ ગયા હતા. 'ધ ટિન ડ્રમ' દાનઝિગ ટ્રિલોજીની પહેલી નવલકથા છે, જ્યારે બીજી બે નવલકથા 'કેટ એન્ડ માઉસ' અને 'ડોગ યર્સ' છે. ગ્રાસનો જન્મ ૧૬મી ઓક્ટોબર, ૧૯૨૭ના રોજ દાનઝિગમાં જ થયો હતો. આ શહેર અત્યારે પોલેન્ડમાં છે. આ ટ્રિલોજીના કારણે જ ગ્રાસ દ્વિતિય વિશ્વયુદ્ધ પછીના મહાન લેખકોમાં સ્થાન પામ્યા હતા. વર્ષ ૧૯૯૯માં ગુન્ટર ગ્રાસને સાહિત્યિક પ્રદાન માટે નોબલ પુરસ્કાર મળ્યો હતો. નોબલ પુરસ્કાર મળ્યા પછી ઓગસ્ટ ૨૦૦૬માં ગ્રાસે ભવિષ્યમાં આવનારા પુસ્તક 'ધ પીલિંગ ઓનિયન' અંગે ઈન્ટરવ્યૂ આપતી વખતે કબૂલ્યું હતું કે, દ્વિતિય વિશ્વયુદ્ધ વખતે તેઓ 'વેફન એસએસ'ના સભ્ય હતા પણ તેમણે ક્યારેય એક ગોળી સુદ્ધાં છોડી ન હતી. 

આ કબૂલાત પછી જર્મની જ નહીં પણ સમગ્ર યુરોપમાં ભૂકંપ સર્જાય છે કારણ કે, 'વેફેન એસએસ' ગ્રૂપે યહૂદીઓ સહિત ૬૦ લાખ લોકોની સામૂહિક નરસંહાર કરવામાં સક્રિય ભાગ લીધો હતો. આ ગ્રૂપનો વડો એડોલ્ફ હિટલરનો કુખ્યાત ચિફ કમાન્ડર અને નાઝી પક્ષના મુખ્ય સભ્યોમાંનો એક હેનરિક હિમલર હતો. આ કબૂલાત પછી દ્વિતિય વિશ્વયુદ્ધના સત્તાવાર દસ્તાવેજો તપાસતા માલુમ પડે છે કે, વર્ષ ૧૯૪૪માં ગ્રાસ 'વેફન એસએસ'ના સભ્ય હતા. એ વખતે તેમની ઉંમર ૧૭ વર્ષ હતી. વર્ષ ૧૯૪૫માં અમેરિકન લશ્કરે ગ્રાસની યુદ્ધ કેદી તરીકે ધરપકડ કરી હતી અને એપ્રિલ ૧૯૪૬માં તેમને મુક્ત કરાયા હતા. ગ્રાસે આશરે ૬૦ વર્ષ આ વાત છુપાવી રાખી હોવાથી શરૂઆતમાં તેમનો જોરદાર વિરોધ થયો હતો પણ બાદમાં અનેક રાજકીય-સામાજિક હસ્તીઓ તેમજ સામાન્ય લોકો પણ ગ્રાસના સમર્થનમાં બહાર આવ્યા હતા. આ લોકોનું માનવું હતું કે, આટલી ઊંચાઈએ પહોંચીને આવી ભૂલની કબૂલાત કરવી અન્ય લોકો માટે ઉદાહરણીય છે. કદાચ એ ઈતિહાસનું સર્જન કોઈના કાબૂમાં ન હતું.  

કોલકાતાની સુંદરતા, સુભાષચંદ્ર બોઝ અને જર્મનીના નાઝી યુગમાં થયેલો સામૂહિક નરસંહાર- આ ત્રણેય ઘટના ગુન્ટર ગ્રાસ સાથે સંકળાયેલી છે. આ ત્રણેય ઘટનાનું પ્રતિબિંબ સીધી કે આડકતરી રીતે ગ્રાસના સાહિત્યમાં પડે છે. ગ્રાસ વર્ષ ૧૯૭૫માં પહેલીવાર કોલકાતા આવ્યા ત્યારે કોલકાતાની ગંદકી જોઈને વ્યથિત થયા હતા. આજે ચાર દાયકા પછીયે મમતા બેનરજીએ કોલકાતાને સુંદર બનાવવાનું વચન આપીને મત ઉઘરાવવા પડે છે,  જે આપણી કમનસીબી છે. ગુન્ટર ગ્રાસ એકમાત્ર નોબલ પુરસ્કૃત વિદેશી સાહિત્યકાર છે, જેમના સાહિત્ય અને વિચારો પર ભારત કે ભારતના એક શહેરની 'ગંદકી'ની આટલી પ્રચંડ અસર થઈ હતી. 

શું આપણા માટે આ ગૌરવની વાત છે? સવાલ અઘરો છે.

21 April, 2015

ભારતમાં 'ફ્યુરિયસ 7'ની મેગા સક્સેસનું રહસ્ય


દુનિયાભરને કાર રેસિંગનું ઘેલું લગાડનારી 'ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ' સિરીઝની સાતમી ફિલ્મ 'ફ્યુરિયસ 7' ભારતમાં બીજી એપ્રિલે રિલીઝ થઈ હતી. આ ફિલ્મે અત્યાર સુધી ભારતીયોના ખિસ્સામાંથી રૂ. ૧૦૦ કરોડથી પણ વધુ રકમ ખંખેરી લીધી છે અને હજુ તેની કમાણી ચાલુ છે. આગામી દિવસોમાં 'ફ્યુરિયસ 7ભારતમાં સૌથી વધારે કમાણી કરનારી હોલિવૂડ ફિલ્મ બને એવી પૂરેપૂરી શક્યતા છે. હાલ આ રેકોર્ડ 'અવતાર'ના નામે છે, જેણે ભારતમાંથી રૂ. ૧૪૫ કરોડથી પણ વધારે કમાણી કરી હતી. 'ફ્યુરિયસ 7'એ ઓપનિંગ વિકએન્ડ્સમાં જ (રિલીઝ ડેટથી રવિવાર સુધી) રૂ. ૫૦ કરોડ કમાઈ લીધા હતા. આ પહેલાં ઓપનિંગ વિકએન્ડ્સમાં રૂ. ૩૦.૫ કરોડ સાથે સૌથી વધારે કમાણી કરવાનો રેકોર્ડ વર્ષ ૨૦૧૪માં આવેલી 'અમેઝિંગ સ્પાઈડરમેન-૨'ના નામે હતો. 'ફ્યુરિયસ 7'ના એક જ દિવસ પછી ત્રીજી એપ્રિલે રિલીઝ થયેલી દિબાકર બેનરજીની બહુચર્ચિત 'ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી' ઓપનિંગ વિકએન્ડ્સ (શુક્રથી રવિવાર)માં માંડ રૂ. ૧૪ કરોડની કમાણી કરી  શકી હતી.

  પોલ વોકર અને વિન ડીઝલ

એક અંદાજ પ્રમાણે, છેલ્લાં ૧૮ મહિનામાં હિન્દી ફિલ્મોનું બોક્સ ઓફિસ કલેક્શન સતત ઘટી રહ્યું છે અને આગામી વર્ષોમાં આ આંકડો હજુ વધારે ઘટે એવી શક્યતા છે. 'ફ્યુરિયસ 7'ની સફળતાથી ફિલ્મ ટ્રેડ પંડિતોની આંખો પણ પહોળી થઈ ગઈ છે. આ ફિલ્મના સફળતાને કારણે 'ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી'ના વિતરક યશરાજ ફિલ્મ્સની કમાણી રીતસરની ધોવાઈ ગઈ છે. 'ફ્યુરિયસ 7' '' સર્ટિફિકેટ અપાયું છે, એટલે કે ૧૮ વર્ષથી નીચેની વ્યક્તિ થિયેટરમાં જઈને આ ફિલ્મ જોઈ ના શકે. આમ છતાં, આ ફિલ્મે આટલી જંગી કમાણી કરી છે, જે હિન્દી ફિલ્મો માટે ખરેખર ચિંતાનો વિષય છે. હિન્દી ફિલ્મોમાં દેશના વિવિધ પ્રદેશોની સંસ્કૃતિ, રહેણીકરણી, ખાન-પાન અને સંગીતનું સ્થાન વિદેશી ફિલ્મો ના લઈ શકે એ વાત ખરી પણ હોલિવૂડની ફિલ્મો હિન્દી ફિલ્મોની કમાણીમાં બહુ મોટો ભાગ પડાવી રહી છે અને આ આંકડો સ્થિર રીતે વધી રહ્યો છે, એ હકીકત છે. 'ફ્યુરિયસ 7'ના સ્ટાર પોલ વોકરના મૃત્યુને કારણે આ ફિલ્મને ભારતમાં મેગા સક્સેસ મળે એ શક્ય જ નથી.

દેશના ૨,૬૦૦ સ્ક્રીનમાં રિલીઝ

'ફ્યુરિયસ 7'ને એકસાથે ભારતના ૨,૬૦૦ સ્ક્રીનમાં રિલીઝ કરાઈ હતી અને તેની સફળતાનું સૌથી મોટું કારણ આ જ છે. ભારતમાં હિન્દી ફિલ્મોનું પ્રમોશન કરવું સ્વાભાવિક રીતે જ સરળ હોય. હિન્દી ફિલ્મોને ટેલિવિઝન, થિયેટર અને ઈન્ટરનેટ જેવા માધ્યમોની સાથે વિવિધ ચેનલો પર પ્રાઈમ ટાઈમમાં પ્રસારિત થતાં નાના-મોટા કાર્યક્રમોમાં પ્રમોટ કરી શકાય છે. છેલ્લાં કેટલાક વર્ષોથી બોલિવૂડ સ્ટાર્સ પણ ફિલ્મ રિલીઝ પહેલાં મહત્ત્વના સેન્ટરોની મુલાકાત લઈને પોતાની ફિલ્મનું માર્કેટિંગ કરે છે. ઓપનિંગ વિકએન્ડ્સમાં જ ફિલ્મ પાછળ ખર્ચેલા નાણા પાછા મળી જાય એ માટે આવી વ્યૂહરચના ઘડાતી હોય છે. મેઇનસ્ટ્રીમ મીડિયામાં ઓછા અને મધ્યમ કદના બજેટની ફિલ્મોનું માર્કેટિંગ રિલીઝ ડેટના સાતથી આઠ અઠવાડિયા પહેલાં કરાતું હોય છે. આ માટે સંગીત કંપનીઓનું દબાણ જવાબદાર હોય છે કારણ કે, ભારતમાં ફક્ત સંગીતના કારણે ફિલ્મ સારો બિઝનેસ કરી શકે છે અને મ્યુઝિક કંપનીઓને પણ તગડો નફો થઈ જાય છે.

જોકે, હોલિવૂડની ફિલ્મ માટે આવુ કંઈ શક્ય નહીં હોવાથી તેમણે ફક્ત થિયેટર, ટેલિવિઝન અને ઈન્ટરનેટ માર્કેટિંગ પર જ આધાર રાખવો પડે છે. આ સિવાય હોલિવૂડની ફિલ્મ બહુ બહુ તો થિયેટર રિલીઝની વ્યૂહરચના ઘડી શકે છે. આ કારણથી જ 'ફ્યુરિયસ 7'ને બોલિવૂડ બ્લોકબસ્ટર્સની જેમ વધુને વધુ સ્ક્રીનમાં રિલીઝ કરવાનું નક્કી કરાયું હતું. 'ફ્યુરિયસ 7' 'બી' અને 'સી' ગ્રેડના સેન્ટરો એટલે કે નાના શહેરો અને નગરોમાં રિલીઝ થનારી પહેલી હોલિવૂડ ફિલ્મ છે. વિદેશી ફિલ્મોનું ભારતમાં વિતરણ કરતા સ્ટુડિયો સારી રીતે જાણે છે કે, નાના શહેરો અને નગરોમાં હોલિવૂડ એક્શન ફિલ્મોનું જબરદસ્ત આકર્ષણ હોય છે કારણ કે, આ પ્રકારના સેન્ટરોમાં ઈન્ટરનેટ પરથી ગેરકાયદે ડાઉનલોડિંગનું પ્રમાણ સૌથી વધુ હોય છે. પાઇરેસી ટ્રેકિંગ સાઇટ 'એક્સિપિયો'ના મતે, બીજી એપ્રિલથી છઠ્ઠી એપ્રિલ વચ્ચે 'ફ્યુરિયસ 7' ભારતમાં ૫,૭૮,૦૦૦ વાર ગેરકાયદે ડાઉનલોડ થઈ છે. ત્યાર પછી પાકિસ્તાન (૩,૨૧,૦૦૦), ચીન (૨,૮૯,૦૦૦), અમેરિકા (૨,૫૧,૦૦૦) અને યુ.કે. (૧,૦૧,૦૦૦)નો નંબર આવે છે. આ દુષણ પર કાબૂ મેળવવો અશક્ય હોવાથી હોલિવૂડ સ્ટુડિયો પાસે વધુમાં વધુ સ્ક્રીનમાં ફિલ્મ રિલીઝ સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.

સ્ક્રીનની ગુણવત્તા ના જાળવી

હોલિવૂડની ફિલ્મોનું વિતરણ કરતા સ્ટુડિયો પોતાની ફિલ્મ રિલીઝ માટે સ્ક્રીનની ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન નથી કરતા. 'ફ્યુરિયસ 7'ના વિતરક યુનિવર્સિલ પિક્ચર્સ સ્ટુડિયોએ આ નિયમ પણ તોડયો છે. 'ફ્યુરિયસ 7'ને  પહેલાં જ દિવસે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા યુનિવર્સલ સ્ટુડિયોએ 2Xથી નીચી ગુણવત્તા ધરાવતા સ્ક્રીનમાં ફિલ્મ રિલીઝને મંજૂરી આપી હતી. 2X સ્ક્રીનનું રિઝોલ્યુશન સામાન્ય રીતે ૨૦૪૮ X ૧૫૩૬ પિક્સેલ હોય છે. આ પ્રકારના થિયેટરોમાં પાઇરેસી સામે કોઈ સુરક્ષા અપાતી નથી. જોકે, આ પ્રકારના થિયેટરોમાં ફિલ્મ રિલીઝ કરી દેવાતા આડકતરી રીતે પાઇરેસી પર પણ કાબૂ મેળવી શકાયો છે.

હોલિવૂડ સ્ટુડિયો ભારતમાંથી મહત્તમ કમાણી કરવા બીજી પણ એક મહત્ત્વની બાબત ધ્યાનમાં રાખે છે. છેલ્લાં કેટલાક વર્ષોથી હોલિવૂડની અનેક ફિલ્મોની રિલીઝ ડેટ ભારત સહિતના દેશોમાં યુએસએ કરતા વહેલી રખાય છે. 'ફ્યુરિયસ 7' ભારતમાં બીજી એપ્રિલ અને યુએસએમાં ત્રીજી એપ્રિલે રિલીઝ કરાઈ હતી કારણ કે, હોલિવૂડની ફિલ્મોનું મુખ્ય બજાર યુએસએ હોવાથી પાઇરેસીનું સૌથી વધારે જોખમ પણ ત્યાં જ હોય છે. જો બીજા દેશોમાં યુએસએ કરતા વહેલી ફિલ્મ રિલીઝ કરાય તો પાઇરેટેડ કોપી ઓછામાં ઓછા લોકો સુધી પહોંચે અને બોક્સ ઓફિસ કલેક્શન વધી જાય. 'એડવેન્ચર ઓફ ટિનટિનઃ ધ સિક્રેટ ઓફ ધ યુનિકોર્ન', 'ટ્રાન્સફોર્મર્સઃ ડાર્ક ઓફ ધ મૂન', 'મિશન ઈમ્પોસિબલ- ઘોસ્ટ પ્રોટોકોલ' અને 'ક્વોન્ટમ ઓફ સોલાસ' જેવી અનેક ફિલ્મો ભારતમાં યુએસએ કરતા પહેલાં રિલીઝ કરવાનું કારણ આ જ હતું.

આ ઉપરાંત હોલિવૂડ સ્ટુડિયોએ મલ્ટીપ્લેક્સના રેસ્ટોરન્ટ, પાર્કિંગ અને અન્ય  બિઝનેસને ધ્યાનમાં રાખીને જાહેર રજાઓ, પરીક્ષાની તારીખો અને અન્ય હિન્દી ફિલ્મોની રિલીઝને ધ્યાનમાં રાખીને રિલીઝ ડેટ નક્કી કરવાની હોય છે. હોલિવૂડની ફિલ્મ પહેલાં અમેરિકામાં જ રિલીઝ થાય એવો આગ્રહ નફો ઘટાડી શકે છે.

'ફ્યુરિયસ 7' ગેમ ચેન્જર બનશે?

ભારતની મેગા બજેટ હિન્દી અને દક્ષિણ ભારતીય ફિલ્મોની કમાણીમાં હોલિવૂડની ફિલ્મો કદાચ ભાગ નથી પડાવી શકતી પણ નાના બજેટની ફિલ્મો માટે તે ચોક્કસ મુશ્કેલી ઊભી કરે છે. સલમાન ખાનની 'કિક' કે આમિર ખાનની 'પીકે' જેવી ફિલ્મોના માર્કેટિંગ પાછળ ધરખમ ખર્ચ કરાયો હોય છે. આવી મેગા બજેટ ફિલ્મોની રિલીઝ ડેટ અને સ્ક્રિનિંગની વ્યૂહ રચના તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ઘડાઈ હોય છે. જોકે, 'ફ્યુરિયસ 7'ને નાના શહેરો અને નગરોમાં રિલીઝ કરવાનું હોવાથી તેનું હિન્દી, તમિલ અને તેલુગુમાં પણ ડબિંગ કરીને રિલીઝ કરાયું હતું. આ કારણથી પણ 'ફ્યુરિયસ 7' ભારતમાં તગડી કમાણી કરી શક્યું છે. વિદેશી ફિલ્મોનું વિતરણ કરતા સ્ટુડિયો આગામી ફિલ્મોની રિલીઝ માટે 'ફ્યુરિયસ 7'ની સક્સેસ સ્ટોરીમાંથી પ્રેરણા લેશે તો આ ફિલ્મ 'ગેમ ચેન્જર' બની રહેશે.

ભારતની હિન્દી અને પ્રાદેશિક ફિલ્મોનું બજાર અનેક વિશિષ્ટતા ધરાવતું હોવાથી ભવિષ્યમાં હોલિવૂડની તેના પર શું અસર થશે એનું અનુમાન કરવું અઘરું છે. આજે પણ દક્ષિણ ભારતના શહેર કે ગામડાની ફિલ્મના શોખીનો હોલિવૂડ કરતા પ્રાદેશિક ફિલ્મની મેગા બજેટ ફિલ્મ માટે પૈસા ખર્ચવાનું વધુ પસંદ કરે છે. અત્યારે ભારતમાં હોલિવૂડની ફિલ્મોનો માર્કેટ શેર માંડ દસેક ટકા છે પણ તે સ્થિર ગતિએ વધી રહ્યો છે, જ્યારે થિયેટરોમાં હોલિવૂડ ૧૨ ટકા ઝડપે ઘૂસણખોરી કરી રહ્યું છે. છેલ્લાં બે દાયકામાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ કોર્પોરેટ સ્ટાઈલમાં બિઝનેસ કરી રહી હોવાથી દરેક સ્તરે ટેલેન્ટેડ લોકોને તક અપાઈ રહી છે. 

આમ છતાં, હિન્દી ફિલ્મો આજે પણ 'સ્ટાર ડિપેન્ડન્ટ' છે. ફક્ત વિદેશોમાં શુટિંગ કરવાથી આપણે મોડર્ન નથી થવાતું. બોલિવૂડનું નામ પણ હોલિવૂડથી પ્રેરિત છે, આપણી ફિલ્મોની આખેઆખી વાર્તાઓ, દૃશ્યો અને ફિલ્મોના પોસ્ટરો પણ હોલિવૂડમાંથી પ્રેરિત હોય છે. હવે બોલિવૂડે આ નકલખોરી છોડીને હોલિવૂડમાં એક ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરીકે તમામ સ્તરે કેવી રીતે કામ થાય છે એમાંથી પ્રેરણા લેવી જોઈએ.

આ ફિલ્મો આપણે અમેરિકનો કરતા પહેલાં જોઈશું

એવેન્જર્સ સિરીઝની 'ધ એવેન્જર્સઃ  એજ ઓફ અલ્ટ્રોન' ભારતમાં અમેરિકા કરતા એક અઠવાડિયું વહેલા ૨૪મી એપ્રિલે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના વિતરણના હક્કો ડિઝની સ્ટુડિયો પાસે છે. ડિઝનીએ વર્ષ ૨૦૧૨માં એવેન્જર્સ સિરીઝની પહેલી ફિલ્મ 'ધ એવેન્જર્સ'ને પાઈરેસથી બચાવવા આ જ વ્યૂહરચના અપનાવી હતી. જોકે, 'ધ એવેન્જર્સઃ  એજ ઓફ અલ્ટ્રોન' તો વહેલા અને  'ધ એવેન્જર્સ' કરતા બમણા સ્ક્રીનમાં રિલીઝ થવાની છે. આ વર્ષે ડિઝની સ્ટુડિયો જુલાઈમાં 'એન્ટ મેન' અને ડિસેમ્બરમાં 'સ્ટાર વોર્સઃ ધ ફોર્સ અવેકન્સ' રિલીઝ કરી રહ્યું છે, યુનિવર્સલ પિક્ચર્સ જૂનમાં મેગા બજેટ ફિલ્મ 'જુરાસિક વર્લ્ડ' લઈને આવી રહ્યું છે, જ્યારે પેરામાઉન્ટ પિક્ચર્સ સ્ટુડિયો જુલાઈમાં મિશન 'ટર્મિનેટર જિનેસિસ' અને 'ઈમ્પોસિબલ-૫' એમ બે મેગા બજેટ ફિલ્મો રિલીઝ કરવાનું છે. આ ફિલ્મો પણ 'ફ્યુરિયસ 7'ની જેમ એકસાથે વધુમાં વધુ સ્ક્રીન પર રિલીઝ થવાની છે. કારણ કે, ભારતમાં પણ એવેન્જર્સ, સ્ટાર વોર્સ, જુરાસિક પાર્ક, ટોમ ક્રૂઝ અને આર્નોલ્ડ શ્વાર્ઝનેગરનો બહુ મોટો ચાહક વર્ગ છે. હોલિવૂડ સ્ટુડિયોઝ ક્યારેય એવું નહીં ઈચ્છે કે, તેમની મેગા બજેટ ફિલ્મો ભારતીયો મફતમાં ડાઉનલોડ કરીને જોઈ લે.