27 March, 2017

સિટી બજાઇ લે, ખીચડી પકાઇ લે, પેટ મેં બડી આગ હૈ...


ભારતનો રાષ્ટ્રીય આહાર શું હોઇ શકે? કોઇ પણ ફૂડ એક્સપર્ટ સાથે આ મુદ્દે ચર્ચા કરી જોજો. જવાબ હશે, ખીચડી. કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી બિહાર સુધી જુદા જુદા સ્વરૂપે ખીચડી ખવાય છે. કૂકરમાં ચાર સિટી વગાડો એટલે જોઈએ એવી ખીચડી તૈયાર. ખીચડી દુનિયાની સૌથી ઝડપથી અને સરળતાથી તૈયાર થતી માઉથ વૉટરિંગ ડિશ છે. ખીચડીનો સૌથી મોટો ફાયદો એ છે કે, સ્વાદ પ્રમાણે તેની જયાફત ઉડાવી શકાય છે. જેમ કે, આપણે ત્યાં બટાકાનું રસાવાળું શાક, કાંદા અને ભાખરી સાથે ઘીમાં ચોળેલી ખીચડીનું જમણ ઘણું લોકપ્રિય છે. દૂધ, છાશ કે કઢી- જે પસંદ હોય તેની સાથે પણ ખીચડીનો લુત્ફ ઉઠાવી શકાય છે. ખીચડીમાં વૈવિધ્ય પણ અપરંપાર છે. ખીચડી તુવેરની દાળ, મગની દાળ, ચણાની દાળ અને ફાડાની બની શકે છે. સ્પાઇસી અને હલકુંફૂલકું ખાવાની ઇચ્છા હોય તો કાંદા, લસણ, વટાણા, ટામેટા, બટાકા, રીંગણ, કોબીજ કે પાલક શાકભાજી અને તેજાના નાંખીને રાંધેલી મસાલેદાર ખીચડી ઉત્તમ વિકલ્પ છે. એ મસાલા નડે નહીં એ માટે ખીચડીમાં બે-પાંચ ચમચી દેશી ઘી નાંખવુ હિતાવહ છે. હવે તો ડ્રાયફૂટ ખીચડી પણ અસ્તિત્વમાં આવી છે. ગુજરાતીઓ ઉપવાસમાં પણ ખીચડી ખાય છે. હા, સાબુદાણાની.

ગુજરાતીઓ દાળભાત-ખીચડી ખાતા હોવાથી શારીરિક રીતે નબળા હોય છે અને એટલે જ ભારતીય સેનામાં ગુજરાતીઓની રેજિમેન્ટ નથી, એ ગેરમાન્યતા છે. સેનામાં ગુજરાતીઓની સંખ્યા ઓછી છે અને રમતગમતમાં પણ ગુજરાતીઓ કાઠું કાઢી શકતા નથી, એના કારણો બીજા છે. આ મુદ્દાને દાળભાત, ખીચડી કે શાકાહાર સાથે કોઈ લેવાદેવા નથી. દેશમાં સૌથી વધારે શાકાહારીઓ ગુજરાતમાં નથી. ભારત સરકારની રજિસ્ટ્રાર જનરલ એન્ડ સેન્સસ કમિશનર ઓફિસના આંકડા પ્રમાણે, દેશમાં સૌથી વધારે, ૭૪.૯ ટકા શાકાહારીઓ, રાજસ્થાનમાં છે. હરિયાણામાં ૬૯.૨૫ ટકા અને પંજાબમાં ૬૬.૭૫ લોકો શાકાહારી છે, જ્યારે ગુજરાતની ૬૦.૯૫ ટકા પ્રજા શાકાહારી છે. આમ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં શાકાહારીઓ વધારે હોવા છતાં સેનામાં આ ત્રણેય રાજ્યના જવાનો સારી એવી સંખ્યામાં છે.

ખીચડીની ભાષા, ભાષામાં ખીચડી 

હા, તો વાત હતી ખીચડીની. ભગવદ્ગોમંડળમાં ખીચડીના અનેક અર્થ આપ્યા છે. જેમ કે, એક જાતનો કરવેરો, નૃત્યાંગનાને અગાઉથી અપાતી રકમ, બેર નામના વૃક્ષનું ફૂલ, સોનાચાંદીનો જથ્થો જેવા અનેક અર્થો માટે એક સમયે 'ખીચડી' શબ્દનો ઉપયોગ થતો... એટલે કે ખીચડી શબ્દ એક મૂલ્યવાન જણસના રૂપમાં વપરાતો હશે! ગુજરાતી ભાષાની સમૃદ્ધિ તો જુઓ! ફાડાની ખીચડી એટલે ઘઉંના ફાડા અને મગની મોગર દાળમાંથી બનતી ખીચડી. આ ખીચડી માટે પણ ગુજરાતી ભાષામાં અલગ નામ છે, 'દળિયો' અને 'થૂલી'. અનેક પ્રકારની બિમારીઓમાં થૂલી કે મગની દાળની સાદી ખીચડી ઉત્તમ આહાર છે કારણ કે, એ પચવામાં હલકી અને પોષકદ્રવ્યોની દૃષ્ટિએ સમૃદ્ધ છે. આયુર્વેદમાં પણ તેનો ઉલ્લેખ છે. બાળકને માતાના દૂધ પરથી સોલિડ ફૂડ પર લાવવાની શરૂઆત કરાય ત્યારે સૌથી પહેલાં ખીચડી ખવડાવાય છે.

મસાલેદાર ખીચડી

ગુજરાતી રૂઢિપ્રયોગો અને કહેવતોમાં પણ ખીચડીની બોલબાલા છે. જેમ કે, વખાણેલી ખીચડી દાઢે ચોંટી અને ઘી ઢોળાયું તો ખીચડીમાં જ. જે ગુજરાતીને આ બે કહેવત સમજાવવી પડે એ પાક્કો ગુજરાતી નથી! આ સિવાય પણ અનેક કહેવતો છે. ખીચડી લેવી એટલે લાંચ-રૂશ્વત લેવી. ખીચડી પકાવવી એટલે ગોટાળો કરવો. મફતના પગાર-ભથ્થાં લઇને બેસી રહેનારી વ્યક્તિ 'ખીચડી ખાઇ રહી છે' એમ કહેવાય. મોટા પંથમાં ભક્ત-ભક્તાણી છિનાળું કરે, વ્યભિચાર કરતા હોય ત્યારે પણ સાંકેતિક ભાષામાં 'ખીચડી ખાધી' જેવો પ્રયોગ કરાય છે. ખીચડી ખવડાવવી એટલે ભરણપોષણ કરવું. દાદાગીરી કરતા માણસ માટે પણ એક પ્રયોગ છે, બહુ ખીચડી ખદબદવી.

વૈષ્ણવ સંપ્રદાયમાં અન્નકૂટમાં ખીચડીના પ્રસાદનું ખાસ મહત્ત્વ છે. ભક્તોની સાથે ભગવાન 'ભાણેજ'ને જમવા તેડાવાય ત્યારે ખીચડી પીરસાય છે. આ ખીચડીને 'સખડી' પણ કહે છે. કેમ ખબર છે? તેલ, મીઠું, મરચું અને પાણીથી બનાવેલી વાનગીને સખડી કહેવાય. જેમ કે, ખીચડી. એવી જ રીતે, ફક્ત ઘી, લોટ, ગોળ અને ખાંડમાંથી બનતી વાનગી એટલે અનસખડી. જેમ કે, થોર. અનસખડીમાં તેલ, મીઠું અને મરચું ના હોય. સખડી અને અનસખડી વાનગીઓનો આ ફર્ક છે. બંને પ્રકારની વાનગી માટે જુદા જુદા શબ્દો. સખડીના ખીચડી પ્રસાદની બીજી એક ખાસિયત એ છે કે, તે બનાવવા એકની ઉપર એક એમ સાત હાંડી મૂકાય છે. રસપ્રદ વાત એ છે કે, સૌથી ઉપરની હાંડીની ખીચડી સૌથી પહેલા રંધાઈ જાય છે. આજેય ઓડિશાના પૂરીના મંદિરમાં આવી રીતે ખીચડી તૈયાર થાય છે. અહીં સદીઓથી ભગવાનને સાત હાંડીની ખીચડીનો ભોગ ધરાવાય છે.

યક્ષ અમાવસ્ય અને મકર સંક્રાંતિની ખીચડી

ગુજરાત બહાર પણ ખીચડી એટલી જ લોકપ્રિય છે. એવું કહી શકાય કે, ખીચડી સાંસ્કૃતિક રીતે આખા દેશને એક તંતુએ જોડે છે. કાશ્મીરથી શરૂ કરીએ. યક્ષ અમાવસ્ય કાશ્મીરી પંડિતોનો ખૂબ જાણીતો તહેવાર છે. આ દિવસે પંડિતો યક્ષોના ભગવાન કુબેરને ખીચડીનો ભોગ ધરાવે છે. યક્ષ અમાસની રાત્રે કાશ્મીરી પંડિતો ખીચડી રાંધે છે, શુભ મંત્રોચ્ચાર કરીને થાળી તૈયાર કરે છે અને અગાશીમાં જઈને મૂકી આવે છે. કાશ્મીરી પંડિતોની માન્યતા છે કે, યક્ષો અમારા ઘરે ખીચડી ખાવા પધારશે. કાશ્મીરમાં કદમ કા અચાર, બોલે તો, ગાંઠ ગોભી એટલે કે મૂળિયા સાથે ખાઈ શકાય એ પ્રકારની કોબીજના અથાણા સાથે ખીચડી ખવાય છે. હિમાચલ પ્રદેશમાં રાજમા અને ચણાની ખપત વધારે છે. એટલે ત્યાં ચોખા, રાજમા અને ચણાની દાળની  શેકેલા ધાણાં, મેથી અને જીરુમાં વઘારેલી સુગંધીદાર ખીચડી લોકપ્રિય છે, જે બલઇ તરીકે ઓળખાય છે. રાજસ્થાનમાં ચોખા ઓછા પાકે છે એટલે ત્યાં ઘઉં, બાજરી અને મસૂરની દાળની ખીચડી ખવાય છે.

હિમાચલ પ્રદેશની રાજમા-ચણાની બલઇ, રાજસ્થાનની બાજરાની ખીચડી અને પીસ્તાથી તરબતર ગળ્યો ખીચડો

ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર અને મધ્યપ્રદેશમાં મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે ચોખા અને અડદની ખીચડી ખવાય છે, જેને 'અમલ ખીચરી' પણ કહેવાય છે. કારણ કે, એ ખીચડીમાં આમળા નાંખવામાં આવે છે. આમળા દર્શાવે છે કે, ઠંડી હવે વિદાય લઈ રહી છે. માઇન્ડ વેલ. એ ખીચડીમાં અડદની દાળની નહીં, પણ અડદની હોય છે. અડદનો રંગ કાળો હોય છે, જેને છડ્યા પછી તે કાળો નથી રહેતો પણ આછો પીળાશ પડતો થઈ જાય છે. આ પીળાશ પડતો અડદ એટલે અડદની દાળ. ઉત્તર ભારતમાં તો મકરસંક્રાંતિનો તહેવાર જ 'ખીચરી' નામે ઓળખાય છે.

એવી જ રીતે, ગુજરાતમાં મકરસંક્રાંતિના તહેવારમાં ખીચડો રંધાય છે, ખીચડી નહીં. જોકે, આ પરંપરા ઉત્તર ભારતીયો સાથેના સાંસ્કૃતિક આદાનપ્રદાનમાંથી આવી છે! શબ્દો જેવી રીતે અપભ્રંશ થાય છે એવી જ રીતે, વાનગીઓ પણ જે તે વિસ્તારમાં જાય પછી ત્યાંની આગવી ઓળખ ધારણ કરી લે છે. ખીચડો ઘઉં, ચોખા અને બધી જ દાળ ભેગી કરીને બનાવાય છે. ખીચડામાં તીખો અને ગળ્યો એમ બે વિકલ્પ હોય છે. તેમાં ઘઉં, ચોખા, તુવેર-મગ અને ચણાની દાળ, મઠ, જુવાર એમ સાત પ્રકારના અનાજ-કઠોળ હોય છે, એટલે તે સાત ધાનનો ખીચડો પણ કહેવાય છે. ખીચડાનું મુખ્ય કન્ટેન્ટ ઘઉં છે, જ્યારે ખીચડીનું ચોખા.

ઉત્તર ભારતમાં પણ અનેક મંદિરોમાં ભગવાનને ખીચડીનો ભોગ ધરાવાય છે અને ભક્તોને ખીચડીનો પ્રસાદ અપાય છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જે મંદિરના મહંત છે, એ બાબા ગોરખનાથ મંદિરમાં તો 'ખીચડી મેળો' ભરાય છે. એવું કહેવાય છે કે, સદીઓ પહેલાં ગુરુ ગોરખનાથ હિમાચલના કાંગડામાં આવેલા જ્વાલા દેવી મંદિર માટે ખીચડીની ભિક્ષા લેવા આવ્યા હતા પણ ત્યાં જ સમાધિસ્થ થઈ ગયા. માન્યતા છે કે, આજેય જ્વાલા દેવી મંદિરમાં ગુરુ ગોરખનાથની રાહ જોવાઈ રહી છે કે, તેઓ ભિક્ષાપાત્રમાં ખીચડી લઈને આવશે. એટલે હજારો શ્રદ્ધાળુઓ ગુરુ ગોરખનાથ મંદિરમાં ખીચડીનો ભોગ ધરાવે છે પણ એ ભિક્ષાપાત્ર ક્યારેય ભરાતું જ નથી. નેપાળના રાજવીઓ પણ અહીં દર વર્ષે ખીચડીનો ભોગ ધરાવે છે.

અન્ના અને બાબુ મોશાયની ખીચડી 

ખીચડી ઉત્તરથી લઈને દક્ષિણ સુધીની સાંસ્કૃતિક પરંપરાને જોડે છે. દક્ષિણ ભારતમાં તમિલનાડુ, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં પોંગલના તહેવાર નિમિત્તે ખીચડી ખવાય છે. મકરસંક્રાંતિનો તહેવાર દક્ષિણ ભારતમાં પહોંચ્યા પછી પોંગલ થઈ ગયો. પોંગલ પણ સૂર્ય મકર રાશિમાં પ્રવેશે ત્યારે ૧૪મીથી ૧૭મી જાન્યુઆરી દરમિયાન ઊજવાય છે. પોંગલમાં ચક્કર, વેન, મેલાગુ અને પૂલી એમ ચાર પ્રકારની ખીચડી રંધાય છે. આ ખીચડી દક્ષિણ ભારતમાં 'પોંગલ' નામે પ્રચલિત છે. જરા વિચાર કરો. ઉત્તર ભારતમાં જે રીતે મકરસંક્રાંતિનો તહેવાર 'ખીચરી' નામે ઓળખાય છે એવી જ રીતે, દક્ષિણ ભારતમાં 'પોંગલ' નામે ઓળખાય છે. એટલે કે તહેવારના નામ પરથી જ વાનગીનું નામ અથવા વાનગીના નામ પરથી તહેવારનું નામ. જે ગણો તે.

ડ્રાય ફ્રૂટ્સ ભભરાવેલી ગળ્યા મધ જેવી ચક્કર પોંગલ અને શાકભાજીના ડિપ ફ્રાય ભજીયા સાથે બંગાળી ખીચુરી

દક્ષિણ ભારતમાં એકાદ હજાર વર્ષથી પોંગલની ઉજવણી થતી હોવાના ઉલ્લેખો મળે છે. પોંગલ શબ્દ તમિલ ભાષાના 'પોંગ' કે તેલુગુના 'પોંગુ' શબ્દ પરથી આવ્યો છે. પોંગનો અર્થ થાય છે બાફવું અને પોંગુનો અર્થ થાય છે ઉકાળવું. ચક્કર પોંગલ ચોખા, મગની દાળ, ગોળ અને ટોપરામાંથી બનાવાય છે, જેનો સ્વાદ ગળ્યો હોય છે. દક્ષિણ ભારતના મંદિરોમાં ચક્કર પોંગલનો ભોગ ધરાવાય છે. વેન, મેગાલુ અને પૂલી પોંગલ આપણી ખીચડીની જેમ જ રંધાય છે, પણ દક્ષિણ ભારતના મસાલા, સાંભર અને ટોપરાની ચટણીના કારણે પોંગલ દક્ષિણ ભારતની યુનિક ડિશ બની જાય છે. મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકનો ૭૨૦ કિલોમીટર લાંબો પટ્ટો કોંકણ તરીકે ઓળખાય છે. આ આખા પટ્ટામાં પણ પોંગલની બોલબાલા છે. મહારાષ્ટ્રમાં વાલનું પુષ્કળ ઉત્પાદન થાય છે. આ કારણસર અહીં ચોખા, મગફળી, કાજુ, ટોપરું અને ટામેટાનો ઉપયોગ કરીને અત્યંત સ્વાદિષ્ટ અને પૌષ્ટિક 'વાલચી ખીચડી' પણ જાણીતી છે. પારસીઓ સદીઓ પહેલાં ગુજરાત  અને પછી મહારાષ્ટ્રમાં આવીને વસ્યા હતા. દરિયો તેમના જીવનનું અભિન્ન અંગ હતું એટલે તેઓ સદીઓથી ઝીંગા, માછલી કે ઇંડાના જુદા જુદા પ્રકારના સૂપ સાથે મસૂર કે તુવેરની દાળની સૂકી ખીચડી ખાય છે. દેશભરમાં પારસીઓની ખીચડી સૌથી અલગ પડે છે, જે તેમની જીભના આગવા સ્વાદને આભારી છે.

પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં પણ ખીચડી ખવાય છે, જેને બંગાળીમાં 'ખીચુરી' કહેવાય છે. બંગાળીઓ બડા સ્વાદથી ખીચડીનું જમણ કરતા હોય છે. બંગાળીઓ લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી બનાવેલી કરી, ડિપ ફ્રાય કરેલા શાકભાજીના ભજિયા અથવા હિલ્સા (બહુ જાણીતી ફિશ) સાથે ખીચુરીની મજા માણતા હોય છે. એની સાથે પાપડ અને અથાણું તો ખરું જ. બંગાળીઓ દુર્ગા પૂજા વખતે દેવીને માંસ કે માછલીના ટુકડા નાંખીને બનાવેલી ઘીથી લથબથ ખીચુરીનો ભોગ ધરાવે છે.

હવે ઘરમાં ખીચડી રંધાય ત્યારે એવું ના કહેતા કે, ખીચડી તો બિમાર, માંદલા અને ગરીબોનું ભોજન છે કારણ કે, 'ગોડ્સ ઓન ફૂડ'નું અપમાન કરવા બરાબર છે. 

***

મહાન ટ્રાવેલર ઇબ્ન બતુતાના ટ્રાવેલોગમાં પણ ખીચડીની નોંધ

આજકાલ તો અનેક વિદેશી ફૂડી ટ્રાવેલરો ભારત આવીને ખીચડીની નોંધ લેતા હોય છે પણ ૧૪મી સદીમાં મોરોક્કોથી આવેલા ઇબ્ન બતુતાએ પણ ખીચડીનો ઉલ્લેખ કર્યો છે, એ જરા રસપ્રદ છે. બતુતાએ લખ્યું છે કે, '... અહીં મગને ચોખા સાથે ઉકાળીને, ઘીમાં નાંખીને ખવાય છે. તેને અહીંના લોકો કિશરી કહે છે. તેઓ રોજ કિશરીનું વાળું કરે છે...' એ પછી મોગલ કાળના પ્રસિદ્ધ પુસ્તક 'આઇન એ અકબરી'માં પણ અબુ ફઝલે   દિલ્હી સલ્તનતના રસોડામાં બનતી જાતભાતની ખીચડીના ઉલ્લેખ કર્યા છે. આ પુસ્તકમાં અકબરને ખીચડીની બનાવટની કેટલી બારીક જાણકારી હતી એ પણ જાણવા મળે છે. મસાલેદાર ખીચડી જહાંગીરની પણ પસંદીદા ડિશ હતી. આજે પણ હૈદરાબાદમાં અનેક પ્રકારની નોન-વેજ ખીચડી ખવાય છે, જેના પર મોગલ કાળની ખીચડીનો પ્રભાવ છે. હૈદરાબાદના નિઝામો થકી જ ખીચડી દક્ષિણ ભારતમાં પહોંચી હતી. મૈસૂરના રાજપરિવારોના મહેલોમાં પણ નિયમિત રીતે ખીચડી બનાવાતી હોવાના પુરાવા છે.

બ્રિટીશરો ભારત આવ્યા એ પછી ખીચડીની માસિયાઇ બહેન જેવી 'કેજેરી' નામની વાનગી અસ્તિત્વમાં આવી, જે આજેય બ્રિટનમાં ખવાય છે. આ કેજેરી લોકપ્રિય થવાથી કિશરી, કિચેરી, કિચારી, કિચીરી અને કિચુરી જેવા અડધો ડઝન શબ્દો અસ્તિત્વમાં આવ્યા. એટલું જ નહીં, ભૌગોલિક પ્રદેશો પ્રમાણે ઇંડા, માંસ અને જુદી જુદી માછલીમાંથી બનતી જાતભાતની ખીચડી પણ અસ્તિત્વમાં આવી. આજેય ઇજિપ્તની સૌથી લોકપ્રિય વાનગી 'કુશારી' છે, જે બિલકુલ આપણી ખીચડી જેવી છે. ટૂંકમાં, ભાષા, શબ્દોની જેમ વાનગીઓની પણ આવી રીતે ઉત્ક્રાંતિ થતી હોય છે.

21 March, 2017

ભારતમાં સંસ્મરણો આધારિત પુસ્તકોનો દુકાળ કેમ?


ભારતમાં ઉત્તમ કક્ષાના મેમોઇર્સ કેમ નથી લખાતા? મેમોઇર્સ અર્થાત્ સંસ્મરણો. મેમોઇર્સ શબ્દ ફ્રેંચ ભાષાના મેમોરિયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે. મેમોરિયા એટલે મેમરી. મેમરી એટલે યાદો કે યાદગીરીઓ. મેમોઇર્સમાં ઘટના પાછળની અજાણી ઘટનાની વાત હોય છે, જ્યારે ઓટોબાયોગ્રાફી એટલે કે આત્મકથામાં સમગ્ર જીવનનું કથન હોય છે. સંસ્મરણો અને આત્મકથા, બે જુદા પ્રકારના 'સંભારણા' છે. આત્મકથા કંટાળાજનક હોઇ શકે છે, પરંતુ સંસ્મરણોની પ્રાથમિક શરત છે કે તે રસપ્રદ હોવા જોઈએ. મેમોઇર્સ ખરેખર એવા જ લોકોએ લખવા જોઈએ, જે ‘રસપ્રદ’ અને ‘અંદરની’ માહિતી ધરાવતા હોય. એટલે જ સંસ્મરણો આત્મકથા કરતા હંમેશા વધારે લોકપ્રિય રહ્યા છે. રાજકારણીઓ, ઉચ્ચ સરકારી હોદ્દેદારો, લશ્કરી અધિકારીઓ, ઉદ્યોગપતિઓ કે ફિલ્મ સ્ટાર્સ સંસ્મરણો લખે ત્યારે આગામી પેઢીને 'શું કરવું અને શું ના કરવું' એનો બોધપાઠ મળે છે.

જોકે, ઉત્તમ કક્ષાના સંસ્મરણો વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતમાં નહીં પણ અમેરિકા, યુરોપિયન દેશો અને એશિયામાં જાપાનમાં લખાયા છે. અમેરિકામાં સેનેટર અને એટર્ની જનરલના હોદ્દે રહી ચૂકેલા રોબર્ટ કેનેડીએ લખેલું 'થર્ટીન ડેઝ: એ મેમોઇર ઓફ ધ ક્યુબન મિસાઇલ ક્રાઇસીસ' નામનું પુસ્તક કૉલ્ડ વૉરની વિગતો આપતું અત્યંત રસપ્રદ મેમોઇર્સ છે. આ પુસ્તકમાં રોબર્ટ કેનેડીએ ૧૬થી ૨૮મી ઓક્ટોબર, ૧૯૬૨ના કુલ ૧૩ દિવસ ચાલેલા ક્યુબન મિસાઇલ ક્રાઇસીસની દિલધડક વિગતો આપી છે. એ ૧૩ દિવસ અમેરિકા અને રશિયા ક્યુબાની ધરતી પરથી પરમાણુ યુદ્ધ ખેલવા સામસામે આવી ગયા હતા. સદ્નસીબે, આ પરમાણુ યુદ્ધ ટળી ગયું હતું. ક્યુબન મિસાઇલ ક્રાઇસિસ તરીકે જાણીતી આ ઘટના બની ત્યારે રોબર્ટ કેનેડી અમેરિકાના ૬૪મા એટર્ની જનરલ હતા, અને તેમના ભાઇ જ્હોન કેનેડી અમેરિકાના ૩૫મા પ્રમુખ. આ પુસ્તકમાં રોબર્ટ કેનેડીએ ક્યુબન મિસાઇલ ક્રાઇસીસના ૧૩ દિવસ વ્હાઇટ હાઉસમાં શું થયું? તેમજ જ્હોન કેનેડીએ કોની કોની સાથે ચર્ચાવિચારણા કરી અને તેઓ શું વિચારતા હતા?- એ અંગે રજેરજની વિગતો આપી છે.

ભારતની મહત્ત્વની રાજકીય અને લશ્કરી ઘટનાઓની ઠોસ માહિતી આપતા સંસ્મરણો આધારિત પુસ્તકો છે? જવાબ છે, ના. ભારતમાં સામાજિક આગેવાનો અને અનેક વરિષ્ઠ પત્રકારો માટે મેમોઇર્સ લખવાનો ઘણો અવકાશ છે, પરંતુ હજુ સુધી આપણને ઉત્તમ મેમોઇર્સ મળ્યા નથી. જેમ કે, પાકિસ્તાન કે ચીન સાથે અનેક તણાવભર્યા પ્રસંગોએ ભારતે કયા સંજોગોમાં, કેવી રીતે નિર્ણયો લીધા એ વિશેનું 'ઇનસાઇડર વર્ઝન' આપણને જાણવા મળતું નથી. એ નિર્ણયો લેવામાં કોની, કેવી ભૂમિકા હતી એ પણ આપણે નથી જાણતા. હા, ભારતમાં લશ્કરી અધિકારીઓએ ૧૯૬૨, ૧૯૬૫, ૧૯૭૧ના યુદ્ધ તેમજ સિઆચેન અને કારગીલમાં કરાયેલી લશ્કરી કાર્યવાહીના પુસ્તકો લખ્યા છે, પરંતુ એ પુસ્તકો પણ 'અમારો વાંક નહોતો' એવું કહેવા લખાયા હોય એવા વધારે છે.કારગીલ યુદ્ધનું સૌથી ઉત્તમ પુસ્તક 'એરપાવર એટ ૧૮૦૦૦: ધ ઈન્ડિયન એરફોર્સ ઇન ધ કારગીલ વૉર' છે, પરંતુ એ ભારતીયએ નહીં બેન્જામિન લેમ્બેથ નામના વિદેશી લેખકે લખ્યું છે. આપણી પાસે જમ્મુ-કાશ્મીર, શ્રીલંકા, નાગાલેન્ડ અને મિઝોરમમાં કરાયેલી ઐતિહાસિક લશ્કરી કાર્યવાહીના પ્રમાણભૂત મેમોઇર્સ નથી. એવી જ રીતે, મુંબઇ હુમલા જેવી અત્યંત મહત્ત્વની ઘટના પર પ્રકાશ પાડતું 'ધ સીજ: ૬૮ અવર્સ ઇનસાઇડ ધ તાજ હોટેલ' નામનું પુસ્તક પણ એડ્રિયન લેવી અને કેથરિન સ્કોટ ક્લાર્ક નામના બ્રિટીશ પત્રકાર દંપતિની દેન છે. 

અહીં હાર્ડકોર હિસ્ટરી મતલબ નોન-ફિક્શનની વાત થઇ રહી છે. આત્મકથા કે સંસ્મરણો સત્ય ઘટના છે. એમાં કલ્પનાનું તત્ત્વ કેવી રીતે હોઇ શકે! આપણા પૌરાણિક ગ્રંથોમાં ઐતિહાસિક હકીકતો સાથે કલ્પનાઓનું પ્રચુર માત્રામાં મિશ્રણ છે. ઇતિહાસની ગંભીરતા ના સમજનારો સમાજ કલ્પનાઓને 'ઇતિહાસ' એટલે કે 'સત્ય ઘટના' માનતો જાય એમાં નવાઇ ના લાગવી જોઇએ. આ રીતે લોકપ્રિય થયેલો ઇતિહાસ માન્યતા બની જાય છે અને માન્યતાઓને લોકમાનસમાંથી ભૂંસવી ખૂબ અઘરું કામ છે.
ઇતિહાસની સાબિતીઓ ના મળે ત્યારે થિયરીઓનો પ્રવેશ થાય છે, પરંતુ થિયરી ખુદ એક તૂત છે. હજુ થોડા દિવસ પહેલાં જ રાજસ્થાન યુનિવર્સિટીએ પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે, હલ્દીઘાટીના યુદ્ધમાં રાણા પ્રતાપ અકબર સામે હાર્યા હતા એવું પાઠ્યપુસ્તકોમાં નહીં દર્શાવવું જોઈએ! જોકે, ભારે વિવાદ થતાં રાજસ્થાન યુનિવર્સિટીએ બેકફૂટ પર આવવું પડ્યું અને ઇતિહાસની બલિ ચઢતા રહી ગઈ! આ તો ભારતીયોની ઇતિહાસ પ્રત્યેની બેદરકારીનું નાનું અને તાજું ઉદાહરણ માત્ર છે.

જાણીતા બ્રિટીશ લેખક ફ્રેન્ક હેરિસે (૧૮૫૫-૧૯૩૧) એક વાર મજાકમાં કહ્યું હતું કે, ''સંસ્મરણો ફિક્શનનો બહુ જાણીતો પ્રકાર છે.'' આવું નિવેદન કર્યા પછી હેરિસે 'માય લાઇફ એન્ડ લવ્સ' નામે સંસ્મરણો લખ્યા હતા, જેના પર દુનિયાના અનેક દેશોએ પ્રતિબંધ ફરમાવી દીધો હતો. આ પુસ્તકમાં હેરિસે પોતાના અનેક સેક્સ્યુઅલ એન્કાઉન્ટરો વિશે દિલ ખોલીને લખ્યું હતું. જાત સાથે પ્રામાણિક રહીને લખાયેલા પુસ્તકો લાંબા ગાળે ક્લાસિક બની જાય છે, પરંતુ ઇતિહાસની એરણે શંકાસ્પદ ઠરેલી આત્મકથાઓ કે સંસ્મરણોનું મૂલ્ય આપોઆપ ભૂંસાઇ જાય છે.તાજેતરના ભારતના રાજકીય ઇતિહાસમાં પાંચેક મેમોઇર્સ લખાયા છે, જે માત્ર થોડો ઘણો સમય રાજકીય ગરમાવો સર્જવામાં સફળ રહ્યા હતા. આજીવન કોંગ્રેસી રહેનારા નટવરસિંહે 'વન લાઇફ ઇઝ નોટ ઇનફ' નામે મેમોઇર્સ લખ્યા છે. આ પુસ્તકમાં તેમણે દાવો કર્યો છે કે, સોનિયા ગાંધીને ૨૦૦૪માં વડાંપ્રધાન બનવું હતું, પરંતુ રાહુલ ગાંધીએ તેમને રોક્યા હતા. એ પછી સોનિયાએ કહ્યું હતું કે, નટવરસિંહને જૂઠા સાબિત કરવા હું પણ એક પુસ્તક લખીશ! એક રાજકારણી, લશ્કરી અધિકારી, ઉદ્યોગપતિ કે ફિલ્મ સ્ટારે પોતાના જીવનમાં બનેલી મહત્ત્વની ઘટના વખતે, કયો નિર્ણય-કયા સંજોગોમાં લીધો હતો, એ વિશે તટસ્થ મૂલવણી કરીને લખવું ઊંડી સમજ માગી લે છે.

સંજય બરુનું 'મનમોહન સિંહ: ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' અને પી. સી. પરખનું 'ક્રૂસેડર ઓર કોન્સ્પિરેટર: કોલગેટ એન્ડ અધર ટ્રૂથ્સ' નામના મેમોઇર્સે પણ ઘણી ચર્ચા જગાવી હતી. આ બંને લેખકોના પુસ્તકોમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના વટાણા વેરી દેતી વિગતો રજૂ કરાઈ છે, પરંતુ તેની વિશ્વસનિયતા સામે પણ અનેક સવાલો ઉઠી ચૂક્યા છે. લાલકૃષ્ણ અડવાણીએ 'માય કન્ટ્રી, માય લાઇફ' નામે મેમોઇર્સ લખ્યા છે, જેમાં તેઓ પોતાને લોહપુરુષ સાબિત કરવા મથામણ કરતા હોય એવું લાગ્યા કરે છે.

વર્ષ ૧૯૪૬થી નહેરુ સાથે કામ કરનારા એ.ઓ. મથાઇએ 'રેમિનિસન્સ ઓફ ધ નહેરુ એજ' અને 'માય ડેઝ વિથ નહેરુ' નામે બે મેમોઇર્સ આપ્યા છે. આ બંને પુસ્તકો ભારતમાં પ્રતિબંધિત છે કારણ કે, તેમાં નહેરુ અને અન્ય રાજકારણીઓનું ‘અંગત જીવન’ પણ ઉજાગર કરાયું છે. પુસ્તકો વાંચ્યા વિના પ્રતિબંધો મૂકવાના બદલે તેની જાહેર ચર્ચા થવી જોઈએ. ફક્ત બીજાની માનહાનિ કરવાના ઇરાદે લખાયેલા પુસ્તકો આપોઆપ ભૂલાઇ જ જતા હોય છે. જોકે, આપણે કોઇ સંત તો ઠીક, નેતાઓ અને ફિલ્મ સ્ટારને પણ ભગવાન બનાવી દઈએ છીએ. એ લોકો પણ આપણા જેવા માણસ જ છે અને ભૂલ કરી શકે છે એવી સીધીસાદી વાત પણ આપણે સ્વીકારી શકતા નથી.ગાંધી, નહેરુ કે આંબેડકર જેવા ધરખમ નેતાઓની વાત કરતી વખતે પણ આપણે જજમેન્ટલ બની જઈએ છીએ અને વાંક તોળવા બેસી જઇએ છીએ કારણ કે, એનાલિટિકલ થિંકિંગની આપણને  ટેવ જ નથી. ગમે તેવી ગંભીર અને જટિલ બાબતોનું પણ ઓવર સિમ્પિલિફિકેશન ના કરીએ ત્યાં સુધી આપણને ચેન નથી પડતું. આપણે સત્ય પણ સ્વીકારી શકતા નથી. થોડી જુદી વાત કરનારા સામે અસહિષ્ણુ થતા આપણને વાર નથી લાગતી. એક સરેરાશ ભારતીય ચર્ચા કરતી વખતે શાંતિથી સાંભળતો નથી, પણ ‘સામેવાળો ચૂપ થાય એટલે ઝડપથી મારો અભિપ્રાય આપું’ એની ફક્ત રાહ જોતો હોય છે!

આ પ્રકારના સમાજનું પ્રતિબિંબ ભારતના રાજકારણમાં પણ ઝીલાય છે. આપણા મોટા ભાગના રાજકારણીઓ અને ઉચ્ચ હોદ્દેદારોની તમામ શક્તિ એકબીજા સામે તમાશબીન રાજકારણ ખેલવામાં અને કૌભાંડોમાંથી હેમખેમ બહાર નીકળવામાં જ ખર્ચાઇ જાય છે. વળી, આઝાદ ભારતના રાજકારણમાં શરૂઆતથી જ ઉપરથી છેક નીચે સુધી ભ્રષ્ટાચાર, બદલાખોરી, ગુનાખોરી અને ટાંટિયાખેંચની બોલબાલા છે. ભારતની એકેય ભાષામાં ઉત્તમ મેમોઇર્સ નથી મળ્યા એની પાછળના સૌથી મહત્ત્વના કારણો કદાચ આ છે.

આજના પશ્ચિમી સમાજમાં ઇતિહાસને ફક્ત ઇતિહાસની રીતે જોવાય છે. અમેરિકા, યુરોપ અને જાપાન એક સમાજ-જૂથ તરીકે પોતાની ભૂલો જાહેરમાં સ્વીકારતા ખચકાતા નથી. વિકસિત દેશોમાં કોઇ પણ વ્યક્તિની બોલીને કે લખીને ટીકા થઇ શકે છે. એવું કરવાથી કોઇ અસહિષ્ણુ કે દેશદ્રોહી નથી થઇ જતું. ટૂંકમાં, હોબાળો તો નથી જ મચી જતો. મેરિલ સ્ટ્રીપ જેવી દિગ્ગજ હોલિવૂડ સ્ટાર ઓસ્કાર સમારંભમાં ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ બોલી શકે છે, પરંતુ ભારતમાં ગમે તેવી લોકપ્રિય સેલિબ્રિટી ફક્ત કોઈ મુદ્દો ઉઠાવે તો પણ રાતોરાત વિલન બની જાય છે! આમિરખાનથી લઈને શાહરૂખ ખાન સુધીના અનેક ઉદાહરણો તાજા જ છે. મુદ્દો ઉઠાવવાની વાત તો ઠીક, જો કોઇ ફિલ્મસ્ટાર થોડો જુદો અભિપ્રાય આપે તો પણ આપણે તેને કઠેડામાં ઊભો કરીને, માફી મંગાવીને વિકૃત આનંદ લેતા ખચકાતા નથી. ભારતમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી ‘સોફ્ટ ટાર્ગેટ’ છે કારણ કે, કોસ્મોપોલિટન, સેક્યુલર, મોડર્ન, ઓપન, બિન્દાસ અને ખુશમિજાજ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે.  

ભારતને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી અનેક રસપ્રદ મેમોઇર્સ મળ્યા છે. પરંતુ જાહેર જીવનના ક્ષેત્રમાંથી સમયાંતરે ઉત્તમ મેમોઇર્સ મળતા રહે એ આગામી પેઢીને ઇતિહાસ બોધ આપવા ખૂબ જ જરૂરી છે કારણ કે, ઇતિહાસ જ આપણને શીખવે છે કે, શું ન કરવું!

14 March, 2017

આનંદીબાઇ અને મોતીબાઇઃ બ્રિટીશ રાજમાં 'મેડિકલ'ના પ્રયોગો


સૌરમંડળમાં ચંદ્ર પછી બીજા નંબરના સૌથી તેજસ્વી એવા શુક્ર ગ્રહ પર ૫.૫ અંશ ઉત્તર અને ૨૮૮.૮ અંશ પૂર્વ દિશામાં 34.3 કિલોમીટરનો વ્યાસ ધરાવતો મહાકાય ખાડો આવેલો છે. આ ખાડાને આનંદીબાઇ જોશીના નામ પરથી ‘Joshee’ (જોશી) નામ અપાયું છે. અમેરિકાની વિનસ મેગલન ક્રેટર ડેટાબેઝ નામની સંસ્થા વિશ્વની અનેક મહિલા હસ્તીઓને સન્માન આપવાના હેતુથી શુક્રના વિવિધ ખાડાને જે તે મહિલાનું નામ આપે છે. આનંદીબાઇ જોશીએ ૧૩૧ વર્ષ પહેલાં એમ.ડી.ની ડિગ્રી લઇને ભારતના પહેલા મહિલા ડૉક્ટર બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી. મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રે એવી જ સફળતા મેળવનારા બીજા સન્નારી એટલે મોતીબાઇ કાપડિયા. મોતીબાઇએ ૧૨૮ વર્ષ પહેલાં મેડિકલમાં ઉચ્ચ શિક્ષણ મેળવીને ગુજરાતના પહેલાં મહિલા ડૉક્ટર બનવાનું બહુમાન મેળવ્યું હતું. આ બંને મહિલાઓએ અત્યંત રૂઢિચુસ્ત સમાજની ઉપરવટ જઈને મેડિકલની ડિગ્રી મેળવી હતી અને ડૉક્ટર બનવાનું સપનું પૂરું કર્યું હતું. 

પહેલાં આનંદીબાઇની વાત. આનંદીબાઇએ એક સદીથી પણ વધુ પહેલાં અનેક સામાજિક મુશ્કેલીઓનો સામનો કરીને ફક્ત ૨૧ વર્ષની વયે ડૉક્ટર ઇન મેડિસિન, (એમ.ડી.)ની ડિગ્રી મેળવી હતી. ૩૧મી માર્ચ, ૧૮૬૫ના રોજ મહારાષ્ટ્રના મરાઠી બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા આનંદીબાઇનો પરિવાર કલ્યાણમાં સ્થાયી થયો હતો. એક સમયે તેમના પિતા મોટા જમીદાર હતા, પરંતુ આનંદીબાઇના જન્મ પહેલા તેમણે બધી જ સંપત્તિ ગુમાવી દીધી હતી. આ દરમિયાન તેમના પરિવારે નવ વર્ષની વયે જ આનંદીબાઇને ગોપાલરાવ જોશી નામના એક વિધુર સાથે પરણાવી દીધા. એ વખતે મોટી ઉંમરના પુરુષ સાથે નાની છોકરીઓના લગ્ન સામાન્ય બાબત ગણાતી. આનંદીબાઇનું મૂળ નામ યમુના હતું'આનંદીબાઇ' નામ તેમને પતિ તરફથી મળ્યું હતું.

ડૉ. આનંદીબાઇ જોશી

જોકે, ગોપાલરાવ કંઇક અંશે વિરોધાભાસી અને રસપ્રદ વ્યક્તિત્વ ધરાવતા. નવ વર્ષની છોકરી સાથે લગ્ન કર્યા હોવા છતાં તે સુધારાવાદી માનસિકતા ધરાવતો. તેના પર જાણીતા સમાજ સુધારક ગોપાલ હરિ દેશમુખનો જબરદસ્ત પ્રભાવ હતો. દેશમુખ બાળ લગ્નો, દહેજપ્રથા અને બહુપત્નીત્વના જબરદસ્ત વિરોધી હતા. બ્રિટીશ રાજે વર્ષ ૧૮૬૭માં ગોપાલ હરિ દેશમુખની બદલી અમદાવાદના ન્યાયાધીશ તરીકે કરી હતી. રતલામ સ્ટેટના દીવાન તરીકે પણ તેમણે સેવા આપી હતી. બ્રિટીશ રાજે દેશમુખને 'રાવ બહાદુર' અને 'જસ્ટિસ ઓફ પીસ' જેવા સન્માનો આપ્યા હતા. અમદાવાદમાં પ્રાર્થના સમાજની શાખા શરૂ કરનારા પણ દેશમુખ જ હતા. તેઓ સેશન્સ જજ તરીકે નિવૃત્ત થયા હતા. દેશમુખે સમાજ સુધારા માટે વિવિધ મરાઠી પત્રોમાં ૧૦૮ જેટલા ક્રાંતિકારી લેખો લખ્યા હતા.

આ પ્રકારના ગુરુનો પ્રભાવ ધરાવતા ગોપાલરાવ આનંદીબાઇને ઉચ્ચ અભ્યાસ માટે સતત પ્રોત્સાહન આપતા. એક મરાઠી બ્રાહ્મણ પરિવારનું ફરજંદ હોવાના કારણે ગોપાલરાવ સંસ્કૃતના વિદ્વાન હતા અને અંગ્રેજી પણ શીખી રહ્યા હતા. ગોપાલરાવે જોયું કે, આનંદીબાઇને પણ અંગ્રેજી શીખવામાં રસ છે, જેથી તેમણે પત્નીને અંગ્રેજીનો અભ્યાસ કરાવવાનું ચાલુ કર્યું. આ દરમિયાન ફક્ત ૧૪ વર્ષની વયે આનંદીબાઇ માતા બન્યા, પરંતુ સારવારના અભાવે દસેક દિવસમાં જ તેમના બાળકનું મૃત્યુ થયું. આ ઘટનાથી  આનંદીબાઇ ખળભળી ઉઠ્યા અને તેમનામાં આધુનિક ઔષધશાસ્ત્રનો ઉચ્ચ અભ્યાસ કરવાના બીજ રોપાયા. ગોપાલરાવે પણ આનંદીબાઇની ઇચ્છાને માન આપીને એ દિશામાં વિચારવાનું શરૂ કર્યું.

વર્ષ ૧૮૮૦માં ગોપાલરાવે અમેરિકાના જાણીતા મિશનરી રોયલ વિલ્ડર સાથે પત્રવ્યવહાર કરીને આનંદીબાઇ માટે મેડિકલ ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસની સંભાવનાઓ વિશે પૂછપરછ કરી. વિલ્ડરે આનંદીબાઇને મેડિકલ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ માટે તમામ સુવિધા આપવાની તૈયારી બતાવી, પરંતુ એ માટે ખ્રિસ્તી ધર્મ અપનાવી લેવાનો પ્રસ્તાવ મૂક્યો. જોકે, રૂઢિચુસ્ત મરાઠી બ્રાહ્મણ દંપતિએ ધર્મ પરિવર્તનની વાત એક જ ઝાટકે ફગાવી દીધી. એ સમયે મિશનરીઓના પત્રવ્યવહારો ધાર્મિક સામાયિકોમાં નિયમિત રીતે પ્રકાશિત થતા. ગોપાલરાવ અને વિલ્ડરનો પત્રવ્યવહાર પણ 'પ્રિન્સ્ટન્સ મિશનરી રિવ્યૂ'માં પ્રકાશિત થયો, જે ન્યૂ જર્સીમાં રહેતી થિયોડિસિયા કાર્પેન્ટર નામની ઉચ્ચ વર્ગની મહિલાએ વાંચ્યા. ભારતના એક રૂઢિચુસ્ત પરિવારનો પુરુષ પોતાની પત્નીને ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલવા આતુર છે, એ વાતથી જ થિયોડિસિયા પ્રભાવિત થઈ ગયા. થિયોડેસિયાએ જોશી દંપત્તિને અમેરિકામાં રહેવા-જમવાની સુવિધા આપવાની તૈયારી બતાવી.

પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં આનંદીબાઇના બેચમેટ
જાપાનના કેઇ ઓકામી અને સીરિયાના તાબેટ ઇસ્લામબૂલી

જોકે, એ વખતે પતિ સાથે કોલકાતામાં રહેતા આનંદીબાઇની તબિયત ખૂબ જ ખરાબ રહેતી. આનંદીબાઇને સતત માથાનો દુ:ખાવો, શ્વાસમાં તકલીફ અને તાવની ફરિયાદ રહેતી. એ વખતે પણ થિયોડિસિયાએ જ તેમને અમેરિકાથી દવાઓ મોકલીને સાજા થવામાં મદદ કરી હતી. આ દરમિયાન જોશી દંપત્તિએ અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં મેડિકલનો ઉચ્ચ અભ્યાસ કરવા અરજી કરી. અહીં આનંદીબાઇને પ્રવેશ મળી ગયો અને તેમણે કોલકાતાથી દરિયાઇ માર્ગે અમેરિકા જવાની તૈયારી કરી. આ વાત મરાઠી સમાજમાં વાયુવેગે પ્રસરી જતા રૂઢિચુસ્ત મરાઠા આગેવાનોએ જોશી દંપતિનો જોરદાર વિરોધ થયો. આ સ્થિતિ થાળે પાડવા આનંદીબાઇએ ફક્ત ૧૯ વર્ષની ઉંમરે પશ્ચિમ બંગાળની સેરામપોર કોલેજના હૉલમાં એક ભાષણ કરીને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો કે, અત્યારે ભારતને મહિલા તબીબોની ખૂબ જરૂર છે. તેમણે ભારતમાં મહિલા મેડિકલ કૉલેજ ખોલવાના પોતાના લક્ષ્યની પણ વાત કરી.

આ પ્રવચને ધારી અસર કરી અને આખા ભારતમાંથી આનંદીબાઇને આર્થિક મદદ મળી. એ વખતના વાઇસરોયે પણ આનંદીબાઇને પ્રેમથી રૂ. ૨૦૦ની ભેટ મોકલાવી હતી. આખરે જૂન ૧૮૮૩માં આનંદીબાઇ અમેરિકા પહોંચ્યા, જ્યાં થિયોડિસિયાએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું. એવું કહેવાય છે કે, અમેરિકાની ધરતી પર પગ મૂકનારી પહેલી મહિલા પણ આનંદીબાઇ જ હતા. અમેરિકામાં હવામાન અને ડાયટ ધરમૂળથી બદલાઇ જવાથી આનંદીબાઇને શરૂઆતમાં ઘણી શારીરિક તકલીફો પડી. તેઓ ટી.બી.નો પણ ભોગ બન્યા. આ બધી જ મુશ્કેલીઓમાંથી નીકળીને ૧૧મી માર્ચ, ૧૮૮૬ના રોજ તેમને એમ.ડી.ની ડિગ્રી હાંસલ કરી. આનંદીબાઇએ 'ઓબ્સ્ટેટ્રિક્સ અમોન્ગ આર્યન હિંદુઝ' વિષયમાં થિસીસ રજૂ કર્યો હતો. આનંદીબાઇએ મેડિકલની ડિગ્રી મેળવી ત્યારે રાણી વિક્ટોરિયાએ પણ તેમને શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો.

વર્ષ ૧૮૮૬માં આનંદીબાઇ ડૉક્ટર બનીને પરત ફર્યા ત્યારે ભારતમાં તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું હતું. કોલ્હાપુર સ્ટેટના રાજાએ આનંદીબાઇની નિમણૂક આલ્બર્ટ એડવર્ડ હોસ્પિટલના મહિલા વૉર્ડના ફિઝિશિયન ઇનચાર્જ તરીકે કરી. આ હોસ્પિટલ આજે છત્રપતિ શાહુ મહારાજ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અને છત્રપતિ પ્રમિલાતાઇ રાજે હોસ્પિટલ તરીકે ઓળખાય છે. જોકે, આનંદીબાઇનું ફક્ત ૨૧ વર્ષની વયે ૨૬મી ફેબ્રુઆરી, ૧૮૮૭ના રોજ મૃત્યુ થયું અને મરાઠા સમાજ શોકાતુર થઇ ગયો. આનંદીબાઇના પરિવારે તેમની રાખ અમેરિકા મોકલી હતી, જે આજેય થિયોડિસિયા કાર્પેન્ટર પરિવારના સ્મશાનમાં તૈયાર કરાયેલી આનંદીબાઇની સમાધિમાં સચવાયેલી છે.

કાર્પેન્ટર પરિવારના કબ્રસ્તાનમાં આનંદીબાઇની સમાધિ

વર્ષ ૧૮૮૮માં કેરોલિન હેલી ડૉલ નામના નારીવાદી લેખિકાએ આનંદીબાઇનું જીવનચરિત્ર પ્રકાશિત કર્યું ત્યારે તેમના જીવનની અનેક અજાણી હકીકતો બહાર આવી. એ પછી દૂરદર્શને પણ 'આનંદી ગોપાલ' નામે એક હિન્દી સિરિયલનું પ્રસારણ કર્યું હતું. શ્રીક્રિશ્ના જોશીએ આનંદીબાઇના જીવનમાં કલ્પનાના રંગો ઉમેરીને એક 'આનંદી ગોપાલ' નામે એક મરાઠી નવલખા લખી છે, જેનો આશા દામલેએ અંગ્રેજી અનુવાદ કર્યો છે. આ નવલકથા પરથી નાટક પણ ભજવાઇ ચૂક્યું છે. મરાઠી લેખિકા અંજલિ કિર્તનેએ આનંદીબાઇના જીવન પર ઊંડું સંશોધન કરીને 'ડૉ. આનંદીબાઇ જોશી: કાલ આની કતૃત્વ' નામનું મરાઠી પુસ્તક પણ લખ્યું છે.

વા જ બીજા સન્નારી એટલે મોતીબાઇ કાપડિયા. મોતીબાઇએ પણ રૂઢિચુસ્તતા જેવી મુશ્કેલીઓમાંથી હેમખેમ પસાર થઇને ગુજરાતના પહેલા મહિલા ડૉક્ટર બનવાનું બહુમાન મેળવ્યું છે. પારસી પરિવારમાં જન્મેલા મોતીબાઇનો જન્મ ૧૮૬૭માં બોમ્બેના પ્રગતિશીલ પારસી પરિવારમાં થયો હતો. મોતીબાઇને પણ આનંદીબાઇની જેમ પરિવારજનોની સંપૂર્ણ મદદ મળી હતી. આ પારસી પરિવારે મોતીબાઇને મુંબઇની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરાવવા પ્રવેશ અપાવ્યો ત્યારે તત્કાલીન શ્રેષ્ઠીઓના ભવાં તંગ થઇ ગયા હતા. જોકે, ૧૮૮૯માં મોતીબાઇએ મેડિકલમાં સ્નાતકની ડિગ્રી લીધી. બાદમાં તેમનો પરિવાર ગુજરાતના અમદાવાદમાં સ્થાયી થયો. એ વખતે અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ રણછોડલાલ છોટાલાલે કાળુપુરમાં વિક્ટોરિયા જ્યુબિલી હોસ્પિટલ બંધાવી હતી. મોતીબાઇનો આત્મવિશ્વાસ જોઇને તેમણે આ હોસ્પિટલનો બધો જ કારભાર મોતીબાઇને સોંપી દીધો. અહીં મોતીબાઇએ સળંગ ચાળીસ વર્ષ સુધી આરોગ્ય ક્ષેત્રે આક્રમક રીતે કામ કર્યું. મોતીબાઇ ગુજરાતના પહેલા મહિલા તબીબ જ નહીં, પણ એક ક્રાંતિકારી સમાજ સુધારક પણ હતા.


અમદાવાદમાં મોતીબાઇ કાપડિયા હૉલનું ભૂમિપૂજન કરતી વખતે અન્ય મહિલા આગેવાનો સાથે  (ડાબેથી બીજા)
મોતીબાઇ અને (ઇનસેટ તસવીર) અમદાવાદ, કાલુપુરની વિક્ટોરિયા હોસ્પિટલમાં તેમનું પૂતળું 

વર્ષ ૧૮૯૪માં વિક્ટોરિયા હોસ્પિટલમાં એક દલિત મહિલા સારવાર કરાવવા આવી. મોતીબાઇ તુરંત જ તેની સારવારની તૈયારી કરવા લાગ્યા, પરંતુ હોસ્પિટલ સત્તાવાળા અને સમગ્ર સ્ટાફ તેમની વિરુદ્ધ થઈ ગયો. આ બધાએ ભેગા થઇને મોતીબાઇને ગાળો પણ ભાંડી અને શ્રાપ પણ આપ્યા. મોતીબાઇની સમજાવટ પછીયે આ લોકો ટસના મસ ના થયા તો તેમણે બધાની ઉપરવટ જઇને પણ એ દલિત મહિલાની સારવાર કરી. આજથી એક સદીથી પણ વધુ સમય પહેલાં એ એક ક્રાંતિકારી પગલું હતું. આ ઘટના પછી કેટલીક મહિલાઓ વિક્ટોરિયા હોસ્પિટલની નોકરી છોડીને જતી રહી, પરંતુ એ વખતે બીજી કોઈ મહિલા હોસ્પિટલ નહીં હોવાથી તેઓ ફરી મોતીબાઇ સાથે જોડાઇ ગઇ. એ જમાનામાં મોતીબાઇએ સમાજ સુધારાના આશયથી ગુજરાત લેડીઝ ક્લબની પણ સ્થાપના કરી હતી, જેથી મહિલાઓ ત્યાં ભેગી થઇને વૈચારિક આદાનપ્રદાન કરી શકે. મોતીબાઇના સામાજિક પ્રદાનની નોંધ લઇ બ્રિટીશ રાજે તેમને 'કૈસર એ હિંદ'થી નવાજ્યા હતા. મોતીબાઇએ લોકોના આરોગ્યની ચિંતા કરતા કરતા વર્ષ ૧૯૩૦માં આ દુનિયાને અલવિદા કહી.

આજની યુવતીઓ તો આર્મી, એન્જિનિયરિંગ, સાયન્સ, ટેક્નોલોજી, ફાઇનાન્સ અને સ્પેસ જેવા ક્ષેત્રે પણ કારકિર્દી બનાવી રહી છે, જે થોડા વર્ષો પહેલાં ફક્ત પુરુષોનો ઇજારો ગણાતો. એક સમયે ભારતમાં અનેક પ્રતિભાશાળી સ્ત્રીઓ ફક્ત જાતિગત ભેદભાવના કારણે ઈચ્છે એ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકતી. દાયકાઓ પહેલાં આવી મુશ્કેલીઓ સામે લડીને મહિલાઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રેરણા આપનારી તેમજ દેશના વૈચારિક નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપનારી આ બંને મહિલાઓને ઇતિહાસ હંમેશા યાદ રાખશે.

નોંધઃ તસવીરો વિકિમીડિયા કોમન્સમાંથી લીધી છે.