14 September, 2012

ક્રાંતિકારી ફિલ્મ ડિરેક્ટર બેડોની ફિલ્મ ‘ચિત્તગોંગ’


એક ક્રાંતિકારી વિચારો ધરાવતો બંગાળી યુવક કોલકાતામાં કોલેજ પૂરી કરીને વધુ અભ્યાસ માટે આઈઆઈટી ખરગપુર જાય છે. અહીં તે ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈલેક્ટ્રિકલ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં સ્નાતક થઈને ન્યૂયોર્કની કોલમ્બિયા યુનિવર્સિટીમાં એડમિશન લે છે. અહીં માસ્ટર્સ અને પીએચ.ડી. પૂરું કરે છે. આ દરમિયાન તે ચારેક મિત્રો સાથે મળીને એક્ટિવ પિક્સલ સેન્સર નામની ટેક્નોલોજી વિકસાવીને વિશ્વનો સૌથી નાનો કેમેરા બનાવે છે. આ કેમેરાને અમેરિકાની સ્પેસ ટેક્નોલોજી હૉલ ઓફ ફેમમાં સ્થાન મળે છે. આજકાલ આ કેમેરાનો મોબાઈલ ફોનમાં ઉપયોગ થઈ રહ્યો છે. બાદમાં આ યુવક સતત 18 વર્ષ સુધી નાસામાં સિનિયર રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે કામ કરે છે. આજે અમેરિકામાં આ યુવકના નામે બે-ચાર નહીં, પણ કુલ 87 પેટન્ટ બોલે છે. પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે, આટલા અભ્યાસની સાથે-સાથે આ યુવક નાટકો, રેલીઓ અને કલાત્મક રજૂઆતો થકી સામાજિક મુદ્દા ઉઠાવતો રહે છે.

બેડાબ્રતા પેન
આ ક્રાંતિકારી યુવક એટલે બેડાબ્રતા પેન. તેઓ કહે છે કે, “હવે હું મારી જાતને અભિવ્યક્ત કરવા ‘ચિત્તગોંગ’ નામની ફિલ્મ લઈને આવ્યો છું.” આપણે કબૂલવું પડે કે, બેડાબ્રતા ઉર્ફે બેડો જેવુ વિચિત્ર નામ ધરાવતા આ ફિલ્મ ડિરેક્ટરનું નામ હિન્દી સિનેમામાં બિલકુલ જાણીતું નથી. કારણ કે, આ પહેલાં તેઓ નિર્માતા તરીકે કોંકણા સેન શર્માને ચમકાવતી ‘અમુ’ નામની ફિલ્મ લઈને આવ્યા હતા. હવે તેઓ ચિત્તગોંગ ક્રાંતિ પર આધારિત ‘ચિત્તગોંગ’ નામની ફિલ્મ લઈને આવી રહ્યા છે. જેમણે આશુતોષ ગોવારીકરની ‘ખેલે હમ જી જાનસે’ જોઈ હશે તેઓ બંગાળની ચિત્તગોંગ ક્રાંતિ અને સૂર્યાસેન વિશે થોડું ઘણું જાણતા હશે. આઝાદીકાળ વખતે સૂર્યાસેન નામના બંગાળના એક શિક્ષકે અનેક વિદ્યાર્થીઓને બ્રિટિશરો સામે લડવા માટે તૈયાર કર્યા હતા. સૂર્યાસેનના પ્રયાસોના કારણે બંગાળમાં બ્રિટિશરો વિરુદ્ધની ક્રાંતિકારી લડતમાં ઘણી મદદ મળી હતી. છેવટે સૂર્યાસેનને 12 જાન્યુઆરી, 1934ના રોજ ફાંસી આપી દેવાઈ હતી. આઝાદીની જ્યોત જીવતી રાખવાના તેમના અનન્ય પ્રયાસને બિરદાવવા ભારતે વર્ષ 1977 અને બાંગલાદેશે વર્ષ 1999માં તેમના નામે ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ‘ચિત્તગોંગ’માં સૂર્યાસેન નામના શિક્ષકનું પાત્ર મનોજ બાજપાઈએ ભજવ્યું છે.

જોકે, બેડોનું કહેવું છે કે, “મારી ફિલ્મમાં માસ્ટર દા સૂર્યાસેનના જીવનમાં બનેલી ઘટનાઓને એક 14 વર્ષના એકદમ સંસ્કારી કિશોર સુબોધ રોયની દૃષ્ટિએ જોવાનો પ્રયાસ કરાયો છે. આ ફિલ્મમાં તેનું નામ ઝૂંકુ છે, જે ક્રાંતિકારી બનતા પહેલાં પોતાની જાત સાથે લડે છે. આ ફિલ્મની સ્ક્રીપ્ટ લખતી વખતે મેં મારા પુત્ર ઈશાનને નજર સમક્ષ રાખ્યો હતો. હું સતત મારી જાતને પૂછતો હતો કે, જો મારો પુત્ર ઈશાન કોઈ લક્ષ્ય ખાતર આવા ક્રાંતિકારી જૂથમાં જોડાવા ઈચ્છે તો હું શું પ્રતિક્રિયા આપત! આવા પ્રશ્નોમાંથી આ વાર્તાનું સર્જન થયું છે.”

‘ચિત્તગોંગ’ ફિલ્મનું પોસ્ટર 

હવે, ઈશાનની વાત કરતાં પહેલાં થોડો ભૂતકાળ જોઈએ. બેડો કોલમ્બિયા યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગમાં માસ્ટર્સ અને પીએચ.ડી. કરતા હતા ત્યારે ત્યાં પોલિટિકલ સાયન્સમાં શોનાલી બોઝ નામની એક બંગાળી યુવતી પણ માસ્ટર્સ કરતી હતી. એકસરખા વિચારો ધરાવતા આ બંને આઝાદ ખયાલી યુવાનો એકબીજાને પસંદ કરવા માંડે છે અને છેવટે લગ્ન કરી લે છે. શોનાલી પણ ફિલ્મ દિગ્દર્શક, સ્ક્રીપ્ટ રાઈટર અને નિર્માત્રી છે. શીખ રમખાણો પર આધારિત ‘અમુ’ ફિલ્મનું દિગ્દર્શન શોનાલીએ જ સંભાળ્યું હતું. આ ફિલ્મને શ્રેષ્ઠ અંગ્રેજી ફિચર ફિલ્મ શ્રેણીમાં વર્ષ 2005નો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયો હતો. ‘અમુ’માં શોનાલીએ સીપીએમના મહિલા નેતા વૃંદા કરાત પાસે પણ બખૂબી અભિનય કરાવ્યો હતો. બેડો અને શોનાલીએ ‘અમુ’થી ફિલ્મી કારકિર્દી શરૂ કરી હતી. આ દરમિયાન તેઓ સાત વર્ષના પુત્ર ઈશાનના માતાપિતા પણ બની ગયા હતા. પરંતુ એક દિવસ ઈશાન બાથરૂમમાં શાવર લેતી વખતે ઈલેક્ટ્રિક કરંટ લાગતા મૃત્યુ પામે છે. આ ઘટનાથી તેઓ પર આભ તૂટી પડે છે.

આટલા ઊંડા આઘાતનો ભોગ બનેલા બેડોએ કદાચ એટલે જ ‘ચિત્તગોંગ’ના બળવાને 14 વર્ષીય કિશોરની દૃષ્ટિએ જોવાનો પ્રયાસ કર્યો છે. તેઓ કહે છે કે, “આમ તો આ ફિલ્મ પ્રિતિલતા વાડેદર નામની ક્રાંતિકારી કિશોરીને પણ યાદ કરે છે. પ્રિતિલતા પણ સૂર્યાસેન સાથે જોડાઈને ક્રાંતિકારી બની ગઈ હતી અને તેણે યુરોપિયન ક્લબ પર હુમલો કર્યો હતો. બાદમાં તેણે જીવિત નહીં પકડાવાની યોજનાના ભાગરૂપે આત્મહત્યા કરી લીધી હતી. મેં જ્યારે પહેલીવાર પ્રિતિલતા વિશે વાંચ્યું ત્યારે હું ચોંકી ગયો હતો. કારણ કે, તે ફક્ત 21 વર્ષની જ હતી.” નોંધનીય છે કે, પ્રિતિલતાએ જે યુરોપિયન ક્લબ પર હુમલો કર્યો તેના પર “ડોગ્સ એન્ડ ઈન્ડિયન્સ નોટ એલાઉડ” એ મુજબનું બોર્ડ માર્યું હતું. 

આમ તો, બેડો બંગાળમાં ઉછર્યા હોવાથી નાનપણથી જ ચિત્તગોંગની લડતની વાર્તાઓ સાંભળીને મોટા થયા હતા. તેમને લાગતું હતું કે, ચિત્તગોંગના બળવાની વાત ઘણી જાણીતી છે. કદાચ એટલે જ તેમને આ વાર્તા કોઈને સંભળાવવાની જરૂર નહોતી લાગતી. પરંતુ દિલ્હી યુનિવર્સિટીના ઈતિહાસના એક સ્નાતક સાથે વાતચીત કરતા તેમને જાણ થાય છે, આ યુવકે પણ ચિત્તગોંગ ક્રાંતિ વિશે ક્યારેય સાંભળ્યું નથી. આ અનુભવ પછી બેડોને લાગે છે કે, ચિત્તગોંગ પર ફિલ્મ બનાવવી જોઈએ. બેડોએ ‘ચિત્તગોંગ’નું શૂટિંગ ચિત્તગોંગમાં જ કર્યું છે, જે પ્રદેશ હાલ બાંગલાદેશમાં છે. આ ફિલ્મ માટે નિર્માતાઓ શોધતા બેડોને બે વર્ષ લાગી ગયા હતા. છેવટે સુનિલ બહોરા, અનુરાગ કશ્યપ અને એનડીટીવી સહમત થયા હતા. બેડો કહે છે કે, “આ ફિલ્મ માટે મેં પણ મારી 87 પેટન્ટમાંથી કમાયેલો એક એક પૈસો ખર્ચી કાઢ્યો છે.”

‘ચિત્તગોંગ’ 12 ઓક્ટોબરે સિનેમાઘરોમાં આવી રહી છે. ત્યાર પછી બેડો આસામ, મધ્ય ભારત અને કાશ્મીરની રાજકીય ડામાડોળ સ્થિતિ વચ્ચે આકાર લેતી એક લવસ્ટોરી પર કામ શરૂ કરવાના છે. આ ઉપરાંત તેઓ એક ક્લાસિકલ પ્રાદેશિક ફિલ્મની રિમેક બનાવવાનું પણ વિચારી રહ્યા છે. આશા રાખીએ કે, ‘ચિત્તગોંગ’ સફળ થાય અને તેમણે પેટન્ટ થકી કરેલી કમાણી તેમને પાછી મળી જાય!

1 comment:

  1. વિશાલ ભાઈ , ચિતાગોંગ ની ક્રાંતિ વિષે જાણ તો હતી , અને તેના પર બનેલ મુવી વિષે પણ આછેરો ખ્યાલ હતો , પણ પડદા પાછળના નાયક " બેડો " વિષે જરા સરખી પણ માહિતી ન હતી ! આપે ખુબ સુંદર વિવરણ કરી , મુવી વિષે મારી ઉત્કંઠા વધારી દીધી !

    ReplyDelete