30 April, 2013

હીટ એક્શન પ્લાનઃ ગરમીમેં ઠંડી કા અહેસાસ


ભારતમાં ફક્ત ઋતુચક્રમાં ફેરફાર થવાના કારણે અનેક લોકોના મૃત્યુ થઈ જાય છે. ગુજરાતી માધ્યમોમાં ઠંડી કે ગરમીના સમાચારો માટે ‘રેકોર્ડબ્રેક’ શબ્દનો લગભગ એકસરખો ઉપયોગ કરવામાં આવે છે. ભારતના મોટા ભાગના રાજ્યોમાં શિયાળામાં ‘કાતિલ’ ઠંડી  અને ઉનાળામાં ‘કાળઝાળ’ ગરમી પડે છે. આ રેકોર્ડબ્રેક વધઘટ વચ્ચે મૃત્યુના આંકડામાં પણ વધારો નોંધાતો રહે છે. શિયાળા દરમિયાન ઉત્તર અને પૂર્વીય ભારતના રાજ્યોમાં મૃત્યુનો આંકડો સતત ઊંચે જાય છે, તો ઉનાળામાં રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણના રાજ્યોમાં મૃત્યુદર વધી જાય છે. ગુજરાતમાં સૌથી વધુ ગરમી માટે ઈડર કુખ્યાત છે, પરંતુ ગરમીથી સૌથી વધુ મૃત્યુ અમદાવાદ જેવા શહેરોમાં થાય છે. જોકે આ વર્ષે અમદાવાદ ‘હીટ વેવ વૉર્નિંગ સિસ્ટમ’ ધરાવતું દક્ષિણ એશિયાનું પહેલું શહેર બની ગયું છે. આ સમાચાર ગરમીમેં ઠંડી કા અહેસાસ જેવા છે. તેથી આશા રાખી શકાય કે, કમસેકમ આ વર્ષે અમદાવાદમાં કેટલાક લોકોને ગરમીના પ્રકોપથી કમોતે મરતા બચાવી શકાશે. 

આ એક્શન પ્લાન હેઠળ હવે ગરમીથી બચવા માટે તંત્રની મદદ મળશે. આ યોજના મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મુખ્ય ત્રણ વ્યૂહ પર ધ્યાન કેન્દ્રિત કરીને મૃત્યુદર ઘટાડવાનો પ્રયાસ કરાશે. જેમાં સૌથી પહેલાં ગરમીથી બચવા માટે લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરાશે. આ માટે મ્યુનિસિપલ તંત્ર વિવિધ ભાષામાં ચોપાનિયાનું વિતરણ અને જાહેરાતોની મદદથી ગરમીથી કેવી રીતે બચવું તેની માહિતી અને સૂચનો આપશે. બીજો વ્યૂહ હીટ વેવની જાણકારી મળતા જ પાણીના વધારાના ટેન્કરો તૈયાર રખાશે તેમજ તાલીમબદ્ધ કર્મચારીઓની મદદથી લોકજાગૃતિ અભિયાન શરૂ કરાશે. આ દરમિયાન મ્યુનિસિપલ તંત્ર સરકારી સંસ્થાઓ, આરોગ્ય અધિકારીઓ, ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમ, સામાજિક જૂથો અને મીડિયાની મદદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત સંપર્કમાં રહેશે અને તેના આધારે ત્રીજા વ્યૂહનો અમલ કરાશે. જેમાં ગરમીનો ભોગ બનેલા લોકોને તાલીમબદ્ધ આરોગ્ય અધિકારીઓની મદદથી તાત્કાલિક સારવાર મળે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.


આ ઉપરાંત મજૂર વર્ગ અને ટ્રાફિક પોલીસ જેવા ગરમીનો સૌથી વધુ ભોગ બનવાની સંભાવના ધરાવતા લોકોને આગોતરી જાણ કરીને ચેતવી દેવામાં આવશે. હોસ્પિટલોમાં ગંભીર દર્દીઓને બીજે ખસેડવા કે એરકંડિશન્ડ રૂમમાં રાખવાની ભલામણ કરાશે. આ યોજનાનો યોગ્ય રીતે અમલ કરવા મ્યુનિસિપલ તંત્ર ઝૂંપડપટ્ટીમાં કામ કરતા આરોગ્ય અધિકારીઓને ખાસ તાલીમ આપશે. કારણ કે, ઠંડીની જેમ ગરમીની પણ સૌથી વધુ ઘાતક અસર ગરીબ વર્ગને જ થાય છે. ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકોની જીવનશૈલી સમજીને તેમને જાગૃત કરવા એક મોટો પડકાર છે. આખો દિવસ રખડી-ભટકીને પૈસા કમાતો મજૂર વર્ગ ગરમીનો સૌથી વધારે ભોગ બને છે. ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા લોકો માટે તનતોડ મજૂરી કર્યા પછી દેશી દારૂ પીને કાળઝાળ ગરમીમાં રસ્તા પર બેભાન થઈને પડી જવું એ કદાચ રોજિંદી ઘટના છે. આ એક સામાજિક મુશ્કેલી છે. ‘એ તો એમના કરમ’ કે ‘આ લોકો તો હોય છે જ આવા’ એવું કહેવું સહેલું છે. આવી મુશ્કેલીઓના મૂળ ઊંડા હોવાથી તેની સામે લડવા સરકારે અને સ્વૈચ્છિક સંસ્થાઓએ મજબૂત યોજનાઓ બનાવવી પડે છે અને મક્કમતાથી કામ કરવું પડે છે. હીટ એક્શન પ્લાનનો અમલ કરવાનું અમદાવાદ મ્યુનિસિપાલિટીનું પગલું એ રીતે આવકાર્ય છે.

કાતિલ ઠંડીથી ફૂટપાથ પર રહેતા લોકોના મૃત્યુ ના થઈ જાય એ માટે અનેક સેવાભાવી જૂથો અને ધાર્મિક સંસ્થાઓ ગરમ કપડાં-ધાબળાં વગેરેનું વિતરણ કરે છે. આવી સેવા થકી અનેક માનવજિંદગીઓ અકાળે મોતથી બચી જતી હશે! પરંતુ ગરમીમાં પાણીની પરબોથી કંઈક વિશેષ કરવા માટે સરકારે કે મોટી સંસ્થાઓએ જ આગળ આવવું પડે એ હકીકત છે. દિવસે ગરમીનો પ્રકોપ હોય છે ત્યારે શ્રીમંતો અને મધ્યમવર્ગીય લોકો એરકંડિશન્ડ ઓફિસ કે ઘરમાં વિતાવે છે. ગરમીના કારણે ગરીબ વર્ગના કે મજૂર વર્ગના લોકોના મૃત્યુ વધારે થાય છે. હૃદયરોગીઓ અને શારીરિક રીતે નબળા લોકો પણ ગરમીનો ભોગ વધુ બને છે. વૃદ્ધો અને બાળકો પર ગરમીની અસર વધુ ઘાતક હોવાનું કારણ તેઓ શારીરિક રીતે નબળા હોય તે છે. અનેક વૃદ્ધો વિપરિત સંજોગોમાં પોતાની જાતને સાચવી શકે એટલા સક્ષમ હોતા નથી. પરિણામે ડીહાઈડ્રેશન કે તણાવના કારણે મોતને ભેટે છે. જ્યારે શાળાએ જતા બાળકો કાળઝાળ ગરમીને પણ ગંભીરતાથી ના લે અને ડીહાઈડ્રેશનનો ભોગ બને એવું બની શકે છે. આ માટે માતાપિતા અને તેમના શિક્ષકોને ગરમીમાં શું તકેદારી રાખવી તેમજ લૂ લાગી જાય તો પ્રાથમિક સારવાર કેવી રીતે કરવી વગેરે તાલીમ આપવી જરૂરી છે. શાળાઓએ બાળકોનો ડ્રેસ કોડ પણ ગરમીને અનુરૂપ રાખવાનો આગ્રહ રાખવાનો સમય આવી ગયો છે.

ખાસ કરીને એપ્રિલના છેલ્લાં દિવસો, મે અને જૂનમાં ગરમીના કારણે થતાં મૃત્યુમાં જોરદાર વધારો નોંધાય છે. આ દરમિયાન ગરમીને લગતી બિમારીઓ જેવી કે લૂ લાગવી, ઝાડા-ઉલટી અને કોલેરા જેવા રોગોના પણ સંખ્યાબંધ કેસો નોંધાય છે. આજે પણ દેશભરમાં ઋતુ બદલાવ વખતે આરોગ્યનું કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ એ બાબતમાં અજ્ઞાનતા પ્રવર્તે છે. અમદાવાદ જેવા શહેરમાં વર્ષોથી રહેતા લોકોને તો થોડી ડિગ્રીમાં થતી વધઘટનો ખ્યાલ ના આવે એવું બની શકે છે, પરંતુ મહત્તમ તાપમાનમાં થોડી ડિગ્રીનો વધારો ઘાતકી સાબિત થઈ શકે છે. વળી, ગરમીની સૌથી વિપરિત અસર શહેરોમાં અને ખાસ કરીને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં જ થાય છે. કારણ કે, ગ્રામ્ય વિસ્તારોમાં ગરમીથી રક્ષણ મળી રહે એવું વાતાવરણ તેમજ આશ્રય સ્થાનો મળી રહે છે. ગરમીમાં આગ લાગવાના બનાવોમાં પણ વધારો થાય છે. આવા બનાવોમાં થતા મૃત્યુ પાછળ પણ આડકતરી રીતે ગરમી જ જવાબદાર છે. અમદાવાદ જેવા ગીચ શહેરમાં તાત્કાલિક ફાયર ફાઈટર મોકલવા પણ અઘરા છે.

જોકે, હીટ એક્શન પ્લાનનો યોગ્ય રીતે અમલ થશે તો જ તેના લાભ મળશે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ- બેંગલુરુ અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી- મુંબઈએ તૈયાર કરેલા ક્લાઈમેટ મોડેલિંગ મુજબ, આ સદીના અંતે દેશના સરેરાશ તાપમાનમાં ચારથી સાત ડિગ્રીનો વધારો થઈ જશે. તેથી આવી મુશ્કેલીઓ સામે લડવા માટે જે તે વિસ્તારની ભૂગોળ, શિક્ષણનું પ્રમાણ, માળખાગત સુવિધાઓ અને સ્થાનિક તંત્રની ક્ષમતાનો પૂરતો અભ્યાસ કરીને એક્શન પ્લાન બનાવવો હિતાવહ છે. આ પ્રકારની યોજનાઓમાં શિક્ષિત વર્ગ, સામાજિક-ધાર્મિક સંસ્થાઓ, સ્કૂલ-કોલેજો અને તબીબ વર્ગ સહભાગી બને તો તેની અસરકારકતા અનેક ગણી વધી જાય છે.

હીટ વેવ એટલે શું?

ભારતીય હવામાન ખાતાના જણાવ્યા મુજબ, મે મહિનામાં અમદાવાદ શહેરનું સરેરાશ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ હોય છે. આ મહત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રીનો વધારો નોંધાય તો તે હીટ વેવ તરીકે ઓળખાય છે. એવી જ રીતે, મહત્તમ તાપમાનમાં સાત ડિગ્રી સુધીનો વધારો થઈ જાય તો તે સિવિયર હીટ વેવ તરીકે ઓળખાય છે. દેશભરમાં આવા હીટ વેવ સામાન્ય છે અને હંમેશાં સંખ્યાબંધ લોકોના મૃત્યુનું કારણ બને છે. ગયા વર્ષે પશ્ચિમ બંગાળમાં આવેલા હીટ વેવના કારણે એક જ અઠવાડિયામાં 100થી પણ વધુ લોકોના મૃત્યુ થયા હતા. આ હીટ વેવના કારણે જ્યાં પણ મૃત્યુ નોંધાયા હતા તે વિસ્તારોનું સરેરાશ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ હતું.

નોંધઃ પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે. 

2 comments:

  1. હીટ એક્શન પ્લાનનો યોગ્ય સમયે અને યોગ્ય જરુરિયાતવાળા માટેજ ઉપયોગ થાયતો અસરકારક સાબિત થશે નહી તો માત્ર એપ્લાન કાગળ પૂરતોજ ઘડાયો ગણાશે.

    ReplyDelete
  2. saro lekh 6e..plan naa amal naa savaalo to ubhaa j rahevaanaa..!

    ReplyDelete