06 April, 2014

જી-મેઈલ, જેને લોકો એપ્રિલફૂલ સમજ્યા હતા


વેબની દુનિયાની કોઈ એક ઐતિહાસિક તારીખ પસંદ કરવાનું કહેવામાં આવે તો તમે કોઈ પણ ખચકાટ વિના પહેલી એપ્રિલ, 2004નો દિવસ પસંદ કરી શકો છો. આ દિવસે કોમ્યુનિકેશનની દુનિયામાં ક્રાંતિકારી ગણાતી જી-મેઈલનો જન્મ થયો હતો. જી-મેઈલ લૉન્ચ થયાના પાંચ દાયકા પહેલાં જ ઈ-મેઈલ (ઈલેક્ટ્રોનિક મેઈલ)નો ધીમો પણ મક્કમ વિકાસ શરૂ થઈ ગયો હતો પણ વર્ષ 1993ની આસપાસથી આ શબ્દનો ઉપયોગ વધ્યો. કારણ કે, એ વખતે ફેક્સ માટે પણ ક્યારેક ઈલેક્ટ્રોનિક મેઈલ શબ્દ વપરાતો. છેવટે વર્ષ 1996માં શબ્બીર ભાટિયા અને જેક સ્મિથે હોટમેઈલ નામે વિશ્વની પહેલી વેબ આધારિત ઈ-મેઈલ સર્વિસ આપવાની શરૂઆત કરી અને આ ટેક્નોલોજી દુનિયાભરમાં છવાઈ ગઈ. હોટ મેઈલ લૉન્ચ થયાના આઠેક વર્ષ પછી ‘સર્ચ’ની દુનિયામાં કાઠું કાઢી ચૂકેલા ગૂગલે એક ગીગાબાઈટ (જીબી) સ્ટોરેજ ક્ષમતા ધરાવતી ઈ-મેઈલ સર્વિસ આપવાનું શરૂ કર્યું ત્યારે અનેક લોકો તેને એપ્રિલફૂલ સમજી બેઠા હતા. કારણ કે, તે દિવસ હતો પહેલી એપ્રિલ, 2004. એ દિવસથી ઈ-મેઈલ શબ્દ એક્સક્લુસિવ રીતે વેબ આધારિત ઈ-મેઈલ માટે વપરાતો થઈ ગયો છે.

31મી માર્ચ, 2004ના રોજ ગૂગલે કરેલી જી-મેઈલની જાહેરાત

ગૂગલે એક દાયકા પહેલાં એક જીબી સ્ટોરેજ ક્ષમતા ધરાવતી ઈ-મેઈલ સર્વિસ આપવાની જાહેરાત કરી ત્યારે પત્રકારો માટે તેને એપ્રિલફૂલ સમજવું સ્વાભાવિક હતું કારણ કે, એ વખતે માઈક્રોસોફ્ટ પણ હોટમેઈલમાં (વર્ષ 1997માં માઈક્રોસોફ્ટે હોટમેઈલ ખરીદી લીધું હતું) માંડ ચારેક એમબીની સ્ટોરેજ સુવિધા આપતું હતું. ગૂગલે તેના યુઝર્સ સમક્ષ જી-મેઈલ રજૂ કર્યું એ પહેલાં તેને તૈયાર કરવામાં ત્રણ વર્ષનો સમય લીધો હતો. એ વખતે ગૂગલે જી-મેઈલની ડિઝાઈન તૈયાર કરતા પહેલાં ટેકનિકલથી લઈને ફિલોસોફિકલ એમ તમામ પાસાંનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો. કારણ કે, કોમ્યુનિકેશનની દુનિયામાં એક નવા જ યુગની શરૂઆત થઈ રહી હોવાથી લોકો તેને પસંદ કરશે કે નહીં એની કલ્પના કરવી પણ એ વખતે અઘરી હતી. ગૂગલના એન્જિનિયરો જી-મેઈલમાં સુધારાવધારા કરી રહ્યા હતા ત્યારે તેઓ જી-મેઈલને ‘ગૂગલેટ્સ’ (ગૂગલ+લેટર્સ) નામે ઓળખતા હતા.

ગૂગલે વર્ષ 1998માં સર્ચ એન્જિનની સુવિધા આપવાનું શરૂ કર્યું એ પછી સર્ચ અને ઈ-મેઈલ સર્વિસની સાથે મેપ્સ, ન્યૂઝ, વીડિયો, બુક્સ, ટ્રાન્સલેશન, ટ્રાન્સલિટરેશન, પ્લે, ડ્રાઈવ, કેલેન્ડર અને બ્લોગર જેવી ઈનોવેટિવ સેવા ઉમેરીને માઈક્રોસોફ્ટ અને યાહૂ જેવા હરીફોને જોજનો દૂર છોડી દીધા છે. પહેલી એપ્રિલે જી-મેઈલની દસમી જન્મજયંતિ ઊજવાઈ એ નિમિત્તે આપણે અહીં તેનો ઉદ્ભવ કેવી રીતે થયો એ વિશેની રસપ્રદ વાત કરીશું.

એક આઈડિયા, જેણે બદલી નાંખી દુનિયા

ગૂગલની વેબ આધારિત ઈ-મેઈલ સેવા હોવી જોઈએ એ આઈડિયા રાજેન શેઠ નામના એન્જિનિયરનો હતો, જે ગૂગલમાં ગૂગલ એન્ટરપ્રાઈઝના પ્રોડક્ટ મેનેજર તરીકે કામ કરતા હતા. ગૂગલના તત્કાલીન સીઈઓ એરિડ સ્મિડ્ટે શરૂઆતમાં ઈ-મેઈલ સેવાનો આઈડિયા ફગાવી દીધો હતો કારણ કે, તેમનું માનવું હતું કે ગૂગલે ફક્ત વેબ સર્ચ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ઈ-મેઈલ ટેક્નોલોજી ઈન્ટરઓફિસ સ્તરે સિત્તેરના દાયકામાં જ શોધાઈ ગઈ હતી, પણ તેનો વેબ આધારિત વિકાસ થવાની હજુ શરૂઆત હતી. (વર્ષ 1978માં શિવા અય્યાદુરાઈ નામના મૂળ ભારતીય એન્જિનિયરે ઈન્ટરઓફિસ મેઈલ સિસ્ટમ વિકસાવી હતી, જેને તેણે EMAIL નામ આપ્યું હતું અને આ શબ્દના કોપીરાઈટ પણ મેળવ્યા હતા.) છેવટે સ્મિડ્ટે રાજેન શેઠનું વેબ આધારિત ઈ-મેઈલ સર્વિસ શરૂ કરવાનું સૂચન સ્વીકાર્યું. રાજેન શેઠે પણ ગૂગલના સ્થાપકો સર્ગેઈ બ્રિન અને લેરી પેજની જેમ સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. આજે તેઓ ‘ફાધર ઓફ ગૂગલ એપ્સ’ તરીકે ઓળખાય છે. ગૂગલ ક્રોમ અને તેની ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવવાનો શ્રેય પણ તેમને જાય છે.

રાજેન શેઠ

પોલ બુચેટ

આખરે વર્ષ 2001માં ગૂગલની મેઈલ સર્વિસ શરૂ કરવાનું કામ પોલ બુચેટ નામના એક યુવાન એન્જિનિયરને સોંપાયું. આ એન્જિનિયરે કામ શરૂ કર્યું ત્યારે તે જાણતો ન હતો કે, જી-મેઈલના સર્જક તરીકે તેનું નામ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ જવાનું છે. રસપ્રદ વાત તો એ છે કે, વર્ષ 1999માં પોલે ગૂગલના 23મા કર્મચારી તરીકે નોકરી શરૂ કરી એ પહેલાં ગૂગલે ઈ-મેઈલ સેવા શરૂ કરવાના અનેક નિષ્ફળ પ્રયાસ કર્યા હતા. ખુદ પોલ બુચેટ પણ વર્ષ 1996માં ઈ-મેઈલ પ્રોગ્રામ બનાવી ચૂક્યો હતો. પોલ પણ વેબ આધારિત ઈ-મેઈલ ટેક્નોલોજી વિકસાવવા માગતો હતો પણ બે-ત્રણ અઠવાડિયા કામ કર્યા પછી તેણે આ પ્રોજેક્ટ પડતો મૂક્યો હતો. પોલે સૌથી મહત્ત્વનું કામ પોતાના પર્સનલ ઈ-મેઈલ માટે સર્ચ એન્જિન વિકસાવવાનું કર્યું અને એ માટે તેણે માત્ર એક દિવસ લીધો હતો. આ ટેક્નોલોજીની મદદથી જ ઈ-મેઈલ યુઝર્સ ભવિષ્યમાં હજારો મેઈલમાંથી પોતાને જોઈતા મેઈલ સર્ચ કરી શકવાના હતા. આ સર્ચ ફિચરના કારણે જ ગૂગલે ઈ-મેઈલ યુઝર્સને એક જીબી સ્ટોરેજ ક્ષમતા આપવાનો નિર્ણય લેવો પડ્યો હતો.

ગૂગલ મેઈલ પ્રોજેક્ટ પર પોલ બુચેટે એકાદ મહિનો કામ કર્યા પછી તેની સાથે સંજીવસિંઘ નામના બીજા એક એન્જિનિયર જોડાયા હતા. આ બંને એન્જિનિયરોએ વર્ષ 2006માં ગૂગલને અલવિદા કહીને ‘ફ્રેન્ડફિડ’ નામની સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ શરૂ કરી હતી, જેને વર્ષ 2009માં ફેસબુકે ખરીદી લીધી હતી. છેવટે વર્ષ 2004માં જી-મેઈલ લૉન્ચ થયું અને ત્યારે ઈ-મેઈલ સર્વિસ માટે ગૂગલમાં બારેક એન્જિનિયરો કામ કરતા હતા.

જી-મેઈલના ‘અવતાર’ માટે ભેજામારી

જી-મેઈલ શરૂ થયાના એક વર્ષ પહેલાં સુધી તેનો દેખાવ યુઝર્સને આકર્ષે એવો ન હતો. ગૂગલના એન્જિનિયરોનું માનવું હતું કે, જી-મેઈલમાં ગૂગલની છાપ દેખાવી જોઈએ. પણ કેવી રીતે? આ પ્રશ્નનો જવાબ કોઈ પાસે ન હતો. આખરે જી-મેઈલ લૉન્ચ થયાના એક વર્ષ પહેલાં વર્ષ 2003માં જી-મેઈલનો લૂક સ્માર્ટ બનાવવા કેવિન ફોક્સ નામના એક એન્જિનિયરની નિમણૂક કરાઈ. (તેઓ પણ નોકરી છોડ્યા પછી પોલ બુચેટ અને સંજીવસિંઘ સાથે ફ્રેન્ડફિડમાં જોડાઈ ગયા હતા.) એ વખતે ગૂગલ સર્ચ સિવાય બીજો કોઈ સેવા આપતું નહીં હોવાથી જી-મેઈલના દેખાવમાં ‘ગૂગલ’ની છાપ અંકિત કરવી અઘરી નહીં પણ અશક્ય હતી. છેવટે ફોક્સે વર્ષ 2002માં લૉન્ચ થયેલી ગૂગલ ન્યૂઝ સેવામાંથી પ્રેરણા લઈને તેને જી-મેઈલમાં ઉમેરવાનું નક્કી કર્યું, પણ ગૂગલ સર્ચ અને ગૂગલ ન્યૂઝ એ બંને વેબસાઈટ હતી, જ્યારે જી-મેઈલ વેબ એપ તરીકે લૉન્ચ કરવાનું હતું. ફોક્સે સર્ચ અને ન્યૂઝની ભેળસેળ કરીને જી-મેઈલ ડિઝાઈન કરવાનો સહેલો રસ્તો છોડીને કંઈક નવું કરવાનો પ્રયાસ કર્યો. થોડા ઘણાં સુધારાવધારા પછી ફોક્સની ડિઝાઈન તમામને પસંદ પડી અને એ ડિઝાઈન એટલી મજબૂત હતી કે, આજે પણ જી-મેઈલની મૂળ ડિઝાઈન સાથે છેડછાડ કર્યા વિના જ તેમાં ફેરફારો કરાય છે.

સંજીવ સિંઘ

વળી, ગૂગલ યાહૂ કે હોટ મેઈલ કરતા ઝડપી સેવા આપવા માગતું હતું. નેવુંના દાયકામાં યાહૂ જેવા પોર્ટલમાં કોઈ પણ નવી સર્વિસ પર ક્લિક કરતી વખતે આખું પેજ રિ-લોડ થતું કારણ કે, તે એચટીએમએલમાં ડિઝાઈન થયું હતું. તેથી પોલ બુચેટે જી-મેઈલનું ડિઝાઈનિંગ કરવા જાવા સ્ક્રીપ્ટ કોડનો પણ ઉપયોગ કર્યો હતો. જોકે, જાવા સ્ક્રીપ્ટમાં બનેલા જી-મેઈલનો ઉપયોગ કરાય તો વેબ બ્રાઉઝર ક્રેશ થવાનો ભય રહેતો અને આ કારણથી પોલ બુચેટનો આ આઈડિયા કેટલાકને અયોગ્ય લાગ્યો હતો. જો આવું થાય તો જી-મેઈલનો કોઈ ઉપયોગ જ નહીં કરે એવી પણ શંકા સેવાઈ હતી. ખેર, જાવા સ્ક્રીપ્ટના કારણે જી-મેઈલની ડિઝાઈન સોફિસ્ટિકેટેડ બની હતી અને તેનું મુખ્ય ફિચર હતું, સમગ્ર ઈ-મેઈલનું કન્વર્ઝેશન. કોઈ પણ વ્યક્તિ મેઈલ કર્યા પછી આખી ઈ-મેઈલ હિસ્ટરી જોઈ શકતી હતી.

હવે જી-મેઈલનું બિઝનેસ મોડેલ નક્કી કરવાનો સમય થઈ ગયો હતો. આ વખતે પણ પોલ બુચેટનો અભિપ્રાય બીજા એન્જિનિયરો કરતા અલગ હતો. પોલનું માનવું હતું કે, મેઈલ સર્વિસ ફ્રી જ હોવી જોઈએ જેથી વધુને વધુ યુઝર્સ સુધી પહોંચી શકાય. ખર્ચા-પાણી કાઢવા માટે પોલનો આઈડિયા એડવર્ટાઈઝિંગ પર નિર્ભર રહેવાનો હતો. જોકે, ગૂગલ શરૂઆતથી સ્પષ્ટ હતું કે તેઓ જી-મેઈલને એડવર્ટાઈઝિંગથી ભરી નહીં દે. બિઝનેસ મોડેલ બનાવવા માટે પણ ગૂગલે સર્ચનો ઉપયોગ કર્યો. ગૂગલ શરૂઆતથી જ તેની સર્ચ સેવાની મદદથી યુઝર્સના ઈ-મેઈલમાં રહેલા શબ્દો ઓટોમેટિકલી વાંચીને નાનકડી ટેક્સ્ટ બે-ત્રણ એડ્સ આપવાનું નક્કી કર્યું હતું. વળી, એ પણ કોઈ મેઈલ ઓપન કર્યા પછી જ દેખાય છે અને યુઝર્સની આંખને ખૂંચતી પણ નથી.

રસપ્રદ વાત તો એ છે કે, ગૂગલે યુઝર્સના મેઈલ ઓટોમેટિકલી વાંચવાનું શરૂ કર્યું એ પહેલાં પણ ઈ-મેઈલ સર્વિસ આપતી કંપનીઓ મેઈલ વાંચતી જ હતી, પણ તેનો ઉપયોગ સ્પામ કે વાયરસ શોધવા પૂરતો મર્યાદિત હતો, જ્યારે ગૂગલે તેનો ઉપયોગ એડવર્ટાઈઝિંગમાં કર્યો. આ એક ક્રાંતિકારી વિચાર હતો. આ આઈડિયાનો અમલ થયો ત્યારથી જ ગૂગલ જાણતું હતું કે, યુઝર્સના મેઈલ ભલે મશીન વાંચતુ હોય તો પણ કેટલાક લોકો ‘પ્રાઈવેસી’નો ગંભીર મુદ્દો ઉઠાવી શકે છે. એટલે જ ગૂગલે ખૂબ વિચાર કરીને આ બિઝનેસ મોડેલનો અમલ કર્યો હતો.

જી-મેઈલ ક્લબના સભ્ય બનવા પડાપડી

ગૂગલે આ પ્રોજેક્ટની શરૂઆત કરી ત્યારે તેને વિશ્વાસ પણ ન હતો કે, એક દિવસ તેમની ઈ-મેઈલ સર્વિસ પણ લૉન્ચ થશે. ખેર, વર્ષ 2004ના પહેલાં શરૂઆતના દિવસો ગૂગલના એન્જિનિયરોએ લૉન્ચિંગ ડેટ નક્કી કરવામાં વીતાવ્યા અને પહેલી એપ્રિલ, 2004નો દિવસ પસંદ કર્યો. આ દિવસ નક્કી થઈ ગયા પછી પણ જી-મેઈલનું લૉન્ચિંગ શક્ય ન હતું કારણ કે, લાખો લોકોને ઈ-મેઈલ સર્વિસ આપવા ગૂગલ પાસે પૂરતી સર્વર ક્ષમતા ન હતી. આ સમસ્યા નિવારવા ગૂગલે 300 જેટલા જૂના પેન્ટિયમ-2 કમ્પ્યુટર ખરીદીને કામ આગળ ચલાવ્યું અને એ વખતના બીટા વર્ઝન માટે એ પૂરતા હતા. જી-મેઈલના લૉન્ચિંગ માટે ગૂગલે હજારેક લોકોને જી-મેઈલ સર્વિસ આપવાનું નક્કી કર્યું હતું અને એ લોકો તેમના મિત્રોને જી-મેઈલનો ઉપયોગ કરવા ‘ઈન્વાઈટ’ કરે- એવો વ્યૂહ અપનાવાયો. જી-મેઈલ લૉન્ચ થયાના થોડા જ દિવસમાં ‘ઈન્વિટેશન’ મળવું એ બહુ મોટી વાત ગણાવા લાગી અને ઈ-બે જેવી વેબસાઈટ પર ‘ઈન્વિટેશન’ પણ 150 ડૉલરમાં વેચાતું. કારણ કે, લોકો જી-મેઈલને એક ક્લબ જેવું સમજતા, જેનું ઈન્વિટેશન અમુક જ લોકોને મળે છે. બાદમાં 14મી ફેબ્રુઆરી, 2007ના રોજ જી-મેઈલની સેવાને ‘ઈન્વિટેશન’માંથી મુક્તિ મળી પણ છેક જુલાઈ, 2009 સુધી જી-મેઈલ બીટા વર્ઝનમાં અકબંધ રહ્યું. આજે જી-મેઈલના 42 કરોડ, 50 લાખ જેટલા સક્રિય યુઝર્સ છે અને હજુ તેના યુઝર્સ વધી રહ્યા છે.

પોલ બુચેટે એકવાર ઈ-મેઈલ વિશે કહ્યું હતું કે, આજે ઈ-મેઈલ જેવી ટેક્નોલોજીના કારણે હળવા-મળવાનું ઘટી ગયું છે. લોકો મેઈલ કરીને અપેક્ષા રાખે છે કે, તમે તેનો તુરંત જવાબ આપો. લોકો વેકેશન લેવાનું ભૂલી ગયા છે અને ઈ-મેઈલના ગુલામ બની ગયા છે. આ ટેકનિકલ નહીં પણ સામાજિક મુશ્કેલી છે, જેનો ઉકેલ કમ્પ્યુટર અલગોરિધમ નહીં આપી શકે.

No comments:

Post a Comment