25 October, 2012

શું ‘ડોપિંગ’ની મદદથી કોઈ પણ લાન્સ જેવો મહાન બની શકે?


કોઈ પણ રમતગમતમાં પર્ફોર્મન્સ વધારવા માટે ખેલાડીઓ જે કોઈ દવાઓ લે છે તે સાદી ભાષામાં ડોપિંગ તરીકે ઓળખાય છે. જોકે, કોઈ પણ રમતનું આયોજન કરતા ઓર્ગેનાઈઝેશને કેટલાક નીતિનિયમો નિર્ધારિત કરીને આવી દવાઓ પર પ્રતિબંધ ફરમાવ્યો હોય છે. આ ઉપરાંત દરેક રમતમાં તેના ખેલાડીઓનો ડોપિંગ ટેસ્ટ કરવાની પદ્ધતિ પણ અલગ-અલગ હોય છે. રમતગમતની દુનિયામાં આવી દવાઓ ‘પર્ફોર્મન્સ એન્હાસિંગ ડ્રગ્સ’ તરીકે ખૂબ લોકપ્રિય હોય છે. પરંતુ શું ‘પર્ફોર્મન્સ એન્હાસિંગ ડ્રગ્સ’ લેવાથી કોઈ સામાન્ય માણસ પણ મેદાન પર જોરદાર પર્ફોર્મન્સ કરી શકે? તો, વિજ્ઞાનનો જવાબ છે, ના.

સાયકલિંગની દુનિયામાં જીવંત દંતકથા ગણાતા લાન્સ આર્મસ્ટ્રોંગ પણ હાલ ડોપિંગ ટેસ્ટમાં ફસાયા છે. હજુ ગયા અઠવાડિયે જ એવા અનેક પુરાવા મળ્યા છે જે પરથી સ્પષ્ટ સાબિત થાય છે કે, સાયકલિંગ વખતે પર્ફોર્મન્સ વધારવા માટે લાન્સ આર્મસ્ટ્રોંગ જાતભાતના ડ્રગ્સ લેતા હતા. આર્મસ્ટ્રોંગ પર આ પ્રકારની દવાઓ લેવાના જ નહીં, પરંતુ ‘ડોપિંગ કલ્ચર’ને પ્રોત્સાહન આપવાનો પણ આરોપ મુકાયો છે. આપણે અહીં આવી દવાઓ લેવાના કારણે આર્મસ્ટ્રોંગ મહાન ગણાય કે ન ગણાય એની વાત નથી કરવી. પરંતુ પર્ફોર્મન્સ એન્હાન્સિંગ ડ્રગ્સના વિજ્ઞાનની વાત કરવી છે.

લાન્સ આર્મસ્ટ્રોંગ 

યુનાઈટેડ સ્ટેટ્સ એન્ટી ડોપિંગ એજન્સીએ વર્ષ 2009થી 2012ની વચ્ચે આર્મસ્ટ્રોંગના લોહીના નમૂના લઈને તપાસ શરૂ કરી હતી. જેના આધારે આ એજન્સીએ જૂન 2012માં આર્મસ્ટ્રોંગ પર ડોપિંગ અને ડ્રગ ટ્રાફિકિંગના આરોપ મુક્યા હતા. જોકે, આર્મસ્ટ્રોંગે આ તમામ આરોપોને ફગાવી દીધા છે. બીજી તરફ, એજન્સીએ તેના પર સાયકલિંગ અને ટ્રાઈથ્લોનમાં ભાગ લેવા માટે પ્રતિબંધ ફરમાવ્યો હતો. કારણ કે, એજન્સીનું કહેવું છે કે, પર્ફોર્મન્સ વધારવા તેણે પ્રતિબંધિત દવાઓ, બ્લડ બુસ્ટર ઈપીઓ અને સ્ટીરોઈડનો સહારો લીધો હતો. આ દિશામાં ચાલતી તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને તેમના પર જીવનપર્યંત પ્રતિબંધ મૂકાઈ ગયો છે. 

આખરે, આવી દવાઓ લેવાથી વ્યક્તિ કેવી રીતે વધુ સારું પર્ફોર્મન્સ કરી શકે છે. ઘણાં લોકોને એવો પ્રશ્ન થતો હશે કે, શું તેઓ પણ લાન્સ આર્મસ્ટ્રોંગ લે છે એવા પાવર ડ્રિંક લઈને ટુર દ ફ્રાંસ જીતી શકે? આ પ્રશ્નનો જવાબ સ્વભાવિક રીતે જ ના છે. વિજ્ઞાન કહે છે કે, આવા ડ્રગ્સ લેવાથી વ્યક્તિની માનસિક અને શારીરિક શક્તિના પ્રમાણમાં જ તેનું પર્ફોર્મન્સ સુધરે છે. અહીં કહેવાનો અર્થ એ છે કે, આર્મસ્ટ્રોંગ જે દવાઓ લે છે તે સચિન તેંદુલકરને આપવાથી તે સાયકલ રેસ ન જીતી શકે. એટલે કે, આર્મસ્ટ્રોંગ જેવા બનવા માટે સખત મહેનત કરવી જ પડે, તો કદાચ તેના જેવી સફળતા મળી શકે. 

આર્મસ્ટ્રોંગે પર્ફોર્મન્સ વધારવા કેવી દવાઓ, પદ્ધતિઓ વગેરેનો ઉપયોગ કર્યો હતો તે સમજીએ.

બ્લડ ડોપિંગ

જે રમતમાં જબરદસ્ત શારીરિક અને માનસિક તાકાતની જરૂર પડે છે એ રમતના ખેલાડીઓ મોટે ભાગે આ પદ્ધતિ અપનાવે છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના ફાર્માકોલોજિસ્ટ ડોન કેટલિન કહે છે કે, બ્લડ ટ્રાન્સફ્યૂઝન પ્રક્રિયાથી એથલેટિક પર્ફોર્મન્સ સુધરી શકે છે. બ્લડ ટ્રાન્સફ્યૂઝન બે રીતે કરી શકાય છે. એક  ઓટોલોગસ ટ્રાન્સફ્યૂઝન અને બીજું હોમોલોગસ ટ્રાન્સફ્યૂઝન. ઓટોલોગસ ટ્રાન્સફ્યૂઝનમાં વ્યક્તિના શરીરમાંથી લોહી લેવામાં આવે છે અને રમતમાં ભાગ લેતા પહેલાં સિરિંજ વડે તેના શરીરમાં દાખલ કરવામાં આવે છે. આમ કરવાથી શરીરમાં રક્તકણોનું પ્રમાણ વધી જાય છે અને વ્યક્તિના સ્ટેમિનામાં ઘણો વધારો થાય છે. એક અભ્યાસ પ્રમાણે, આમ કરવાથી સ્ટેમિનામાં 34 ટકા જેટલો વધારો થાય છે. જ્યારે હોમોલોગસમાં અન્ય વ્યક્તિના શરીરમાંથી લોહી લઈને સિરિંજ વડે ખેલાડીના શરીરમાં દાખલ કરવામાં આવે છે. આર્મસ્ટ્રોંગ પર ઓટોલોગસ ટ્રાન્સફ્યૂઝનના આરોપ મુકાયા છે.

આ ઉપરાંત તેમના પર એરિથ્રોપોઈટિન નામના હોર્મોન લેવાનો પણ આરોપ છે. લોહીની ઉણપથી પીડાતા લોકોને આ હોર્મોન આપવામાં આવે છે, અને તે પણ લોહીમાં રક્તકણોનું પ્રમાણ વધારીને ખેલાડીનો સ્ટેમિના વધારવામાં મદદ કરે છે. સામાન્ય રીતે પુરુષોમાં રક્તકણોનું પ્રમાણ 44થી 45 ટકા હોય છે. ડોન કેટલિન કહે છે કે, “કેટલીક દવાઓ રક્તકણોનું પ્રમાણ 50 ટકા પણ વધારી દે છે. તેથી ખેલાડીઓનું લક્ષ્ય એવું હોય છે કે, તેમના લોહીમાં રક્તકણોનું પ્રમાણ 49 ટકાથી વધુ ન થાય. આમ કરીને તેઓ ડોપિંગ ટેસ્ટ સફળતાપૂર્વક પાર પાડી દે છે.”

ટેસ્ટેસ્ટેરોન

ટેસ્ટેસ્ટેરોન એક પ્રકારનો સ્ટીરોઈડ હોર્મોન છે. પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીના સ્પોર્ટ્સ સાયન્સ વિભાગના નિવૃત્ત પ્રોફેસર ચાર્લ્સ યેસલીસ કહે છે કે, ઘણાં વર્ષો સુધી એવું માનવામાં આવતું હતું કે, જો તમે કોઈ પણ પ્રકારની તાલીમ લેતા ના હોવ તો તમારા શરીરમાં ટેસ્ટેસ્ટેરોન કે અન્ય કોઈ સ્ટીરોઈડ ઉત્પન્ન થતા નથી. હા, જે લોકો નિયમિત અથવા થોડીઘણી પણ કસરત કરે છે તેમના શરીરમાં બિલકુલ શારીરિક શ્રમ નહીં કરતા લોકો કરતા આ હોર્મોનનું પ્રમાણ ઘણું વધારે હોય છે. જ્યારે સ્ત્રીઓમાં આ હોર્મોનનું પ્રમાણ પુરુષો કરતા દસથી પંદરમાં ભાગ જેટલું હોય છે. પરંતુ કોઈ રમતની તાલીમ લેતી વખતે સ્ત્રીઓમાં પણ ટેસ્ટેસ્ટેરોનના પ્રમાણમાં અનેકગણો વધારો થાય છે.

પ્રો. યેસેલીસ કહે છે કે, દરેક વ્યક્તિનું શરીર સ્ટીરોઈડની કેવી પ્રતિક્રિયા આપે છે તેના પર પણ તેનો આધાર રહેલો છે. જેમ કે, કેટલાક લોકોમાં થોડી ઘણી તાલીમ દરમિયાન જ આ પ્રમાણ અનેકગણું વધી જાય છે. જ્યારે આટલી જ તાલીમ બીજો ખેલાડી લે તો પણ તેનામાં કોઈ ખાસ ફર્ક નથી દેખાતો. ડોન કેટલિન કહે છે કે, ટેસ્ટેસ્ટેરોન જેવા સ્ટીરોઈડ લેવાથી સાયકલિંગ જેવી રમત રમતા ખેલાડીમાં પાંચથી પંદર ટકા જેટલા વધુ સારા પર્ફોર્મન્સની આશા રાખી શકાય છે.

જોકે, સિરિંજ વડે આ પ્રકારનું સ્ટીરોઈડ લીધા પછી વ્યક્તિનું શરીર કેવી પ્રતિક્રિયા આપે છે તેના પર પણ પર્ફોર્મન્સનો આધાર રહેલો છે. જોકે, વિજ્ઞાન આજે પણ એ જાણતું નથી કે, એક જ સરખા ડોઝની દરેક વ્યક્તિ પર જુદી જુદી અસર કેમ થાય છે. પરંતુ પ્રો. યેસલીસનું કહેવું છે કે, ટેસ્ટેસ્ટેરોનના ડોઝથી દરેક વ્યક્તિના પર્ફોર્મન્સમાં થોડો સુધારો ચોક્કસ થાય છે. આર્મસ્ટ્રોંગ પર આ પદ્ધતિ અપનાવ્યાનો પણ આરોપ છે. કારણ કે, આ દવાની મદદથી 21 દિવસની ટુર દ ફ્રાંસમાં કેટલાક કલાકો જરૂર ઘટાડી શકાય છે.

હ્યુમન ગ્રોથ હોર્મોન (એચજીએચ)

આ હોર્મોન લઈને ખેલાડી ખૂબ લાંબા સમય સુધી ‘મસલ્સ માસ’ એટલે કે, સ્નાયુઓની કુલ ઉર્જામાં વધારો કરી શકે છે. જોકે, તેનાથી દર વખતે તાકાત કે સ્ટેમિનામાં વધારો નથી થતો. પરંતુ એક અભ્યાસ મુજબ, આ હોર્મોન લેવાથી દોડવીરના પર્ફોર્મન્સમાં ચારેક ટકાનો સુધારો નોંધાયો હતો. એટલું જ નહીં, આ દવા ખૂબ ઝડપથી તાલીમ લેવામાં પણ મદદરૂપ થાય છે. પ્રો. યેસલીસ કહે છે કે, આ હોર્મોન પર્ફોર્મન્સમાં કેટલો સુધારો કરે છે તે આંકડા નક્કી કરવા મુશ્કેલ છે. પરંતુ ખેલાડીને જબરદસ્ત તાલીમ આપીને આ હોર્મોનનો લાભ લઈ શકાય છે. આર્મસ્ટ્રોંગ પર આ હોર્મોનનો ઉપયોગ કરવાનો પણ આરોપ છે. જોકે, તેના પરથી એટલું તો સાબિત થાય જ છે કે, તેઓ ટુર દ ફ્રાંસ જેવું ટાઈટલ જીતવા માટે અન્ય તમામ ખેલાડીઓ કરતા અનેકગણી વધુ મહેતન કરતા હશે!

કોર્ટિકોસ્ટેરોઈડ્સ (કોર્ટિસોન

આ પણ એક પ્રકારનો હોર્મોન જ છે, જે ખેલાડીને દુઃખાવામાંથી મુક્તિ આપે છે અને તેનું પર્ફોર્મન્સ સુધારવામાં મદદરૂપ થાય છે. જેમ કે, પ્રેક્ટિસના કારણે લાગેલા થાક કે દુઃખાવાને દૂર કરવા ખેલાડીઓ તેનો ઉપયોગ કરતા હોય છે. આમ કરીને મેચ વખતે તેઓ માનસિક રીતે વધુ ચુસ્ત-દુરસ્ત અનુભવ કરે છે. જોકે, તેનાથી કેટલો ફાયદો થાય છે તેનો જવાબ પણ વિજ્ઞાન પાસે નથી. આર્મસ્ટ્રોંગ જબરદસ્ત પ્રેક્ટિસ પછી આ પ્રકારના હોર્મોન લેતા હોવાના પુરાવા મળ્યા છે.

સલાઈન અને પ્લાઝમા ઈન્ફ્યૂઝન

કોઈ પણ રમતમાં પર્ફોર્મન્સ વધારવા ખેલાડીઓને આ દવા સીધેસીધી નથી અપાતી, પરંતુ પર્ફોર્મનસ એન્હાન્સિંગ ડ્રગ્સના ટેસ્ટ નેગેટિવ આવે તે માટે આ દવાઓ લેવામાં આવે છે. ડોન કેટલિન કહે છે કે, જેમ કે લોહીમાં રક્તકણોનું પ્રમાણ 50 ટકા કરતા વધી જાય અથવા તો સ્પર્ધામાંથી ફેંકાઈ જવાના ડરે ખેલાડીઓ આવી દવા લેતા હોય છે. આમ લોહીમાં ભળી ગયેલી દવાઓને સંતુલિત કરવા માટે ખેલાડીઓ સલાઈન અને પ્લાઝમાના ડોઝ લેતા હોય છે. જોકે, આ દવાથી ખેલાડીના પર્ફોર્મન્સમાં કોઈ સુધારો થતો નથી પરંતુ તેનાથી સાબિત થાય છે કે, ખેલાડીએ કોઈ પ્રતિબંધિત દવાનો ઉપયોગ કર્યો છે.

ઉપસંહાર

એ કહેવું અઘરું છે કે, આ પ્રકારની દવાઓથી ખેલાડીના પર્ફોર્મન્સમાં કેવો સુધારો થાય છે. પ્રો. યેસલીસના સંશોધનો કહે છે કે, આવી દવાઓથી બે ટકા જેટલું પર્ફોર્મન્સ તો સુધરે જ છે. આ ઉપરાંત ખેલાડી કેવી રીતે તાલીમ લઈ રહ્યો છે તેના પર પણ તેનો આધાર રહેલો છે. જ્યાં એક એક સેકન્ડનો સવાલ છે તેવી રેસિંગ ગેમમાં આવી દવાઓ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે.

જોકે, દરેક વ્યક્તિ લાન્સ આર્મસ્ટ્રોંગ જેવી દવાઓ લઈને ટુર દ ફ્રાંસ ન જીતી શકે. આવી કોઈ પણ રમત માટે નાનપણથી જ સખત તાલીમ લેવી અત્યંત જરૂરી છે. યાદ રાખો, તેનો આધાર ખેલાડી પર પણ રહેલો છે. એવી જ રીતે, કોઈ સ્ત્રીને પુરુષ કરતા વધારે ટેસ્ટેસ્ટેરોન આપીને તેનું પર્ફોર્મન્સ વધુ સારું કરી શકાય છે. પરંતુ આ વાત પણ દરેક વખતે સાચી નથી ઠરતી. જોકે, ટેસ્ટેસ્ટેરોનથી મહિલા ખેલાડીને પુરુષ કરતા વધારે ફાયદો થાય છે એ વાત પણ એટલી જ સાચી છે. એક વાત નક્કી છે કે, દવાઓનો લાભ લેવા માટે પણ સખત અને સતત તાલીમ લેવી અનિવાર્ય શરત છે. હા, લાન્સ આર્મસ્ટ્રોંગ જેવી.

23 October, 2012

રાજકીય અખાડામાં કેજરીવાલ ટકી શકશે?


અરવિંદ કેજરીવાલ અને તેમના સાથીઓએ અણ્ણા હજારે સાથે છેડો ફાડ્યા પછી ભ્રષ્ટાચાર વિરુદ્ધનું આંદોલન તેજ બનાવ્યું છે. હજુ થોડા દિવસ પહેલાં કેજરીવાલ એક કર્મશીલ એટલે કે, એક્ટિવિસ્ટ તરીકે ઓળખાતા હતા. પરંતુ તેમણે રાજકીય પક્ષ રચવાની તૈયારી કરતા જ પત્રકારો અને રાજકારણીઓ તેમને એક ‘મહત્ત્વકાંક્ષી રાજકારણી’ ગણાવી રહ્યા છે. આપણે માની લઈએ કે તેમને રાજકીય મહત્ત્વકાંક્ષા હોઈ શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેમને ભ્રષ્ટાચારનો વિરોધ કરવાનો હક્ક નથી. કેજરીવાલે યુપીએ સરકારના મહારથીઓના કપડાં ઉતાર્યા પછી તેમના પર ભાજપના એજન્ટ હોવાના આક્ષેપો થયા હતા. પરંતુ આ સ્થિતિમાં પણ કેજરીવાલે માસ્ટર સ્ટ્રોક ફટકાર્યો અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરીને કઠેડામાં ઊભા કરી દીધા. આવું કરવા પાછળનો તેમનો તર્ક એ જ છે કે, હવે કોઈ તેમને ભાજપના એજન્ટ નહીં કહી શકે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું એક કર્મશીલ યુવાન રાજકીય અખાડામાં ટકી શકશે ખરો?

છેલ્લાં કેટલાક સમયથી અરવિંદ કેજરીવાલ જેવી રીતે ભ્રષ્ટાચાર વિરુદ્ધનું આંદોલન ચલાવી રહ્યા છે એ જોતા તમામ રાજકીય પક્ષો તેમનાથી સલામત અંતર રાખી રહ્યા છે. બીજી તરફ, કેટલાક પક્ષો તો મૂંઝવણમાં છે કે, કેજરીવાલને સાથ આપવો કે પછી તેમનો વિરોધ કરવો? તેમનો ઉપયોગ કરવો કે પછી તેમનાથી દૂર રહેવું? કારણ કે, કેજરીવાલ નામની બંદૂકમાંથી ક્યારે, કઈ બાજુ ગોળી છૂટશે એ કોઈ કહી શકે એમ નથી. હવે, બધા જ રાજકીય પક્ષો એકસૂરે કહે છે કે, ‘આ કોઈ રીત નથી.’, ‘કેજરીવાલની લડવાની પદ્ધતિ ખોટી છે.’ વગેરે. પરંતુ મૂળ વાત એ છે કે, જડભરત રાજકારણીઓ સામે લડવાની સાચી રીત કઈ? આ દેશના ભ્રષ્ટાચારી નેતાઓએ આ પહેલાં ક્યારેય આટલી મુશ્કેલી નથી અનુભવી. કેજરીવાલ માને છે કે, પ્રજા જ એક આંદોલન ઊભું કરે અને ભ્રષ્ટાચારીઓ પાસેથી સત્તા ખૂંચવી લે.

પરંતુ લગભગ બધા જ પક્ષના રાજકીય આગેવાનો કેજરીવાલની લડવાની આ રીતને અયોગ્ય અને અરાજકતા ફેલાવનારી કહીને વખોડી રહ્યા છે. કેજરીવાલે રોબર્ટ વાડરા પર આક્ષેપો કર્યા પછી કર્ણાટક કોંગ્રેસના રાજકીય આગેવાન ઓસ્કાર ફર્નાન્ડિસે કહ્યું હતું કે, “વાડરાએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે અને જો કોઈને તકલીફ હોય તો દેશમાં એક સિસ્ટમ છે. સુપ્રીમ કોર્ટ છે, હાઈકોર્ટ અને મેજિસ્ટ્રિયલ કોર્ટ છે. તમે ત્યાં જઈ શકો છો. લોકોની વચ્ચે જઈને મુદ્દાઓ ઊઠાવવા અને ‘હીટ એન્ડ રન’ની નીતિ અપનાવવી એ સારી વાત નથી.” ગાંધી પરિવારના જમાઈ પર આક્ષેપો કર્યા પછી કોંગ્રેસ મોવડીઓ આવી શાણી ભાષામાં વાત કરે એ સ્વભાવિક છે.


અરવિંદ કેજરીવાલ

હા, એક વાત સાચી કે કેજરીવાલ ફક્ત પ્રજા વચ્ચે જઈને મુદ્દા ઉઠાવે છે. પરંતુ આ તેમની રીત છે. તેઓ પ્રજાને એ સમજાવવા માંગે છે કે, સબ ચોર હૈ. કોંગ્રેસ અને ભાજપ હળીમળીને ભ્રષ્ટાચાર કરે છે. દેશ માટે અત્યંત ખતરનાક તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપની રાજનીતિ અપનાવે છે. કેજરીવાલનો તર્ક ખૂબ સીધોસાદો છે- અમને જાણકારી મળી છે કે તમે આ કૌભાંડોમાં સંડોવાયેલા છો. અમને જણાવો કે સાચું શું અને ખોટું શું? તમે સાચા છો કે ખોટા છો તે જણાવવાની જવાબદારી તમારી છે, અમારી નહીં. કારણ કે, અમે તો પ્રજા છીએ પરંતુ તમે અમારા પર રાજ કરો છો. ભારતીય રાજકારણમાં પહેલીવાર આવી અનોખી પદ્ધતિથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે.

વળી, આપણે જાણીએ છીએ તેમ કેજરીવાલ કોઈ સામાન્ય માણસ નથી. આઈઆઈટી ખરગપુરના સ્નાતક અને પૂર્વ સંયુક્ત ઈન્કમટેક્સ કમિશનર અરવિંદ કેજરીવાલ પ્રખર બુદ્ધિમતા ધરાવે છે અને ઘણાં વર્ષોથી રાઈટ ટુ ઈન્ફર્મેશન અને જનલોકપાલ બિલ જેવી ચળવળોમાં સક્રિય ભાગ લઈ ચૂક્યા છે. શું અરવિંદ કેજરીવાલ એ પહેલી વ્યક્તિ છે જેમણે રોબર્ટ વાડરા, સલમાન ખુરશીદ, પી. ચિદમ્બરમના કૌભાંડો શોધી કાઢ્યા હોય. તો જવાબ છે, ના. શું ભાજપ આ કૌભાંડોથી અજાણ હતું? ભાજપ કેમ એક જવાબદાર વિરોધ પક્ષને છાજે એવી રીતે મુદ્દા નથી ઉઠાવતો. શું દિલ્હી ભાજપના નેતાઓ એ વાત નથી જાણતા કે, રોબર્ટ વાડરા થોડા જ સમયમાં અત્યંત ધનવાન બની ગયા છે. ડીએલએફ જેવી કંપનીએ તેમને રૂ. 60 કરોડથી પણ વધુ રકમની અનસિક્યોર્ડ લોન કેમ આપી? આ મુદ્દા ભાજપે કેમ ન ઉઠાવ્યા?

અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત ભૂષણે 60 મીડિયાકર્મીઓના કેમેરા અને લગભગ 100 જેટલા પત્રકારો સામે રોબર્ટ વાડરા પર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “કોંગ્રેસ શાસિત ત્રણ રાજ્યો હરિયાણા, રાજસ્થાન અને નવી દિલ્હીમાં વાડરા 31 સંપત્તિની માલિકી ધરાવે છે.” આ દરમિયાન તેઓ કેટલાક સત્તાવાર દસ્તાવેજો પણ લઈને આવ્યા હતા અને તેના આધારે તેમણે આ સંપત્તિની વિગતો, કિંમત વગેરે જાહેર કર્યું. વળી, તેમણે પત્રકારોને રોબર્ટ વાડરાએ રાજસ્થાનમાં ખરીદેલી 160 એકર જમીનના પુરાવા પણ આપ્યા. ત્યાર પછી પ્રશાંત ભૂષણે પત્રકારોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “વાડરાની તમામ સંપત્તિમાં પ્રિયંકા ગાંધી કે સોનિયા ગાંધીની સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી. પરંતુ હરિયાણાના મુખ્યમંત્રી ભૂપિન્દરસિંહ હુડા, ડીએલએફ અને રોબર્ટ વાડરાએ કેવી રીતે સાંઠગાંઠ કરી છે તે મીડિયાએ શોધવાનું છે.” કારણ કે, તેઓ વચ્ચે કોઈ લાભ ખાતર ચોક્કસ કંઈક રંધાયુ છે એવું ટીમ કેજરીવાલ માને છે.

આ દરમિયાન વાડરાએ એક સંક્ષિપ્ત નિવેદનમાં જણાવ્યું છે કે, હું એક બિઝનેસમેન છું અને જાતમહેનતથી આગળ આવ્યો છું. અંબિકા સોની, મનીષ તિવારી, રાજીવ શુકલા અને સલમાન ખુરશીદ પણ હંમેશાંની જેમ ગાંધી પરિવારના જમાઈનો બચાવ કરવા કૂદી પડ્યાં. પરંતુ તેમણે આક્ષેપોનો તર્કબદ્ધ જવાબ આપવાના બદલે કેજરીવાલ અને ભૂષણ પર આરોપોની ઝડી વરસાવી. આ બધાએ એક જ વાતની રેકર્ડ કર્યે રાખી કે, વાડરા એક બિઝનેસમેન છે. ખરેખર વાડરાએ ભારતના કરોડો બિઝનેસમેનોને તેમની ‘જાદુઈ’ બિઝનેસ સ્ટ્રેટેજી બતાવવી જોઈએ. જો તેઓ આ મહામૂલું ‘દાન’ કરે તો ભારત નજીકના વર્ષોમાં જ ધનિક રાષ્ટ્રોની હરોળમાં આવી જાય અને દેશમાંથી ગરીબી નાબૂદ થઈ જાય.

કોઈને પણ એવું કહેવાનો હક્ક નથી કે, કેજરીવાલ ફક્ત પ્રસિદ્ધિ માટે જવાબદાર વ્યક્તિઓ પર આરોપો લગાવે છે. આપણે જાણીએ છીએ કે, આપણા જવાબનાર નેતાઓ સંસદમાં કેટલું જવાબદાર વર્તન કરે છે? કેજરીવાલ પ્રસિદ્ધિ માટે આક્ષેપો કરતા હોય તેનો અર્થ એ નથી કે, તેમના આક્ષેપોનો તર્કબદ્ધ ખુલાસો ન આપવો. ખેર, હવે તો કેજરીવાલે નવેમ્બર સુધીમાં રાજકીય પક્ષની રચના કરવાની પણ જાહેરાત કરી દીધી છે. આ અંગે કેજરીવાલના નવા સાથી અને વિદ્વાન પ્રોફેસર યોગેન્દ્ર યાદવ કહે છે કે, કેજરીવાલની જાહેરાતથી રાજકીય પક્ષોના ભંડોળ અને પારદર્શકતા જેવા ઘણાં મુદ્દા સામે આવી શકે છે. હાલના રાજકારણમાં દરેક પક્ષો આ મુદ્દે મૌન સેવે છે. ઘણાં લોકો માને છે કે, ભારતમાં ચૂંટણી સુધારાની તાકીદે જરૂર છે.

ખેર, કેજરીવાલે પક્ષની જાહેરાત કરીને પોતાનો વિઝન ડોક્યુમેન્ટ જાહેર કરી દીધો છે. પરંતુ હવે તેમણે ફક્ત મુદ્દા ઊભા કરવા અને આક્ષેપો કરવાના બદલે ચૂંટણી જીતવી પડશે. ભારતમાં છેલ્લાં ત્રણેક દાયકામાં આવા ઘણાં નાના પક્ષો રચાયા, પરંતુ કમનસીબે તેઓ કોઈ ગંભીર કે અસરકારક પરિવર્તન ન કરી શક્યા. તૃણમૂલ કોંગ્રેસ કે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીને પણ આવા પક્ષોની યાદીમાં મુકી શકાય. આ બંને પક્ષોની પિતૃસંસ્થા કોંગ્રેસ જ છે. એવી જ રીતે, વર્ષ 2006માં રાજ ઠાકરેએ સ્થાપેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પક્ષની પિતૃસંસ્થા શિવસેના છે. પરંતુ આવા પક્ષોનું રાજકારણ તેના સ્થાપકની આસપાસ જ ઘૂમતું રહે છે અને લાંબા ગાળે તેમાં નેતાગીરીનો અભાવ સર્જાય છે. અહીં કહેવાનો મતલબ એ છે કે, મમતા બેનરજી વિના તૃણમૂલ કોંગ્રેસ, શરદ પવાર વિના નેશનાલિસ્ટ કોંગ્રેસ કે રાજ ઠાકરે વિના મહારાષ્ટ્ર નવનિર્માણ સેના તેમજ માયાવતી વિના બહુજન સમાજ પક્ષની કલ્પના કરવી મુશ્કેલ છે.

જોકે, કેજરીવાલ શરદ પવાર કે રાજ ઠાકરે કરતા ઘણું અલગ બેકગ્રાઉન્ડ ધરાવે છે. હવે કેજરીવાલે આ પક્ષોના રાજકારણમાંથી બોધપાઠ લેવાનો છે. મમતા બેનરજી પશ્ચિમ બંગાળની શેરીઓમાં જાણીતા સામાજિક કાર્યકર હતા અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષની સ્થાપના પહેલાં શરદ પવાર પણ કંઈક આવું જ કામ કરતા હતા. એવી જ રીતે, રાજ ઠાકરે પણ કોલેજના દિવસોથી પાયાના રાજકારણમાં સક્રિય હતા. કેજરીવાલનો હેતુ ભલે ગમે તેટલો ઉમદા હોય પરંતુ તેમના સામે દેશના જાતિગત રાજકારણનો સામનો કરવાનો પણ પડકાર છે. આ માટે નિષ્ઠાવાન કાર્યકરો પહેલી અને અનિવાર્ય શરત છે. જો, મતદાતાઓ તેમના વિશે કંઈ જાણતા જ નહીં હોય તો તેઓ સરેઆમ નિષ્ફળ જશે. આ ઉપરાંત તેઓ પક્ષ માટે ભંડોળ ક્યાંથી લાવશે એ પણ તેમના માટે યક્ષપ્રશ્ન સાબિત થશે!

બીજી તરફ, આજના ભારતમાં ફક્ત રોટી, કપડા ઔર મકાન જેવી પ્રાથમિક જરૂરિયાતોના આધારે જ ચૂંટણી નહીં જીતી શકાય. તેમણે અનામત, રોજગારી અને માળખાગત વિકાસ જેવા અઘરા મુદ્દે પણ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવું પડશે. મતદાતાઓની અપેક્ષામાં સતત વધારો થઈ રહ્યો છે. ફક્ત હેડલાઈનોમાં ચમકીને મતો નહીં મેળવી શકાય એ વાત કેજરીવાલ ટીમે ખૂબ ઝડપથી સમજી લેવી પડશે. વળી, મીડિયા સાથે પણ તેમણે સંબંધો રાખતા શીખવું પડશે. કારણ કે, નજીકના ભવિષ્યમાં ટીવીના માઈક કેજરીવાલ નામના ‘ન્યૂઝ’નો પીછો કરવાનું બંધ કરી શકે છે. ભ્રષ્ટાચાર માટે લડતી કેજરીવાલ ટીમને ચૂંટણીમાં પ્રજાનું સમર્થન કદાચ ન પણ મળે. જ્યાં બહુ મોટો શિક્ષિત વર્ગ મતદાન નથી કરતો અને ગરીબોના મત પૈસા, દારૂ આપીને ખરીદી શકાય છે એ દેશમાં આમ થવું શક્ય છે.

આપણે આશા રાખીએ કે અરવિંદ કેજરીવાલ ફક્ત તેમના ભવિષ્યના પક્ષનું પ્રતીક બનીને ના રહી જાય. સલમાન ખુરશીદે આપેલી આડકતરી ધમકીનો જવાબ આપતા કેજરીવાલે કહ્યું હતું કે, મને મારવાથી કંઈ નહીં થાય. તમે એક કેજરીવાલને મારશો તો બીજા હજાર પેદા થશે. આશા રાખીએ કે, બીજા હજાર કેજરીવાલ પેદા થાય.

22 October, 2012

બોલિવૂડમાં સ્પેશિયલ ઈફેક્ટની માયાજાળ


કેટલાક વર્ષોથી ભારતમાં ટેકનિકલ નિષ્ણાતો અને ક્રિએટિવ લેખકોનો વ્યાપ વધવાથી તેમજ પૌરાણિક વાર્તાઓ પરથી ફિલ્મો, સીરિયલો બનવાનું ચલણ વધ્યું હોવાના કારણે સ્પેશિયલ ઈફેક્ટ (વીએફએક્સ) ઈન્ડસ્ટ્રીનો કૂદકે ને ભૂસકે વિકાસ થઈ રહ્યો છે. ઓક્ટોબરમાં પ્રદર્શિત થયેલી ‘મખ્ખી’ ફિલ્મમાં ઉચ્ચ દરજ્જાની વિઝ્યુઅલ ઈફેક્ટનો ઉપયોગ કરાયો છે. તમિળ ફિલ્મ ‘ઈગા’ની હિન્દી આવૃત્તિ ‘મખ્ખી’માં સ્પેશિયલ ઈફેક્ટની મદદથી તૈયાર કરાયેલી એનિમેટેડ માખી મુખ્ય ભૂમિકામાં છે. આ એનિમેટેડ માખીના પરફેક્શને અનેક નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યુ છે. એનિમેશન ફિલ્મને બોક્સઓફિસ પર સફળતા મળશે કે નહીં તેનો આધાર વાર્તાની સાથે વિઝ્યુઅલ ઈફેક્ટની ગુણવત્તા પર પણ રહેલો છે. સદનસીબે, આજે ભારતમાં અનેક કંપનીઓ સારી ગુણવત્તા ધરાવતી એનિમેશન ટેકનિક ઓફર કરે છે.
    
સ્પેશિયલ ઈફેક્ટ ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોના જણાવ્યાનુસાર, હવે બોલિવૂડના અનેક નિર્માતાઓ પોતાની ફિલ્મમાં વિઝ્યુઅલ ઈફેક્ટ માટે મસમોટું બજેટ ફાળવતા થયા છે. જેમ કે, ‘મખ્ખી’ના નિર્માતાઓએ રૂ. 30 કરોડના બજેટમાંથી બહુ મોટી રકમ તો એક કમ્પ્યુટર જનરેટેડ માખી બનાવવા પાછળ જ ખર્ચી નાંખ્યા હતા. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ‘રોબોટ’, ‘રા-વન’ અને ‘એક થા ટાઈગર’ જેવી ફિલ્મોથી વિઝ્યુઅલ ઈફેક્ટનું ચલણ વધ્યું છે. આમ છતાં ભારતીય માર્કેટમાં વિઝ્યુઅલ ઈફેક્ટની જરૂર પડે એવી સાયન્સ ફિક્શન ફિલ્મો નથી બનતી. જોકે, હાલ એક્શન, હોરર અને એડવેન્ચર ફિલ્મોમાં સ્પેશિયલ ઈફેક્ટનો ભરપૂર ઉપયોગ કરવામાં આવતો હોવાથી આ ઈન્ડસ્ટ્રીને વેગ મળી રહ્યો છે. જેમ કે, ઓગસ્ટમાં આવેલી ‘એક થા ટાઈગર’ ફિલ્મના એક હજારથી પણ વધુ દૃશ્યોમાં વિઝ્યુઅલ ઈફેક્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો હતો.

‘મખ્ખી’ ફિલ્મની કમ્પ્યુટર જનરેટેડ માખી

‘રા-વન’ ફિલ્મનું પોસ્ટર 

જોકે, અત્યારે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કુલ ટર્નઓવરમાં વિઝ્યુઅલ ઈફેક્ટ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો ઘણો ઓછો છે, પરંતુ અગાઉના વર્ષોની સરખામણીમાં આ ઈન્ડસ્ટ્રીનો ખૂબ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. ફિક્કી-કેપીએમજી ઈન્ડિયન મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી રિપોર્ટ 2012માં જણાવ્યાનુસાર, વર્ષ 2011માં વિઝ્યુઅલ ઈફેક્ટ ઈન્ડસ્ટ્રીમાં આગલા વર્ષ કરતા 45 ટકા વધારો નોંધાયો હતો અને આ આંકડો રૂ. 1,970 કરોડે પહોંચી ગયો હતો. આ આંકડો દર્શાવે છે કે, ભારતીય દર્શકો સ્પેશિયલ ઈફેક્ટ ધરાવતી ફિલ્મો માટે તૈયાર છે. વળી, હોલિવૂડની સ્પેશિયલ ઈફેક્ટથી ભરપૂર ફિલ્મો પણ ભારતમાં સારો એવો વકરો કરે છે. આ વાત પણ દર્શાવે છે કે, ભારતીય દર્શકોને આવી ફિલ્મો પસંદ છે. પરંતુ હજુ પણ હિન્દી ફિલ્મોમાં સ્પેશિયલ ઈફેક્ટનું પ્રમાણ ઘણું ઓછું કહી શકાય એવું છે.

તાજેતરનો ભૂતકાળ તપાસીએ તો મેઈન સ્ટ્રીમ ઈન્ડસ્ટ્રીમાં પણ સ્પેશિયલ ઈફેક્ટ પર આધારિત સ્ક્રીપ્ટ પરથી અનેક ફિલ્મો બની છે. શાહરૂખખાનની ‘રા-વન’ કે રજનીકાંતની ‘રોબોટ’ને પણ આ જ શ્રેણીમાં મૂકી શકાય. આ ફિલ્મોમાં હોલિવૂડ બ્લોકબસ્ટર ‘અવતાર’ કરતા પણ વધુ સ્પેશિયલ ઈફેક્ટનો ઉપયોગ કરાયો છે. ઉચ્ચ ગુણવત્તા ધરાવતી સ્પેશિયલ ઈફેક્ટ કરી આપતા નિષ્ણાતોનો વ્યાપ વધવાના કારણે સ્ક્રીપ્ટ રાઈટર અને ડિરેક્ટરોને પણ ક્રિએટિવ ફિલ્મો બનાવવા મોકળું મેદાન મળ્યું છે. થોડા વર્ષો પહેલાં ફિલ્મોમાં સ્પેશિયલ ઈફેક્ટનો ભાગ્યે જ ઉપયોગ થતો હતો, પરંતુ અત્યારે એવી અનેક સ્ક્રીપ્ટ લખાઈ રહી છે જેના પરથી ફિલ્મ બનાવવા માટે સ્પેશિયલ ઈફેક્ટ અનિવાર્ય શરત છે. આજની ફિલ્મોમાં કલ્પનાશીલ એક્શન દૃશ્યો કે હીરોને સુપરહીરો તરીકે દર્શાવીને ટિકિટ બારી સુધી દર્શકો ખેંચી લાવવા માટે સ્પેશિયલ ઈફેક્ટની માયાજાળ જરૂરી થઈ ગઈ છે.

ભારતમાં સ્પેશિયલ ઈફેક્ટ પ્રોડક્શનનો કુલ હિસ્સો અમેરિકા કરતા ચોથા ભાગનો અને કોરિયા, ફિલિપાઈન્સ જેવા દેશો કરતા 35 ટકા જેટલો ઓછો છે. પરંતુ હોલિવૂડના અનેક નિર્માતાઓ સ્પેશિયલ ઈફેક્ટનું કામ ભારતીય સ્ટુડિયોમાં કરાવતા હોવાથી આ ઈન્ડસ્ટ્રીને ફાયદો થઈ રહ્યો છે. જોકે, વિદેશી નિર્માતાઓને અહીં કામ કરાવવું ઘણું સસ્તુ પડતું હોવાથી તેઓ અહીં આવી રહ્યા છે. વળી, જે કામમાં ઓછામાં ઓછી ક્રિએટિવિટીની જરૂર હોય તેવું કામ જ ભારતીય સ્ટુડિયોને સોંપાઈ રહ્યું છે. આમ છતાં એટલું તો કહી શકાય કે, ભારતમાં સ્પેશિયલ ઈફેક્ટ ઈન્ડસ્ટ્રીનો ધીમો પણ મક્કમ ગતિએ વિકાસ થઈ રહ્યો છે.

‘એક થા ટાઈગર’નું એક દૃશ્ય 

‘રોબોટ’માં રજનીકાંત

તાજા સમાચાર છે કે, રિલાયન્સ મીડિયાવર્ક્સે લોસ એન્જલસની ડિજિટલ ડોમેઈન પ્રોડક્શન્સ નામની કંપની સાથે જોડાણ કર્યું છે. આ અમેરિકન કંપનીએ તાજેતરમાં જ ‘ટ્રાન્સફોર્મર્સઃ ડાર્ક ઓફ ધ મૂન’માં સ્પેશિયલ ઈફેક્ટનું મહત્ત્વનું કામ પાર પાડીને લોકોનું ધ્યાન ખેંચ્યુ હતું. હવે, આ કંપની રિલાયન્સ મીડિયાવર્ક્સની ભાગીદારીમાં મુંબઈ અને લંડનમાં સ્ટુડિયો ખોલીને ફિલ્મ, ટેલિવિઝન અને એડવર્ટાઈઝિંગના સ્પેશિયલ ઈફેક્ટ માર્કેટમાં ઝંપલાવી રહી છે. આ ઉપરાંત તે 3D કન્વર્ઝનનું પણ કામ હાથ ધરવાની છે. એક ભારતીય કંપની માટે આ ભાગીદારી અત્યંત મહત્ત્વની ગણી શકાય. કારણ કે, ડિજિટલ ડોમેઈન ‘અવતાર’, ‘ટાઈટેનિક’ અને ‘ટર્મિનેટર’ જેવી ફિલ્મો બનાવનાર જેમ્સ કેમરૂનના ભેજાની ઉપજ છે. આ ઉપરાંત આ કંપની સાથે ‘ટ્રાન્સફોર્મરઃ ડાર્ક ઓફ ધ મૂન’ના ડિરેક્ટર માઈકલ બે પણ સંકળાયેલા છે.

આ અંગે રિલાયન્સ મીડિયાવર્ક્સના સીઈઓ અનિલ અર્જુન જણાવે છે કે, “આજે બહુ બધી ફિલ્મોમાં સ્પેશિયલ ઈફેક્ટનો ઉપયોગ કરવામાં આવે છે. વળી, અનેક 3Dમાં પણ અનેક ફિલ્મો રિલીઝ થાય છે. ભારતમાં સ્પેશિયલ ઈફેક્ટ ઈન્ડસ્ટ્રીનો સતત વિકાસ થઈ રહ્યો છે. અમને આશા છે કે, ત્રણેક વર્ષમાં 100 જેટલી 3D ફિલ્મો રિલીઝ થશે. આ ઈન્ડસ્ટ્રી પાસેથી અમને ઘણી આશા છે.”

રિલાયન્સ મીડિયાવર્ક્સે નવી મુંબઈમાં આવેલી તેની 90 હજાર સ્ક્વેર ફૂટમાં પથરાયેલી મીડિયા બીપીઓની બિલ્ડિંગમાં જ અત્યાધુનિક સ્ટુડિયો સ્થાપવાનો નિર્ણય લીધો છે. અહીં 600 જેટલા કમ્પ્યુટર આર્ટિસ્ટ કાર્યરત રહેશે, જેમાં 400 વિઝ્યુઅલ ઈફેક્ટના અને 250 3D કન્વર્ઝનના આર્ટિસ્ટ હશે. બીજી તરફ ભારતમાં ટેકનિકલર અને રિધમ જેવી કંપનીઓ તો પહેલેથી કાર્યરત છે. આ સંજોગોમાં તમામ કંપનીઓ વચ્ચે સારી એવી સ્પર્ધા થશે અને ભારતમાં હજુ વધુ ગુણવત્તાવાળું અને સસ્તું કામ થશે. અત્યારે ફિલ્મોમાં સ્પેશિયલ ઈફેક્ટનો ઉપયોગ કરતા ટોપ ફાઈવ દેશોમાં અમેરિકા, યુ.કે., જાપાન, ફ્રાંસ અને જર્મનીનો સમાવેશ થાય છે. આ તમામ દેશોના નિર્માતાઓ સ્પેશિયલ ઈફેક્ટ માટે આઠથી દસ ટકા જેટલું બજેટ ફાળવતા હોય છે. હવે, વર્ષે સૌથી વધુ ફિલ્મ બનાવતું ભારત પણ આ દેશોની હરોળમાં સહેલાઈથી પહોંચી જવાની ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતો આશા રાખી રહ્યા છે.

આજનો ભારતીય યુવા વર્ગ નિયમિત રીતે હોલિવૂડની ફિલ્મો જુએ છે. પરિણામે આજના દર્શકો ફિલ્મ કે સ્પેશિયલ ઈફેક્ટની ગુણવત્તાને ખૂબ સારી રીતે સમજે છે. તેથી ડિજિટલ મીડિયા જેવી અનેક કંપનીઓ માટે ભારતીય ફિલ્મો માટે ઉચ્ચ ગુણવત્તાવાળી સ્પેશિયલ ઈફેક્ટનું કામ પાર પાડવું એ પણ એક મોટો પડકાર છે.

સ્પેશિયલ ઈફેક્ટ શું છે?

વિઝ્યુઅલ ઈફેક્ટ ટૂંકમાં વીએફએક્સ તરીકે ઓળખાય છે. ફિલ્મમેકર પોતાની કલ્પનાનો ઉપયોગ કરીને કોઈ આબેહૂબ (રિયાલિસ્ટિક) દૃશ્ય ઊભું કરવા માંગે ત્યારે આ ટેકનિકનો ઉપયોગ કરાય છે. જેમ કે, ‘રા-વન’ ફિલ્મમાં શાહરૂખખાન સાયન્સ ફિક્શન સુપરહીરો જેવો લાગે એ માટે સ્પેશિયલ ઈફેક્ટનો ઉપયોગ કરાયો હતો. આ ફિલ્મમાં 3,500 જેટલા શોટમાં સ્પેશિયલ ઈફેક્ટ ટેકનિકનો ઉપયોગ કરાયો હતો. આ પ્રકારની ફિલ્મમાં પાત્રને ખાસ પ્રકારના કોસ્ચ્યૂમ્સ અને મેકઅપ કરીને તૈયાર કરવામાં આવે છે, અને બાદમાં પાત્રને વાર્તા મુજબ કમ્પ્યુટરની મદદથી આબેહૂબ દર્શાવવાનો પ્રયાસ કરાય છે.

વિઝ્યુઅલ ઈફેક્ટને સામાન્ય રીતે ચાર વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલો પ્રકાર છે મોડેલ્સ. તેમાં મીનિયેચર સેટ અને મોડેલ ઊભા કરીને એનિમેટેડે પાત્રો સર્જવામાં આવે છે. કાર્ટૂન ફિલ્મોમાં મોટે ભાગે આવી ટેકનિકનો ઉપયોગ કરાય છે. બીજો પ્રકાર મેટ્ટ પેઈન્ટિંગ અને સ્ટીલનો છે. જેમાં ડિજિટલ પેઈન્ટિંગ અને ફોટોગ્રાફનો બેકગ્રાઉન્ડ તરીકે ઉપયોગ કરીને દૃશ્ય સર્જવામાં આવે છે. પરંતુ આ દૃશ્ય પેઈન્ટિંગ જેવું નહીં પણ એકદમ રિયાલિસ્ટિક લાગે છે. ત્રીજો પ્રકાર લાઈવ એક્શન ઈફેક્ટ્સ તરીકે ઓળખાય છે. ફિલ્મોમાં એક્શન દૃશ્યોમાં મોટે ભાગે આ ટેકનિકનો ઉપયોગ કરાય છે. જ્યારે ચોથો પ્રકાર ડિજિટલ કે સ્પેશિયલ ઈફેક્ટ તરીકે ઓળખાય છે. અત્યારની મોશન ફિલ્મ પ્રોડક્શન ઈન્ડસ્ટ્રીમાં તેનો ભરપૂર ઉપયોગ થાય છે.

15 October, 2012

ફક્ત 14 વર્ષીય મલાલાથી તાલિબાનો ડરે છે કેમ?


જો પાકિસ્તાનનું કંઈ ભવિષ્ય હશે તો તે ચોક્કસ મલાલા યુસફઝઈમાં હશે! કારણ કે, પાકિસ્તાનના ખૂણેખૂણામાં આતંક ફેલાવી રહેલા ખૂંખાર તાલિબાનો પણ તેનાથી ડરે છે. તાલિબાનો તેનાથી એટલા ભયભીત છે કે નવમી ઓક્ટોબર, 2012ના રોજ તેમણે પાકિસ્તાનની સ્વાત વેલીમાં મલાલાના માથા અને ગરદન પર ગોળી મારીને તેને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો. જોકે, મલાલાને તાત્કાલિક પેશાવરની હોસ્પિટલમાં લઈ જવાઈ અને ડૉક્ટરોએ ત્રણ કલાકની મહેનત પછી તેના માથામાંથી એક ગોળી દૂર કરીને તેને બચાવી લીધી. હાલ મલાલાની તબિયત સુધારા પર છે. બીજી તરફ, પાકિસ્તાની તાલિબાનના મુખ્ય પ્રવક્તા એહસાનુલ્લાહ એહસાને આ હુમલાની જવાબદારી સ્વીકારતા કહ્યું છે કે, “મલાલા નાસ્તિકતા અને બિભત્સતાનું પ્રતીક છે. તે આ વિસ્તારમાં પશ્ચિમી સંસ્કૃતિનું પ્રતીક બની ગઈ છે, અને તેનો ખુલ્લેઆમ પ્રચાર કરી રહી છે. જો તે બચી જશે તો અમે બીજી વાર હુમલો કરીશું.”

કોણ છે મલાલા  યુસફઝઈ? મલાલા ફક્ત 14 વર્ષની વિદ્યાર્થિની છે. હા, તે સ્વાત વેલીમાં સ્કૂલમાંથી પાછી ફરી રહી ત્યારે જ તાલિબાનોએ સ્કૂલ બસ રોકીને તેના પર ગોળીઓ છોડી હતી. કારણ કે, મલાલા કોઈ સામાન્ય છોકરી નથી. વર્ષ 2009માં બીબીસી ઉર્દૂ બ્લોગ લખવાનું ચાલુ કર્યું ત્યારે તે પ્રકાશમાં આવી હતી. જોકે, એ વખતે તે ‘ગુલ મકાઈ’ નામે બ્લોગિંગ કરતી હતી. તાલિબાનોએ સ્વાત વેલીમાં સ્ત્રીશિક્ષણ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ સ્થિતિમાં અહીં ભણવું કેટલું મુશ્કેલીભર્યું છે એ અંગે તે બીબીસી ઉર્દૂ બ્લોગમાં પોતાના અનુભવો લખતી હતી. વર્ષ 2007થી 2009 સુધી તાલિબાનોએ સ્વાત વેલીનો કબજો લઈ લીધો હતો. આ દરમિયાન મલાલાના લખાણોએ જોરદાર લોકપ્રિયતા હાંસલ કરી હતી અને પાકિસ્તાન આર્મીએ આ વિસ્તારમાંથી તાલિબાનોનો ખાત્મો કરવાની ફરજ પડી હતી.

મલાલા યુસફઝઈ 

જોકે, બાદમાં મલાલાની ઓળખ છતી થઈ ગઈ હતી અને તે ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન પીસ પ્રાઈઝ માટે નોમિનેટ થઈ. આ એવોર્ડ માટે પહેલીવાર કોઈ પાકિસ્તાનીની પસંદગી થઈ હતી. જોકે, આ એવોર્ડ તે જીતી ના શકી અને ફક્ત રનર-અપ રહી. બાદમાં પાકિસ્તાન સરકારે તેને નેશનલ પીસ પ્રાઈઝથી સન્માનિત કરી હતી. નવેમ્બર, 2010માં પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ તેના નામ પરથી એક એવોર્ડની શરૂઆત કરી હતી. એટલું જ નહીં, મલાલાની વિનંતીને ધ્યાનમાં રાખીને ખુદ વડાપ્રધાને સ્વાત ડિગ્રી કોલેજ ફોર વિમેનમાં આઈટી કેમ્પસ સ્થાપવાનો પણ આદેશ કર્યો હતો. પાકિસ્તાન સરકારે મલાલાના માનમાં ધ ગવર્મેન્ટ ગર્લ્સ સેકન્ડરી સ્કૂલ, મિશન રોડનું નામ બદલીને મલાલા યુસફઝઈ ગવર્મેન્ટ ગર્લ્સ સેકન્ડરી સ્કૂલ કરીને પણ તેનું સન્માન કર્યું છે. 

આવી હોનહાર વિદ્યાર્થિની હાલ હોસ્પિટલના બિછાને પડી હોવાથી પશ્વિમી મીડિયા મલાલાની તબિયતના તાજા સમાચારો પ્રકાશિત કરી રહ્યું છે. એક નાનકડી માસુમ બાળકીને તાલિબાનોએ ગોળી મારી છે અને તે કોમામાં સરી પડી છે એવી તસવીરોના જબરદસ્ત પ્રત્યાઘાત પડ્યા છે. મલાલા પરના હુમલાની અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ પણ કડક શબ્દોમાં ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે, “આ હુમલો નિંદનીય, ધૃણા પેદા કરનારો અને અત્યત દુઃખદ છે.” એટલું જ નહીં, આ હુમલા અંગે કોઈ પણ પ્રકારની મદદની પણ અમેરિકાએ તૈયારી દર્શાવી છે. યુનાઈટેડ નેશન્સના સેક્રેટરી જનરલ બાન કી મૂને પણ 14 વર્ષીય વિદ્યાર્થિની પરના હુમલાને ‘આઘાતજનક’ ગણાવ્યો છે. તેમણે કહ્યું છે કે, તેઓ મલાલાના પરિવારને હિંમત આપવા એક પત્ર લખવાના છે. 

ઝિયાઉદ્દીન યુસફઝઈ
જો મલાલા બચી જશે તો અમે બીજી વાર હુમલો કરીશું એવી તાલિબાનોની ધમકીથી પણ પાકિસ્તાનની પ્રજા જોરદાર રોષે ભરાઈ છે. એવા અહેવાલ છે કે, તાલિબાનોએ તો મલાલાના પિતા ઝિયાઉદ્દીન યુસફઝઈ પર પણ હુમલો કરવાનો નિર્ણય લીધો છે. તેથી તેમણે પાડોશીઓને વિનંતી કરે છે કે, તેઓ મલાલાના ખબર-અંતર પૂછવા હોસ્પિટલ ન આવે. કારણ કે, તાલિબાનો ગમે ત્યારે હુમલો કરી શકે છે. જોકે આ સ્થિતિમાં યુએન વિમેન, યુનેસ્કો અને યુનિસેફ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓએ પણ મલાલાના પરિવારને પોતાનો સહકાર જાહેર કર્યો છે. યુનેસ્કોના ડિરેક્ટર જનરલ ઈરિના બોકોવાએ કહ્યું છે કે, “શિક્ષણનો અધિકાર કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય બંદૂકોથી નહીં છીનવી શકાય.” જ્યારે યુએન વિમેનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મિસેલ બેચલેટે કહ્યું છે કે, “વિશ્વમાં ગમે ત્યાં જન્મેલી યુવતી પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે, હિંસામુક્ત અને ભેદભાવહીન સમાજમાં જીવી શકે છે. આ ઉપરાંત પોતાની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરીને આગળ વધી શકે છે. સ્વતંત્રતા, ન્યાય અને શાંતિયુક્ત સમાજ તમામને સમાન હક્કોના પાયા પર જ રચાઈ શકે.”

વિશ્વભરમાંથી મલાલાને આવો પ્રચંડ સહકાર મળી રહ્યો છે અને પાકિસ્તાનમાં પણ લાખો લોકો તાલિબાનો પર ફિટકાર વરસાવી રહ્યા છે. મલાલા પર હુમલો થયાના બીજા દિવસે પાકિસ્તાન સંસદમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી. જોકે, એ દિવસે કોઈ પાકિસ્તાની સાંસદે એવું નહોતું કહ્યું કે તાલિબાનો ‘આપણા ભાઈઓ’ છે. તેમની સાથે લડવાના બદલે આપણે વાતચીતથી ઉકેલ લાવવા જોઈએ. મલાલા પરના હુમલાથી પાકિસ્તાનને ભારે નીચાજોણું થયું છે. વિશ્વના નકશા પર આધુનિક રાષ્ટ્ર તરીકેની છબી ઊભી કરવા પાકિસ્તાન હંમેશાં પ્રયત્નશીલ હોય છે. મલાલાને કંઈક થઈ જાય તો વિશ્વભરમાંથી કેવા પ્રચંડ પ્રત્યાઘાતો આવી શકે એ વિચારથી જ પાકિસ્તાને મલાલાની સારવારમાં કોઈ કચાશ રાખી નથી. 

કદાચ એટલે જ પાકિસ્તાન સરકારે પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સનું એક બોઈંગ જેટ વિમાન પેશાવર એરપોર્ટ પર તૈનાત રાખ્યું છે. જેથી મલાલાનો જીવ સહેજ પણ જોખમ લાગે તો તાત્કાલિક સારવાર માટે દુબઈ કે યુએઈ લઈ જઈ શકાય. પરંતુ હોસ્પિટલના એક સિનિયર તબીબ જણાવી રહ્યા છે કે, અત્યારના સંજોગોમાં મલાલાને વિમાનમાં ખસેડીને ક્યાંય લઈ જવી શક્ય નથી. તેને વેન્ટિલેટર પર રખાઈ છે અને તેની સ્થિતિ અત્યંત નાજુક છે. પ્રોવિન્સિયલ ઈન્ફર્મેશન મિનિસ્ટર ઈફ્તિખાર હુસૈને તો હુમલાખોરોની માહિતી આપનારા માટે એક લાખ ડૉલરના સરકારી ઈનામની પણ જાહેરાત કરી દીધી છે. વર્ષ 2010માં તેમના એકના એક પુત્રની પણ તાલિબાનોએ જ ગોળી મારીને હત્યા કરી હતી.

ગોળી વાગવાથી મલાલાના મગજને ગંભીર નુકસાન થયું છે

આ ઉપરાંત ખુદ પાકિસ્તાના આર્મી ચિફ જનરલ અશરફ પરવેઝ કયાનીએ પણ મલાલા જે હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે ત્યાંની મુલાકાત લીધી હતી. તેમણે તાલિબાનોને કાયર કહીને આ કૃત્યને વખોડી કાઢ્યું છે. જ્યારે પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાને મલાલાની સારવાર માટે આર્થિક મદદ કરવાની તૈયારી દર્શાવી છે. જોકે, તેમની જ પાર્ટીના કેટલાક સભ્યો તાલિબાનો પ્રત્યે ‘સોફ્ટ કોર્નર’ ધરાવે છે. આશ્ચર્યની વાત તો એ છે કે, લશ્કરે તૈયબા માટે દાન ઉઘરાવતી સંસ્થા જમાત ઉદ દાવાએ પણ તાલિબાનોના હુમલાને વખોડી કાઢતા કહ્યું છે કે, “આ હુમલો શરમજનક, અધમ અને જંગલી છે.”

ખેર, પાકિસ્તાનમાં તાલિબાનો પ્રત્યો ગમે તેટલો આક્રોશ ફાટી નીકળ્યો હોય, પરંતુ આ ઘટના પછી પાકિસ્તાન સરકાર ખૂબ ઝડપથી પોતાની નીતિઓમાં કંઈક હકારાત્મક ફેરફારો કરશે એવી કોઈ શક્યતા નથી. કારણ કે, આજે પણ પાકિસ્તાનની સંસદમાં તાલિબાનો પ્રત્યે કુણું વલણ ધરાવતા રાજકારણીઓની કમી નથી. તેમને ડર છે કે, પાકિસ્તાન તાલિબાનોને ખદેડવાનું ચાલુ કરશે તો ભવિષ્યમાં અફઘાનિસ્તાન પર કાબૂ રાખવા માટે તેમની પાસે કોઈ હથિયાર નહીં રહે. બીજી તરફ, અમેરિકા અફઘાનિસ્તાનમાંથી તાલિબાનોનો સફાયો કરી રહ્યું છે ત્યારે મલાલા પરના હુમલાએ પાકિસ્તાનની સ્થિતિ કફોડી કરી નાંખી છે. હવે, પાકિસ્તાને દુનિયાને બતાવવા ખાતર પણ તાલિબાનો વિરુદ્ધ મિલિટરી ઓપરેશન કરવું પડે એમ છે. 

જો આમ નહીં થાય તો મલાલાએ બચવા માટે સુરક્ષાકર્મીઓ વચ્ચે જીવન વ્યતિત કરવું પડશે અથવા અન્ય દેશમાં આશ્રય લેવો પડશે.

મલાલા યુસફઝઈનો ટૂંકો પરિચય

માલાલનો જન્મ વર્ષ 1998માં એક પશ્તુન કુટુંબમાં થયો હતો. મલાલાના માતાપિતાએ તેનું નામ પશ્તુન કવયિત્રી અને જાણીતી યોદ્ધા મલાલાઈના નામ પરથી રાખ્યું હતું. મલાલાઈએ પશ્તુનોના લશ્કરની આગેવાની લઈને બ્રિટિશરો સામે યુદ્ધે ચડ્યા હતા અને તેમાં જીત પણ હાંસલ કરી હતી. હાલ તે પાકિસ્તાનની સ્વાત વેલીના સૌથી મોટા શહેર મિંગોરાની એક સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે. નાનકડી મલાલા સમગ્ર પાકિસ્તાનમાં સ્ત્રીઓના હક્કો માટે ઝુંબેશ કરતી વિદ્યાર્થિની તરીકે જાણીતી છે. તાલિબાનોએ વર્ષ 2007થી 2009 સુધી સ્વાત વેલીનો કબજો લઈને સ્ત્રીશિક્ષણ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ દરમિયાન વર્ષ 2009માં ફક્ત 11 વર્ષની વયે મલાલાએ બીબીસી ઉર્દૂ પર તાલિબાનો વિરુદ્ધ ‘ગુલ મકાઈ’ નામે બ્લોગિંગ શરૂ કર્યું હતું અને સ્ત્રીશિક્ષણની જોરદાર તરફેણ કરી હતી. ગુલ મકાઈ પશ્તુન ભાષાની લોકવાર્તાઓની બહુ જાણીતી નાયિકા છે. તેના આ લખાણોના પ્રત્યાઘાતરૂપે જ પાકિસ્તાન આર્મીએ આ વિસ્તારમાંથી તાલિબાનોનો સફાયો કરવો પડ્યો હતો. જોકે, ત્યાર પછી મલાલાનું નામ જાહેર થઈ ગયું  અને તેને પાકિસ્તાનના નેશનલ પીસ પ્રાઈઝ સહિતના અનેક સન્માનો મળ્યા હતા.

મલાલાની ડાયરીના અંશ

“ગઈ કાલે મને મિલિટરી હેલિકોપ્ટર અને તાલિબાનોનું ભયાનક સપનું આવ્યું. સ્વાતમાં જ્યારથી મિલિટરી ઓપરેશન શરૂ થયા છે ત્યારથી મને આવા સપનાં આવે છે. મારી મમ્મીએ સવારે મારા માટે નાસ્તો બનાવ્યો અને હું સ્કૂલે ગઈ. હું સ્કૂલે જતા ડરતી હતી કારણ કે, તાલિબાનોએ છોકરીઓને સ્કૂલે નહીં મોકલવાનો આદેશ કર્યો છે. આજે સ્કૂલમાં 27માંથી ફક્ત 11 વિદ્યાર્થી આવ્યા છે. તાલિબાનોના આદેશના કારણે સંખ્યા ઘટી ગઈ છે. મારા ત્રણ મિત્રો તેમના પરિવારો સાથે પેશાવર, લાહોર અને રાવલપિંડી જતા રહ્યા છે. સ્કૂલેથી ઘરે પાછા ફરતી વખતે મેં એક માણસને ‘હું તને મારી નાંખીશ’ એવું કહેતા સાંભળ્યો. મેં ચાલવાની ઝડપ વધારી દીધી અને પછી મેં પાછુ વળીને જોયું તો પણ તે મારી પાછળ આવતો હતો. પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે તે તેના મોબાઈલ પર વાતો કરતો હતો અને ફોન પર તે બીજા કોઈને ધમકાવી રહ્યો હતો.”

નોંધઃ તમામ તસવીરો ઈન્ટરનેટ પરથી લીધી છે. મલાલાની ડાયરી વાંચવા અહીં ક્લિક કરો. ન્યૂયોર્ક ટાઈમ્સે મલાલા યુસફઝઈ પર એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ બનાવી છે. આ ફિલ્મ જોવા અહીં ક્લિક કરો. 

‘દિલ્હી સફારી’: મનોરંજન અને સંદેશનો સુંદર સમન્વય


આપણે જાણીએ છીએ કે, વિશ્વભરમાં સૌથી વધુ ફિલ્મો ભારતમાં બને છે. આમ છતાં ભારતમાં ઘણાં વર્ષો સુધી બાળફિલ્મો બનવાનું પ્રમાણ ચિંતાજનક રીતે અત્યંત ઓછું રહ્યું. બાળકો દેશનું ભવિષ્ય હોય છે અને આપણે જાણીએ છીએ કે, બાળફિલ્મો શિક્ષણનું પણ કામ કરે છે. જોકે, છેલ્લાં કેટલાક વર્ષોમાં સુંદર કથાવસ્તુ ધરાવતી બાળફિલ્મો તેમજ એનિમેશન ફિલ્મોના પ્રોડક્શનમાં ઘણો સુધારો થયો છે. યુવા લેખકો અને દિગ્દર્શકો પણ પૌરાણિક પાત્રો પરથી સુંદર ફિલ્મો, કાર્ટૂન સીરિયલો બનાવી રહ્યા છે. વળી, યુવા ભારતમાં એનિમેશન કે કાર્ટૂન ફિલ્મના બિઝનેસમાં પણ જંગી વધારો થવાના કારણે અનેક નિર્માતાઓ તેમાં રોકાણ કરી રહ્યા છે. હવે, નિખિલ અડવાણી પણ ‘દિલ્હી સફારી’ નામની એનિમેશન ફિલ્મ લઈને આવી રહ્યા છે. 

‘દિલ્હી સફારી’નું પોસ્ટર 

‘દિલ્હી સફારી’ની સ્ટોરી અત્યાર સુધીની તમામ બાળફિલ્મોથી ઘણી અલગ છે. સૌથી સારી વાત તો એ છે કે, આ એક 3D એનિમેશન ફિલ્મ છે અને તેમાં અત્યંત મનોરંજક રીતે પર્યાવરણના મુદ્દા ઉઠાવાયા છે. આ ફિલ્મની વાર્તા એવી છે કે, મુંબઈના બોરિવલી નેશનલ પાર્કમાં રહેતા પ્રાણીઓ એક દિવસ સવારે ઉઠે છે. એ દિવસ દીપડાના બચ્ચાં યુવી સિવાયના તમામ પ્રાણીઓ માટે રોજના જેવો જ હોય છે, પરંતુ યુવી માટે આજની સવાર કંઈક અલગ રહેવાની હોય છે. આજે યુવી પોતાના પિતા સુલતાન પાસેથી જીવનનો બહુ મોટો પાઠ શીખવાનો હોય છે. સુલતાન જંગલમાં રહેતા દીપડાઓનો આગેવાન છે. જોકે એ દિવસે યુવી પિતા પાસેથી કશું શીખી શકતો નથી. કારણ કે, સુલતાનને માણસો એટલે કે, શિકારીઓએ ઘેરી લીધો હોય છે. માણસોનો એક જ એજન્ડા છે કે, જેમ બને તેમ ઝડપથી જંગલોનો સફાયો કરો અને પ્રાણીઓને ખતમ કરો. કારણ કે, તેઓ ત્યાં મહાકાય બિલ્ડિંગો બાંધવા ઈચ્છતા હોય છે.

બસ, હવે અસલી વાર્તા શરૂ થાય છે. હવે જંગલના બધા જ પ્રાણીઓ જંગલોના સફાયા મુદ્દે દિલ્હી સરકાર સામે જંગે ચડે છે. દીપડાનું બચ્ચું યુવી અને તેની માતા બેગમ દિલ્હી જઈને સાંસદો સમક્ષ અરજી કરવાનો નિર્ણય લે છે. આ કામમાં અત્યંત ગુસ્સાવાળો વાંદરો બજરંગી અને તેના એંગર મેનેજમેન્ટ ગુરુ રીંછ એટલે કે ડૉ. બગ્ગા પણ તેમને સાથ આપે છે. પરંતુ તેઓ માણસોની ભાષા જાણતા નહીં હોવાથી એલેક્સ નામના પોપટનું અપહરણ કરે છે. તે માણસોની ભાષા સારી રીતે જાણતો હોય છે. હવે તેઓ મુંબઈથી દિલ્હી જવા નીકળે છે અને આ મુસાફરીમાં એકબીજાના દુશ્મન પ્રાણીઓ વચ્ચે મિત્રતા કેળવાય છે. તેઓ પણ જંગલોના સફાયા મુદ્દે યુવીને સાથ આપવાનો નિર્ણય લે છે.

એક એનિમેશન ફિલ્મ માટે નિખિલ અડવાણીએ ગોવિંદા, સુનીલ શેટ્ટી, બોમન ઈરાની અને ઉર્મિલા માંતોડકર જેવા કલાકારોને મનાવીને માસ્ટર સ્ટ્રોક ફટકાર્યો છે. આ સ્ટાર કાસ્ટના કારણે ફિલ્મના પ્રમોશનમાં આપોઆપ લાભ થઈ રહ્યો છે. દીપડાના સરદારનો અવાજ સુનીલ શેટ્ટીએ અને તેની બેગમનો અવાજ ઉર્મિલા માંતોડકરે આપ્યો છે. જ્યારે તેમના બચ્ચાંનો અવાજ બાળ એક્ટ્રેસ સ્વિની ખરાએ આપ્યો છે. સ્વિનીને આપણે ‘બા બહુ ઓર બેટી’ સીરિયલમાં જોઈ ચૂક્યા છે. આ ઉપરાંત તે ‘ચીની કમ’, ‘હરિ પુત્તર’ અને ‘પાઠશાલા’ જેવી ફિલ્મો પણ કરી ચૂકી છે. ગુસ્સાવાળા વાંદરાનો અવાજ ગોવિંદા અને તેના એંગર મેનેજમેન્ટ ગુરુનો અવાજ બોમન ઈરાનીએ આપ્યો છે. તો, માણસોની ભાષા જાણતા એલેક્સ પોપટનો અવાજ અક્ષય ખન્નાએ આપ્યો છે. જ્યારે ફિલ્મનું સંગીત શંકર, અહેસાન અને લોયે આપ્યું છે.

‘દિલ્હી સફારી’ હજુ 19મી ઓક્ટોબરે પ્રદર્શિત થવાની છે. ફિલ્મના નિર્માતા અનુપમા પાટિલ અને કિશોર પાટિલ જણાવે છે કે, “બાળકો સિવાયનો બહુ મોટો વર્ગ પણ આ ફિલ્મની રાહ જોઈ રહ્યો છે.” તેમની વાત બિલકુલ સાચી છે. યુવાનોના દેશ ભારતમાં એનિમેશન અને કાર્ટૂન ફિલ્મોના દર્શકોમાં જબરદસ્ત વધારો થયો છે. વળી, ‘દિલ્હી સફારી’ને તો તેની મજબૂત વાર્તાના કારણે અત્યારથી જ જોરદાર માઈલેજ મળ્યું છે. કારણ કે, ‘દિલ્હી સફારી’ના હીરો યુવી એટલે કે દીપડાના બચ્ચાંની મુંબઈના બોરિવલીમાં આવેલા સંજય ગાંધી નેશનલ પાર્કના મેસ્કોટ તરીકે પસંદગી કરવામાં આવી છે.

આ અંગે ચિફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અને સંજય ગાંધી નેશનલ પાર્કના ડિરેક્ટર સુનીલ લિમયે કહે છે કે, “સંજય ગાંધી નેશનલ પાર્કના દીપડા પણ યુવી જેવી જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ નેશનલ પાર્ક તેમનું ઘર છે અને રોજેરોજ વધુને વધુ વૃક્ષોનો સફાયો થઈ રહ્યો છે. પરિણામે તેઓ માનવ વસતીમાં ઘૂસી જાય છે અને છેવટે માણસ સાથેના સંઘર્ષમાં તેમને મારી નાંખવામાં આવે છે. તેમનું જીવન ખતરામાં છે. યુવી આ તમામ મુશ્કેલીઓનું પ્રતીક છે.” લિમયેની વાત બિલકુલ સાચી છે. આપણે અખબારોમાં રોજેરોજ માનવ વસતીમાં ઘૂસી આવતા દીપડાના સમાચારો વાંચીએ છીએ.

સુનીલ લિમયે નેશનલ પાર્કમાં યુવીનું બેનર મૂકીને સંતોષ નથી માનવાના. તેઓ નેશનલ પાર્કની સમગ્ર બોર્ડર પર યુવીના બેનરો મૂકવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ કહે છે કે, “નેશનલ પાર્કના તમામ પ્રાણીઓ જંગલ વિસ્તાર ઓછો પડવો, ઘોંઘાટ અને શહેરીકરણ જેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. યુવીનું પાત્ર ખૂબ સુંદર છે અને તેથી જ અમે મેસ્કોટ તરીકે તેની પસંદગી કરી છે.” આમ તો નેશનલ પાર્કમાં અસલી પ્રાણીઓના ફોટોગ્રાફ કે પેઈન્ટિંગ મૂકાયા જ હોય છે. પરંતુ ખાસ કરીને બાળકોને કોઈ સંદેશ આપવા માટે ફિલ્મનું પાત્ર ઘણું અસરકારક પુરવાર થતું હોય છે. તેઓ કહે છે કે, “નેશનલ પાર્કમાં અસલી પશુ-પક્ષીઓના બેનરો એટલા રસપ્રદ નથી હોતા. પરંતુ એનિમેટેડ પાત્રો ઘણાં આકર્ષક હોય છે. તેથી અમે તેમના બેનરો લગાવવાનું નક્કી કર્યું છે.”

‘દિલ્હી સફારી’ના પોસ્ટરમાં યુવી 

‘સેવ મુંબઈ નેશનલ પાર્ક’ નામના પ્રોજેક્ટ સાથે સંકલાયેલા લોકો પણ ‘દિલ્હી સફારી’ જેવી ફિલ્મ બનાવવા બદલ ફિલ્મ ક્રૂનો આભાર માની રહ્યા છે. તેમનું માનવું છે કે, આ ફિલ્મના કારણે પર્યાવરણ મુદ્દે થઈ રહેલા આંદોલનોને ઘણી મદદ મળશે. બીજી તરફ, પ્રાણીઓના હક્કો અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘પેટા’ પણ ‘દિલ્હી સફારી’ને પ્રમોટ કરી રહી છે. ફિક્કી ફ્રેમ્સ 2012માં ‘દિલ્હી સફારી’ને બેસ્ટ ફિચર ફિલ્મનો એવોર્ડ મળી ચૂક્યો છે. એટલું જ નહીં, એનિમેશન ફિલ્મો માટેના અત્યંત પ્રતિષ્ઠિત એનેસી ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ભારત સરકારે ‘દિલ્હી સફારી’ની સત્તાવાર પસંદગી કરીને મોકલી દીધી છે.

‘દિલ્હી સફારી’ને અત્યારથી જ આટલો સારો પ્રતિસાદ મળતા નિર્માતાઓએ તેને એકસાથે 300 સિનેમાઘરોમાં રજૂ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત આ ફિલ્મ અંગ્રેજીમાં પણ બનાવવાની જાહેરાત કરાઈ છે. ફિલ્મની અંગ્રેજી આવૃત્તિમાં હોલિવૂડના કલાકારો અવાજ આપવાના છે. જ્યારે ચાઈનીઝ અને રશિયન ભાષામાં પણ ‘દિલ્હી સફારી’ બની ચૂકી છે. આ અંગે નિખિલ અડવાણી કહે છે કે, “આટલી સફળતા બહુ મોટા ગર્વની વાત છે. અમે આશા રાખીએ છીએ કે, આ ફિલ્મ થકી અમે વાઈલ્ડ લાઈફ પ્રત્યે જાગૃતિ લાવવામાં મદદરૂપ થઈશું.”

આપણે પણ આશા રાખીએ કે, આ ફિલ્મ થકી કમસે કમ બાળકોમાં પર્યાવરણ અંગે થોડીઘણી જાગૃતિ આવે. આજે પણ મોટા ભાગના ભારતીયો ફક્ત મનોરંજન માટે ફિલ્મો જુએ છે, અને કદાચ એટલે જ મોટા ભાગના ભારતીય ફિલ્મમેકરો માટે ફિલ્મ એક બિઝનેસ છે. જોકે, છેલ્લાં દસેક વર્ષમાં દર્શકોનો ટેસ્ટ બદલાયો છે. પરિણામે અત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કંઈક નવું કરવા માંગતા લેખકો અને દિગ્દર્શકોનો ઝડપથી સ્વીકાર થઈ રહ્યો છે. આજના યુવા લેખકો અને દિગ્દર્શકોમાં ક્રિએટિવિટી ઠાંસી ઠાંસીને ભરી છે. તેઓ જાણે છે કે, કોઈ સંદેશ આપવા માટે અત્યંત નીરસ ફિલ્મ બનાવવાનો કોઈ મતલબ નથી. ફિલ્મ જેવા મજબૂત માધ્યમનો ઉપયોગ કરીને કોઈ સંદેશ આપવો હોય તો તેમાં મનોરંજનનું તત્ત્વ પણ સુંદર રીતે વણાયેલું હોવું જરૂરી છે.

નોંધઃ તમામ તસવીરો ઈન્ટરનેટ પરથી લીધી છે. 

08 October, 2012

ઉદ્યોગગૃહો અને મજૂરો વચ્ચેનો ‘ચક્રવ્યૂહ’


આપણે નસીબદાર છીએ કે આજની અનેક કોમર્શિયલ ફિલ્મોમાં દેશની જટિલ મુશ્કેલીઓનો પડઘો સાંભળવા મળે છે. બિહારના વતની પ્રકાશ ઝા મોટે ભાગે આવી જ ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. તેમની ફિલ્મોમાં વાસ્તવિક ભારતની છબીનું બખૂબી ચિત્રણ કરાયું હોય છે. અનામત જેવા ગંભીર મુદ્દે તેઓ ‘આરક્ષણ’ બનાવી ચૂક્યા છે. હવે તેઓ નક્સલવાદ જેવા અત્યંત સંવેદનશીલ અને જોખમી વિષય પર ‘ચક્રવ્યૂહ’ લઈને આવી રહ્યા છે. ‘ચક્રવ્યૂહ’ 24 ઓક્ટોબરે પ્રદર્શિત થઈ રહી છે.

‘ચક્રવ્યૂહ’માં આદિલ (અર્જુન રામપાલ) અને કબીર (અભય દેઓલ) નામના બે જીગરજાન દોસ્તોની વાત છે. આદિલ ઈમાનદાર, બહાદુર અને મક્કમ મનોબળ ધરાવતો પોલીસ અધિકારી તેમજ પ્રેમાળ પતિ છે. કાયદાનો દુશ્મન આદિલનો દુશ્મન છે. બીજી તરફ, કબીર ચાલીમાં ઉછરેલો અને કોઈ જ પ્રકારનો ઈતિહાસ નહીં ધરાવતો યુવક છે. કબીર પાસે એક જ સારી વાત છે, અને તે છે આદિલ સાથેની દોસ્તી. આદિલ માટે કબીર કશું પણ કરી શકે છે. પરંતુ કબીર નક્સલવાદીઓ સાથે જોડાયા પછી તેમની દોસ્તીમાં ભંગાણ પડે છે.

‘ચક્રવ્યૂહ’ ફિલ્મનું પોસ્ટર 

કેટલાક લોકો ‘ચક્રવ્યૂહ’ની વાર્તાને રિચર્ડ બર્ટન કે પીટર ઓ ટૂલ અભિનિત ‘બેકેટ’ કે તેનાથી પ્રેરિત ‘નમકહરામ’ જેવી સામાન્ય ફિલ્મ ગણાવી રહ્યા છે. રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન અભિનિત ‘નમકહરામ’માં પણ બે જીગરજાન દોસ્તો વચ્ચે દુશ્મનીની વાત છે. આ ફિલ્મમાં શ્રીમંત પિતાના પુત્ર અમિતાભની કંપનીમાં રાજેશ ખન્ના પણ નોકરી કરતો હોય છે. પરંતુ યુનિયન લીડર બન્યા પછી તેમની વચ્ચે દુશ્મનીના બીજ રોપાય છે. અહીં કહેવાનો મતલબ એ છે કે, કોઈ કારણોસર બે જીગરી મિત્રો વચ્ચે દુશ્મની થઈ જાય એ વાર્તા પહાડો જેટલી જ જૂની છે. તેથી ‘ચક્રવ્યૂહ’ પર આડકતરી રીતે નકલખોરીના આરોપ લગાવવા મૂર્ખતા છે.

એક સંવેદનશીલ ફિલ્મકાર પોતાની ફિલ્મોમાં જાત અનુભવોને વણી લેતો હોય છે. એક ઈન્ટરવ્યૂમાં પ્રકાશ ઝા કહે છે કે, “અત્યારે નક્સલવાદનો વિષય નવો નથી. પરંતુ સિત્તેરના દાયકામાં હું રામજાસ કોલેજ (નવી દિલ્હી)માં ભણતો હતો ત્યારે મેં ખૂબ નજીકથી નક્સલવાદ જોયો હતો. તે વખતે આ બધુ રોમાંચક લાગતું હતું. અમે જાતિહીન સમાજની વાતો કરતા હતા. કોમરેડ ચારુ મજુમદાર અમારા આદર્શ હતા. નક્સલવાદ પરની ફિલ્મ બનાવવાનો વિચાર સૌથી પહેલાં મને વર્ષ 2003માં આવ્યો હતો. પરંતુ છેલ્લાં આઠ-દસ વર્ષમાં નક્સલવાદ ખૂબ ફૂલ્યો-ફાલ્યો છે, વધુ જિલ્લા નક્સલવાદથી પ્રભાવિત થયા છે. પછી મેં દેશમાં ભ્રમણ કરવાનું ચાલુ કર્યું ત્યારે વધુ કેટલાક મુદ્દા મારી સામે આવ્યા. અસમાનતાની ખાઈ પણ વધુ ઊંડી થઈ છે. સંપત્તિનું એકત્રીકરણ એક જ તરફ થયું છે. આવા વિવિધ કારણોસર દેશના જ લોકો દેશવિરોધી થઈ રહ્યા છે.”

‘ચક્રવ્યૂહ’ના શૂટિંગમાં વ્યસ્ત પ્રકાશ ઝા
નક્સલવાદીઓની છાવણીનું એક દૃશ્ય 

પ્રકાશ ઝાનું અવલોકન સચોટ છે. આઝાદી પછી ભારતમાં અસમાનતાની ખાઈ વધુને વધુ પહોળી થતી ગઈ છે. આજે કરોડો ભારતીયો ગરીબી, મોંઘવારી અને ભ્રષ્ટાચારના કારણે ત્રસ્ત છે. બીજી તરફ, રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ સંપત્તિનું બિભત્સ પ્રદર્શન કરી રહ્યા છે. જેના કારણે ગરીબો જ નહીં, મધ્યમવર્ગમાં પણ તેમના પ્રત્યે ઈર્ષા અને નફરતનું પ્રમાણ વધ્યું છે. ઉદ્યોગપતિઓ અને મજૂરોનો સંબંધ પણ સાસુ-વહુ જેવો હોય છે. પરંતુ પ્રકાશ ઝાએ ‘ચક્રવ્યૂહ’ના એક ગીતમાં ઉદ્યોગપતિઓ પર સીધુ નિશાન તાકીને તેમની નારાજગી વ્હોરી લીધી છે.

‘ચક્રવ્યૂહ’નું એ ગીત અત્યારથી જ ખાસ્સું વિવાદાસ્પદ થયું છે. આ ગીતના શબ્દો છે, “બિરલા હો યા ટાટા, અંબાણી હો યા બાટા. સબને અપને ચક્કર મૈં દેશ કો હૈ કાટા. અરે હમરે હી ખૂન સે ઈનકા, એન્જિન ચલે ધકધક...” આ ગીતમાં સ્પષ્ટપણે સામ્યવાદી વિચારધારા પ્રદર્શિત થાય છે. નાનકડા દૃશ્યમાં પણ વાંધા જોનારા સેન્સર બોર્ડે ફક્ત પ્રકાશ ઝાનો ખુલાસો માંગીને આ ગીતને મંજૂરી આપી દીધી છે. તેમણે ખુલાસો આપ્યો છે કે, “આ શબ્દો મેં ફક્ત પ્રતીકાત્મક રીતે વાપર્યા છે. અમારો હેતુ કોઈ વ્યક્તિ કે બ્રાન્ડને નુકસાન કરવાનો નથી. આ ગીત અમે ગ્રામ્ય ભારતમાંથી લીધું છે. આ તેમની વિરોધ કરવાની રીત છે.” નવાઈની વાત એ છે કે, સેન્સર બોર્ડે આ ખુલાસો સ્વીકારી લીધો છે.

તેઓ ઉમેરે છે કે, “ભારતમાં ઉદ્યોગપતિઓની વાત આવે એટલે આપણે ટાટા અને બિરલા વિશે જ વિચારીએ છીએ.” પ્રકાશ ઝાની વાત સાચી છે, પરંતુ તેમણે એ ન ભૂલવું જોઈએ કે ભારતમાં સમાજવાદથી પ્રભાવિત ઉદ્યોગપતિઓની પણ કોઈ કમી નથી. દેશના વિકાસમાં તેમણે પણ અમૂલ્ય ફાળો આપ્યો છે અને આઝાદી બાદ તેમણે લાખો લોકોને રોજગારી આપી છે. કદાચ એટલે જ નક્સલવાદ જેવા વિષય પર ફિલ્મ બનાવવી અત્યંત જટિલ કામ છે.

આ અંગે પ્રકાશ ઝા કહે છે કે, “એક સાર્વભૌમ રાષ્ટ્રમાં રહેતો હોવા છતાં હું કોઈ સામાજિક હેતુ માટે લાગણી ધરાવતો હોઈ શકું છું. આપણે એક સિસ્ટમની જરૂર છે. તેમની માગણીઓ સાચી છે, પરંતુ તેમના રસ્તા ખોટા છે. પરંતુ અહીં સરકાર પ્રેરિત હિંસા પણ પ્રવર્તમાન છે. મેં આ ફિલ્મમાં તમામ પાસાંને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે. મને લાગે છે કે, આ બધું લોકોની નજર સમક્ષ લાવવાનો આ ઉત્તમ સમય છે...આમ તો, આ બે મિત્રોની વિચારધારાના ટકરાવની વાત છે, પરંતુ અમે ખૂબ સંશોધન કર્યું છે. લાખો દસ્તાવેજો વાંચ્યા છે. સંશોધન કરવા માટે મારી પાસે આખી ટીમ હતી.”

અર્જુન રામપાલ અને ઈશા ગુપ્તાનું એક દૃશ્ય

ભારતમાં સામ્યવાદથી પ્રભાવિત વિચારસરણી ધરાવતી અનેક ફિલ્મો બની ચૂકી છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં આવેલી ગોવિંદ નિહલાણીની ‘હજાર ચૌરાસી કી મા’, સુધીર મિશ્રાની ‘હજારો ખ્વાઈશે ઐસી’ અને કબીર કૌશિકની ‘ચમકુ’ જેવી ફિલ્મોમાં પણ નક્સલવાદની જ વાત હતી. આ સિવાય તમિળ અને મલયાલમ ભાષામાં પણ નક્સલવાદ પર સારી ફિલ્મો બની ચૂકી છે. પરંતુ ‘ચક્રવ્યૂહ’ જેવી કોમર્શિયલ ફિલ્મ પાસે આપણે થોડી વધુ અપેક્ષા રાખી શકીએ છીએ.

‘ચક્રવ્યૂહ’માં નક્સલવાદની વાત હોવા છતાં તે એક એન્ટરટેઈનિંગ ફિલ્મ છે. પ્રકાશ ઝા દૃઢપણે માને છે કે, ફિલ્મો ઉપદેશાત્મક કે ઉકેલ આપનારી જ હોય એ જરૂરી નથી. અમે ફક્ત એવું સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે, આખરે નક્સલવાદીઓ આવું કેમ કરે છે અને સિસ્ટમમાં ક્યાં ગરબડ છે? તેઓ જાણે છે કે, પોતાની વાત વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માટે ફિલ્મમાં મનોરંજનનું તત્ત્વ હોવું જરૂરી છે. તેથી ‘ચક્રવ્યૂહ’માં આઈટમ સોંગની સાથે અર્જુન રામપાલ અને ઈશા ગુપ્તાનો એક લવમેકિંગ સીન પણ ઉમેરવામાં આવ્યો છે. પ્રકાશ ઝા જાણે છે કે, થોડા વધુ દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવા આ જરૂરી છે. આજના યુવા ભારતની આ તાસીર છે.

એક ઈન્ટરવ્યૂમાં પ્રકાશ ઝાએ જણાવ્યું હતું કે, “એક ફિલ્મમેકર તરીકે હું મનોરંજન ઈચ્છતા લોકો સમક્ષ કેવી રીતે સામાજિક મુદ્દો પહોંચાડવો તે માટે પ્રયત્નશીલ હોઉ છું. વિચારો પહોંચાડવાની સાથે મારે કમાણી પણ કરવી છે. ‘દામુલ’ અને ‘પરિણિતી’ પ્યોરલી મારી ફિલ્મો હતી. પરંતુ મૃત્યુદંડથી મેં સમાધાન કરવાનું ચાલુ કર્યું. નહીં તો મારે દુકાન બંધ કરીને બિહાર ભેગા થવું પડ્યું હોત!

ખેર, કોઈ ફિલ્મમેકર ફિલ્મ જેવા મજબૂત માધ્યમથી સામાજિક મુદ્દા લોકો સમક્ષ ઉજાગર લાવે તે સારી વાત છે. પ્રકાશ ઝાએ આરક્ષણ બનાવ્યું ત્યારે અનેક લોકોએ તેમને કહ્યું હતું કે, ફિલ્મ સારી છે પરંતુ અનામતનો ઉકેલ શું છે એ વિશે તમે કશું જ નથી કહ્યું. જોકે, આ વાત અર્ધસત્ય છે. કારણ કે, ફિલ્મ જોઈને સમજવી એ પણ એક કળા છે. ફિલ્મો પાસેથી કોઈ મુશ્કેલીના સંપૂર્ણ અને સચોટ ઉકેલની આશા રાખવી વધુ પડતુ છે.